Get The App

ભારતીય જ્ઞાન પરંપરા અને...

Updated: Mar 19th, 2024

GS TEAM

Google News
Google News
ભારતીય જ્ઞાન પરંપરા અને... 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- સત્ય સામેથી સમાજ પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

એ મ તો વાત હજારો વર્ષ જૂની છે, અને બીજી બાજુ વિચારીએ તો એ વાત આજેય એટલી જ પ્રસ્તુત છે. આત્મા તો એજ છે, સત્ય તો એજ છે, અધ્યાત્મ તો એજ છે, મૂલ્યો પણ એજ છે, નૈતિક ખ્યાલો પણ એજ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એજ છે, જ્ઞાનની પવિત્રતા પણ એજ છે, જ્ઞાનની મહત્તા પણ એજ છે, માનવ અને તેની માણસાઈના ઉમદા ખ્યાલો પણ પરિવર્તન નથી ઈચ્છતા - કહો કે આ સઘળું મૂળભૂત રૂપે આપણામાં સ્થિર રહેવું જોઈએ, તેનું ઊંડથી મહિમાગાન થવું જોઈએ. પણ એવું બને છે ખરું ? બસ, આ પ્રશ્ન જ મહત્વનો છે. માણસ સમયે સમયે આ બુનિયાદી બાબતો સાથે બાંધછોડ કરતો રહ્યો છે. ક્યારેક ક્યારેક તે આવી બાબતોને નગણ્ય ગણીને સ્વાર્થજનિત થઈ એવાં મૂલ્યોથી તે અળગો પણ રહ્યો છે. આવું બને છે ત્યારે પરિવાર, સમાજ, પ્રાન્ત, રાષ્ટ્ર અને વિશ્વ પણ એટલું નીચે ઊતરે જ ઊતરે. આવી નીચે ઉતરવાની પ્રક્રિયા હવે વેગવારી રહી છે. એક પગથિયું નીચે ઊતર્યા પછી બીજા પગથિયાં ઉતરવામાં વધુ સમય જતો નથી. માણસની જાણ બહાર જ પછી માણસ, તેનો સમાજ, સઘળું બદલાતું જાય છે, કહો કે ખોખલું થતું જાય છે, મહિમા વિહોણું થતું જાય છે. તે આગળને આગળ જોતો જાય છે, વર્તણૂંકમાં નવાં ગણિતો ગણતો જાય છે પણ આગળ જવાની લ્હાયમાંને લ્હાયમાં તેની પેલી મૂલ્ય પરંપરાઓ, જ્ઞાન પરંપરાઓથી તે ફંટાઈ જાય છે, અને છેવટે સ્થિતિ એવી આવે કે તે ફંગોળાઈ પણ રહે છે. આવી ફંગોળાવાની સ્થિતિ આવે તે પહેલાં માણસે જાગી જવું જોઈએ, ફરીથી જેનું તે યશોગાન કરી રહ્યો છે તે સબળ જ્ઞાન પરંપરાઓને પુનર્જીવિત કરવા, તેને ચુસ્તપણે અનુસરવા કૃતનિશ્ચયી બનવું પડે, એ માર્ગે ગતિ કરવા સંકલ્પબદ્ધ બનવું પડે. કારણ કે ત્યાં કેવળ આપણી એટલે મનુષ્યની અને તેના સારાપણાની વાત છે...

એ છે યાદ કરવા જેવી ભારતીય જ્ઞાનપરંપરા ભારતીય જીવનદ્રષ્ટિ. એવી જ્ઞાન પરંપરા આત્મા પર આધારિત છે, સત્ય પર નિર્ધારિત છે, સંવેદના પર એ અટકે છે. આ બધું તળથી પામવા માટે વિચાર પુરુષોએ પુન: વેદો તરફ વળવું પડશે, ઉપનિષદોના સાચા અર્થ ઉકેલવા પડશે, પુરાણોમાં રહેલા જ્ઞાનભંડારને ખોલવો પડશે, સમયે સમયે માર્ગદર્શન આપતી ભગવદગીતા પાસે પહોંચવું પડશે, આપણી જાતકકથાઓ, પંચતંત્ર, હિતોપદેશ કે એવી બીજી કથા-વાર્તાઓને મહિમાવંત કરવી પડશે. સૃષ્ટિનું આશ્ચર્ય લેખવું પડે તેવું રામાયણ-મહાભારત પણ એના ગર્ભમાં ઊતરીને તેણે દાખવેલ ક્રિયા-કલાપોને સૌ માટે, સહજરૂપે પ્રત્યક્ષ કરી આપવા પડશે. ઋષિઓના મર્માળા શબ્દોના ભેદ-ભરમની ઢંકાયેલી અર્થલીલાઓને પ્રસ્તુત સમયમાં છતી કરી આપવી પડશે. ત્યાં જે કંઈ પગલીઓ પડી છે એવી પગલીઓ ભાગ્યે જ વિશ્વમાં અન્યત્ર મળવાની. ત્યાં જે આત્મા-પરમાત્મા, પ્રકૃતિ-વિકૃતિ. સૌંદર્ય-કદર્પ અને વિધિ-નિષેધ વગેરેના દ્વન્દ્વો રહ્યા છે, તેની જે ચાલના રહી છે. તે સર્વને આપણે સમજવી પડશે. વિવેકાનંદના શબ્દોમાં એવા 'સત્ય' પાસે સમાજે સામે ચાલીને જવું પડશે. સત્ય સામેથી સમાજ પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

યાદ રહે કે એ પરંપરામાં ટોટલ લાઈફ છે - સમગ્ર જીવનનો સ્વીકાર છે, સમગ્ર જીવનની મહત્તા તેમાં સમાઈ છે. પણ તેને પામવા માટે આપણાં લોચનિયાં તો ઉઘડવાં જોઈએ ને ? આપણી પંચેન્દ્રિયોને તો ફરી સક્રિય કરવી પડે ને ? 'વેદ'નો અર્થ 'જ્ઞાન' થાય છે. પશુત્વમાંથી ઉગારી લે તેવું ઔષધ પૃથ્વી પર કેવળ જ્ઞાન છે. માણસ તેના થકી જ સભ્ય કે સંસ્કારી બને છે. વેદવિદ્યા-રૂપાન્તરે ઉત્તમ જીવન જીવવા માટેની વિદ્યા છે. જે ત્યાં સુધી પહોંચતો નથી, તે નિ:શંક આચારભ્રષ્ટ થઈ રહે છે. મનુ તો તેને 'શુદ્ર' કહેવા સુધી પહોંચે છે. 'શૂદ્ર' એટલે નર્યો તુચ્છ, સંસ્કારવિહોણો માણસ. 'વેદ'નો બીજો મહત્વનો અર્થ 'અસ્તિત્વ' થાય છે. અર્થાત્ આપણું હોવાપણું, આપણું બિઈંગ. વેદનો અર્થ 'પ્રાપ્તિ' કે વિચાર પણ થાય છે. કહો કે વેદ એટલે આપણી આખી ય ઉત્કૃષ્ટ જીવનયાત્રા. આવું જ્ઞાન અમુકતમુક સમયનું નહીં, શાશ્વત હોય, સનાતન હોય. તેની સાથે માણસે પોતાની જાતને જોડવી રહે. આ જ્ઞાન આપણી વિચારશક્તિ ઘડે છે, જીવનમર્મો પાસે મૂકે છે, સાર-અસાર વિવેક શીખવે છે, પોતાની સાથે અન્યને પણ સમજવા પ્રેરે છે. ત્યાં આત્મિકથી માંડી ભૌતિક અને આધિભૌતિક સઘળી બાબતોનો-પ્રબળ સંકેત છે. જીવન શું છે ? કેવું હોવું જોઈએ ? કઈ કક્ષાએ તે પહોંચી શકે ? દેવત્વ સુધી તેની પગલીઓ કેવી પહોંચે - આ કે એવું બધું ત્યાં દર્શાવાયું છે. માત્ર કળા નહીં, વિજ્ઞાન પણ ત્યાં છે, માત્ર સ્વ-અર્થ નહીં, પર-અર્થ પણ છે, માત્ર જ્ઞાનની આ કે તે એવી શાખા નહીં પણ બધા જ પ્રકારના જ્ઞાનની શાખા-પ્રશાખાઓ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. એવું જ્ઞાન અંડથી બ્રહ્માંડ સુધીની રેખાઓને અંકિત કરી આપે છે. ત્યાં એવી કોઈ વિદ્યાશાખા આપણા ઋષિઓએ સંકેલવી બાકી રાખી નથી, જે આજે જોઈએ છીએ અને આવતીકાલે પણ જોનાર છીએ.

આ જ્ઞાન વિશ્વને શાંતિપાઠ આપ્યો છે. જે આકાશમાં, અંતરિક્ષમાં, પૃથ્વીમાં, જળમાં, વૃક્ષમાં, પ્રકૃતિમાં, બ્રહ્મ અને સઘળે માત્રને માત્ર શાંતિ ઈચ્છે છે. આ જ્ઞાને આપણને યુગોથી શીખવ્યું છે કે સૌનું સમાન ધ્યેય હોય સૌનો એક વિચાર હોય, સૌનું એક મન હોય, સૌની પ્રાર્થના કેવળ એકત્વ માટેની હોય, સૌનો વિચાર ભ્રાતૃભાવભર્યો રહ્યો હોય. સૌની કામના સંવાદ-સંવાદિતા માટેની હોય, સૌનો નિર્ધાર પ્રેમ અને ભાઈચારા માટેનો જ હોય. આવું જ્ઞાન કોઈ અંધશ્રદ્ધા પર નિર્ભર નથી, પણ ઋષિઓનાં નિરીક્ષણોનું, અનુભવોનું, પ્રકૃતિ-પૃથ્વી-આકાશ-બ્રહ્મ અને આત્મા સાથેના એકત્વનું એ પરિણામ છે. આવું જ્ઞાન માણસને મુક્તિબોધ શીખવે છે, આવું ગાન માણસને આત્મબોધ કરાવે છે, અને આવું જ્ઞાન વિશ્વબોધ પણ કરાવે છે. ટોલ્સ્ટોય ભારતના એવા જ્ઞાન-ડહાપણને બંદી રહે છે, આઈન્સ્ટાઈનને એવું જ્ઞાન જ વિશ્વને શાંતિ ભણી દોરી જવાની સંભાવનાવાળું લાગ્યું છે. બર્ટ્રાન્ડ રસેલને આવા જ્ઞાનમાં ભરી ભરી મનુષ્યજાતનાં દર્શન થયા છે.

Tags :