- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સાચી પ્રાર્થનાને શબ્દો નથી હોતા, ભાષાનું કોઈ માધ્યમ પણ નથી હોતું, જ્ઞાનની કોઈ ગોઠવણી, તર્કબદ્ધતા કે જાતને અથવા અન્યને છેતરવાની યુક્તિ-પ્રયુક્તિ પણ નથી હોતી.
કોઈકે એક મોટા ધર્મવડાને પ્રશ્ન કર્યો કે, 'હે ગુરૂ ! આપશ્રીને સર્વાધિક પ્રિય વસ્તુ કઈ છે ?' ધર્મગુરૂએ પળનાય વિલંબ વિના ઉત્તર આપ્યો, 'સ્ત્રીઓ, ફૂલો અને પ્રાર્થના' સંભવ છે કે પ્રશ્ન પૂછનારને ઘડીભર અચંબો થયો હોય, આઘાત પણ લાગ્યો હોય. પણ ઊંડેથી વિચારતાં ધર્મગુરૂના આ ઉત્તરમાં ઘણાં મોટાં રહસ્યો સમાયેલાં છે. એક જ શ્વાસમાં આપેલા ઉત્તરમાં ધર્મગુરૂની નિર્દોષતા છે તો જીવનાનુભવનું સુવાસિત અત્તર પણ તેમાં રહેલું છે.
ઉત્તર ટૂંકો છે, છતાં મર્માળો છે. સ્ત્રી પ્રત્યે જોવાની અહીં એક જુદી જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિમાં વ્યાપકતા છે, તેમાં સ્ત્રીના વ્યક્તિત્વની ફોરમ છે, સ્ત્રી પ્રત્યેનો તેમાં મૃદુભાવ છે તો સાથે સાથે સ્ત્રીના સમગ્ર અસ્તિત્વને ઓળખી ચૂકેલા ગુરૂનું સ્ત્રી પ્રત્યેનું માન-સન્માન પણ છે. સ્ત્રી ભોગ્ય છે એવી સમજ દાખવનારાઓથી અહીં ઘણી જુદી અને ઊંચી વાત કહેવાય છે. સ્ત્રી જન્મદાત્રી છે તો ભાવદાયી પણ છે. સ્ત્રી સહિષ્ણુતાનું પ્રતીક છે તો સમર્પણની પણ તે અનન્યમૂરત છે. તે કોમળ-મધુર છે, તો સમયે તે અનિવાર્યતા ઊભી થતાં તેના ચંડ-પ્રચંડ શક્તિરૂપનો પણ પરિચય કરાવી રહે છે. સ્ત્રી ઓછું બોલીને મૌન દ્વારા ઘણું બધું પ્રકટ કરતી આવી છે. તે માત્ર પરિવારની જ નહીં, સમાજની પણ લજ્જા છે, મર્યાદાનું તે સ્વયં નીતિશાસ્ત્ર છે. તે નિ:શબ્દ રહીને પણ સમાજને અંકે કરવા પડે તેવા શબ્દોનું પોતાની રીતે નિર્માણ કરતી રહી છે. જે શબ્દો યુગોથી પુરુષને, પરિવારને આશ્વસ્ત કરતા રહ્યા છે. તે અપ્રત્યક્ષ રહીને સમાજને દોરે છે. સ્ત્રી સૌંદર્યનું પ્રતીક છે. ઇશ્વરે તેને સર્જીને મુગ્ધતા, કુમાશ, કરુણા, ભોળપણ, ઋજુતા, સંમોહન, પ્રેમ, મમતા જેવા અનેક શબ્દોનાં દ્વાર ઉઘાડી આપ્યાં છે. સ્ત્રીની ઉપસ્થિતિ જ વાતાવરણને પોતાનાથી પ્રભાવિત કરીને વધુ વિનયી કે વધુ વિનીત રૂપવાળું બનાવી રહે છે. સ્ત્રી કે સ્ત્રી શક્તિ વિનાના સમાજની કલ્પના જ ધૂ્રજાવી દે તેવી છે. આવી પ્રેમમૂર્તિને, ધીરજમૂર્તિને, સર્જનમૂર્તિને સમજવાની ક્ષમતા હજી આજેય સમાજમાં જોવા મળતી નથી એ દુ:ખદ બાબત છે. કહો, આવી સ્ત્રી, સ્ત્રી રહીને દેવી રૂપે પેલા ધર્મગુરૂને જોવી ગમી જ હોય ને ? કૃષ્ણના આખાય જીવનમાંથી સ્ત્રીઓનું સાન્નિધ્ય ઘડીભર બાજુએ મૂકીને જોઈએ તો કૃષ્ણ કેટલા અપૂર્ણ લાગે ?
'ફૂલો' પણ એવાં જ દર્શનીય છે, રૂપાળાં છે. કોમળ છે, રંગસભર છે, ગંધસભર છે, આકારોના વૈવિધ્યનાં ત્યાં ભિન્નભિન્ન વિશ્વો રચાતાં આવ્યાં છે. દેવદર્શનથી માંડીને સૌંદર્યાવલોક સુધી તેનો વિસ્તાર છે. સ્ત્રીનો એ ગમતો શણગાર છે, તો ઇશ્વરને પ્રિય એવો પણ તે ઉપહાર છે. પુષ્પો પ્રતીક છે. માણસને આવકારવાનો માણસને અભિનંદનવાનો, ઇશ્વરની પૂજા-અર્ચનાનો, પ્રેમના મૂક સ્વીકારનો, સુગંધથી આખાય પરિવેશને મધુર-મોહક કરી મુકવાનાં એ ફૂલોનો અબાધિત અધિકાર હજી આજેય કોઈ છીનવી શક્યું નથી. માત્ર કવિને જ નહીં, સંવેદનશીલ કોઈ પણ વ્યક્તિને પુષ્પો સાથે અચૂક વાત કરવાનું ગમે છે, તેને અવર્ણનીય સ્પર્શનાનુભવ કરી આંગળીનાં ટેરવાંને કૃતાર્થ કરવાનું સૌ કોઈને ભીતરથી શમણું હોય છે. પુષ્પને પણ એની અભિવ્યક્તિ છે, પુષ્પને પણ તેની એક ક્રિયા છે તો ક્રીડા પણ છે. પુષ્પને પોતાની એક મુક્ત જીવનલીલા છે. કશું કોઈ પાસેથી લીધા વિના પોતાનું સઘળું ચાહકને સમર્પી રહેવાનું તેનું કૃત્ય ભલે કશે નોંધાયું નહીં હોય પણ તંતોતંત સમર્પણની કવિતા કે તેનો અર્થબોધ ત્યાંથી પામી રહેવાય છે. અંકુરાય, વિકસે, ખીલે, રૂપે-ગુણે-રંગે સંપૂર્ણ પાંગરી રહે, ગંધ પ્રસારી રહે અને થોડાક કલાકોમાં તો તે તેની લીલા સમેટી લે છે. કશે પોતાના અસ્તિત્વની કે કર્તૃત્વની તે ધજા ફરકાવતું નથી. ખિલવાથી વિખેરાઈ જવાની તેની આખી ક્રિયા એમ અંતવાળી છતાં અન્-અંત છે. માણસના અસ્તિત્વને મૂંઝવતા કે અકળાવનારા અનેક પ્રશ્નોના સાચુકલા ઉત્તર એ પુષ્પ પાસે છે. આવા પુષ્પોને 'પવિત્રતા' જેવા કોઈ વિશેષણની જરૂર નથી, જેમ પેલી 'સ્ત્રી' ને પણ નથી એમ. 'સ્ત્રી'ની જેમ પુષ્પો વિનાના જીવનને પણ શી રીતે કલ્પી શકીએ ? આપણા વિવિધ ઇશ્વર સ્વરૂપોને તો પુષ્પ પ્રિય છે જ, પણ ખરેખર 'આંખ' જેઓને છે તેનેય તે એટલાં જ પ્રિય છે. કાલિદાસ જેવા કવિ તો કહેવાનાં જગત અને તે ફૂલો વિનાનું ? છટ્ ! અસંભવ !
'પ્રાર્થના' વિશે તો પાર વિનાનું લખાયું છે, સમારંભોમાં પણ પ્રાર્થના ગવાય, પ્રાર્થના વિશે વળી થોડી શબ્દરમત પણ થાય ! અહીં જુદી 'પ્રાર્થના' છે, ઔપચારિકતા વિનાની પ્રાર્થના. પ્રાર્થના એક અર્થમાં એકોક્તિ છે. એ સર્વોક્તિ હોઈ શકે જ નહીં. તે ભલે મોટે મોટેથી ગવાતી હોય, પણ પ્રાર્થના ભીતરનું ગુંજરન છે. પ્રાર્થનાને શબ્દો હોય પણ ખરા, શબ્દો ન પણ હોય. પ્રાર્થના આત્માનું નિવેદન છે. સેવક-સેવ્ય વચ્ચેનું સંક્રમણ છે, ઉપચાર નથી. ઓરિયો છે, આરત-આરજૂ છે, આરાધન-અર્ચન છે. અહીં માગણી ન હોય, લેશ પણ નહીં. માત્ર લાગણીનું પ્રવહણ હોય, ભાવોદ્રેક્તા હોય,
નિર્મળતા હોય, નિ:શેષપણે જે કોઈ સેવકરૂપ મનમાં હોય તેમાં ઓગળી જવાની તીવ્રતા હોય. અહીં કોઈક રૂપે એકત્વ સાધવાની, ઉભય વચ્ચે સૂત્ર રચી રહેવાની ખરા રૂપની આતુરતા હોય છે. સાચી પ્રાર્થનાને શબ્દો નથી હોતા, ભાષાનું કોઈ માધ્યમ પણ નથી હોતું, જ્ઞાનની કોઈ ગોઠવણી, તર્કબદ્ધતા કે જાતને અથવા અન્યને છેતરવાની યુક્તિ-પ્રયુક્તિ પણ નથી હોતી. અહીં અવકાશ રચાય છે, અસ્તિત્વને ખોલી નાખવાની જાત સાથેની જ હોડ બકાતી હોય છે. વિખેરાઈ જવાની મસ્તી હોય છે. પ્રાર્થનાને સંદર્ભો હોતા નથી. પ્રાર્થનાને નકરા પ્રેમ સિવાય બીજો કોઈ વિષય કે વાંછા પણ હોતા નથી. પ્રાર્થના પરિરૂપ વિનાનું રૂપ છે, વિશુદ્ધ ચેતનાનું, નર્યું વિશુદ્ધ રૂપ. ત્યાં મૂર્તિ કે કોઈ વ્યક્તિ સેવ્ય રૂપે હોય પણ ખરી, ન પણ હોય. માત્ર અદ્રષ્ટ, અનામ તત્વ સાથેનો એક સંવાદ અંદરની ભરપૂરતાથી ત્યાં રચાતો આવતો હોય છે. હાથ બળે અને નરસિંહ જેવાને તેની ખબર નય પડે ! પ્રાર્થના તે એ. પ્રાર્થના અર્થરહિત હોય. પ્રાર્થનાને અર્થ હોય તો તે વ્યર્થ થઈ રહે. પ્રાર્થના અદ્રશ્ય થઈ રહેવાની ભીતરી નાદ છે. એ નાદમાં વિશ્વાસ છલકે, આનંદ ઊછળે, શિશુત્વ પાંગરી રહે, શ્રદ્ધાના સ્રોત કલકલી રહે....
આ ત્રણ શબ્દોને ત્રણ-ચાર વાક્યમાં જ 'હરિજન બંધુ', ૮ જાન્યુ, ૧૯૩૯માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસેને મૌલાના શૌકતઅલી સાથેના સંવાદરૂપે મૂક્યા છે. એ ધર્મગુરૂ એટલે વંદનીય પયંગબર સાહેબ... નિર્દોષ આત્માની વાણીરૂપ એ શબ્દો છે...


