Get The App

સાક્ષાત્ ભગવાન મળ્યા ! .

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
સાક્ષાત્ ભગવાન મળ્યા !                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- જો બધે જ ભગવાન છે, સતત તેનું સ્મરણ કે પ્રાર્થના થતી રહે છે તો પછી તે દેખાતો કેમ નથી ?

એક દસેક વર્ષનો છોકરો છે. તે ભગવાનને ખોળવા નીકળ્યો છે...અહીં...તહીં બધે પણ...પણ... તમે પૂછશો કે એવડા છોકરાને ભગવાન ખોળવાનું કેમ મન થયું ? હા, એનું ય રહસ્ય છે. એ માસૂમ છોકરાનું નામ રોહિત છે. મધ્યમ પરિવારમાં તે જીવે છે. માતા-પિતા નર્યા આસ્થાવાન છે. જાગતાં સૂતાં, કામ કરતાં માતાને ઠાકોરજીની જ રટણા છે. વૈષ્ણવી પરિભાષામાં માતા મરજાદી નથી પણ શ્રધ્ધા મરજાદીથી પણ વધુ છે. પરિણામે સવારથી રાત્રિ સુધી ઠાકોરજીના પૂરા લાડ-કોડ થતા રહે. કહો કે પહેલા ક્રમે પ્રભુ ! રોહિત બાળક છે, પ્રભુ વિશેની એની સમજ જુદા જુદી છે. તે 'બકબક' કરે છે એવું નથી. માતાને, ક્યારેક પિતાને પણ ભગવાન વિશે તે પ્રશ્નો કરી મૂંઝવી નાખે છે. તે દિવસે પણ ઠાકોરજીની પૂજા-અર્ચનામાં પરોવાયેલી મા રોહિતને દૂધ આપવાને બદલે ઠાકોરજીની સેવામાં જ ગૂંથાયેલી રહે છે. બેવાર દૂધ માગ્યા પછી દૂધ ન મળતાં રોહિત થાકીને ઘસઘસાટ ઊંઘી જાય છે. દીકરાને ઠાકોરજીની થતી ખિદમત-વધારે થતી ખિદમત-પસંદ નથી. બધે જ ઠાકોરજી, બધે જ, બધી વખતે ભગવાનને પગે લાગવાનું, એને પ્રસાદ દૂધ પ્રથમ અને પછી પોતાનો વારો - એ વાત પણ રોહિતને ગળે ઉતરતી નથી. દીકરાને હોમવર્કનું સોંપી ઠાકોરજીને સૂવાડી આવવાનું માતા કહે છે. તે પણ રોહિતને નારાજ કરી મૂકે છે. રોહિતમાં ભરી ભરી જિજ્ઞાાસા છે. કોણ છે આ ભગવાન જે જોવાતો નથી, કશે આવતો-જતો નથી. છતાં મા આખો દિવસ તેના માટે રઘવાયેલી રહે છે ? આ કે એવા પ્રશ્નો રોહિતને થયા કરે છે. મા ક્યારેક દીકરાને હોમવર્ક કરાવવા પણ બેસે છે, ભાગાકાર શીખવે છે. જૂનું કેરમબોર્ડ શોધી લાવી ઉત્સાહ બતાવતા રોહિતનો ઉત્સાહ પણ વધારે છે. કહો કે બંનેનું ટયૂનિંગ છે. પણ આખો દિવસ ભગવાન, ભગવાન કરતી મા, મંદિરમાં પૂજા કરતી કે મંદિર જતી મા, પ્રભુને પ્રસાદ ધરાવતી મા, ભગવાનને પગે લાગવાનું કહેતી મા, તેની સામે પગ કરીને બેસાય નહીં એવું કહેતી મા પોતાના કરતાં પણ ઠાકોરજીને વધુ મહત્ત્વ આપતી મા તેના માટે પ્રશ્નો કરાવે છે. આ 'ભગવાન'ને જોવા પામવા તેથી જ તેની ઇચ્છા તીવ્ર બને છે. આસ્થા અને જિજ્ઞાાસા એમ ટકરાય છે. બાળમાનસની લકીરો વધુ ગહન બનતી રહે છે, તો તેના ભગવાન વિશેના પ્રશ્નો પણ એટલા જ અણિયાળા હોય છે...

પિતા-માતા ડાઇનિંગ ટેબલ પર ભોજન માટે બેઠાં છે. દીકરો રોહિત ટી.વી.પર ક્રિકેટ મેચ જુએ છે, બેટ્સમેન કેવો ઝૂડાય છે તેનું તેને કુતૂહલ છે. માતા-પિતા ભોજન માટે સાદ દે છે. દીકરો ટેબલ પર બેસે છે. ત્યાં પણ બાળક રોહિતની મા કહે છે તેવી 'બકબક' ચાલુ રહે છે. કદાચ એ 'બકબક' એ જ એના બાળમાનસનું કુતૂહલ છે, ભગવાન વિશેની તેની ખરી દિશાની ઉત્કંઠા અને શોધ છે. ત્યાં તેની ફરિયાદ છે ભગવાન પાછળ મા વધુ સમય આપ છે, પોતાની પાછળ ઓછો એવું કેમ ? પિતા સમજાવે છે કે એવું નથી, મા તારી સતત સંભાળ લે છે જ. તારે માની માફી માગવી જોઇએ. માને ભગવાનથી શાંતિ મળે છે, તેથી તે પૂજા અર્ચન કરે છે. ભોજન શરૂ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કેમ ? રોટલી તો મમ્મી બનાવે છે. જમીન ઇશ્વર બનાવે છે ને ત્યાં અનાજ ઊગે છે એવું પિતા કહે છે ત્યારે ટીચરે શીખવેલું તે કહેતાં રોહિત કહે છે કે એ તો ખેડૂત પકવે છે. પિતાને ભૂખ લાગી હોવાથી ભોજનપૂર્વેની પ્રાર્થના શરૂ કરવાનું કહે છે ત્યારે માતા-પિતા તો પ્રાર્થનામાં તલ્લીન હતાં, પણ નટખટ રોહિત વારાફરતી એકઆંખ બંધ કરી માતા-પિતાને બીજી ખુલ્લી આંખે નિહાળી લે છે. તેનો પ્રશ્ન છે જો બધે જ ભગવાન છે, સતત તેનું સ્મરણ કે પ્રાર્થના થતી રહે છે તો પછી તે દેખાતો કેમ નથી ?

અને એક વેળા આ કુતૂહલ વધતાં તે પોતાની માતાને સાવ નિર્દોષભાવે કહી બેસે છે : 'મા, મારે ભગવાન પાસે જવું છે' કઇ મા પોતાના સંતાનના આવા વાક્યથી દુ:ખી ન થાય ? મા એવું અપશુકનિયાળ ન બોલવા રોહિતને જણાવે છે. મા રડી પડે છે, ડરી જાય છે. વાત ત્યાં જ અટકતી નથી. દીકરો એમ પણ પ્રશ્ન કરી રહે છે : 'ધારો કે મા તું ઘરમાં જ ન હોય અને ભગવાન મને ઉઠાવી જશે તો તું શું કરશે ? તારી પાસે તો ભગવાનનું સરનામું ય નથી, પછી તું મને ખોળીશ તો ક્યાં ખોળીશ ?' આ સાંભળીને માનું હૃદય દુ:ખી દુ:ખી થઇ જાય છે, એ રડતી રહે છે. છોકરો માને રડતી જોઇ તેના પાલવમાં મોં નાખી દે છે. હવે ફરી તેવું બોલીને માને ક્યારેય તે દુ:ખી નહીં કરે તેમ કહી માની માફી પણ માગી લે છે. પણ આ આખીય ઘટના માને એક રીતે તો રોહિતના બાળમાનસને અંદરથી હચમચાવી મૂકે છે, વ્યગ્ર અને વ્યથિત કરી મૂકે છે.

રોહિત તેથી જ તેની બધી નિર્દોષતા સાથે ઘરમાંના ઠાકોરજીના મંદિર પાસે જાય છે. ભગવાનની તસ્વીર મૂર્તિ જોઇને તે કહે છે કે 'મા તને ઊંઘાડી ગઈ હતી 

અને તું તો હજી જાગે છે ! આ પ્રસાદ પણ તેં આરોગ્યો નથી ફળાદિ પણ એમ જ પડયાં છે ! કહે, તારે શું કોઈ પ્રોબ્લેમ છે ?' અને તે ત્યાં જ મક્કમપણે નક્કી કરે છે : એક દિવસ હું તને ખોળીને જ રહીશ. મા જો તારાથી ડરી જતી હોય, તારી પાસે આવવાની વાત કરતાં તે કંપી ઉઠતી હોય, તો પછી તે તારી પૂજા કેમ કરે છે ?-

આ અંદરથી ઉપર તળે કરી મૂકતા પ્રશ્ન માટે રોહિત હવે બરાબરનો કૃતસંકલ્પી બન્યો છે. ભગવાન માટે ઘરનો ખૂણેખૂણો શોધી વળે છે રસોડામાં માએ તેના માટે ભોજન નાસ્તો બધું તૈયાર રાખ્યું હતું. મમ્મીને તે બૂમ પાડી બોલાવે છે. નોકરાણી કહે છે કે 'મમ્મી મંદિરમાં છે' તે પછી તે દૂધ કે બીજા નાસ્તો લીધા વિના નોકરાણીને 'ચૂપ' કરી કબાટમાંથી બિસ્કિટ-જ્યૂસપેકેટ વગેરે પોતાની બેગમાં ભરી લે છે. નોકરાણીએ રોહિતને સમજાવતાં કહ્યું પણ ખરું કે મમ્મીએ બેવાર બૂમ પાડી હતી છતાં તે સાંભળ્યું નહીં-' રોહિત- એનું બાળમાનસ આજે કુતૂહલની સાથે નક્કર સત્ય પામવા કૃતનિશ્ચયી હતાં. એને તે સ્કૂલબેગ લઇ નીકળી પડે છે - 'આજે તો તને ખોળીને જ રહીશ' - એવા નિર્ધાર સાથે ... પપ્પાએ કહ્યું હતું - ભગવાનને બાળકો બહુ ગમે છે તો માતાએ કહ્યું હતું ઇશ્વર માયાળુ છે, પ્રેમાળ છે -

- અને બાળક રોહિત એક બગીચામાં આવી રહે છે. તે એક બાંકડાનો છેડો પકડીને બેસે છે. બાંકડાના બીજે છેડે એક વૃદ્ધા હતી. રોહિત બેગમાંથી બિસ્કિટ કાઢે છે, ખાવા માટે મોં સુધી લીધેલો બિસ્કિટ ત્યાં જ રાખી સ્મિત સાથે, અનુનય કરી બિસ્કિટ લેવા વૃદ્ધાને કહે છે. વૃદ્ધા આનાકાની કરતાં બાળક વધુ પ્રેમથી બિસ્કિટ લેવા જણાવે છે. પછી વૃદ્ધા બિસ્કિટ લે છે, રોહિતે આપેલ જ્યૂસ પણ... બંનેની આંખમાં પરસ્પર માટે ભારોભાર પ્રેમ હતો. વ્હાલ અને કરુણા હતાં. છોકરો તે પછી ઊભો થાય છે. ત્યારે વૃદ્ધા સામે અને વૃદ્ધા બાળક સામે નરી વિસ્મયભરી, વાત્સલ્યભરી આંખથી નીરખી રહે છે. બંનેના હાથ આવજે - આવજો કહેવા ઊંચકાયેલા છે, હથેળી - આંગળીઓનું જે આછું કંપન હતું તેમાં વ્હાલપની ભરી ભરી લકીરો ઊપસી રહી હતી. બંનેએ એકબીજાની છબી પોતપોતાના હૃદયમાં જડી લીધી હતી. દીકરો ખુશી ખુશી સાથે ઘેર આવે છે ત્યારે માતા એવી ખાસ ખુશીનું કારણ પૂછે છે : દીકરો કહે છે 'આજે હું ભગવાનને મળીને આવ્યો.' તે પેલી વૃદ્ધાના નિર્દોષ વ્હાલભર્યા હાસ્યની વાત કરે છે.

અને વૃદ્ધા પણ એવી જ ખાસ ખુશી સાથે પોતાના ઘરે આવે છે ત્યારે મોટો દીકરો માનું મલકતું મોં જોઇને પૂછે છે : 'શું છે ખાસ મા આજે ?' વૃદ્ધા મા કહે છે, 'પુત્ર, આજે મેં ભગવાન સાથે લંચ લીધો, જ્યુસ પીધું - સાત આઠ વર્ષનો હશે એ બગીચામાં જ મને મળ્યો મારી પાસે, અડોઅડ ! પ્રેમભીનો વ્હાલો, વ્હાલો ?'

બાળકની આસપાસ ગૂંથાયેલી આ વાર્તા ઘણું કહી જાય છે. સાચી શ્રદ્ધાનું ત્યાં રૂપ છે, તો ક્યારેક તેનો અતિરેક કે વિધિવિધાનો બાળમાનસ પર કેવી અસર કરે છે તે પણ છે. 'ભગવાન કોણ છે ? ક્યાં રહે છે ? વગેરે પ્રશ્નો ત્યાંથી જન્મે છે.'

મા ઇશ્વર તો બધે જ છે પણ ઓળખી શક્તા નથી, એમ કહે છે તે પણ સૂચક છે, પણ બાળકને તેની પ્રતીતિ, મંદિર, આકાશ, પુસ્તકો કે સ્વપ્નમાં થતી નથી, મૂર્તિમાં પણ નહીં. ઇશ્વર આપણા સુચારુ કર્મમાં રહ્યો છે, નિર્દોષ, નિર્વ્યાજ પ્રેમમાં છે. ભૂખ્યાને ભોજન, નિ:સહાયને સહાય, કોઈ વૃદ્ધને ટેકો આપવો - આ એક આવું ભગવાનનું જ રૂપ છે.

'ભગવાન' નામની એક હિંદી શોર્ટ ફિલ્મની આ કથા આપણા આજના સમયમાં એકદમ પ્રસ્તુત છે. મંદિરમાં નહીં, પણ હૈયામાં બેઠેલા સાહેબાને વિસ્તારવાનો છે. તે બધે છે અને ક્યાંય નથી ! દૂધમાં રહેલા માખણની જેમ તેનું અસ્તિત્વ છે. No Where and Every where ! 'રોહિત' થનારને ભગવાન મળે છે !