Get The App

નર્મદ, તું યાદ આવે છે... .

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
નર્મદ, તું યાદ આવે છે...                              . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કવિ નર્મદે કવિતાના અનેક રંગો પ્રકટ કરી આશ્ચર્ય સર્જ્યું છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદો લખ્યા, તો સ્વાભિમાન, દેશાભિમાન, પ્રકૃતિ, પ્રેમ, અંગત ઊર્મિનાં કાવ્યો પણ લખ્યાં છે

અ રે, હા આ તો ઑગસ્ટ મહિનો. અને ઑગસ્ટ આવે એટલે સાહિત્ય પ્રેમીઓને અને જીવન પ્રેમીઓને પણ નર્મદનું સ્મરણ થવાનું ને થવાનું જ. આ નર્મદ એટલે આપણા કવિવર નર્મદાશંકર લાલશંકર દવે (૨૪ ઑગસ્ટ-૧૮૩૩-૨૬ ફેબુ્રઆરી ૧૮૮૬). પાકો નાગર, સાચો નાગર. બાવન વર્ષના ટૂંકા આયુષ્યમાં અનેક જન્મોનું જીવી જનાર નર્મદ, અનેક ક્ષેત્રોમાં, પછી તે સાહિત્ય હોય, જીવન હોય, સુધારો હોય કે પ્રજાને ઢંઢોળવાની હોય-બધામાં તેના નામનો સિક્કો ઊછળતો રહે. નર્મદે શું શું કર્યું એવો પ્રશ્ન કરવાને બદલે એવો પ્રશ્ન કરવો જોઇએ કે તેણે શું નથી કર્યું ? નવું કરવામાં ઉત્સાહ મૂર્તિ, કર્મમાં પ્રચંડ નાયગ્રા ધોધ, દંભ અને પાખંડને ખુલ્લાં કરનારો કડખેદ, અસત્ય સામે લડનાર યોદ્ધો, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રહેનાર તડફડ કહેનાર-કરનાર મરદ, અંધશ્રધ્ધાના ભુક્કા કરનારો ગર્વિલો સુધાકર, વિધવા સાથે લગ્ન કરી, કહે તે જ કરે તેવાં, સાચકલો આત્મા અને એમ કરવા જતાં ત્રણેક લગ્ન કર્યા પછી પણ જીવન અને સાહિત્યમાં સદા ઊફરી ચાલે ચાલી સૌનો પથદર્શક બની એક આખા યુગમાં છવાઈ જતો આ વિરલ પ્રતિભાવાન આત્મા-કહો શું નથી એ? યાદી તો હજીયે લંબાતી જાય...

- અને વલી સાહિત્યમાં પણ ક્યાં કશું ખેડવું તેણે બાકી રાખ્યું છે ? બધી વિદ્યામાં લગભગ અગ્રેસર. 'મારી હકીકત' નામની આત્મકથા લખી, આત્મકથા લેખન કેવું હોય, જાત સાથેનું તેમાં કેવું સતત જુધ્ધ રહ્યું હોય છે, તે બધું તેણે ઢાંકપિછોડા કર્યા વિના બતાવ્યું. આત્મકથા વિદ્યાના લક્ષણો પણ તેણે એમ સ્કુટ કરી આપ્યાં. આત્મકથા લેખનની જેમ નિબંધ લેખનમાં પણ એ જ અગ્રેસર. સ્ટીલ અને એડિસન લખાણો કરવા ઉત્સુક, 'નિબંધ લખવો જેવી તેવી વાત નથી' એવી એ સ્વરૂપની ગંભીરતા તરફ સંકેત કરનાર પણ તે પહેલો, સાથે તેવા નિબંધો આપનાર પણ તે પહેલાં. મંડળી મળવાથી થતા લાભ, 'સંપ' વગેરે જેવી રચનાઓ આજે ય દ્રષ્ટાંત રૂપ રહી છે. એ રચનાઓ નિબંધ તરીકે સાથે તેની વ્યક્તિ ચેતનાનું પણ ઉજમાળું રૂપ દાખવે છે.

- અને કલમને ખોળે માથું મૂકીને સરસ્વતીના સધિયારે જીવી જનાર નર્મદ કવિ તરીકે, આત્મલક્ષી કવિતાના આરંભક કવિ તરીકે પણ એટલો જ સુખ્યાત. 'પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ - શેર જુવાર તો મળી રહેશે' એવી તેની શબ્દનિષ્ઠા તો જુઓ ! આજના કવિઓને પણ સંકોરી રહે તેવી એ કવિચેતના છે. અંત:સ્ફુરણા પર ભાર મૂકી કવિતા લખનાર કવિ નર્મદે કવિતાના અનેક રંગો પ્રકટ કરી આશ્ચર્ય સર્જ્યું છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદો લખ્યા, તો સ્વાભિમાન, દેશાભિમાન, પ્રકૃતિ, પ્રેમ, અંગત ઊર્મિનાં કાવ્યો પણ લખ્યાં છે. મહાકાવ્ય લખવા માટે પણ તેના પ્રયત્નો રહ્યા છે. કહો કે નવા વિષય, નવાં રૂપ-રંગ, નવા જ ભાવ વાળી કવિતા એ પહેલી વાર લઇ આવ્યો. 'હિન્દુઓની પડતી' જેવું પંદરસો પંક્તિનું દીર્ઘ કાવ્ય પણ આજેય યાદ કરવું પડે તેવું છે. 'નવ કરશો કોઈ શોક' જેવાં શોકસંતપ્ત કાવ્યો પણ સૌપ્રથમવાર આપનાર એજ.

- અને અગાઉ ઉલ્લેખ્યું છે તેમ, કાવ્યયાત્રાની સાથે તેની ગદ્યયાત્રા પણ સાતત્યપૂર્ણ રીતે ધમધમાટ સાથે ચાલતી રહી છે. નરસિંહ-દયારામનાં ચરિત્રો તે આપે, તો જગતનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિના ભાતીગળ રંગોની નુક્તેચીની કરતો ગ્રંથ 'રાજ્યરંગ' પણ તેની પાસેથી મળે ! કહો, કહો નર્મદજીનું ભ્રમણ કેવું કેટલું રહ્યું છે ! અને વળી તે કાલની રંગભૂમિને માફક આવે એવાં મંચનક્ષમ નાટકોનો પણ એ રચયિતા રહ્યો છે. 'કૃષ્ણાકુમારી' કે 'રામજાનકી દર્શન' વગેરે તેનાં નાટકો તરત યાદ આવવાનાં.

પૂર્વકામમાં લિજ્જત ભરેલાં લાગતો, ધસમસતી જુવાનીમાં જીવન-સાહિત્યને ઉપર - તળે કરી મુકનાર નર્મદે તેના ઉત્તર કામમાં 'ધર્મવિચાર' જેવો મનનપ્રધાન ગ્રંથ આપીને ધર્મ-સંસ્કૃતિ-આપણી પ્રાચીન પરંપરાઓ તેનાં સદ્અંશો અને તેનો પુનરુધ્ધાર કરવાની તેની ધખના તેમાં પૃષ્ઠે પૃષ્ઠે વાંચવા મળે છે. મણિલાલ નભુભાઈ અને આનંદશંકર ધુ્રવ જેવા આપણા પંડિતયુગના વિદ્વાનોને પણ ઉત્તર નર્મદ પ્રભાવિત કરી ગયો હતો. કોશ-પિંગળનાં તેનાં કામો જે ભાગ્યે જ એકલે હાથે, ટાંચા સાધનો વડે થઇ શકે તેવું અઘરું કામ તેણે પોતે કરી બતાવ્યું ને ગુજરાતી ભાષાનો એક મજબૂત પાયો પણ એમ પરોક્ષ રીતે ત્યાં તેણે રચી આપ્યો. આ બંને ગ્રંથો તૈયાર કરવામાં તેણે જે રઝળપાટ કરવો પડયો છે, એ વળી એક બીજી સંઘર્ષભરી કથા છે. આજના અભ્યાસી-સંશોધકોએ એ બધાંમાંથી અવશ્ય પસાર થવું રહ્યું.

'સાડા દસથી પાંચ સુધી કાહુ કાહુ' થાય તેવી બોજરૂપ શિક્ષકની નોકરીના બંધનને ફગાવી દઈ, અયાચકવ્રત લઇને સરસ્વતીમાને ને એમ ગુજરાતી ભાષાના ખોળે માથું મૂકીને રાત-દિન ગુજરાતી ભાષા સાહિત્ય માટે જ તેણે શ્વાસ ભર્યા હોય તેવું તેની ધ્યેયનિષ્ઠાથી પ્રતીત થઇ રહે છે. તેનાં સંપાદનો-સંશોધનો પણ એવી કૃત સંકલ્પતાનું જ સુચારુ પરિણામ છે.

'દાંડિયા' પાક્ષિક જેવા તેના પત્રથી તેણે જીવનનાં વિવિધ ક્ષેત્રોના સડાને, માણસોની લોભવૃત્તિને, સાહિત્યિક ઘટનાઓને સત્યની એરણ પર મૂકી ચકાસી-તપાસી પ્રકટ કરી છે. ભલભલા ખેરમાં 'દાંડિયા'થી ડરતા હતા તેવી તેની તેમાં સત્યભક્તિ રહી હતી.

આજે નર્મદ નથી, એમ કહેવા કરતાં આજે જ નર્મદ વધુમાં વધુ સદાકાલની સમયમૂર્તિ બનીને આંખ સામે તરવરે છે હજી તેની પંક્તિઓ -

સહુ ચલો, જીતવા જંગ બ્યૂગલો વાગે છે

યાહોમ કરીને પડો ફતેહ છે આગે

***

પ્રેમશોર્યમાં મગ્ન હાલ કડખેદ બન્યો છે

***

વીર સત્યને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી