Get The App

રામાયણ એટલે રામાયણ... .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
રામાયણ એટલે રામાયણ...                         . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- મીરાં જેવી સંતકવયિત્રીને પણ 'રામ રમકડું જડિયું' એવી સંવેદના થઇ છે. કૃષ્ણ પ્રેમમાં મતવાલી મીરાંને રામ એક ખુશી આપતા, આનંદ આપતા 'રમકડું' રૂપ જણાયા છે

હા. રામ એ રામ જ છે. રામાયણ રામાયણ જ છે. આપણે ભલે તેને હિન્દુ કે હિન્દુધર્મ સાથે જોડીને જોતા હોઈએ. બાકી, વાસ્તવમાં તે વૈશ્વિક કાવ્ય છે. વ્યાપક માનવતાનો તેમાં સંસ્પર્શ થયેલો છે. સભ્યતા અને સંસ્કૃતિનો તેમાં જણાતો ઊંચો આંક માનવમાત્રને લાગુ પડે છે, કહો કે માનવમાત્રને તે પ્રકટ કરી રહે છે. સરયૂમાં જળસમાધિ પછી પણ રામ તો વિભિન્ન રૂપે પ્રજાચેતનામાં વિવર્તાતા રહ્યા છે. રામની કથા પર સૌ કોઇએ પોતાનો સરખો અધિકાર માન્યો છે. એનું પ્રત્યક્ષ પરિણામ હજારો સાલથી આપણે જોઈ રહ્યા છીએ. તુલસીએ તેમાં શુધ્ધિ-વૃદ્ધિ કરી જનભાષામાં માત્ર રામ જ નહીં રામનું અયણ પોતાની રીતે દર્શાવ્યું. એ કથાના અપ્રતિહત પ્રભાવને કારણે જે બૌદ્ધ અને જૈન ધર્મોએ પણ પોતાનાં રામ-રામાયણ જગત સામે પોતાની રીતે મૂક્યાં છે અને આગળ વધીને કહીએ તો વિવિધ પ્રાંતોમાં, તેના લોકસાહિત્યમાં રામ, રામની કથા કે તેનાં કેટલાક ચુનંદાં કથાનકો, ગીત રૂપે, વાર્તા કે કથારૂપે અવતર્યા છે. એ સર્વમાં રામ કે રામકથાને નિમિત્તે તેમાં પોતાની સંવેદનાઓ ઉમેરી, માનવીય સ્પંદ અને છંદને તેમાં એકાકાર કર્યા. રામ-સીતા કે બીજાં પાર વિનાનાં કથાનકો સાવ નોખા દ્રષ્ટિકોણથી લોકે પોતાની રીતે અવતાર્યા.

વાત હજી ત્યાં જ અટકતી નથી. દેશના સીમાડા ઓળંગીને રામ-રામાયણ, રામકથા કંબોડિયા, થાઈ, નેપાળ, બર્મા, કેલિફોર્નિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ, ઇન્ડોનેશિયા અને અન્ય અનેક દેશો સુધી પહોંચી. સમયે સમયે કથા-વાર્તામાં પૂર્તિ જરૂર થતી રહી છે, પણ તેનું મૂળ સત્ત્વ તો લગભગ જળવાયું છે. એ કથા લિખિત રૂપે જ વિસ્તરી છે એવું ય નથી. કથાની પ્રબળતાએ કળાકારોને પણ ઘણું મોટું આકર્ષણ કર્યું છે. પરિણામે ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નાટક, નૃત્ય વગેરેમાં પણ વિભિન્ન સ્વરૂપે તેનાં મહત્ત્વનાં કથાનકો કે કથાંશો અવતરતાં રહ્યાં છે. ગોપાલ શરમન જેવાનું રામાયણ વાલ્મીકિના રામાયણની નજીક રહીને, અંગ્રેજી ભારતમાં ત્રણ હજારથી પણ શૉ આંતરરાષ્ટ્રીય મંચ પર મંચિત કરી ચૂક્યું છે. તેનાં ભવાઈરૂપો પણ અન્યત્ર જોવા મળે છે. પપેટ શૉ પણ જોવા મળ્યા છે. આપણા કવિઓ પણ આ કથાથી સમયે સમયે પ્રભાવિત થતા રહ્યા છે. લોકસાહિત્યમાં નો રામ-સીતા વિશેનાં તેમના પ્રેમ-લગ્ન અને જીવનની અન્ય ઘટનાઓનાં ગીતો-કથા, પાર વિનાની સંખ્યામાં મળે છે. એ અવતારી પુરુષને પોતાનો કરી દઇ પોતાની વચ્ચે તેની હરફર રહે તેવાં સહજરૂપો તેમાં આવિભાવ પામ્યાં છે. આપણા ભક્ત કવિઓએ ય રામનું ગાન કર્યું છે. ત્રેતાયુગનું એ ગાન માત્ર ત્રેતાયુગનું જ નથી રહ્યું. દરેક સમયે એ કથા- ગાન લઇને જે તે સમયના માનવીએ તેમાંથી પોષણ મેળવ્યું છે. સંતો કવિઓએ પણ છેક આજ સુધી રામકથાનો આશ્રય લીધો છે. કબીર જેવો જ્ઞાની પુરૂષ તેથી, જ 'રામ બિના નહીં ઠામ' એવું કહીને 'સભી મંત્ર કા બીજ હૈ' એવું તારણ કાઢે છે. મીરાં જેવી સંતકવયિત્રીને પણ 'રામ રમકડું જડિયું' એવી સંવેદના થઇ છે. કૃષ્ણ પ્રેમમાં મતવાલી મીરાંને રામ એક ખુશી આપતા, આનંદ આપતા 'રમકડું' રૂપ જણાયા છે. રામનું નિર્ભાર રૂપ 'રમકડું'માં પ્રકટ થયું છે. મથિલીશરણ ગુપ્તે 'સાકેત'માં તેથી જ ગાયું કે 'રામ તમારું જીવન જ સ્વયં એક કાવ્ય છે. કોઈપણ તેથી કવિ બની રહે એ સહજ સંભાવ્ય છે' આપણા કવિ સુન્દરમ્ પણ 'રાઘવનું હૃદય'માં 'મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવતણું' એમ તીવ્ર સ્વરે ગાય છે. આવી તો અનેક પંક્તિઓ કાવ્યો રામ માટે અભ્યાસીઓને મળી રહે તેમ છે.

આ મર્યાદા પુરુષોત્તમની 'મર્યાદા'ઓનો લોકે પણ સહજ રૂપે સ્વીકાર કરી લીધો છે. પણ શેષ રામ સર્વ માટે, સદાકાળના પ્રેમનું ભાજન બની રહ્યા છે. રામના ચરિત્રનો કે રામની કથાનો ખરો જાદુ જ એ છે. રામકથા આગળ પર ઉત્સવો વખતે પણ યાદ કરાય છે. દશેરા અને દિવાળી જેવા ઉત્સવો સાથે અકાટય રૂપે રામકથા જોડાયેલી રહી છે. રાવણદહનનો મર્મ તો ઘણો ઊંડો છે. રામનો ત્યાં વિજય થયો છે એ ઘટના તો પ્રસ્તુત છે જ. પણ રાવણવધ દુરિતનો વધ છે, અનીતિ અને અપ્રામાણિકતા પરનો વિજય છે, અહંકાર પરનો વિજય છે વગેરે બાબતોના પણ ત્યાં સંકેત છે જ. 'સુશાસનની' અને 'રામરાજ્ય'ની ઘડી આવી પહોંચી છે એ પણ એવા ઉત્સવ વડે સૂચવાય છે. અંધારું નષ્ટ થયું છે અને પ્રકાશે તેનું સ્થાન લીધું છે તે વાત પણ તેમાં પમાય છે. કહો કે રામકથા અથવા રામચરિત્ર એમ મનુષ્ય જીવન સાથે તાણાવાણાની જેમ વણાઈ ગયેલાં છે. લોક યુગે યુગે તે વડે જ પોતાનો માર્ગ શોધતું આવ્યું છે. આવા 'રામ' નામે વિવિધ ભાષામાં અનેક કહેવતો પણ રચાતી આવી છે. વ્યક્તિનાં નામોમાં પણ, ગામ કે નગરનાં નામોમાં પણ 'રામ' નામનો છૂટથી ઉપયોગ થતો રહ્યો છે. 'એનામાં રામ નથી', 'રામ નામ શું તાળી લાગી', 'સકળ તીરથ તેનાં તનમાં રે', 'આતમ રામ', 'રામ રખોપાં', 'રમત રમાડે રામ', 'રામનામ સત હૈ', 'રામ રાખે તેને કોણ ચાખે', 'રામ કી ચીડિયામાં, રામ કા ખેત', 'રામ બાણ વાતમાં હોય તે જાણે' 'રામ બોલો ભાઈ રામ, રામ' જેવી કહેવતરૂપ અનેક પંક્તિઓ લોકની વિવિધ સંવેદનાઓને રામને સહારે પ્રકટ કરે છે. રામતત્ત્વ એમ પ્રજાવ્યાપ્ત રહ્યું છે. 'સૂર્યરામ', 'ઇચ્છારામ', 'રામલો', 'રામચંદ્ર' 'રામલાલ' જેવાં અનેક નામો પણ રામ પરત્વેનો ઊંડો આદર સૂચવે છે. 'રામપુર', 'રામનગર', 'સીતાપુર' જેવાં બીજાં અનેક સ્થળ વિશેષ કે નગરનાં નામો જાણીએ છીએ ત્યારે રામ કે રામતત્ત્વ 

ભારતીય જનમાનસમાં કેવું ઊંડી જડ નાખીને બેઠું છે તે સમજાશે.

રામાયણ કે રામ વિશે પશ્ચિમના તો અનેક વિદ્વાનોએ વિચાર-મનન-વિમર્શ કર્યા છે જ. પણ આપણે ત્યાંય, ગાંધીજી જેવાએ રામનામનો જાદુ સ્વયં પ્રમાણ્યો છે. મુશ્કેલ સમયમાં જેમ તેઓ ગીતા પાસે પહોંચી જતા તેમ રામાયણ-રામ પાસે ગયાનું પણ તે નોંધે છે. રાજગોપાલાચારી, વિનોબા, મહર્ષિ અરવિંદ વગેરે અનેક ચિંતકો-સંતો-વિચારકોએ રામાયણનું મહાત્મ્ય જુદી જુદી દ્રષ્ટિથી જોયું છે, સ્વીકાર્યું છે. સૌના મતે એક વાત ઉપર તરી રહે છે તે એ છે કે દેશના સંસ્કાર ઘડતરમાં, માનવીય આદર્શોમાં - સત્ય, નિર્ભીક્તા, વફાદારી, સમર્પણ જેવા ગુણોમાં રામાયણ અને એની સાચી સંપત્તિ જેવાં પાત્રો રામ, હનુમાન, લક્ષ્મણ, ભરત, સીતા વગેરેનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે.

(ક્રમશ:)