- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- વાલ્મીકિને માત્ર કથા જ નહોતી આપવી. કથાસંદર્ભે નિબિડ જીવનરેખાઓને પ્રકટ કરવી હતી. માનવનાં સદ્-અસદ્ને પ્રકટ કરવાં હતાં. એક જ વ્યક્તિમાં એકથી વધુ વિરોધો રહ્યા હોય તો તે દર્શાવવાં હતા
રા મ કે રામનામની ગુંજ વધી છે, વધવી પણ જોઇએ, પણ મુદ્દો ગુંજનો નહીં, હૃદયકુંજમાં તેના સાચા અવતરણનો છે. વિશ્વની મોટાભાગની પ્રશિષ્ટ કૃતિઓ વિશે બનતું આવ્યું છે તેવું જ રામાયણ વિશે બન્યું છે. તે ચર્ચાય જરૂર છે, પણ વંચાય છે ખરું ? વંચાતું હોય કે કોઈ વાંચતું હોય ત્યારે બીજો પ્રશ્ન એ થાય છે કે રામાયણની કથા જાણ્યા પછી એ કથામાં નિહિત સત્યો સુધી પહોંચવાનું બને છે ? વાલ્મીકિને માત્ર કથા જ નહોતી આપવી. કથાસંદર્ભે નિબિડ જીવનરેખાઓને પ્રકટ કરવી હતી. માનવનાં સદ્-અસદ્ને પ્રકટ કરવાં હતાં. એક જ વ્યક્તિમાં એકથી વધુ વિરોધો રહ્યા હોય તો તે દર્શાવવાં હતા, સાથે માનવ મનની અનક ગલીકૂંચીઓમાંથી પસાર થતાં થતાં માનવની શક્તિ તેમજ દૌર્બલ્ય પણ પ્રકટ કરવાં હતાં. કકરા વાસ્તવની પડ છે. આદર્શોનું વિશ્વ પણ રજૂ કરવું હતું. સમય કે મનુષ્ય કોણ બળવાન ? એ પ્રશ્નને પણ ઉપસાવવો હતો. આનંદ અને વેદનાનાં બહુલ રૂપો સુધીની યાત્રા કરવી - કરાવવી હતી. સાથે અંડથી આરંભાતી સૃષ્ટિમાં બ્રહ્માંડ સુધીનાં વર્તુળો રચતાં જઈ કોઈ એક સમયનું નહિ પણ શાશ્વતનું, ચિરંતન રૂપોનું પ્રાગટય પણ કરવું હતું. કોઈ એક ચોક્કસ સમય ખરો પણ તેને વટીને કૃતિને તેમણે કાલાતીત કરવી હતી. વાલ્મીકિને ખુદની મનોસૃષ્ટિના અનેક છેડા, અનેક તંતુઓ તો ત્યાં અભિવ્યક્ત કરવા જ હતા પણ સંભવત: પોતાના સમયનાં બીજાં અનેક 'ચિત્ત'ને પણ મુખરિત કરવાં હતાં. સાથે ભાષાનાં વિવિધ સ્તરો પણ પાત્ર-પ્રસંગ-વર્ણન-દ્રશ્ય વગેરે નિમિત્તે-ઉકેલવાં હતાં. પ્રશિષ્ટ કૃતિની કદાચ એ પ્રકૃતિ રહી છે, સમ્યક્ ઓળખ રહી છે. વાલ્મીકિએ સજીવ સર્જકતાને બળે કૃતિ તો સંસિદ્ધ કરી આપી છે જ, પણ તેમનો ભીતરી ઉમળકો એથીય વધુ રહ્યો જણાય છે. તે માત્ર કથા કહીને અટકી જવા ઇચ્છતા નહોતા. કથાનું દેખીતું પડ સાવ સરળ જરૂર છે પણ તેની સાથે કથાનાં ધારક પાત્રો પાસે, પરસ્પરને છેદતી તેમની મન:રેખાઓ પાસે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે કે કથામાં ઘણું સંકુલ પણ છે. ત્રેતાની કથા બધા યુગની કથા બની રહે તેવાં પરિમાણો તે દાખવે છે, કથા વ્યક્તિ કે પરિવારની હોવા છતાં તેમાં વૈશ્વિક ધબકાર ઝિલાયો છે. તેમાં યુગયુગાન્ત માનવની છબી ચિત્રિત થતી આવી છે. સંભવત: વાલ્મીકિ ઉપરાંત તુલસીદાસ જેવા એકાધિક સર્જકોની તેમાં મેળવણી પણ રહી હોય. સમગ્રતયા રામાયણમાં દરેક વાચક ક્યાંક ને ક્યાંક પોતાને ખોળતો હોય છે, સાદ્રશ્યો શોધતો હોય છે, પ્રશ્ન જગવતો હોય છે કે પ્રશ્ન હોય તો તેનાં નિરાકરણોની ખાંખાખોળ કરતો રહે છે. 'બાળકાંડ'માં કદાચ તેથી જ વિશ્વાસપૂર્વક કહેવાયું છે કે, જ્યાં સુધી ધરા પર સરિતાઓ છે, પર્વતો છે ત્યાં સુધી રામાયણની કથાનું લોકમાં પ્રવર્તન રહેશે. આવી સંકુલકથાઓ રૂપાન્તરે એક યા બીજા રૂપે માનવમાત્રની કથા ઓછેવત્તે અંશે બની રહેતી હોય છે. તેનું એવું અરીસા જેવું રૂપ જ સમયે સમયે માનવને પોતાનું પ્રતિબિંબ કેવું છે તે જોવા લલચાવી રહે છે, કશેક તાળો મેળવી રહવા પણ પ્રેરે છે.
આવી મહાનકૃતિઓની ખરી મજા એ છે કે તે સદ્ય આપણને કશુંક સ્વીકારી લેવા, ખાસ તો કથાતત્ત્વ સંદર્ભે, તકાજો કરે છે. આપણે પછી એવા વાર્તાતત્ત્વ નિમિત્તે તેનાં અર્થઘટનો કરીએ છીએ, તેના અનુવાદો કે ભાવાનુવાદો કરીને પ્રશસ્તિજગત રચીએ છીએ કે તેની કથાને યદ્વાતદ્વા મંચ પરથી હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુગ્ધ શ્રોતાઓ સુધી ફેલાવીએ છીએ. પણ પછી એ બધું વિધિ-વિધાનમાં પૂરાઈ જાય છે. રામાયણ કે મહાભારતની ખરી મજા ભલે ઉપર નોંધ્યા તેવા ફિરકાઓમાં જણાતી હોય તો પણ તે આભાસી છે. ખરું તો એ છે કે આવી મહાન કૃતિઓ આપણને પ્રશ્નો કરવા નિમંત્રણ આપી રહી હોય છે. દરેક આવી કૃતિ ભાવકને એક યા બીજા રૂપનો પડકાર છે જ. પ્રશ્નો માટે તે ઉશ્કેરે, ચિત્તને ઉપર-તળે કરે, આપણા ભારતીય માનસને તો વધુ તાવે અને એમ પોતાના 'સમય'ને, પોતાના સમયના 'માણસ'ની ખરી 'છબી' સુધી પહોંચાડી રહે. આવી કૃતિઓ પૂજન અર્ચનની કિતાબ બનાવી દેવા માટે નથી લખાતી. મસ્તક પર મૂકી તેની યાત્રાઓ માટે નથી સર્જાતી. પણ તેના ભાવકને સર્વથા ઉશ્કેરી રહે, તેની ગ્રંથિઓ છોડે કે તેનાથી મુક્ત કરે, વિવિવિધાનોની કૃતક વર્તુળ લીલાઓમાંથી છોડાવે અને તેના આત્માને આઠે પહોર જગવી રહે તે માટે લખાઈ હોય છે. પ્રશ્નો જ પ્રશ્નો, પ્રશ્નોનું જ વિશ્વ. એ જ છેદે, ભેદે, ભ્રમણાઓ તોડે નવી રમણાઓ સન્મુખ મૂકી રહે.
રામાયણ વાંચનારને કેટકેટલા પ્રશ્નો કરાવે છે ! શું રામાયણ હિન્દુ કે એવા કોઈ એક ધર્મનું છે ? સમગ્ર માનવ ત્યાં નથી ? શું રામનું સીતા લક્ષમણ સાથેનું અરણ્યભ્રમણ રામના સીતાત્યાગ સમેતના એકાધિક પ્રશ્નોમાં ઉપકારક બન્યું છે ખરું ? દશરથ જેવા રાજવી ધીર વીર છે, છતાં કૈકેયી જેવી સ્વરૂપવાન પત્નીથી તેઓ તેમની એવી છાપને ઝાંખી કરી રહ્યા હોય તેમ લાગે છે ? સીતા જેવી ધરતી પુત્રને મારીચ મૃગનું આકર્ષમ, સીતાના સમગ્ર વ્યક્તિત્વને જોતાં સુસંગત લાગે છે ? લક્ષ્મણરેખાના અતિક્રમણની તે ભૂલ કરે છે તેને કઇ રીતે જોઈશું ? સીતાનું અપહરણ, રામ રાવણ યુદ્ધ મંદોદરીનું આભિજાત્ય અને સીતા પ્રત્યેનો રાવણનો અભિગમ વગેરે પ્રસંગોમાં રાવણની જ્ઞાનપિપાસા, શિવભક્તિ વગેરેને કયા રૂપે લઈશું ? અયોધ્યાના 'ધોબી'ની વાણીની
સામે સીતાનું પાવિત્ર્ય હારી જાય એ રામના પાત્રને જોતાં સ્વીકારાય તેવું છે ? છે તો ઉભયના પ્રસન્ન દામ્પત્યની ક્ષણોને કેવી રીતે ઘટાવીશું ? હનુમાનજી સાથે સીતા કહેવડાવે છે કે રામ યુદ્ધ કરી લઇ જાય તો શું યુદ્ધનું નિમિત્ત સીતા જ છે કે બીજું કશું ? સીતાનું અપહરણ કરી લઇ જતા રાવણને રોકવા જટાયુએ જે પ્રાણાન્તે પ્રયત્ન કર્યો છે તે સંદર્ભે પ્રાણીસૃષ્ટિને જોવાની કોઈ નવી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી ? કૈકેયીને ખુશ રાખવા દશરથ વચન આપી રહે અને રામસમેત લક્ષ્મણ-સીતા પણ વનવાસ ભોગવી રહે એ પરિસ્થિતિને કેેવે રૂપે જોઈશું ? કોનો વાંક ? કયો વાંક ? રામની બહેન શાંતાના પશ્ચાદ્ભૂમાં નંખાઈ જતા જીવનને કેવી રીતે ઘટાવીશું ? ઊર્મિલાની વેદનાનો ગળે ઊતરે તેવો ખુલાસો ખરો ? રામની જોડાજોડ ભરત હનુમાનીજીનાં જીવનમાંથી માનવ-પ્રાણી સૃષ્ટિને અંકે કરાવા જેવું કેટલું કેવું છે એ મુદ્દો પણ આજે વધુ પ્રસ્તુત છે. યુદ્ધની વિભીષિકાઓ પણ પ્રશ્ન જગવે છે. સીતાનું ધરતીમાં રામ સમક્ષ જ સમાઇ જવું એ ઘટના ચર્ચ્ય નથી ? સુંદરકાંડને પુરુષાર્થકથા રૂપે જોઇએ તો ? ક્રિષ્કિંધાકાંડને પણ પ્રકૃતિ અને માનવેતર સૃષ્ટિનાં આશ્ચર્યરૂપે જોઈ શકાય ? અરણ્યકાંડને સંઘર્ષકાંડ રૂપે ઘટાવી માનવ અમાનવના કર્મ વિશે વિચારી શકાય ? વાલ્મીકિએ શાપ આપ્યા પછી વ્યથિત થયાનું નોંધાયું છે તો રામાયણ પૂર્ણ થયા પછીની તેમની મનોદશા કેવી હશે ? વન વનવાસી પ્રાણીસૃષ્ટિ માનવસૃષ્ટિ રાક્ષસ સૃષ્ટિનાં આપણાં સમયમાં નવાં અર્થઘટનો કરી શકાય ? કરી શકાય તો તે વર્તમાન વિશ્વની ડામાડોળ સ્થિતિમાં ઉપકારક નીવડી શકે ? વાલ્મીકિ વસિષ્ઠ અને વિશ્વામિત્ર ત્રણેના યુગકર્મ અને ઋષિચેતનાને સાંકળીને પ્રવર્તમાન સમયમાં કોઈ નવો માર્ગ ખોળી શકીએ ?
આ તો થોડાક પ્રશ્નનો નિર્દેશ કર્યો છે. બાકી અભ્યાસીઓ એ દિશામાં બીજા અનેક પ્રશ્નો જગવીને 'રામાયણ' આપણા સમયમાં પણ એટલું જ ટકોરાબંધ છે તેવું તારવી શકે.


