Get The App

વણલખ્યું ગુરુપદ... .

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વણલખ્યું ગુરુપદ...                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- ભારતીય જન હજી તેનાં કેટલાંક મૂલ્યો બદલાયાં છે છતાં, પરંપરાને વળગી રહ્યો છે

ભા રત ભારત છે, એકમેવા દ્વિતીય. એની કશે કોઈ સાથે તુલના કરવી એ ભારતને ન સમજવા બરાબર છે. પાંચ હજાર વર્ષ પહેલાં અને આજે પણ - ઇન્ડિયા કહીએ છીએ ત્યારે હજી પેલું મૂળનું ભારતતત્ત્વ ભૂંસાયું નથી, ભૂંસી શકાય તેમ પણ નથી. અહીં વિદેશીઓ આવ્યા, તેમની સંસ્કૃતિને પણ સાથે લાવ્યા પણ અંતે એ બધું ય પેલા ભારતના પ્રવાહમાં ભળીને સમરસ થઇ ગયું છે. એથી ભારત તૂટયું નથી બલ્કે, વધુ ઓજસ્વી બનીને બહાર આવ્યું છે. કહો આ જાદુ શાનો છે ? કયું સૂત્ર એ બધાંને બાંધી રાખે છે ? કોણ તેનો આવો અચલ-અડોલ પાયો નાખવામાં કારણભૂત છે ? અને આવા પ્રશ્નોનો ઉત્તર આપી રહે છે આપણા ઋષિઓ, તેમના ચિરંતનતાભર્યા શબ્દો. આપણા વેદ-ઉપનિષદો, ગીતા, પુરાણો, રામાયણ મહાભારત કે કાલિદાસ-ભવભૂતિ જેવા અનેક સર્જકો- આ બધું ભારતતત્ત્વને સમયે સમયે વળતો આપી રહે છે, બળ પણ. ત્યાં બુધ્ધ-મહાવીર છે, અનેક સંતો કે સંત પરંપરા છે, ગાંધીજી કે ટાગોર અરવિંદ જેવાય છે અને એ સિવાયના પણ અનેક ચિંતકો-વિચારકો.

હા, ભારત બદલાયું નથી એમ નહીં, તેમાં પશ્ચિમનો પવન ફૂંકાયો છે, તેમાં ગ્લોબલ પણ પ્રવેશ્યું છે, હવે એઆઈ આવ્યું છે, હજી પણ આવશે, શાસકો પણ આવ્યા ગયા, તેમની વિચારધારાઓમાં પણ ક્યાંક વિરોધો છે, ક્યારેક ભારત તત્ત્વથી કેટલુંક ઊફરું જતું પણ જોવાય, શ્રધ્ધા ડગી જાય, નિરાશા વ્યાપી રહે તેવુંય અનુભવાય, ભારતીય સાહિત્ય અને એના વિભાવમાં પણ ચઢાવ-ઉતાર આવે, કેટલાંક વૃત્તિવલણોમાં પરિવર્તન પણ જોવા મળે. આમ છતાં ભારત હજી ભારત રહ્યું છે. સરેરાશ રીતે જોઇએ તો ભારતીય જન હજી તેનાં કેટલાંક મૂલ્યો બદલાયાં છે છતાં, પરંપરાને વળગી રહ્યો છે. મૂળિયાં હજી તેની વિચારધારાને કે રહેણીકરણીને પોષી રહ્યાં છે. વિવિધ ધર્મ-જાતિ-ભાષા-પ્રદેશોનું અપાર વૈવિધ્ય હોવા છતાં 'એકત્વ' કે 'એકતા'નો છોડ હજીય લીલોછમ રહ્યો છે. તે લીલો જ રહે તે માટેની તેનામાં હજી એટલી જ ઊંડી ચિંતા સાથે લગન પણ છે. તેનું તેને ગૌરવ પણ છે. એકત્વનો સૂર એ જ તેની કરોડરજ્જુ છે. વિશ્વના રાજનીતિજ્ઞાો, સર્જકો, વિચારકોએ તેના એવા 'એકત્વ'ના ખ્યાલની નોંધ પણ લીધી છે. ભારતને તેના પહાડો, શૃંગો, તેની વિશિષ્ટ ભૂમિ કે નદીઓ વિશે તો ગરુર છે જ પણ આગળ ઉપર ભારત એટલે તમે અને હું, કહો આબાલ-વૃધ્ધ-યુવક-યુવતીએ તેમના વિચારો, તેમની રહેણીકરણી, વૃત્તિ વલણો કર્તવ્ય આ બધું એક પ્રવાહ રૂપે સતત તેમની રહેણી કરણી, વૃત્તિ-વલણો-કર્તવ્ય આ બધું એક પ્રવાહ રૂપે સતત જોવાય છે. ગર્વિલો ઇતિહાસ, મનુષ્યત્વને દેવત્વ સુધી પહોંચાડી શકાય તેવી તેની અનન્ય શ્રધ્ધા અને તે માટેની નિરાગસ વિચારણા અથવા તો ત્યાં સુધી પહોંચવાની ચાવીઓ બધું જ ત્યાં છે.

ભારતની ભૂમિ અને એનો 'લોક' પરંપરાની સમૃધ્ધ સંપત્તિને ખોવા નથી ઇચ્છતાં. ચલિત કરે તેવાં ઘાતક બળો વચ્ચે પણ એ સર્વને સંરક્ષી રહેવા તેના નેક પ્રયત્નો રહ્યા છે. તેનો ઋષિ સર્વને એકતારથી બંધાઈને જીવવાનું કહેતો રહ્યો છે, તેનો શાશ્વત મંત્ર આનંદ અને શાંતિનો છે, બંધુત્વનો છે. તે માત્ર પોતાનું જ નહિ સર્વનું કલ્યાણ ઇચ્છે છે. ભારત, ટાગોર ઘણીવાર કહેતા તેમ; ભારતની સાથે ભારતથી પણ ઉપર ઊઠીને વિચારવાવાળો દેશ છે. એની આ વિચારસંપદાને કારણે જ તે આખાય વિશ્વને એક માળા રૂપે કલ્પે છે, તેથી જ તે 'રું' સદંતર ઑગાળીને 'અમે' ઉપર આવીને ઠર્યો છે. પાપ-પુણ્યની ભાવના તેનામાં હજી રહી છે, નસીબ અને પુરુષાર્થ કર્મને તે સાથે રાખે છે. જિંદગીની ક્ષણિકતાને પણ તે સમજે છે, જન્મ-મૃત્યુ કે સુખ-દુ:ખની ઘટમાળનો તે સહજ સ્વીકાર કરે છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ જેવા ચતુર્થ પુરુષાર્થોથી તેણે મોં નથી ફેરવ્યું ભિન્ન સંસ્કૃતિમાંથી આવતા અમીર ખુસરો, મીરતકી મીર, કે અકબરાબાદીનો શબ્દ પણ ભારતીય સંસ્કારમાં તદ્રપ થઇ ગયો છે. સૂફીવાદ પણ એકત્વ સાથે એકેશ્વરવાદમાં ઓગળી ગયો છે. એકત્વના આ જાદુએ જ ભારતની સીમાઓ અને તેની આગળનું તેનું વૈશ્વિકરૂપ પણ, વિવિધતા ભરી લોક સૃષ્ટિ કે તેમના ધર્મ ભાષા-જાતિનું એક દ્યોતક, માનવજાતને સદા ઉપકારક એવું, વ્યાકરણ રચી આપ્યું છે. ઉત્તરનાં વેદ-ઉપનિષદ દક્ષિણમાં પહોંચી શંકર-રામાનુજથી સંવર્ધાઇ પાછાં ઉત્તરમાં આવ્યાં. રામાયણ મહાભારત ઉત્તરમાંથી મળ્યાં ને આસામ મણિપુરમાં પહોંચી ગયાં. કાશ્મીરી શૈલવાદ તમિલમાં સ્થિર થયો. દક્ષિણમાંથી ઉમટેલું ભક્તિનું મોજું દેશ-ભરમાં પહોંચી જઈ સૌ કોઈનું બની ગયું રહ્યું. આવી ભારતની આંતર સત્ત્વરૂપ એકતા રહી છે. અહીં આવી એકતાની સાથે આપણને વારસામાં આદર્શની સૃષ્ટિ પણ મળી છે. ઇશ્વર બધું સારું જ કરશે, જેવાં કર્મ તેવાં ફળ, જન્મ-મૃત્યુનું કે સમયનું ચક્ર, રુદ્ર અને રમ્ય- આ બધાંનો ભારતીયજનમાં સહજ સ્વીકાર થયેલો છે, તો સાથે માનવવાદનો પણ અહીં પુરસ્કાર થયો છે. માનવ તેના ઊંચા-વિચારો-કર્મોથી, એક ડગલું આગળ ભરતાં, ઇશ્વરનો પર્યાય બની રહે છે તે વાતનો પણ પુરસ્કાર થયો છે. માનવને તેથી આપણો કવિ સર્વથી ઉપર મૂકે છે. પ્રેમ, ભક્તિ, ત્યાગ, સમર્પણ જેવા વિભાવો ત્યાંથી જ પોષણ મેળવતા રહ્યા છે.

ભારત અને ભારતીય સમાજ, એનો 'લોક' આવી એક વ્યાપક સમજ સાથે હજી પણ જીવવાનું પસંદ કરે છે. આજે ઘણું બધું નજર સમક્ષ ઉદ્વિગ્ન કરી મૂકે તેવું છે. છતાં જાતિ-પાતિ-ધર્મના-ભાષાના ઝઘડા ભારતીય જનને પસંદ નથી. હજી સમજદાર સમાજ-પરિવાર પોતાને ભારતીય તરીકે ઓળખવાનું પસંદ કરે છે. ટાગોરે 'ગોરા' અને 'ઘરે બાહિરે'માં એ વાત કરી છે જ. સરોજિની નાયડુ જેવી વિદુષીને તેના માતા પિતાએ હિન્દુ કે બ્રાહ્મણ તરીકે નહીં, પણ એક ભારતીય તરીકે તેમનો ઉછેર કરેલો. ગાંધીજી-ટાગોર-અરવિંદ જેવા કે નહેરુ-રાજેન્દ્રપ્રસાદ 

વગેરેનાં જીવન પણ ભારતીયતાથી જ પરિપુષ્ટ થયેલાં છે. કેટલાકને વિદેશમાં ભણવાનું બનેલું તો પણ...

ઉત્તમ ભારતીય સાહિત્યકારોની કૃતિઓમાં પણ ભારતની આવી ઉત્ફુલ્લ જીવનવિચારની સૃષ્ટિ અનેકરૂપે અવતરતી રહી છે. જે હજી આપણા મૂળિયાંને સંવર્ધવાનું કામ કરે છે. કબીર-મીરાં-તુલસીદાસ કે નરસિંહ તો ખરા જ. સાથે આપણી જાતકકથાઓ કે પંચતંત્ર, કથા સરિત્સાગર વગેરેને પણ યાદ કરી શકાય. ઓડિયાના નવલકથાકાર ફકીર મોહન સેનાપતિની 'છ વીઘાં જમીન'ના ભગિયો-સારિયાનાં નેકટેકને યાદ કરો. હિન્દી સર્જક પ્રેમચંદજીની 'ગોદાન' નવલકથાના હોફી ધનિયાનો જીવન સંઘર્ષ જુઓ, ફણીશ્વરનાથ રેણુની 'મૈલા આંચલ'ના બવનના દેશ સમર્પિત આત્માને વિલોકો, બંગાળના તારાશંકરની 'ગણદેવતા'માં ભારતીય સમાજનું ચિત્ર જુઓ, વિભૂતિભૂષણની નવલકથા 'આરણ્યક'નું અરણ્ય અને વનવાસીને મળો કે આપણી ભાષાની 'સરસ્વતીચંદ્ર' કે 'માનવીની ભવાઈ' વાંચો-ભારતીય જન શું છે, કેવી રીતે જીવે છે, તેનું ત્યાં તાદ્રશ ચિત્ર મળી રહેશે. કન્નડ ભાષાના કારંથની 'નિસર્ગ' કે શિવશંકર પિલ્લેની 'ચેમ્સીન' પણ યાદ કરી શકાય.

આપણે આજના ભારતનું, અમુક અંશે 'ઇન્ડિયા'નું, કંઇક જુદું ચિત્ર જરૂર જોઇએ છીએ. કેટલુંક ખેદજનક પણ લાગે. એ રીતે ભારતના આજના નાગરિકનું ઉત્તરાદાયિત્વ કંઇક વધી જતું જણાય. આપણે આપણી નિષ્ઠા અને નૈતિકતાથી ભરેલી પરંપરાને જરૂરી જણાય ત્યાં શુધ્ધિ-વૃધ્ધિ સાથે આગળ લઇ જવાની છે. ખાસ તો આ વાત જ છેવટે ભારત અને વિશ્વના દેશોનો સાચો પ્રાણવાયુ બની રહે તેમ છે. ભારતીય જન તરીકે એ પણ સંકલ્પીએ કે હું જાતિ-ધર્મ-પ્રદેશથી દશઆંગળી ઊંચો એવો ભારતીય છું. ટકોરાબંધ ભારતીય. એ જ ચિરંતન તત્ત્વ મારું ગૌરવ છે અને વણલખ્યું સદાકાળનું ગુરુપદ છે. ભારતીયતા આખું આકાશ છે, આખી પૃથ્વી છે, સંપૂર્ણ માનવ છે...સંપૂર્ણ સંવાદ છે, સંપૂર્ણ સ્વીકાર છે.