Get The App

રામાયણ : અક્ષુણ્ણ સંપત્તિ .

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
રામાયણ : અક્ષુણ્ણ સંપત્તિ                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- જંગલમાં રહી યજ્ઞો કરી રહેલા ઋષિઓ, તેમની વિદ્યાપિપાસાને ઈશ્વર સાથેની તેમની એકાત્મકતાનું કારણ તો છેવટે શાંતિ અને સંવાદ હતાં.

આ પણે અગાઉ જોયું છે તેમ, રામાયણ એક અંતવિહોણી કથા છે. સમયે સમયે તેથી જ તેનાં નવાં અર્થઘટનો શક્ય બને છે, નવાં સમીકરણો પણ મંડાતાં રહ્યાં છે. એક યુગની નહીં સર્વયુગની એ કથા છે. માત્ર ત્યાં માનવનો જ ખ્યાલ રખાયો છે એવુંય નથી. માનવેતર સૃષ્ટિ પણ નિરંતર ધબકતી રહી છે. માનવ સાથે તેનું બહુશ: પ્રત્યક્ષ તો ક્યારેક અપ્રત્યક્ષ જોડાણ રહ્યું છે. એ રીતે અહીં વૈશ્વિક સ્પંદ કે વૈશ્વિક ધબકાર સંભળાય છે. જે આખા કોસ્મોસને લક્ષે છે. એમાં જીવી રહેલી અનેક જાતિઓ-પ્રજાતિઓનાં કુળ-મૂળ છે, સદ્-અસદ્નાં દ્વંદ્વ છે, સર્જન-વિનાશની ચિત્રાવલિ છે, તેમની ભદ્ર-અભદ્ર ચાલનાઓ છે, સુરત્વથી અસુરત્વ સુધીનો વ્યાપ છે, તદન્વયે ભાષાનાં પણ બહુલ રૂપો છે. પ્રકૃતિ... જડ-ચેતનની અપાર લીલાઓ છે. કહો કે અહીં કોઈ ઈચ્છે તો વત્તે ઓછે અંશે પોતાની કુંડળી શોધી રહે તેમ છે. માણસ પોતે કોણ છે, પ્રકૃતિ શું છે, વૈશ્વિક સંતુલન શું છે, હેય શું છે ને પ્રિય કે પ્રેય શું છે, આનંદ કે વિષાદ, સુખ-દુ:ખ શું છે - આ કે એવું ઘણું અહીં સહજ રૂપે ઊઘડતું આવ્યું છે. કહો કે ખાંખાખોળા કરનારને સંશોધનનો એક વધુ મુદ્દો અહીં મળી રહે તેમ છે અને એ છે નૃવંશશાસ્ત્રનો. માનવવંશ-વેલો, વિભિન્ન જાતિઓનો વંશ, એની સમ્યક્ ઓળખ, પૂર્વાપર, એમ ઘણું પ્રાપ્ત થઈ રહે. નૃવંશવિદ્યાની રામાયણમાં વિપુલ પ્રમાણમાં સામગ્રી ખોળી શકાય તેમ છે. અહીં જે રીતે મનુષ્યાલોક છે, આદિજાતિ લોક છે, વાનરસેના, પશુ-પ્રાણીની સૃષ્ટિ છે અને સમયે સમયે જોવા મળતાં તેમનાં સંખ્યાબંધ રૂપો-કથામાં જે રીતે વણાતાં ગયાં છે - એમાંથી તેમના જે સંસ્કાર- સંસ્કૃતિ નજરે પડે છે તે નૃવંશશાસ્ત્રીઓને અભ્યાસ માટે ઉત્તેજિત કરી રહે તેમ છે. વળી મનુષ્યથી ઈતર એવું આ જગત અહીં મનુષ્યચેતના સાથે જોડાતું આવ્યું છે, મનુષ્ય પણ એની સાથે જોડાતો રહ્યો છે એ બધી ઘટનાઓ પણ- વિશ્વ પરસ્પર કેવું મૂળે જોડાયેલું રહ્યું છે - એ વાત પણ સ્પષ્ટ થતી આવે છે. શબરી- કેવટ- ગુરુ, તેનું રાજ્ય - તેના નાવિકો, સુગ્રીવ, હનુમાન- બાલી- વિભીષણ- રાવણ કે તેનો પરિવાર અથવા ખુદ વાલ્મીકિ- આ સર્વના અંશ-વંશનો જુદે જુદે ખૂણેથી, સમૂળ અભ્યાસ કરનારને પારાવાર રહસ્યો સંપડાવી આપે તેમ છે. રામાયણનાં કેટલાંક પુરાકલ્પનો, શાપના પ્રસંગો, કેટલીક ચમત્કારિક ઘટનાઓ, અથવા રૂઢ માન્યતાઓ એ બધું પણ તેવા અભ્યાસમાં પરોક્ષ રીતે ઉપયોગી બની રહે તેમ છે. અરે, રામાયણનાં પ્રમુખ માનવપાત્રોની વિવિધ સમયે ન સમજાતી જીવનચાલનાની ગૂંચો પણ ઉકેલી શકાય.

રામાયણની ભાષા અને અને અન્ય વિદ્યાઓના ઉલ્લેખો પણ જુદા સ્તરેથી ધ્યાન ખેંચી રહે તેમ છે. જંગલમાં રહી યજ્ઞાો કરી રહેલા ઋષિઓ, તેમની વિદ્યાપિપાસાને ઈશ્વર સાથેની તેમની એકાત્મકતાનું કારણ તો છેવટે શાંતિ અને સંવાદ હતાં. રઘુકુલની રાજનીતિ માનવતાસભર હતી છતાં રામની સમુદારતા લક્ષ્મણને મરણાસન્ન રાવણ પાસે રાજનીતિના પાઠ શીખવા કેમ સંકેત કરી રહે છે તે સમજવા જેવું છે. હનુમાનજી વાનરકુળમાંથી આવે છે છતાં તેમની ભાષાનું સૌંદર્ય રામને કયા કારણે સ્પર્શી ગયેલું તેય જાણવું રહે. અરે, હનુમાનજી રાવણના દરબારમાં પ્રવેશ કરે છે ત્યારે વાલ્મીકિ હનુમાનજી પાસે રાક્ષસરાજ રાવણ માટે 'સર્વલક્ષણયુક્તતા' એવું કહેવડાવે છે તેનીય સાભિપ્રાયતા રહી છે. રામાયણની ભાષાનો મુદ્દો પ્રશિષ્ટકૃતિની ભાષાનું આખું વ્યાકરણ રચી આપે તેવો છે.

સુશાસન કોને કહેવાય, સાચું લોકતંત્ર કેવું હોઈ શકે અને રાજા કે રાજત્વ પણ કેવાં હોય તેનાં ઉજ્જવલ દ્રષ્ટાંતો પણ અહીં મળી રહે તેમ છે. માત્ર પરિવારધર્મ જ નહીં, - અર્થાત્ રાજધર્મ, સુરક્ષાધર્મ, સમાજધર્મ, મિત્રધર્મ વગેરે- સમગ્ર જીવનધર્મ- કેવો હોય તેનાં પણ પ્રબળ નિદર્શનો અહીં છે. અહીં રામ-સીતા-લક્ષ્મણ - ભરત-હનુમાન જેવાં પ્રમુખ પાત્રોની આસપાસના કથાદોરથી કે કથાથી તે લગભગ સર્વપરિચિત છે જ, કેટલાંક ગૌણ પાત્રો પણ લોકજીભે ચઢેલાં છે. છતાં આ પાત્ર સૃષ્ટિમાં કેટલાંક પાત્રો એવાં છે કે આપણને વારંવાર તે વિશે વિચારવા તકાજો કરે. તેનાં કારણો પણ રામાયણમાંથી જ કદાચ મળી રહે, જરૂર પડયે રામાયણની બહાર પણ જઈ તેમને જોવાં પડે. હજી સમજાતું નથી કે દીકરી શાંતાના જન્મને દશરથે રાજ્યના દુષ્કાળ સાથે કેમ જોડયો હશે અને તેય જીવનભર !

શત્રુઘ્નનું પાત્ર ઠીક ઠીક પશ્ચાદભૂમાં રહેવાનું કારણ પણ મળતું નથી. કૈકેયી કે મંથરાને એક સ્ત્રી તરીકે પેલા બહુચર્ચિત પરિઘની બહાર નીકળી જોઈએ તો ? ઊર્મિલાનું પાત્ર કેમ આંખ ભીની કરી રહી છે ? શબરી કે કુંભકર્ણનાં, અહલ્યાનાં પાત્રોને બીજે છેડેથી જોઈ શકાય ? એવોય પ્રશ્ન થાય. પણ એ સર્વાધીનોને કલાસિક કૃતિ છે ! મહાકાવ્ય એવી કૃતિઓ જ પ્રશ્નો ઊભા કરે, આ કે તે, જીવન કે ભાષાના, જ્ઞાન કે અજ્ઞાનના, પ્રારબ્ધ કે પુરુષાર્થના, ગતિ કે 

અવરોધના. વાત છેવટે વળ લે છે - એવી સંકુલકથાઓ, સંકુલ જીવનલીલાઓને તાકે કે તાગે છે એની. વિશ્વ જ્યારે જ્યારે વિતથ પથ પર ચાલી સ્વૈર બનતું જાય છે ત્યારે આવી મહાન કૃતિઓ જ તેને દિશા સૂઝાડે છે, તેને પ્રેરણા આપી રહે છે, તેને માટે આશાની દિશાઓ ખોલી આપે છે, માનવ અને સૃષ્ટિને તેના મૂળતત્વનો પરિચય કરાવી રહે છે, તેની આંતર સમૃધ્ધિને દ્રઢાવી રહે છે. રામ કે સીતાનું ભરત, લક્ષ્મણ કે હનુમાનનું, કૌશલ્યા કે ઊર્મિલાનું  - પાત્ર આજેય માનવીય ચેતનાને સંકોરી રહે છે.

રામ એ દશરથે કરેલા પુત્રી યા ઈષ્ટિ નામના અગ્નિ યજ્ઞાનું પરિણામ છે, તો સીતા અયોનિજા ધરતીપુત્રી છે.

જન-વન વચ્ચે વધુ જીવ્યા છે, સીતા લગભગ પ્રકૃતિ વચ્ચે વધુમાં વધુ જીવ્યા છે. બંને પાત્રોનો વિલય પણ કંઈક જુદો છે. બંને પાત્રોમાં વધુ ઊંડે ઊતરતાં લાગે કે મહાકાવ્યના નાયક-નાયિકા કેવાં હોય, હોઈ શકે.

એક બોધ, એક સ્રોત, વલય, ઓરા કે ઊર્જા રૂપે તે પ્રત્યક્ષ થઈ રહે છે. માણસને એ બધું સત્ત્વસભર કરી રહે છે. વિશ્વના માનવની વાત તો ત્યાં છે જ, પણ સાથે ભારતીય ચેતનાને ય સમયે સમયે વિશુદ્ધ અને ઊજળી રાખવાનું કામ તેણે કર્યું છે.

રામાયણની કથા અને તેનું દરેક પાત્ર પોતાની રીતે કાં તો માનવતા ગુણ કાંતો તેના અવગુણને પ્રકટ કરી, યુગે યુગે માનવત્વની સમજ વિસ્તારવાનું કાર્ય કરતાં રહ્યાં છે. રામાયણ આપણી અક્ષુણ્ણ સંપત્તિ છે, માનવત્વની ગુરુકિલ્લી છે, સ્વત્વ બોધનું શિખર છે.