Get The App

એ 'જાદુગર' ને મળો... .

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
એ 'જાદુગર' ને મળો...                                        . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- શબ્દ માત્ર માયનો નથી, આયનો પણ છે તે વસ્તુ ખાસ સ્મરણમાં રાખવા જેવી છે. હકારાત્મકતાનાં દ્વાર પણ તે ખોલે છે તો નકારાત્મકતાનું નરક પણ એજ સર્જી રહે છે

ક બીરની 'શબ્દ' વિશે એક વાત બહું જાણીતી છે. તેમણે કહેલું 'શબદમાં જિનકો ખબરાં પડે' - અર્થાત્ શબ્દમાં જેઓને સાચી ખબર પડે છે તેનો બેડોપાર થઈ રહે છે, અને 'શબ્દ'ની જો સાચી સમજ વિના તેનો પ્રયોગ થાય તો સઘળું રસાતળ થઈ રહે છે. 'મહાભારત' અને 'રામાયણ' જરા ઝીણું જોનારને લાગશે કે 'શબ્દ'ના દુષ્પ્રયોગને કારણે જ જન્મ્યાં છે.

'શબ્દ' વ્યવહારમાં કે લેખનમાં જ્યારે જ્યારે પ્રયોજીએ છીએ ત્યારે ત્યારે પેલી સાચી  'ખબરાં' હોવી જોઈએ. તમે કે હું શબ્દ વિશે જેમ જેમ વધુ ને વધુ વિચારીશું તેમ તેમ લાગવાનું કે શબ્દ શક્તિ છે, તો સીમા પણ છે ; નિસરણી છે તો લપસણી પણ છે; ખટરાગ છે તો રાગ પણ છે; આગ છે તો ફાગ પણ છે; દર્દ છે તો દવા પણ છે; ઓજ છે તો બોજ પણ છે; દીક્ષા છે તો શિક્ષા પણ છે; ગતિ છે તો અવગતિ પણ છે; સર્જન છે તો વિસર્જન પણ છે; સંવાદ છે તો વિવાદ પણ છે; અભેદ રચે છે તો ભેદ પણ ઊભા કરે છે. માત્ર એ શબ્દનો માણસ કઈ રીતે, કેવા દ્રષ્ટિકોણથી તેનો ઉપયોગ કરે છે તે મુદ્દા પર સઘળી વાત અવલંબે છે. શબ્દ ઊર્જા જરૂર છે, પણ એ ઊર્જાને કયા માર્ગે વાળો છો તે અગત્યનું છે. આપણા ચારિત્ર્ય સાથે, આપણા વિચાર સાથે, આપણી ક્રિયાશીલતા સાથે આપણા સંવિદ્ અને સંસ્કાર સાથે તેનું અનુસંધાન રહ્યું હોય છે. શબ્દ માત્ર માયનો નથી, આયનો પણ છે તે વસ્તુ ખાસ સ્મરણમાં રાખવા જેવી છે. હકારાત્મકતાનાં દ્વાર પણ તે ખોલે છે તો નકારાત્મકતાનું નરક પણ એજ સર્જી રહે છે.

આ કે આવું બીજું કંઈક શબ્દ વિશે વિચારું છું ત્યારે મારા સ્મરણમાં એક નાની શી પણ ઘણી દિશાસૂચક કથા આવી રહે છે. અમેરિકાની એક જાણીતી શાળામાં એકવાર પ્રવેશ માટે કોઈ બાળક જાય છે. શાળાના નિયમ પ્રમાણે ત્યાં થોડીક પ્રશ્નોત્તરી થઈ. બધું તેમાં એ નાનકડા બાળકને અનુકૂળ જ પૂછાયું હતું છતાં બાળકના ઉત્તરો શાળાના સંચાલકો કે પ્રશ્નોત્તરી કરી રહેલા શિક્ષકોને રાજી ન કરી શક્યા. શાળાના એ શિક્ષકોએ એક કાગળ લખી, કવરમાં બંધ કરી પેલા બાળકને આપ્યો અને કહ્યું કે 'ઘેર જઈને તું તારી માતાને આ કાગળ આપી દેજે અને માતાને કહે જે કે કાગળ તારી સમક્ષ મોટેથી વાંચે' બાળક તો માતાનું નામ સાંભળતાં અને માને ચિઠ્ઠી આપવાની છે એ વાત જાણીને નાચતું - કૂદતું સીધું પોતાને ઘરે પહોંચી જાય છે. શાળામાં પ્રવેશ પાકો થઈ ગયો છે તેવું પણ બાળકે માની લીધું હતું. બાળકે ખિસ્સામાંથી સીલબંધ કવર કાઢી આનંદથી માતાને આપ્યું સાથે શિક્ષકે મોટેથી વાંચવા માટે કહ્યું હતુ તે પણ જણાવ્યું. મા પણ કવર હાથમાં લેતાં રોમાંચિત થઈ ઊઠી. ખાસ તો દીકરાને એક ઘણી મોટી-જાણીતી શાળામાં પ્રવેશ મળી ગયો છે તેવું સમજીને માતાએ કવર ખોલ્યું, પત્ર પર એક નજર ધ્યાનથી નાખી. શબ્દે શબ્દને વાંચી લીધો. સાથે હવે પત્રને મોટેથી, પોતાના દીકારા સામે જ વાંચવાનો છે, તેનું ય ધ્યાન રાખી તેણે પત્ર અટક્યા વિના વાંચવા માંડયો...  પોતાની રીતે...

માતા વાંચતી હતી કે 'અરે, તમારો દીકરો તો ઘણો પ્રતિભાશાળી છે, લાખોમાં એક છે. તેની આ ઉંમરે પણ જે સૂઝ-સમજ છે તેનાથી અમે ચકિત થઈ ગયા છીએ. અમે ઈચ્છતા હતા કે તમારા તેજસ્વી પુત્રને અમારે ત્યાં જ પ્રવેશ આપી દઈએ, અને અમે પણ ગૌરવશાળી બનીએ. પણ ખેદ એ વાતનો છે કે તમારા પુત્રની હોંશિયારી, આવડત અને ઊંચી પ્રતિભાને આગળ વધારે એવા શિક્ષકો અમારી શાળામાં નથી તેથી અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તમારા જ ઘેર એને શિક્ષણ આપવાનું શરૂ કરો, એક દિવસ તે તમારું અને આખા અમેરિકાનું નામ રોશન કરશે.' માતાએ મલકાટ ભર્યા ચહેરે કહ્યું ઃ 'બેટા, કાલથી હું જ તને ભણાવીશ, હું જ તને તૈયાર કરીશ. તારા જેવો તેજસ્વી દીકરો મળ્યો હોય તો માતા તરીકે મારી ફરજ છે કે તને હું જ તૈયાર કરું.' માતાએ દીકરાને ભણાવવામાં ક્યાંય કસર ન રાખી. વ્રતબધ્ધ બનીને તેણે દીકરાને તેના રસના વિષયોમાં પારંગત કર્યો, જરૂર પડતાં બીજા શિક્ષકોની મદદ પણ લીધી. અને બાળક જોતજોતામાં પુખ્ત થઈ જતાં અડોશપડોશ અને નગરમાં પણ તેની વાહવાહ થવા લાગી. માતાનું હૃદય અંદરથી નાચતું થઈ ગયું, જીવનની બધી કૃતાર્થતાનો તે અનુભવ કરી રહી. એ બાળકનું નામ હતું - થૉમસ અલ્વા એડિસન (૧૮૪૭-૧૯૩૧) અમેરિકામાં જ નહીં, આખા વિશ્વમાં તે પ્રખ્યાત થયો. એક અન્વેષક શોધક તરીકે સાથે એક વેપારી તરીકે પણ. આધુનિક જનજીવનને તેણે વધુ સમૃધ્ધ કરી આપતી શોધો કરી. ખાસ તો અગ્નિથી પ્રકાશિત બલ્બ, મોશન પિક્ચર કેમેરા તેમજ ફોનોગ્રાફ, તેમજ ટેલિગ્રાફ અને ટેલિફોનમાં કરેલા ઉપયોગી સુધારાને કારણે ધ્વનિરેકોર્ડિંગ અને તેને વગાડવાની વિશ્વની પ્રથમ પધ્ધતિની શોધ કરનાર એડિસનને લોકો 'મેનલો પાર્કનો જાદુગર' તરીકે ત્યારથી ઓળખતા થયા હતા. હા, તે જાદુઈ પ્રતિભાનો જાદુગર હતો.

એડિસનનાં માતા તો તે પછી મૃત્યુ પામે છે. પણ એક દિવસે પોતાના ઘરની સાફસૂફી વખતે એડિસન બધું ઉપર - તળે કરી રહ્યા હતા ત્યારે માતાએ સાચવી રાખેલો એક બટવો અને તેમાં ચૂંથાયેલી ચિઠ્ઠી મળી. એડિસન પોતાના બાળપણમાં નિશાળેથી આપેલી એ ચિઠ્ઠીને ઓળખી ગયો તેણે ચિઠ્ઠી ખોલી - વાંચી અને તે અવાક્ થઈ ગયો. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે - 'તમારો પુત્ર ઘણો નબળો છે, કોઈકાળે તે ભણી શકે તેવો નથી. મંદબુધ્ધિ ધરાવે છે. માટે અમે અમારી શાળામાં તેને ધરાર પ્રવેશ આપી શકીએ તેમ નથી. તમે આ સત્ય સમજશો તો તમારા અને બાળક બંને માટે સારું લેખાશે.' ચિઠ્ઠી વાંચી એડિસન ઊંડા વિચારમાં પડી ગયો. માએ ચિઠ્ઠીમાં જે કંઈ લખ્યું હતું તેનાથી જુદું જ કહીને મને પ્રોત્સાહિત કર્યો હતો. અરે, મા! તેં તારા શબ્દોના જાદુથી અને મારા માટેની તારી શક્તિ-ભક્તિથી, તે તો મને કાદવમાંથી કમળ જેવો આકાર આપી દીધો! ઓ મા! તારા સકારાત્મક શબ્દોએ તો મારી જીવનધારા - વિચારધારા બધું બદલી નાખ્યું ! મા! તારો ઉપકાર, તારી સમજ, તારી આવી 'શબ્દ'ની 'ખબરાં'ની વાત તને સંભળાવવી છે - મોટેથી, પણ તું હયાત નથી! તેં મને શિક્ષકોની જેમ મંદબુધ્ધિનો લેખ્યો હોત તો હું આજનો એડિસન હોત ખરો ?

- તારા શબ્દો પ્રકાશ બની ગયા મા !

Tags :