- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ટેકનોલોજી અને ડિજિટલ યુગનો હતાશ માણસ જ્યારે તે ખુદને ભૂલી જઈ રહ્યો છે, ચપટીએક શાંતિ પણ તેના નસીબે નથી તેવા સમયે, ઘણે દૂર નીકળી ગયેલ સાચા ધર્મનું પુનરાગમન કરવું પડશે
'ધ ર્મ' શબ્દ આજે ઘણીબધી રીતે 'ચાક' લઈ રહ્યો છે, ચર્ચાની એરણ પર છે, કદાચ કસોટીએ ચઢ્યો છે. ચારે તરફ ધર્મની વાત થાય છે, ધર્મના અનુષંગે પાર વિનાનાં વિધિવિધાન થઈ રહ્યાં છે. મંદિરો વધતાં જાય છે, પૂજારી પણ વધે છે, ભક્તો પર એટલી જ મોટી સંખ્યામાં ઉમેરાતાં જણાય છે. ધર્મતત્ત્વ પ્રસાર પણ અનેકધા, અનેક મુખે થઈ રહ્યો છે. ઉપરના સ્તરે તો એવું લાગે છે કે અરે, સત્યુગ તો અહીં ભૂલો નથી પડયોને ! પણ તરત સામે માનવતાનું જે તળિયું નીકળી રહ્યું છે, સભ્યતા જે રીતે નંદવાતી જાય છે, ભાષા જે રીતે તેનું ગૌરવ ગુમાવતી જાય છે, અપ્રામાણિકતા અને નૈતિકતાને જે રીતે રફેદફે થતી જોઈએ છીએ એ રીતે તરત લાગવાનું કે ના રે ના આતો સઘળું ધર્મને નામે વ્યુત્ક્રમે ચાલતું જણાય છે. ધર્મને નામે કંઈક આપણે બીજું જ ભળતું પકડી લીધું છે. તો પછી આપણે આપણને જ પ્રશ્ન કરવો પડશે : અરે, આપણે ભ્રમિત તો નથી થઈ રહ્યોને ? જો તેમ છે તો પછી ધર્મ એટલે શું ? ધર્મ શાને કાજે ? શાના માટે ? હજી વધુ પ્રશ્નો તે વિશે જાગી શકે.
ધર્મનો ધારણ કરવાનો છે. જીવી બતાવવાનો છે. ધર્મશાસ્ત્રો ધર્મ માટે ભલે રચાયાં હોય, ભલે તે ધર્મને કંઈક અંશે સ્પષ્ટરેખ કરવામાં ઉપયુક્ત બનતાં હોય પણ ધર્મ તો શાસ્ત્રોથી ય દૂર છે, તે બધાંથી ઉપર છે, તો સર્વથી ઊંડે પણ છે. તેની કારિકા ન હોય, તેનો કોઈ અભ્યાસક્રમ ન હોય, તેનાં સંગઠિત રૂપે કોષ્ટકો ન રચાય. જો એવું બનતું હોય એ ધર્મ કે ધર્મરાહ નથી. ધર્મ તો પછી કેવો હોય ? મંદિર-મસ્જિદ-દેવાલયની વાડો ઓળંગનારો ? યાત્રાઓ અને ભ્રમિત કરી મૂકનાર કયાથી જુદો હોય ? વ્રત-તપ-જપ-સ્નાનને ઠેકી જનારો હોય ? તસ્વીરોમાં જકડાયેલો હોય ? ત્રિપુંડ-ચર્ચા-માળા-અમુક રંગનાં વસ્ત્રોથી તે ભાગી છૂટેલો હોય ? ભય-ડર-પાપ-પુણ્યનાં વિભાગીકરણોને છેદનારો હોય ? આ કે આવા અનેક પ્રશ્નો કરવાનો, ખુદને પ્રશ્ન કરવાનો, આ સમય છે. ધર્મનો અર્થ-સીધો સાદો અર્થ-તો ધર્મને ધારણ કરી રહેવાનો છે. અર્થાત્ ધર્મમય જીવનને ધારી રહેવાનો છે. ત્યાં કોઈ વી.આઈપી નથી, ત્યાં કોઈ સાધારણ નથી, તો ત્યાં કોઈની ઉપેક્ષા નથી. ત્યાં કોઈ અળખામણું નથી. ધર્મધારીને આવે તે ધર્મમરમી. ધર્મ ધારવો એટલે ઈશ્વરનિરત જીવવું, પ્રેમભર્યું જીવવું, સહપાંથ બનીને સૌને ચાહવું, સહિષ્ણુ બનવું, હિંસાથી-મન-કર્મ-વચન-ત્રણેની હિંસાથી-દૂર રહેવું, મુદુ-મધુર થવું, સર્વ પ્રકારનાં હુંકાર-અહમને ઓગાળી નાખીને જીવવું, નિષ્કપટ થવું, સહજ-સરળ બની રહેવું - કહો કે સદૈવ બાળક જેવું બની સૌ આપણા અને આપણે સૌના થઈ રહેવું. તે માટે યાત્રાઓની જરૂર નથી, મંદિર-મસ્જિદ વગેરેની પણ અનિવાર્યતા નથી. મનુષ્ય માત્ર પોતાનો અસ્સલ લય શોધી લેવાનો છે. સાચો ધર્મ એ લય શોધી આપે છે. એ કરૂણા જગવી રહે છે, સર્વ પ્રત્યે અનુકંપા અને દયાનો ભાવ જગવે છે. બહાર જગતને ઓળખો, સમજો, સાથે એટલી જ ઉત્કટતાથી અંદરના જીવનને જાણી લો. અંદરના રિધમથી જ બહારને સાચા રૂપે પામી શકાય છે, ધર્મ એવા રિધમની શોધમાં ઉપયોગી બની સાત્વિક જીવન જીવવા પ્રેરે છે. આવું સાત્વિક જીવન નિષ્ઠા માગે છે, વિશિષ્ટ પ્રકારનું તપ માગે છે, ધીરજ-સહિષ્ણુતા અને સમભાવ મળો છે. આપણાં વેદોપનિષદો, ધર્મગ્રંથો કે સંતો-ઋષિઓએ આજ પંથે ધર્મ મર્મનેને આગળ વધાર્યો છે. ધર્મ એ રીતે સ્વત્ત્વનો ઉત્સવ છે, આત્મબોધની અલભ્ય ક્ષણ છે, ઈશ્વરાનુભવની તેમાં ધન્યતા છે. અખાએ અગોચર ગોચર હુવું, એમ જે કહ્યું છે એવી એ અનુભૂતિ છે. ધર્મનું સંગઠન ન હોય, ધર્મનું સરઘસ ન હોય, ધર્મ-બૂમાબૂમ માટે નહીં, ગૂંગાના ગોળ જેવી સ્થિતિ માટે છે. ધર્મ છેવટે ઈશ્વરના મહોલ્લા તરફ દોરી જતો હોય છે. સાચો ધર્મ સત્યમાં સ્થિર છે, ધર્માચરણ સંગ છે, તે ટોળામાં ન હોય, સાંપ્રદાયિક વાડાઓમાં ન હોય, કોઈ એક કોમ સાથે તેનું સગપણ ન હોય, ભાષાનાં દાવપેચથી તેને ઉકેલી ન શકાય. કોઈ તાયફા વડે મનોરંજન જરૂર થાય, ધર્મમંજન ન થાય.
ધર્મ તો આપણા ઉત્કૃષ્ટ જીવન માટે છે, એવું ઉત્કૃષ્ટ જીવન જ મુક્તિ છે. મુક્તિ એટલે વળગણોથી મુક્તિ, દુરિતો અને વિતથ બંધનોથી મુક્તિ, અજ્ઞાનથી મુક્તિ, ભ્રમણાઓથી મુક્તિ, દુરુપયોગ કરી રહેનાર તત્ત્વોથી મુક્તિ ધર્મ એટલે સહજ-આનંદની લહેરો સાથે દંભ-ડોળને બાજુએ મૂકી જીવન પધ્ધતિ નિપજાવી લેવી.
ધર્મનું સાચું પરિરૂપ એમ જીવનભર પ્રાર્થનાનિરત રહેવું એ છે. જાગૃતિથી જીવવું, વૈજ્ઞાનિક અભિગમથી સત્યાસત્યના ભેદ સુધી પહોંચવું કે સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય લેવો ત્યાં ભક્તિને ઈશ્વર-ભક્તના સાયુજયનો-ઉછાળ હોય, ઉન્માદ ન હોય, આજવ જરૂર હોય પણ દેખાડો ન હોય, શ્રધ્ધા-સમર્પણ હોય પણ અંધશ્રદ્ધા કે અંધભક્તિ લગીરે ન હોય. કહો કે જીવન ત્યાં ભોગવી જવાની ક્રિયા છે. ઈશ્વરના મહત્ વરદાન જેવા જીવનને અર્થથ-જીવનાર્થથી ભર્યું ભર્યું કરી મુકવાનું છે. મીરાં-નરસિંહ-નામદેવ-કબીર-રાધા-કોઈને પણ મળો. તે હંમેશા શબ્દફેરે આજ વાત કરશે. મહાવીર-બુધ્ધ-ગાંધી પણ છેવટે આવો જ નિષ્કર્ષ પ્રસ્તુત કરે છે. ધર્મ ધંધો નથી, ધર્મકલા છે, ધર્મસમૂહ નથી, ધર્મ ગત ચાલના છે, ધર્મ સત્તાના સિંહાસન સાથે નહીં, નીતિમત્તાના સિંહાસન સાથે જોડાયેલો છે. તે મનુષ્યને અસ્થિર કે ગુમરાહ કરનાર નથી, સ્થિર કે પ્રતિષ્ઠ કરનાર છે. ધર્મને સીમા-સીમાડા નથી, હોઈ શકે પણ નહીં. ધર્મ નિ:સીમ આકાશ કે ધરાનો ગુણ દાખવે છે. જે ભ્રમમુક્ત છે, જેની દ્રષ્ટિ ખુલી ગઈ છે, તે એવા ધર્મની લીલાનો અહેસાસ કરી શકે છે. ધર્મનું કામ દરેકમાં સૂતેલા ઈશ્વરને જગાડવાનું છે, ધર્મ ભીતરના ખૂણામાં કશે પણ દુરિત બેઠું હોય તો તેને નામશેષ કરે છે. ઉત્તેજિત ઉન્માદિત કરી એ માણસને
અવળે પાટે ચઢાવી દેવાનું કાર્ય કરતો નથી ધર્મ પ્રેમશાસન છે, સત્તા શાસન નથી.
કમનસીબે આજે ધર્મ, ધર્મના ઘોંઘાટ વચ્ચે, આપણે ખરા ધર્મનો અવાજ સાંભળી શકતા નથી. આજના ટેકનોલોજી અને ડિજિટલ યુગનો હતાશ માણસ જ્યારે તે ખુદને ભૂલી જઈ રહ્યો છે, ચપટીએક શાંતિ પણ તેના નસીબે નથી તેવા સમયે, ઘણે દૂર નીકળી ગયેલ સાચા ધર્મનું પુનરાગમન કરવું પડશે, તેની હ્ય્દયમાં પ્રાણપ્રતિષ્ઠા કરવી પડશે, ધર્મ સાથેના આપણા નાળગત સંબંધને પુનર્જીવિત કરવાની ક્ષણ આવી પહોંચી છે. મૈથિલીશરણ ગુપ્તજીએ એકદા કહ્યું હતું તેમ, ધર્મ કલહનો કેતુ ન બનવો જોઈએ. ખુદ લક્ષ્મીજી પણ પુછે છે. ? કો જાગર્તિ ?


