- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- દ્વૈત અને અદ્વૈતના સમન્વયની જ આ લીલાસૃષ્ટિ છે. જેટલી એ પાછળ તર્કલીલા છે, તેટલી જ ભાવલીલા પણ છે અને આગળ વધીને કહીએ તો સત્યલીલા પણ છે
'સં સ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય' એવા વિષય પર પુસ્તક લખવાનું બન્યું, એ દિવસોમાં મારા મનમાં જે ચાર-પાંચ શબ્દો વારંવાર આવતા રહી મને જુદી જુદી દિશામાં વિચાર કરવા તકાજો કરતા હતા તેમાં 'અનેકત્વ અને એકત્વ'નો પણ સમાવેશ થતો હતો. એક ભારતીય માટે આ શબ્દો નવા નથી, ભારતીય સંસ્કૃતિના મૂળ સુધી પહોંચનાર માટે પણ તે શબ્દો એટલા જ સહજ રહ્યા છે. કદાચ એ જ આપણી સાચી ધરોહર પણ છે. માનવતાના વિશાળ વ્યાપ પર ભારત યુગોથી વિશ્વનું વણલખ્યું ગુરુપદ ભોગવી રહ્યું હોય તો તેમાં પણ તેની આવી, ઊંડી સૂઝનો હિસ્સો રહ્યો છે. હજારો વર્ષ પહેલાંની 'વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા'ની આપણી વિચારધારામાં ઋષિઓનું, આર્ષદ્રષ્ટાઓનું નિજી દર્શન રહ્યું છે. ખુદના અનુભવનો તેમાં ધબકાર ઝીલાયો છે. તે પાછળ એક આખું વૈશ્વિક સ્ફુરણ પ્રકટયું છે. આકાશ, ગ્રહો, તારા, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, ધરા, જલ, વાયુ, અગ્નિ, પહાડો, ખનિકાઓ, મનુષ્ય, પશુ, પ્રાણી આ સર્વ અલગ છે અને સાથે સૌનું સામંજસ્ય પણ છે. વિશ્વને એ સામંજસ્ય થકી જ ગ્રહણ કરીએ છીએ. અનેકોનું તેમાં એક નિબધ્ધ રૂપ છે. તો તેવી નિબધ્ધતામાં અનેકની સહભાગિતા છે. કહો કે દ્વૈત અને અદ્વૈતના સમન્વયની જ આ લીલાસૃષ્ટિ છે. જેટલી એ પાછળ તર્કલીલા છે, તેટલી જ ભાવલીલા પણ છે અને આગળ વધીને કહીએ તો સત્યલીલા પણ છે.
આપણા ઋષિઓએ મનુષ્ય સમેતની સૃષ્ટિને તેના અનેકત્વ રૂપે જ નીરખી છે પણ તેમણે તેની પ્રતીતિ કરી છે તેતો તેના એકત્વરૂપે જ. મેઘધનુષ્ય એક છે, પણ ગૂંથણી તેમાં સપ્તરંગની છે. વૃક્ષને પર્ણ છે, ફળ-ફૂલ છે, ડાળ છે, થડ મૂળ છે પણ તેનું વિલસન તો આંખને ભરી રહેતા એ વૃક્ષ રૂપે જ રહ્યું છે. પુષ્પખચિત ઉદ્યાનમાં પુષ્પો અનેક છે, કુળ પણ, રંગ પણ અનેક છે પણ એકત્વ તો પુષ્પવૈભવનો જ છે. અલગ અને છતાં એક-આ મંત્ર જ મનુષ્યજાતની સમ્યક્ જીવાદોરી છે. જ્યાં ઘાત થયો છે, જ્યારે ઘાત થયો છે ત્યારે વિનાશ જ સર્જાયો છે, મનુષ્યની પ્રકૃતિની પણ આપદાઓ ત્યારે વધી છે જ. વિવિધતાનો સ્વીકાર એક અર્થમાં ઉત્કુલ્લ ચેતનાનું રૂપ છે. સમગ્રતાને ચાહવા અને સમગ્રતાના સ્વીકાર માટેની ત્યાં અનિવાર્ય ભૂમિકા રહી છે. એ ભૂમિકા જ અન્ય માટે આદર જગવે, તેનો સ્વીકાર સન્માન કરવા પ્રેરે, સમત્વનું સૂત્ર રચી આપે. જ્યારે એકત્વ એ પેલી વિવિધતાનું ગ્રથન છે, આકલન છે, એકદ્રવતાભયું આકલન. જે ખુદમાં ઊર્જા પેદા કરી રહે છે. વિવિધતા આપણી સામૂહિક તાકાતનું કારણ બની રહે છે. 'મહાભારત' અને 'રામાયણ'નો, 'ગીતા'નો પણ વ્યાસ-વાલ્મીકિ-કૃષ્ણ સર્વનો આશય તો વિવિધ સમયે વિવિધતાનાં-વિશ્વની વિશ્વના માનવીનાં રૂપોને પણ દર્શન કરવા-કરાવવાનો રહ્યો છે. બહુસંસ્કૃતિની ચર્ચા વિશ્વ છેલ્લા પાંચ-છ દાયકાથી કરી રહ્યું છે, પણ ભારતે તો બહુસંસ્કૃતિનો આદર્શ હજારો વર્ષથી પૂરો પાડયો છે. આપણા ઋષિઓએ આખી સૃષ્ટિને કદાચ તેથી જ મિત્રની આંખથી નિહાળવાનું હૃદય સૂચન કર્યું છે. બસ, વિવિધતાની ગૂંથણીને જે પામ્યો છે તેનો પછી બેડો પાર. બિનસાંપ્રદાયિકતા, ટોલ્સ્ટોય-ગાંધી રસિકન વિનોબાનો 'સર્વોદય'કે સમત્વનો વિચાર, બુધ્ધની કરુણા કે મહાવીરનો અહિંસાનો ખ્યાલ. એ સર્વ પાછળ માનવીય સંવાદનું જ. સત્ય પ્રકાશનું રહ્યું છે. સ્વથી સર્વ અને સર્વથી સ્વ સુધીની યાત્રામાં અનેક મુકામો આવે છે. એ મુકામોમાં ખુદની પ્રેમભરી સ્વીકૃતિ સાથે અન્યનો પ્રેમભર્યા વ્યક્તિત્વોનો પણ સહજ સ્વીકાર રહ્યો છે. 'સ્વ' તે જાળવી, ટપારી, સંરક્ષી, અન્ય તે પામી, તેનામાં સમરસ થઇ જવાની સમગ્ર પ્રક્રિયા એ જ પર્યંતે તો વિવિધતામાં એકતા અને એકત્વમાં અનેકત્વનો પથ છે. અહીં વિચારવિમર્શ છે, તો સંવાદવિમર્શ પણ છે. છેવટનો ઉદ્દેશ મંડન છે, સ્થાપન છે. આવી રીતભાત જ ધર્મમાં, શિક્ષણમાં, અધ્યાત્મમાં, રાજકારણમાં, સમાજકારણમાં પણ વધુમાં વધુ ઉપકારક બની માનવીના સાચા સ્વરૂપનું નિર્માણ કરી રહે છે. માણસે અહીં સ્વત્વને નથી છોડવાનું અહંકારને તજવાનો છે, મમત્વને છોડવાનું છે, સંકીર્ણતાની ગલીઓને ઓળંગવાની છે, વિચારસૃષ્ટિને આક્રાન્ત કરી રહેલાં બાવાં-જાળાંને સાફ કરવાનાં છે. તો જ વિવિધતાનું અને એકત્વનું સાચું ઐશ્વર્ય પામી રહેવાય. મારું તો મારું એથી આગળ વધી મારું તે તારું પણ અને તારું તે મારું પણ - એવું ભીતરથી આંદોલિત થઇ રહે ત્યારે જ એકત્વની એરણ પર કરુણા, દયા, પ્રેમ, સમતા, સહિષ્ણુતા વગેરે ખરા રૂપે તણખી રહે. જો આવા મૂળ સ્રોતોને પ્રવહતા રાખવા હોય તો મારું-તારું નહીં, આપણું ત્યાં સુધી આપણી આંતર-બાહ્ય ચાલના વિસ્તરવી જોઇએ.
આજના હિંસાગ્રસ્ત યુદ્ધગ્રસ્ત અસહિષ્ણુ વિશ્વ માટે પુન: એકવાર 'વિવિધતામાં એકતા' નારો પૂરી સહૃદયતાથી ગૂંજતો કરવાની ક્ષણ આવી પહોંચી છે. 'નવા ભારત'ની વાતો કરી રહેલાએ એ પણ સમજવું પડશે કે 'વિવિધતામાં એકતા' એ તો ભારતનો પ્રાણ છે, વિશ્વસાદ છે, ઉમદા વિશ્વના નિર્માણ માટેની એ ગુરુ કિલ્લી છે. ભારત હંમેસાં જાતિ-પાતિથી દૂર રહ્યું છે. ભારતે જ વિશ્વને શાંતિમંત્ર આપ્યો છે, ઋષિઓએ જ ચારે તરફથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થઇ રહે તેની જિકર કરી છે. કહેવાતા 'નવાભારત'ની બુનિયાદ પણ આજ હોઈ શકે. ધર્મ, વાદ વિવાદો, ચર્ચાઓ, સઘળાં માનવકલ્યાણથી, વિશ્વશાંતિથી વિપરીત કેવી રીતે હોઈ શકે ? આપણા ઋષિઓને સંગીતમય સૃષ્ટિ અને સંગીતમય માનવજાત માટે તો આખો સામવેદ રહ્યો છે. પ્રકૃતિ સઘળે એ સત્ય આપણને સમજાવી અને સંભળાવી રહી છે. સમુદ્રમાં કેટકેટલી નદીઓ ભળે છે ! કેટકેટલાં માણસોના સ્પર્શથી એ જલ તરંગિત થતું આવે છે ! અને સમુદ્રમાં ભળતાં એ સમુદ્રાકારે એક મહાસંગીતનો અનુભવ કરાવી રહે છે. અડાબીડ વનરાજિ, પહાડોની હારમાળા, પંખીઓનાં અનેક ટોળાંઓનું ઉડ્ડયન બધું એ દિશામાં જ આપણને દોરી રહે છે.
રહીમ જે 'મૂળ' ને સિંચવાનું કહે છે તે મૂળ વાસ્તવમાં વિવિધતાંમાં એકતા અને એકતામાં વિવિધતાનું છે. આપણી ચિત્રકળા, સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, સ્થાપત્ય, ભરતકામ કે ગૂંથણી બધાં જ છેવટે વિરામ શોધે છે સંવાદમાં, એકત્વમાં, કબીરે પણ રહીમની પેઠે જ વૃક્ષના રૂપક વડે આજ મુદ્દાને પોતાની રીતે ઊપસાવી આપતાં કહ્યું છે :
સબ આયે ઇસ એક મે, ડાલ પાન ફલ, ફૂલ,
કબીરા પીછે ક્યા બચા, જબ પકડી લો મૂલ.
અહીં જ ઇશ્વરના સંદર્ભે વેદનો ઋષિ ભિન્ન રીતે પણ એ જ સત્ય પ્રસ્તુત કરતાં સતત કહેતો રહ્યો છે :
એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ. ઇશ્વર તો એક જ છે, ભલે તમે તેને જુદી જુદી રીતે વર્ણવો, જુદા જુદા ધર્મ તેની જુદી જુદી ઓળખ આપે...'આત્મવત્ સર્વભૂતેષુ' - એ વાત આત્મામાં - ચિત્તમાં બરાબર ઠરીઠામ થઇ રહે તો પછી ભેદ નષ્ટ થાય. એક શાંતિભર્યા અભેદ વિશ્વનો મંત્ર ગૂંજી રહે. પ્રવર્તમાન સમય ઘણી બધી રીતે ગૂંચવાડાભર્યો બની રહ્યો છે. ફરી એકવાર તે પોતાના ઉજ્જવલ અતીતને ભૂલીને વાડાબંધીમાં, જાતિનાં લેખાંજોખાંમાં, ધર્મની સાંકડી નીકોમાં એ સમય ચીસી રહ્યો છે, ઉન્માદી બની રહ્યો છે, હિંસાના, ભ્રષ્ટાતાના અહંકારના રવાડે ચઢી ગયો છે ત્યારે અનેકત્વ અને એકત્વના એક માત્ર રહેલા સત્યને માણસ વધુ ને વધુ પામવા તરફ વળે એ નર્યું અનિવાર્ય બન્યું છે.
બહુસંસ્કૃતિ, બહુધર્મ, બહુજાતિ, બહુલોક, સ્થળબહુલતા ભાષા બહુલતા - આ સર્વે વચ્ચે પણ આપણે એક છીએ એ સત્યનું વિસ્મરણ માનવજાત માટે વિનાશક બની રહે તો નવાઈ નહીં !


