- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- પ્રકૃતિમય જીવવું, સહજ જીવવું, અહંકાર વિનાનું જીવવું એ જ તો ભારતીય સંસ્કૃતિબોધ છે
મા ણસ જન્મે છે એટલે આયુષ્યકાળ સુધી જીવે તો છે જ, પણ એનું જીવવું એ જીવી જાણવું છે ખરું ? એ મહત્ પ્રશ્ન છે. બહુશ: કાળનિર્ગમનને જ જીવન લેખીએ છીએ. તેમાં આ કે તેવા પ્રપંચો રચી સફળતા કે નિષ્ફળતાનાં સમીકરણો માંડીએ છીએ. કહો કે જુદા જુદા પ્રકારના દાવપેચમાં માહેર બની મિથ્યા કાર્યોમાં જીવન વ્યતીત થઈ જાય છે, કે કરી દઈએ છીએ. જીવી જાણવાને બદલે જીવી રહ્યા છીએ તેનો દેખાડો ડગલે ને પગલે જોવાતો જાય છે. ભીતરને ભૂલીને ઇતરનો જે ઠઠારો છે તેને જ પછી સિદ્ધિ માની લઈએ છીએ. એમ થવામાં આંતરપરિબળોમાં સંસ્કાર, અભ્યાસ, વાતાવરણ વગેરેની ઊણપ તો કારણભૂત છે જ. જો તેવાં સકારાત્મક તત્વોને પામવાનું ન બન્યું હોય તો પછી જીવન સરેરાશ બની રહે છે. સાથે બહારનાં નકારાત્મક બળો તો ટાંપીને જ બેઠાં હોય છે. એમાં માણસ સમેટાઈ જાય તો ખેલખતમ જ સમજી લો. પછી ભલે પદ-પ્રતિષ્ઠા-અર્થ બધાંનો ભપકો ભલે રહ્યો હોય પણ અંદર નર્યું ઠાલાપણું જ હોય છે. પશુ અને મનુષ્યનું સમાનપણું પછી જોવાય.
પણ પેલાં સકારાત્મક બળો મળ્યાં હોય, અંદરની ઊર્જા ને ચેતના સતેજ હોય, જીવનના ભીતરને ઉત્ક્રાન્ત કરવાની પ્રબળ વૃત્તિ હોય તો વાલિયો લૂંટારો પણ વાલ્મીકિ બની રહે. કહો, આવી ધખના કેટલામાં ય તે માટેના સાચી દિશાના પ્રયત્નો પણ કેટલાનાં ? પ્રશ્ન ત્યાં છે. મોટાભાગનાને દેખાડાથી જીવી જવામાં સુખ પ્રાપ્તિ થઈ જતી હોય છે. મોટો પગાર, મોટુ ંઘર, મોટું પદ-એવું તેવું પછી જીવનને તે વ્યાખ્યાયિત કરી રહે છે. પણ જીવન એવી ટૂંકી વ્યાખ્યામાં બંધાય ખરું કે ? ત્યાં વ્યાખ્યાનો-કથાઓ-ઉપદેશકથનો-ગુરૂવાણી કે અભ્યાસ કશું ઉત્તમ માણસ થવાની ગેરન્ટી આપી રહે તેમ નથી. ગેરન્ટી તો માત્ર આપણે જ આપણને આપી શકીએ. દ્રઢપણે નક્કી કરીએ કે મારે જીવનને ભરપૂર ચાહી લેવું છે. તેને પાક્કો ને સાચો પ્રેમ કરી લેવો છે. તો પછી જુઓ, એક પછી એક દરવાજા આપોઆપ જ ખૂલવા લાગશે. જીવન દરરોજ પ્રાત:કાળે તમને વ્હાલથી જગાડી જશે. દરરોજ તે અવનવું સંગીત સંભળાવી તરોતાજ કરી રહેશે. દરરોજ એ સૂચક સ્મિત સાથે તમારી સામે આવી હસ્તધૂનન કરવા તૈયાર હશે. દરરોજ તમારો સૂર્ય બની એકાદ સુવર્ણ કિરણથી તમને તે સજાવી રહેશે. દરરોજ એક નવી-નૂતન કથાના શબ્દો તમને સંભળાવી કર્ણ-હૃદયને નૃત્ય કરતું કરી જશે. દરરોજ તમને કહી રહેશે, તું તો તારો છે જ, આ આખુંય વિશ્વ પણ તારું છે. તન-મનને તે અલંકૃત કરી રહેશે. તન મનને પ્રેરશે, મન તનને પ્રેરશે એમ સર્વ ઊર્જાવાન બની રહેશે. ભંડાર બહાર નથી, અંદર છે, સત્ય તારે પામવાનું છે, સત્યાસત્યનો ભેદ ખુલે સમજવાનો છે. માત્ર તારો એવા જીવતર માટે વિશુદ્ધ હેતુ હોવો જોઈએ. તે માટે તારે વ્રતબદ્ધ બનવું પડે. તે માટે સતત પ્રયત્નશીલ રહેવંર પડે.
આજે ચિત્ર એવું ઊપસી રહ્યું છે કે ચાર્વાકનો આત્મા ઉપર રહ્યો રહ્યો મલકાતો હશે. જીવતરના માપદંડો જ આપણે બદલી નાખ્યા છે. એમ થવામાં આપણી મદદે અત્યારે શિક્ષણ-ધર્મ-સમાજ કે રાજકારણ કોઈ આવી શકે તેમ નથી. કારણ કે તે સૌએ તેમનો મહિમા ગૂમાવી દીધો છે. ઊલ્ટાનું, એવાં તત્વો જીવનને વધુને વધુ સંકીર્ણ બનાવી રહ્યાં છે. અધ:પતનના માર્ગે તેઓની ગતિ રહી છે. અને મોટાભાગના સમુદાય તેને જ વળગી રહેવામાં જીવનની ઇતિશ્રી માની રહ્યો છે. માણસ માત્ર વેરવિખેર જ નહીં અસ્વસ્થ થઈ ચૂક્યો છે તે પણ ચારે તરફ જોવાઈ રહ્યું છે, તેનાં નિકૃષ્ટ કૃત્યો પણી સામે જ છે. પ્રલોભનોનું વિશ્વ વિસ્તરતું જાય છે અને માણસ તેમાં રગદોળાતો જાય છે...
મૂળ પ્રશ્ન સાર-અસાર આપણે નથી જાણતા એવું ય નથી. પણ કહેવાતા જીવન માટે ટૂંકો, લોભામણો પંથ છે. એવાઓ પેલા પ્રલોભનના થાંભલાને વળગ્યા છે, પણ તેમના ચતુરાઈભર્યા અવાજમાં તેઓ કહે છે : 'થાંભલો મને વળગ્યો છે !' આ થાંભલાથી જાતને છૂટી પાડવા હામ જોઈએ, અંદરથી પ્રબળવૃત્તિ જાગી જવી જોઈએ. તન-મન સાફ-સ્વસ્થ હશે તો એવાં પ્રલોભનોને જરૂર મહાત કરી શકાય. ભારતીય સંસ્કાર તો યુગોથી કહેતો આવ્યો છે કે આપણે સૌ સાથે જીવીએ, સાથે કામ કરીએ, કોઈનો દ્વેષ ન કરીએ, સાથે બેસીને ખાઈએ. જીવીએ, આનંદીએ. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ અને વેદોપનિષદ આ કાવ્ય બેને જ જો લક્ષમાં રાખીએ અને કૃતસંકલ્પ બનીએ તો સર્વગ્રાહી જીવનરીતિ અઘરી નથી, માત્ર સતર્ક રહેવાનું છે. એકવાર વિશ્વનાં બહુલ રૂપોને ઓળખી તેનો સ્વીકાર કરી લઈએ, સ્વીકાર સાથે મનની અપેક્ષાઓ-તૃષ્ણાઓને સીમિત કરી દઈએ. જાય તેને જવા દઈએ અને આવે તેને આવવા દઈએ, કોઈની ટીકાટિપ્પણી નહીં, અસત્યને સાથ નહીં, કોઈને અડવું-નડવું નહીં, કોઈની સાથે ખોટી સ્પર્ધા નહીં, પ્રેમભરી ભાષાનો સ્મિત સાથે પ્રયોગ કરીએ તો પેલું આનંદનું કલ્પેલું રૂપ નજર સામે જ નહીં, અંદરના આત્માનેય માલામાલ કરી મૂકે છે.
આવું જીવવું, પ્રકૃતિમય જીવવું, સહજ જીવવું, અહંકાર વિનાનું જીવવું એ જ તો ભારતીય સંસ્કૃતિબોધ છે, એ જ તો તેણે દર્શાવેલો માર્ગ છે. પણ આપણે સૌ અવળી ગતિએ ચઢી ગયા છીએ. ઝટ જાગી જવા જેવું છે. આપણી આસપાસના વાણી વિલાસને, બદલાતા નાટકીય રંગોને તથ્યને જ સત્યમાં ખપાવવાના પ્રયત્નોને ઓળખવામાં ભૂલ કરી બેસીએ તો કોઈપણ પળે કોઈનું પણ જીવન વેરવિખેર થઈ શકે છે. રાગ-દ્વેષ-મારું-તારું-જાતિ-પાતિ-ધર્મ-અધર્મના મુદ્દાઓ વધુને વધુ અણિયાળા બનતા જઈ માનવતા પર ને એમ માનવ પર સતત હુમલા કરી રહ્યા છે તેથી પણ ચેતી જવા જેવું છે. આપણી પ્રસન્નતાને, આપણી આનંદસૃષ્ટિને ઝૂંટવી જનારા પરિબળો ઠીક ઠીક વધતાં જાય છે ત્યારે સર્વગ્રાહી જીવનશૈલી વિકટ બનતી જાય છે એ સ્વાભાવિક છે. છતાં હશે આશા છોડવા જેવી નથી. ખરું તો આ બધું આપણા શિક્ષણમાં હવે એવી રીતે ઉમેરાવું જોઈએ કે શાળા કાળથી જ વિદ્યાર્થી આવી સકારાત્મક જીવનશૈલી અપનાવે, તેના સંતુલનને સમજે, વિદ્યાર્થી ઉર્જાથી ભર્યો ભર્યો બની રહે. એક બી જેમ ભરી ભરી શક્યતાઓવાળું એક સંપૂર્ણ વૃક્ષ છે. જલનું એક બુંદ વર્ષા કે સમુદ્રનો પરિચય આપી રહે છે, એમ મનુષ્ય પણ આ વિશ્વનો જ અખંડ ભાગ છે. આજના આતતાયી બનતા જતા વિશ્વ માટે એકે એક વ્યક્તિએ જેમ ગાંધીજી કહેતા હતા તેમ, પોતાનું પણ તેમાં ઉત્તરદાયિત્વ રહેલું છે. તેવું સ્વીકારવું રહ્યું. ઉત્ક્રાન્ત થવા ઇચ્છતી વ્યક્તિએ પ્રેરનિસ, સદાચારથી ભરી ભરી ધર્મનિરપેક્ષ, જાતિનિરપેક્ષ - 'વસુધા એ જ કુટુમ્બ' એવી જીવનરીતિ સ્વયં ઊભી કરવી પડશે. તેણે પણ ગાંધીજીની જેમ પોતાના સત્યના પ્રયોગો આદરવા પડશે, જીવન વેડફી દેવા માટે નથી, વેચવા માટે પણ નથી ખરું તો વહેંચવા માટે છે. તમે મારા બનો, હું તમારો બનું, 'જીવો અને જીવવા દો'ના સૂત્રને સાકાર કરીએ. આજનું આ ટેકનોલોજી સજ્જ, ડિજિટલવિશ્વ આપણો વિકાસ ભલે દર્શાવતું હોય પણ માનવીય વિનાશનું ય ત્યાં એથીય વધુ મોટું ભયસ્થાન રહેલું છે. પૂર્ણતાના ઋષિઓ કથિત મહાન સત્યને ગોખવાથી નહીં, સમજવાથી આપણે આ સંકુલ વિશ્વમાં ઉચ્ચ જીવનની શક્યતાઓ માટેનો સાચો માર્ગ કદાચ શોધી શકીશું. ગીતાજીની 'આત્મૌપમ્ય' દ્રષ્ટિ સમજીએ, આચારને જ પરમ ધર્મ લેખીએ...


