- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- નાની ઘટનાઓ પણ આપણે ત્યાં હતાશાનું કારણ બની રહે છે ઉપરાંત રોજબરોજની જિંદગીમાં ડગલે ને પગલે બિનજરૂરી બાબતોથી વ્યથિત થવું પડે છે
ક વિ માટે થોડી રમૂજ સાથે કહું તો તે બજવૈયો છે, ખેલૈયો છે, ગવૈયો છે. અનેક પ્રકારનાં નાટકનો તે માહેર છે. આડીઅવળી વાત કરીને ક્યારેક તે મૂળ વાત સાથે જોડી રહી પોતે પાછો છટકી જતો હોય છે. અરે, ક્યારેક તો વિષય જ કંઈક એવો લઈ આવે કે વાચકને થઈ રહે- આવા વિષયનું તો કાવ્ય હોય ? પણ આખું કાવ્ય ખરેખર માણ્યું હોય તો પછી લાગે - વાહ ભૈ વાહ ! કવિ પરખંદો પણ છે જ !
તમે જ કહો 'સાબુ' તો કંઈ કવિતાનો વિષય હોય ? અને ધારોકે હોય તો 'સાબુ'માં એવું તો શું છે કે જે ભાવકને સ્પર્શી રહે. પણ કવિ કવિ છે. જ્યાં આપણે અટકીએ ત્યાંથી તે પ્રારંભ કરે છે, આપણે જ્યાં ગૂંચાઈ જઈએ, ત્યાં તે તેને ઉકેલવાની તૈયારી કરે છે. નિસ્સીમ ઈઝેકિલનું 'સાબુ' ર્જીચૅ કાવ્ય વાંચ્યું ત્યારે હું ય કવિ સાથે થોડોક મજાકિયો થઈ ગયો હતો. સાબુ, સાબુ, સાબુ... શું છે આ સાબુ ? સાબુ તો દરેક ઘર-ગોખમાં પડેલો છે. કપડાં જ નહીં, આપણી ત્વચા સાથે પણ તેનો સંસ્પર્શ રહેલો છે. પણ એ સિવાયના બીજા સંદર્ભો તો તેના આપણે લગભગ જાણતા નથી. કવિ એના એવા ઘટાટોપને બરાબર જાણે છે. વિષયની આડશે તે ફંટાય, ટાઢા ટપકા મૂકે, ભાષાને પણ કંઈક અલગ રીતે પ્રયોજે અને પછી કોઈ એક બિન્દુએ આપણે સ્થિર થઈએ ત્યારે 'સાબુ' તો પ્રત્યક્ષ થઈ રહે પણ આપણી સામાન્ય બુદ્ધિય ત્યાં ઝળહળાં થઈ રહે... !
નાયક તેથી આરંભે જ કહે છે થોડા એક એવા માણસો મળે છે કે તેમનામાં રીતભાતનો છાંટોય હોતો નથી. સભ્યતાની તો વાત જ પછી ક્યાં ? જુઓ તો ખરા જેમ કે મારે એક દિવસે સાબુની અનિવાર્યતા ઊભી થઈ. હું એક નાની દુકાનમાં, કહો કે મારી નજીકની દુકાનમાં જ, તે ખરીદવા ગયો. મેં દુકાનદારને એક સારી કંપનીનો, જાણીતી બ્રાન્ડવાળો સાબુ આપવાનું કહ્યું. દુકાનદારે સાબુ તો મને આપ્યો પણ સાબુ કોઈક રીતે મને બરાબર ન જણાયો. ભળતી જાતનો, ઊણપ ભરેલો પહેલી નજરે જ જણાયો. પરિણામે મેં મારા સ્વભાવ પ્રમાણે, અંગ્રેજી જેટલું મારું હિન્દી સારું નહોતું છતાં હિન્દીમાં વિનમ્ર ભાષામાં વિનંતી કરતાં કહ્યું : 'માફ કરજો, આ જાણીતી બ્રાન્ડનો સાબુ છે છતાં તેમાં કંઈક ભળતું, ઊણપ ભરેલું જણાય છે, બરાબર લાગતો નથી.' પણ દુકાનદાર તો રૂક્ષ ભાષામાં ધમકાવતો હોય તેમ મને ગુસ્સાથી તરત કહેવા લાગ્યો 'અરે, કહો, શું તમને આ સાબુમાં સારું ન લાગ્યું ? ખોટી માથાકૂટ કરો છો !' આમ છતાં હું હસતાં હસતાં કહેતો રહ્યો 'અરે, દોસ્ત ! જો આ સાબુ દેખીતી રીતે જ ભળતી બ્રાન્ડવાળો પ્રથમ નજરે જ દેખાય છે.' પણ તેમ છતાં ગુસ્સે થયેલા દુકાનદારે મારા સત્યને નકાર્યા જ કર્યું અને મારી સાથે જરા પણ સંમત ન થયો. મને પણ તેના આવા બેહૂદા વર્તનથી ગુસ્સો આવ્યો થોડોક ઊંચો અવાજ કરીને તેથી મેં કહ્યું : 'તમે શું અંધ છો ? છતી આંખે પણ જોઈને સત્ય સ્વીકારતા નથી ?' બસ, પછી તો એ ભાઈનો પિત્તો ગયો. બૂમ બરાડા પાડી કહેવા લાગ્યા : 'શું તમે મને અંધ કહ્યો, અરે, આંધળો ? જરા બહાર નીકળો એટલે હું તમને બતાવી દઉં, ખબર પાડી દઉં !' મેં પણ તેની જેમ પછી કંઈક ઊંચે અવાજે કહ્યું : 'તું મને શું બતાવી દેવાનો છે. મેં હજી તારો સાબુ જ ખરીદ્યો નથી પછી કહે જોઈએ ? મારે આવી ભાષામાં વાત નહોતી કરવી, છતાં કરવી પડી.'
પછી તો આપણા ભારતનાં નગરો કે ગામડાંમાં બને છે તેવું જ થયું. જોતજોતામાં એક નાનું ટોળું જિજ્ઞાસાને કારણે એકઠું થઈ ગયું. દુકાનદાર મારા કરતાં કંઈક કદાવર પણ વધુ હતો. વળી ટોળાનું વલણ પણ દુકાનદાર તરફ ઢળતું જણાયું. કહો એક જાણીતી બ્રાન્ડના સાબુમાં કશુંક ભળતું જણાય અને કહેવા યોગ્ય કહ્યું એમાં કંઈ મેં ખોટું તો કહ્યું કે કર્યું નહોતું. પણ જવા દો ને. ભૂંડાથી ભૂત ભાગે એ ન્યાયે મેં પણ ટોળાની સામે જ કહ્યું : 'સારું, સારું આ વખત તો હું આ ખામીવાળો સાબુ લઈ લઉં છું પણ બીજી વખતે તો અહીંથી ખરીદું જ નહીં.'
કહો જોઈએ કેવું કાવ્ય છે ? કાવ્યને નિમિત્તે કથા છે ને ? કથા પણ સરળ - સ્વાભાવિક જણાય છે ને ? અરે, કાવ્યમાં કશું સંદિગ્ધ કે ન સમજાય તેવું પણ નથી. ભાષા પણ જાણે સીધી નાકની દાંડીએ જ આગળ વધતી જણાય. ક્યારેક એમ પણ લાગે કે આ તો દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામાન્યપણે થતો કે જોવા મળતો વાર્તાલાપ કે સંવાદ માત્ર છે. એમ પણ થાય કે આવું તો નાના નાના શહેરો કે ગામડાંની દુકાનોમાં સહજ રીતે બનતું આવ્યું છે. નવું શું છે ? પણ ના, હોં ! આ કાવ્ય છે, સાબુનું કાવ્ય છે, સાથે આપણા સહુની અકોણાઈઓનું પણ, અહમનું પણ, કાવ્ય છે. દુકાનદારના રુઆબનું અને ગ્રાહકની મજબૂરીનું પણ આ કાવ્ય છે. કંઈક કોમિક ટોન પણ છે. સાથે આપણી જીવન પદ્ધતિ, બોલચાલની રીતભાત કે સામાજિક સંદર્ભોની પણ અહીં વાત છે. કેમ બોલવું, ક્યારે શું ન બોલવું કે કેવું બોલવું તેની અહીં વાત છે. બકવાસ જેવી ભાષાના વપરાશની આપણી આદતનો ય અહીં ઉપહાસ છે. નાની નાની ઘટનાઓ પણ આપણે ત્યાં હતાશાનું કારણ બની રહે છે ઉપરાંત રોજબરોજની જિંદગીમાં ડગલે ને પગલે બિનજરૂરી બાબતોથી વ્યથિત થવું પડે છે તે ય સૂચવાય છે. વિનીત, વિનયી વ્યક્તિઓએ પણ એક સાદી વિનંતીની સામે કેવી ક્રૂર ભાષાનો કે ક્રુદ્ધ વ્યક્તિનો મુકાબલો કરવો પડે છે તેને શું આપણે આપણી આયરની કહીશું ?
અહીં તેથી જ 'સાબુ' માત્ર વિષય છે. પણ તેની ફરતે જે કાવ્યઘાટ રચાયો છે તે વ્યક્તિ-સમાજનો છે, તેની ચિંતા ઉપજાવે તેવી વર્તણૂંકનો છે. જુદા જુદા સંવાદના અંશો કે ટુકડે ટુકડે આવતી વિગતો મુખ્ય વિષયથી ભિન્ન છે છતાં તેવી સહાયક વિગતો જ ભાવકને મુખ્ય કેન્દ્ર વિષય તરફ દોરી જાય છે. સાબુ કે ડિટર્જન્ટની પ્રકૃતિ વસ્તુને ચોખ્ખી ચણાક કરી મુકવાની છે, પણ આપણી અંદરની અસ્વચ્છતા કે મેલને ક્યા 'સાબુ'થી ધોઈશું ? અહીં આવતી છૂટક વીગતો એકત્રિત કરીને જોઈશું તો ખ્યાલ આવશે કે આ કૃતિ 'સાબુ'ની છે અને નથી પણ. 'સાબુ'ને નિમિત્તે આપણા ટૂંપણાનું - ભાષા - જીવન - રીતભાત - રહેણીકરણી વગેરેના ટૂંપણાનું - આ કાવ્ય છે.


