Get The App

ઓ, પ્રેમ ઘેલા! .

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ઓ, પ્રેમ ઘેલા!                                     . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- અજવાળાં-અંધારાંનો પકડ દાવ ચાલી રહ્યો હોય તેવું ય જણાય. 'સમાનો મન્ત્ર' વાળી વાત વિસરાતી પણ જણાય.

અ તિ પ્રિય એવા ઓ અનામ ! આમ તો ઓ અનામ ! તું નિત્ય સ્મરણમાં આવે છે. તારું અનેક સ્થળે અનેક રૂપે પ્રકટીકરણ નિહાળી હું એક બાળકની જેમ રાજીપો અનુભવું છું. થાય છે કે તું ક્યાંય નથી, અને તું જ બધે છે. તારું જ બધે મૌન છે અને સઘળે વાણી પણ તારી છે. એમ પણ કહું કે તું તો બધાંને નૃત્ય કરાવી રહ્યો છું. તારા ખેલ અપાર છે. તું શબ્દ છે કે પ્રતિઘોષ, તું ચાલે છે કે સ્થિર છે, તું સક્રિય છે કે અક્રિય, તું કર્તા છે કે સ્વામી છે કે પછી હર્તા છે - એ કશું નક્કી કરી શકાતું નથી. તું સાચ્ચે જ તું છે. મધુર, મોહક અને મુત્સદ્દી પણ...

જો પત્રના આરંભે જ ઓ અનામ ! તને કહી દઉં કે મને તારી પ્રાર્થના - બ્રાર્થના આવડતી નથી. તને આશ્ચર્યગરક થઇ માત્ર પ્રણામ કરી શકું છું. આજુબાજુના કોલાહલને ભૂલીને ત્યારે તને, તારી ભીતર, તું જે તાર છેડી રહ્યો છે એ સર્વ સાથે હું એક થવા પ્રયત્ન કરું છું. ક્યારેક તારી સાથેનું એવું એકત્વ પૂરેપૂરૃં સધાતું નથી ત્યારે તારા પ્રત્યેના લગાવવાળાં રાધા-મીરાંને પૂછી જોઉં છું. તેઓ પણ ઝાઝો શબ્દવરો કરતાં નથી. માત્ર 'પ્રેમ' કહીને અટકી જાય છે. પછી હું જમુનામાં લાખો કબીર વહી ગયા એવી કબીરની પંક્તિને યાદ કરું છું. કબીર કંઇક વધુ ફોડ પાડીને કહે છે. રાધાનો પ્રેમ જ રાધાની ઓળખ.

બસ, મારા માટે પણ ઓ અનામ ! હું માનું છું કે આ એક માત્ર તો સાચી ચાવી છે. તારી પાસે તો રોજ કરોડો કરોડો માણસો અનેક માગણીઓ અને કદાચ લાગણી પણ લઇને આવતા હશે. બધી વખત તું ત્યારે ન સમજી શકાય એવું અકળ પણ મરક મરક હસતો હશે. તારી પંચેન્દ્રિઓને તું ત્યારે તીવ્ર, અતિ તીવ્ર કરી રહેતો હશે. કારણ કે તારે પણ અમારી ભીતરની ગડમથલ તો સમજવી પડતી હશે ને ? કવિ રિલ્કેની જેમ મને પણ એકથી વધુ વાર પ્રશ્નો થયાં છે : અરે, અનામ ! તું થાકી ગયો હશે, તારા નાજુક ચરણ પણ દુ:ખતા હશે, તું પણ થોડોક વિસામો ઇચ્છતો હશે. પણ ત્યારે ફરિયાદ કરનારા કરોડો કરોડો ભક્તોની ભીડમાં ક્યાંક તું ઘેરાઈ ગયેલો હશે. તારે ત્યારે શતાવધાની નહીં, સંખ્યાતીત અવધાની બનવું પડતું રહે. તારી દુ:સહ સ્થિતિની હું કલ્પના કરું છું. ક્યારેક થાય છે કે ભીડની બહાર તારો હાથ પકડીને તને બહાર ખેંચી લાવું. તારા મસ્તક-ચરણને ધીમા હાથે દબાવી આપું. ઉષ્ણ જલથી તારો થાક ઊતરે એ રીતે સુગંધિત દ્રવ્યો સાથે તું સ્નાન કરી લે તેવી વ્યવસ્થા કરું. તારી સાથે તને અનુકૂળ હોય તો મોગરા જેવી સુગંધવાળા ખાસ પસંદ કરીને મેં બાજુ પર રાખેલા શબ્દોની તારી પાસે લે-આપ કરું. મારે તે બધી વખતે ક્ષણે ક્ષણની તારી ચેષ્ટાઓ નિહાળવી છે. તારું મંદ સ્મિત, તારી ભૃકુટિ-ભ્રમરની મૃદુ હલચલ, તારા ઓષ્ઠનો ત્યારે જે વળોક હોય તે, તારી દંતપંક્તિ, તારી આંગળીઓના નખમાંથી ફૂટતાં તેજ કિરણો તારાં કુંડળ, તારે મસ્તકે વિરાજી રહેલું મોરપિચ્છ અને તારા ગૌમુખમાંથી દડી આવતી જલધારા જેવી થોડીક મોહક શબ્દાવલિ... અને તારી અનૂઠી વેશભૂષાને તો ટગર ટગર જોયા જ કરું ડિલ-દિલ બધું જ પ્રત્યક્ષ કરી રહું. અને તારા માટેનો અઢળક પ્રેમ પછી નિ:શબ્દ રહી 'માત્ર તું' કહીને તારા કર્ણમાં સંક્રાન્ત કરી રહું... અનામ ! એ ક્ષણની મારી ઝંખના છે.

અનામ ! મારી પ્રાર્થના કંઇક એવી છે, ઢંગધડા વિનાની, શાસ્ત્રકથનથી વિપરીત, સાધુસંતોથી ઊફરી. તું સંભવ છે કે મારી આવી પ્રાર્થનાનો અસ્વીકાર પણ કરે. એવું બને તો રખે માનતો કે તારી પ્રાર્થનાને હું વિફળ માની લઈશ. હું તો આ સઘળું તારામાં ખોવાઈ જવા જ કરી રહ્યો છું. ખોવાઈ જનારને પછી ચિંતા શાની ? મને તો એક વાતમાં પૂરી શ્રદ્ધા છે. નવું ડગલું ભરું છું, નવી ચાલે ચાલું છું, નવી દિશા પ્રત્યે મીટ માંડું છું. ત્યારે તું મારી સાથે જ હોય છે. એવી સહસ્થિતિમાં જે કોઈ સહજ ઉદ્ગારો નીકળે છે એ જ મારી પ્રાર્થના હોય છે અને જો, એ શબ્દો તેં સાંભળ્યા હશે કે કેમ ? તેં એની નોંધ લીધી હશે કે કેમ ? તું એ વિશે શું ધારશે કે શું વિચારશે ? તેની હું લગીરે ચિંતા કરતો નથી. કારણ કે મને મારામાં દ્રઢ શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને તારામાં અખૂટ વિશ્વાસ છે. બસ, ત્યાં બધાં શાસ્ત્રો ફિક્કાં પછી પડી જાય છે.

અનામ ! તારી સાથે એવી પાક્કી દોસ્તી રહી છે. જન્મની સાથે રડવાનું ય તેં શીખવ્યું છે અને પછી હસવાનાં ને આનંદનાં નિમિત્તો પણ તેંજ પૂરાં પાડયાં છે. રાધાની જેમ મારા ચરણ નીચેની ધૂળમાં પણ અનામ ! તું જ ક્યાંક છુપાયેલો છે. આજે અનામ ! પત્ર રૂપે આ પ્રાર્થના કરી રહ્યો છું તેમાં મારો આશય તો તારી સતત ટહુક્યા કરતી સ્મૃતિઓનું સ્મરણ કરવું એ જ છે. તેં આંખ આપી છે, કાન આપ્યા છે, જીભ આપી છે, હાથ-પગ આપ્યા છે અને હૃદય - મસ્તક પણ આપ્યાં છે. આ બધાંનું હું કૃતજ્ઞાતાપૂર્વક અભિવાદન કરતો આવ્યો છું. પણ ઓ અનામ ! આસપાસ બધું કંઇક પરિવર્તન પામતું જણાય છે. તેં આપેલા વરદાન જેવાં અંગોની દિશા ક્યાંક ફંટાઈ ગયેલી લાગે છે. અજવાળાં-અંધારાંનો પકડ દાવ ચાલી રહ્યો હોય તેવું ય જણાય. 'સમાનો મન્ત્ર' વાળી વાત વિસરાતી પણ જણાય. અલબત્ત, આ બધું તારા ધ્યાનમાં નહીં હોય એવું તો કેમ બને ? પણ સાથે તે આપેલી ધરપતેય છે : જે થયું છે તે સારું છે, થઇ રહ્યું છે તેય સારું છે, થનાર પણ સારું છે. તારું આ વચન વિચલિત થતાં મને રોકે છે. તારી વાણી મર્માળી છે તું ક્યારેય કશેક તરડ-મરડ કરી સમુંસુતરું કરી રહે તેમ છે - એ કંઇ વિશ્વથી અજાણ્યું નથી. પત્ર લખું છું એટલે થોડુંક આવું ય ટપકાવ્યું. પણ અનામ ં! કશી ફરિયાદ નથી તું મતવાલો છે. પ્રેમઘેલો છે. તારાં લય અને સંગીતમાં બધું સમાવિષ્ટ થઇ ગયું છે. તું તો અનામ ! જબરો નટખટ છે. તરત જ કહેશે : હું તો તારી અંદર છું, વધુ ઊંડે, વધુ ઊંડે ઊતર, મૌન ધારી મારા ગુંજનને માણી રહે - શબ્દાતીત, સમયાતીત - અકલેશ, અભેદ... બાકીનું સઘળું યથા સમયે સંભાળી લઇશ, અહીં-તહીં બધે જ ...!

લિ - તારો -

હું એક અનામ ચાહક

Tags :