Get The App

સ્વાતંત્ર્ય : કલાકારની પોષણનાળ .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
સ્વાતંત્ર્ય : કલાકારની પોષણનાળ                         . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- સર્જક ટકોરાબંધ હોય તો ઈશ્વરે એને જન્મતાંજ એની કુંડળીમાં સ્વાતંત્ર્ય આપી દીધું છે

આ પણે મનુષ્ય લેખે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ કંઈક ઉતાવળિયા છીએ. કોઈ પણ મુદ્દા કે પ્રશ્ન વિશે ઝટ નિર્ણય આપી બેસીએ છીએ, અથવા તો બિનજરૂરી એવા મુદ્દા કે પ્રશ્નને સામસામે રાખીને જોઈએ છીએ. પછી તર્કની પટાબાજી શરૂ થઈ જાય છે. ઈંડું પહેલું કે મરઘી પહેલીની ચર્ચાનું આખું જંગલ ખડું કરી દઈએ છીએ. સાચાં-ખોટાં થોડાંક અવતરણોનો આધાર લઈ પોતાના મતની પુષ્ટિ કરવામાં મચી પડીએ છીએ. ખરી વાત તો એ છે કે ઝીણું જોતાં સઘળું પરસ્પર જોડાયેલું કે અડખેપડખે લાગવાનું. મુદ્દા વિશે મતમતાન્તર જરૂર હોય પણ કોઈ એકને સત્ય લાધી ગયું છે એમ માનીને તાળીઓની આપ-લે કરી શકાય તેમ નથી.

આપણે જ્યારે અનુભવની વાત કરીએ છીએ, સ્વમત કે પરમતની વાત કરીએ છીએ કે કોઈ મુદ્દાનાં તારણો વિશે કશું કહેતા હોઈએ છીએ ત્યારે એ પણ વિચારવું પડે છે કે આ બધું કોઈ એક જ સમય બિન્દુનું પરિણામ નથી. અનેક સમયના ત્યાં ખંડ છે, ત્યાં પરસ્પરને છેદતા અનુભવો છે. દરેક સમયખંડનું અનુભવ જગત નોખું છે. જે તે સમયના રૂપ-રંગ પણ નિરાળા હોય છે, વ્યક્તિ ચેતનાનાં પણ બહુલ રૂપો રહ્યાં હોય છે કહોકે સંસ્કાર- સંસ્કૃતિ- સાહિત્ય- રાજનીતિ કે ઈતર અનેક બળો દરેક વખતે એકસરખાં છે કે હોય છે એવું માની લેવાય નહીં.

સાહિત્ય-સાહિત્યકારના સ્વાતંત્ર્યની કે સમાજ સાથેના સંબંધોનું ગણિત પણ આવું છે. ઘણું બધું જોડાયેલું છે. જે તે સમયનાં વૃત્તિ-વલણોથી તે બદ્ધ હોય છે. તેથી સાહિત્ય અને સમાજ કે સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય જેવા વિષયોની ચર્ચામાં વ્યાપક પરિપ્રેક્ષ્ય ઉમેરાતો ન હોય તો ઘણુંબધું સાપેક્ષ લાગવાનું. સર્જક જ્યારે લખે છે, એક વિચારક જ્યારે પોતાના સમયનાં બલાબલોનો વિમર્શ કરે છે ત્યારે ત્યાં એનો પોતાનો 'સમય' તો છે જ, સાથે અતીત-અનાગત સુધી પણ તે વિસ્તર્યો હોય છે પોતાના સમય સાથે મને-કમને સમાધાન કરીને જે કંઈ સમાધાન વેળા અસહ્ય બન્યું હોય, પ્રતીતિકર ન લાગ્યું હોય, પ્રવાહથી કંઈક વિરુદ્ધ દિશાનું કે પછી પ્રવાહને અનુકૂળ જણાયું હોય તો તેને તે ચોટપૂર્વક, નિજી રીતે અભિવ્યક્ત કરવા પણ એટલો જ તત્પર રહ્યો હોય છે. ન ગમતાં પરિબળો કે જાગેલા પ્રશ્નો સામે ઝીંક પણ ઝીલતો હોય છે, મુકાબલો કરતો હોય છે. સમાધાન ખરું પણ શરણું નહીં સાચો સર્જક - ખરેખર સાચો સર્જક કે વિચારક-એ રીતે સૂર્યના કુળનો હોય છે. તે તેમ કરતાં પોતાના 'સમય'ની સાથે વહી ગયેલા અને હવે વહેનાર છે એ 'સમય'નું સંકલન કરે છે અને જે તે સમયના નરી આંખે દેખાતા કે ઓછા દેખાતા જેવા છે તેવા વાસ્તવની સામે એક બીજું જગત પણ, એક બીજો સમાજ કે સંસાર પણ રચી રહેતો હોય છે. અને તે પણ કોઈની શેહશરમમાં આવ્યા વિના. પછી એના પરિણામો જે આવે તે ખરાં. સાહિત્યકાર કે વિચારક વગેરેને જ્યારે આપણે સમાજ સાથે જોડીએ છીએ, સેતુરૂપ લેખીએ છીએ ત્યારે એ સ્મરણમાં રાખવાનું રહે છે કે એ સેતુ બાંધવાને બદલે સેતુ બાંધી શકાય તેવી એક ભૂમિકા રચે છે. કારણ કે એનું સત્ય કે એનું તારણ સંભવ છે કે સમકાલીન સમાજને ન પણ ગળે ઉતરતું હોય, સમાજ તો રોળાઈ ગયો હોય તો સેતુ કેવી રીતે બંધાય ? એટલે તેમાં કસૂર સમાજની પણ હોઈ શકે. ત્યારે સર્જકની ભાષા - તેનો ભાષા પ્રપંચ બધું જુદું હોય. તેના સ્વવિશ્વનો જ તેમાં થડકો સંભળાતો હોય. અલબત્ત, એવા થડકામાં ઘણું બધું ઘુંટાયેલું હોય. યુવલ નોહા હરારી સુધી બધા જ કંઈ પહોંચી શકતા નથી. સોલ્ઝેનિત્સિનકે દોસ્તો-એ-વસ્કીને એમનો 'સમય' કે એમના સમયનો સમાજ પામી-પચાવી શક્યાં નહોતાં. ગોવર્ધનરાય. મા. ત્રિપાઠીના 'સરસ્વતીચંદ્ર'માંનું દર્શન કંઈ સર્વને પ્રતીતિકર ત્યારે જણાયું નહોતું, ટાગોરની 'ગોરા' 'કે ઘરેબાહિરે'માં પણ ઉજાગર ટાગોરકથિત જગત એ સમયે સર્વને સ્વીકાર્ય નહોતાં. પણ તે કંઈ તેમનું ટૂંપણું નહોતું. શેક્સપિયરના 'હેમ્લેટ' કે 'ઓથેલો'ને પણ એ સમયે ઠંડો અપેક્ષિત આવકાર મળ્યો નહોતો. પણ ગોર્કી સમેત આવા અનેક સર્જકો પોતાની પ્રતીતિનું કે પોતે અપેક્ષેલું જગત-સંસાર રચીને જ રહેલાં. જે કંઈ અસ્વીકાર્ય હતું, જે કંઈ ખોટા માર્ગે ચાલી રહ્યું હતું, જ્યાં વિસંગતિઓ કે વિષમતાઓ હતી, જુઠાણું કે તેનો ગંદવાડ હતો, જે ભ્રમિત કરી મૂકે તેવું હતું તે તેવાઓ દર્શાવીને જ રહ્યા હતા. એક સર્જક કે વિચારકનું ઝઝૂમવું એટલે આવી ભીતરથી પોતાના સમય સાથેની લડાઈ છે. કહો કે તે ત્યાં નિરૂપણ કે અભિવ્યક્ત કરીને અટક્યો નથી. ત્યાં તે આખાય સંસારને, તેની સંસ્કૃતિને, તેમના માનસને, તેમની સંવેદનાને લઈને તે આગળ ચાલ્યો હોય છે. ત્યાં તે દરેકના પરસ્પર સાથે જોડાયેલા તત્ત્વોને પણ તપાસનો વિષય બનાવતો હોય છે. તેનાં દૂરગામી પરિણામોના સંકેત પણ પોતાની રીતે પ્રકટ કરતો હોય છે એનો અર્થ એવો પણ નથી થતો કે તે 'સમય'ની સાથે કે સામે દરેક વેળાએ જુદ્દો ચઢે છે. તે જે કંઈ સ્તુત્ય છે તેને સ્વીકારે છે કે પ્રશંસે છે, ત્યાં તત્પૂરતો તે સમાજ સાથે ઊભો રહ્યો લાગે પણ બહુશ: જ્યાં પોતાના 'સમય'નાં વિઘાતક બળો, માનવતાને કે માનવને વિનષ્ટ કરનારાં બળો પછી તે ધર્મ હોય, શાસન હોય કે અમુકતમુકનું સમાજને વેરવિખેર કરી મૂકે વર્તન હોય તો તેનો તે ખૂલીને વિરોધ કરવાનો, વિદ્રોહ કરવાનો. પણ તેના વિદ્રોહની રીત જુદી છે. તે તેમ કરવા ભાષાના પોતનું પરિવર્તન કરે છે, વ્યંગ્ય-કટાક્ષનો આધાર લે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે. ભૂતકાળનાં સ્પર્શી ગયેલાં તત્ત્વો ભણી વળે છે અથવા ક્યારેક ભવિષ્યમાં શ્રધ્ધા જગવી રહે તેવો પોતાનો દીવો પણ પેટાવી રહે છે. પર્યંતે તે એટલે કે સાચો સર્જક-વિચારક સત્યનું સદાનું વ્રત લઈને બેઠો હોય છે. 

વ્યક્તિગત દ્વેષ ત્યાં નથી, બલ્કે સામૂહિક ચેતનાની ત્યાં તે ચિંતા રાખતો હોય છે. ત્યાં જેટલો, જેવા સમાજ સાથે, સેતુ બંધાય એ ખરું. તેનું લક્ષ્ય બહેતર મનુષ્ય અને બહેતર વિશ્વ માટેનું હોય છે.

સર્જકના સ્વાતંત્ર્યની કે સાહિત્ય અને લોકશાહીની વાત કરીએ ત્યારે ખરું તો એ છે કે સર્જક ટકોરાબંધ હોય તો ઈશ્વરે એને જન્મતાંજ એની કુંડળીમાં સ્વાતંત્ર્ય આપી દીધું છે. સ્વાતંત્ર્યની ભીખ માગવાની ન હોય. જે ખરેખર સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજે છે તેવા સર્જકો-વિચારકોએ તો પ્રાણની આહુતિ પણ આપી દીધી છે. જ્યાં લોકશાહી નહોતી ત્યાં પણ સત્યની ઉગ્ર રૂપે વાત કરનાર સર્જક-વિચારક હતા. સત્યપરક વ્યક્તિત્વ કશાને ગાંઠતું નથી, માઇકલ એન્જેલોએ ચર્ચમાં મૂકેલાં શિલ્પો વિશે જુનવાણી ઠેકેદારોએ તેનો પુષ્કળ વિરોધ કરેલો. તેમાંની 'નગ્નતા' વિશે અપપ્રચાર કરેલો. પણ તેણે તેમાં કશો ફેરફાર ન જ કર્યો. અરે, બિશપે પણ છેવટે તેની તરફદારી કરી. કલાકાર માટે કળાથી ઉપર કશું નથી. સાચી વાત કરનાર સર્જક-કલાકાર-વિચારક સૌ કોઈ 'પરમથી મસ્તક મૂકી'ને જ પ્રારંભ કરતો હોય છે. સમાજની તંદુરસ્તી માટે, કળા માટે, તેનું આવું સત્યપરક જિદ્દી વલણ હોય છે. એનો અર્થ એ સમાજ વિરોધી છે કે શાસન વિરોધી છે એવું ઘટાવી ન શકાય. સ્વાતંત્ર્ય જ સાચા સર્જકની પોષણજાળ છે.