વિદુરજીને પૂછો .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ભણેલો વર્ગ પણ શું સ્વવિચારને બદલે કોઇકે ગોખાયેલું નથી વિચારી રહ્યો?
'હું વિચારું છું તેથી હું માણસ છું.' એવું ભલે કહેવાયું હોય, વ્યાપક રૂપે તેમાં થોડું એક સત્ય હોય તો પણ શું 'વિચારવું' એ ક્રિયા દરેક વેળા 'માનવ'ની ઓળખ બની રહેતી હોય છે ? 'વિચાર' તો અનેક પ્રકારના લાવ-લશ્કર સાથે આવતા હોય છે પણ તેમાં કશું 'સારું' આવતું હોય છે, તેમાં કશું વિધાયક કે વ્યાપક જનહિતને સ્પર્શે તેવું હોય છે, તેમાં કશું સ્થાયી તત્ત્વ રહેલું હોય છે કે બધુ ઉભડક જ આવે છે વગેરેનો પણ ખ્યાલ રાખવો પડે.
કશોક 'વિચાર' પ્રકટ કરીએ ત્યારે તેમાં તેથી મનન, ચિંતન, આશય, કલ્પના કે એની પરિણામગામિતા વિશે પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. 'વિચાર'ની તેથી બે પધ્ધતિ તરત જ ધ્યાન ખેંચશે. એક ત્વરિત 'વિચાર' હોય છે. ક્રિયાની ઝડપભેર પ્રતિક્રિયા આપી રહેતો વિચાર. એવો વિચાર કંઇક ઉતાવળિયો હોવાનો પણ પૂરો સંભાવ છે. તેમાં સંભવત: કોઇ લાંબો કે ભાવિનો ખ્યાલ નહિવત્ હોય છે. તત્ક્ષણની સ્ફુરણા એનું બહુશ: ચાલક બળ રહ્યું હોય છે. કશુંક સહજ, લાગણીરૂપે આવ્યું તેને તરત 'વિચાર' રૂપે વ્યક્ત કરી દઇએ છીએ. ક્યારેક તેમાં સત્ય કે અર્ધસત્ય જોવા મળે પણ એવા ઝડપથી જાગતા વિચારો બધીવાર પ્રસ્તુત બનતા નથી. શિશુપાલ કે દુર્યોધનના સદ્ય વિચારોનું એ સંદર્ભે દૃષ્ટાંત યાદ કરી શકાય. આપણા મોટાભાગના 'વિચારો' કંઇક એ પ્રકારના છે. આપણી આસપાસ છાપું વાંચનારો, મીડિયા જોનારો એક મોટો વર્ગ, વસ્તુના મૂળ સુધી પહોંચ્યા વિના, ઉપરછલ્લા સંદર્ભોથી આવા જથ્થાબંધ 'વિચારો' લોક વચ્ચે પ્રસારી રહેતો હોય છે. એ જાણીતી વાત છે તેમાં તર્ક કે ઠરેલપણું લગભગ ઓછું માલૂમ પડે છે. એવો 'વિચાર' ઘણાં બલ-અબલથી પ્રભાવિત હોય છે. ધાર્મિક-રાજકીય-શાસકીય, પરિવારની પરંપરાઓ, સંસ્કૃતિ, વાતાવરણ આવું-તેવું તેમાં 'વિચાર'ની ક્ષણ સાથે જ ઉમેરાઈ જતું હોય છે. ત્યાં સત્યાસત્યનો વિવેક તેથી ભાગ્યે જ કે ઓછો જોવા મળવાનો. કહો કે તેવા 'વિચાર'માં ખુદના પ્રતિબિંબ કરતાં ઇતર પ્રતિબિંબોનો હિસ્સો વધુ હોય છે. ટોળાને આવું વધુ માફક આવતું હોય છે. છેક 'રામાયણ' કાળથી સીતાના ત્યાગ વગેરે પાછળ આવો જ કોઇ 'વિચાર' રામાયણ સર્જી રહેતો હોય છે. રામ જેવાને પણ તે ભ્રમિત કરી રહે છે !
'વિચાર'ની એક બીજી રીત પણ છે. પહેલાને આપણે 'ત્વરિત' વિચાર કહ્યો તો આને આપણે 'વિલંબિત' વિચાર કહીશું ? 'વિલંબિત'નો અર્થ અહીં 'વિલંબ' નથી લેતા. પણ ક્યાંક જોઈ-વિચારીને, વસ્તુને ઠરવા દઇને, વધુ તર્કપૂર્ણતાથી, સાથે વિવેકથી, સત્યાસત્યનો ખ્યાલ રાખી 'વિચાર' ત્યાં થતો હોય છે. અહીં બહુશ: પોતાનું પ્રતિબિંબ તો ઝીલાય છે જ, સાથે એવા 'વિચાર'ને કશાક નક્કર આધારો પણ સાંપડયા હોય છે. કદાચ પેલા 'ટોળા'ને આવો 'વિચાર' ગળે ન પણ ઊતરે, છતાં લાંબા ગાળે આવા 'વિચારો' સમાજને તેના ખુદના હિતમાં સ્વીકારવા પડે છે. ક્યારેક તો એવા 'વિચારો' જીવનસૂત્રો બની જતાં હોય છે. આવા 'વિચારો' પર પણ કોઇકને કોઇક રીતે અન્ય બળોથી અમુક અંશે પ્રભાવિત લાગવાનો સંભવ છે પણ એ બધું ઘણું તો અનુભવના નિતાર રૂપે આવતા 'વિચારો' છે. તેમાં ક્યારેક ખુદનાં નિરીક્ષણો, અભ્યાસ, કે એવી સ્મૃતિમાં રહેલી ઘટનાઓ પણ, પ્રકૃતિદર્શન કે લોકરુચિને પરિશુદ્ધ કરે તેવા તણખા રૂપ 'વિચારો' આવિર્ભૂત થતાં હોય છે. સ્વ અને પર માટે, ખુદના અને અન્યના અસ્તિત્વ માટે, પોતાના અને ઇતરજનના વિકાસ માટેની રેખાઓ પણ ઝગમગતી જોવાય. ઊંડી સમજ માટેનું ભાતું પણ ત્યાં પ્રાપ્ત થઇ રહે.
પણ આ કે આવું કહીએ છીએ ત્યારે પ્રશ્ન તો રહે છે જ. 'વિચાર' જેવી લગભગ અમૂર્ત બનીને રહી જતી પ્રક્રિયા માટે કશાં અંતિમ વિધાનો કરી શકાય તેમ નથી. આખરે તો કોણ વિચારે છે, કેવું વિચારે છે, શા કારણે તે એવું વિચારે છે, તેમાં વિચારનારનો કોઇ છૂપો સ્વાર્થ રહ્યો છે કે કેમ, અથવા તેવો 'વિચાર' કરનાર કશાં બાહર બળોથી પ્રેરિત છે કે કેમ-વગેરે અનેક પ્રશ્નો રહ્યા છે. એ રીતે કહેવું હોય તો ભલે કહીએ કે 'વિચારે છે તેથી તે માણસ' છે. પણ શું અને કેવું વિચારે છે, તેનું વ્યાપક સ્તર શું મૂલ્ય રહ્યું છે, તેવા 'વિચાર' પાછળ જે તે વ્યક્તિની વિશુધ્ધ ચેતના કામ કરે છે કેમ-વગેરે અનેક બાબતો વિચાર માગી લે છે.
આજે ખાટલે મોટી ખોડ તો 'માણસ' 'વ્યક્તિ' તરીકે કશું 'વિચારે' છે ખરો ? તેની વિચારશક્તિ ઉત્તરોત્તર શું કુંઠિત નથી થઇ રહી ? તેના જીવનની અને 'વિચાર'ની ચાલના પર નકારાત્મક બળો શું કબજો નથી લઇ રહ્યા ? ભણેલો વર્ગ પણ શું સ્વવિચારને બદલે કોઇકે ગોખાયેલું નથી વિચારી રહ્યો ? અને જો પોતે-સ્વકીય એવું નથી વિચારી શકતો તો પછી 'માનવ'ની વાત તો ઘણી દૂરની છે પણ 'માણસે'ય છે ખરો. એવો પ્રશ્ન થઇ રહે કે સોક્રેટિસ કે ચાણક્યે તો લોકથી દૂર જઇ સત્યના ખભા પણ માથું મૂકીને 'વિચાર' પ્રકટ કર્યા હતા. સ્થિર વિચાર પ્રગટ કર્યા હતા. પણ એ બધુ હવે આ કે તે ગળપટ્ટા બાંધીને ફરનારા 'માણસ' માટે બહેરા સામે શંખ ફૂંકવા જેવું છે. જ્યોર્જ ઓરવેલે તો વર્ષો પહેલા પોતાની ખુદ્દારી ભરેલી ભાષામાં કહી જ દીધેલું - જો તમે સારુ વિચારી શકતા જ નથી તો પછી તમારા માટે વિચારવાનું કાર્ય કોઇ બીજો જ કરશે.
ફ્રિઝરમાં મૂકી દીધેલા, થીજી ગયેલા, મસ્તકો માટે હવે કોઈક બીજો જ 'વિચાર' કરતું હોય તો પછી 'વિચાર', જેવા અરણ્ય રુદનનો શો અર્થ છે ? વિચારક્ષીણ નરોની નિરંકુશતા એ કદાચ વિશ્વની નિયતિ છે. વિદુરજીને પૂછો...