Get The App

અચરજ ભરેલી સર્જકતા .

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
અચરજ ભરેલી સર્જકતા                            . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- વિનાશ પછી પણ કશુંક સકારાત્મક થવાનું છે, કોઈક શક્તિ ક્યાંક હશે અવશ્ય કામ કરશે જ

લા સ્લોની અન્ય કેટલીક કૃતિઓ પણ અચરજભરેલી સર્જકતા દાખવે છે. એન્ડર્સ ઓલ્સન જેની ભારોભાર પ્રશંસા કરતો આવ્યો છે એ કૃતિ છે - સીયોબો ઘેર બિલો (૨૦૦૮) આમ તો લઘુકથા કહી શકાય તેવું તેનું સંરચન છે. પણ તેનો વૈયક્તિક મિજાજ અન્ય કૃતિઓ કરતાં અહીં કંઇક ભિન્ન રહ્યો છે. જે વેદના-દુ:ખની અસ્થાયીપણાની વાત તેનામાં એકાધિકરીતે પડઘાતી આવી છે તે અહીં પણ છે. અંધકારની એવી અનુભૂતિ અહીં સૂક્ષ્મ રીતે અવતરી છે. હંગેરી બહારની ચીન-જાપાનની યાત્રાનો પ્રભાવ પણ અહીં જોવાય. અહીં સમાધાન છે એવું તો નહીં કહેવાય પણ વિનાશની પાર કોઇક શ્રદ્ધાય છે તેવું તો કળી શકાય છે જ. કૃતિના આરંભનું ઝેન બૌદ્ધ દ્રશ્ય અત્યંત સૂચક બન્યું છે. પ્રતીકની કક્ષાએ એ ઊઠતું રહી કૃતિમાં નવાં નવાં પરિમાણો સર્જે છે. ક્યોરામાં કામો નદીની મધ્યમાં એક બગલો ગતિહીન ઊભો છે નીચે જળમાં તે ઝડપી શકાય તેવા શિકારની પ્રતીક્ષા કરી રહ્યો છે. આ આખો પ્રસંગ એ રીતે રજૂ થયો છે કે અદ્રશ્ય પક્ષી, જનતા અને કલાકારની મન:સ્થિતિ, એક માયાવી વાતાવરણનો ભાસ કરાવે. એજ રીતે ઇટાલિયન કલાકાર પેરુગિનોના ફ્લોરેન્સથી તેના જન્મસ્થળ ભણી જાય છે, અધૂરા ચિત્રનો ત્યાં જે સંદર્ભ છે એ એ બધું જે કંઇ ગૂમાવી દીધું છે કે ગુમાવવાની ક્ષણ આવી પહોંચી છે ને એ બધાંને પુન: શોધી, પ્રાપ્ત કરી લેવાનો અભિલાષ ટક્યો છે તેનું તેમાં અદ્ભુત ચિત્રણ થયું છે. અહીં બુદ્ધ છે, નદી છે, અદ્રશ્ય બગલો છે કદાચ કલાનું તે પ્રતીક છે. જે અહીં અગ્રાહ્ય છે, અસુખકર છે તે તો ઊપસી આવ્યું છે જ પણ સાથે લેખક ત્યાં અટક્યો નથી. નશ્વરતાનું પણ સૌંદર્ય છે, સંસારના અંધાપાની સામે સર્જનનું કામ પ્રતિરોધનું છે તે તેણે દર્શાવ્યું છે. ટેપેસ્ટ્રી જેવી આ રચના વાચકની ભીતર ઇતિહાસ-સ્થળ-સ્થાન-કલ્પના-કલા-મૃત્યુ-વેદના એવું ઘણું જગવીને વાચકને સ્તબ્ધ કરી મૂકે છે. કામોની થીજી ગયેલી આંખોમાં જીવનની ઝબક છે. બુદ્ધનું કે તેમના વિચારોનું પરોક્ષ રીતે પુન:સ્થાપન થતું પણ ક્યાંક લાગે. વર્તમાન, સ્મૃતિ, શરીર, આત્મા, અભ્યાસ, વિશ્વાસ-આ બધું એક એવા કાંઠે જઇને અફળાતું જણાય અને પછી બાષ્પીભૂત થઇ રહે. કૃતિ વાંચીએ છીએ ત્યાં પૂરી થવાને બદલે આપણામાં કૃતિ જીવિત થઇ રહે છે એમ કહેવું વધુ ઉચિત લાગે છે.

એ જ રીતે લાસ્લોની હર્શટ ૦૭૭૬૯ નવલકથા (૨૦૨૧) પણ નોંધનીય રહી છે. અન્ના કારિન પામને લાસ્લોની આ કૃતિએ ખાસ ઘેલું લગાડેલું. અહીં પણ ઘણું ખોરવાઇ જાય છે, તૂટીફૂટી જતું જણાય છે. અહીં પૂર્વ જર્મનીના એક નાના શહેરમાં કશુંક અનપેક્ષ પણ વિચિત્ર એવું બનવાનું શરૂ થાય છે. ફ્લોરિયન હર્શ્ટ કંઇક મંદ બુદ્ધિનો પણ નિખાલસ હૃદયનો માનવ છે. આસપાસની ઘટનાઓમાં તે ડૂબી જતો જણાય છે. તેનું રૂપાન્તર કે પરિવર્તન થતું પણ લાગે. પણ તેથી કંઇ તત્કાલીન ઘટી રહેલી ઘટનાઓ કંઇ ઓછું એમ થવા દે ? ધમકીઓ, અશાંત કરી મૂકે તેવું વાતાવરણ, શંકા, ભય, ભૂગર્ભમાં થતી કલ્પના બહારની ગતિવિધિઓ આ બધું કોઇને પણ વેરવિખેર કરી મૂકનાર તત્ત્વો તો મોજૂદ હતાં જ. અહીં આશ્વાસક બાબત સંગીત છે જે સૌંદર્યની, વ્યવસ્થાની, દૂરનાં સ્વપ્નો માટેની આશા જગવી રહે છે. આખું શહેર, ત્યાંની ધૂ્રજાવી દે તેવી અરાજકતા હત્યાઓ, આગચંપીની ઘટનાઓ, પીડિત પ્રજાના દર્દભર્યા દિવસો વગેરે એટલી સચોટતાથી વ્યક્ત થયાં છે કે બધું એક શ્વાસે લખાયું હોય, આપણી સામે ક્ષણેક્ષણનું ચિત્ર ખડું થતંભ હોય તેવું લાગે. મહત્ત્વનું તો એ છે કે મુખ્ય નાયક હર્શ્ટ એવા સમુદાય હૃદયનો, વિશ્વાસુ દર્શાવાયો છે કે વાચકને કથાવાચન પછી લાગે કે આ તો સભ્યતા અને સંગીત માટે લખાયેલું શોકગીત છે ! વિનાશ પછી પણ કશુંક સકારાત્મક થવાનું છે, કોઈક શક્તિ ક્યાંક હશે અવશ્ય કામ કરશે જ, એવું ચિંતન પણ જોવાય...

નવલરકથા 'હાબોરુ એઝ હાબોરુ' અર્થાત્ 'વૉર એન્ડ વૉર' પણ તેની ગણનાપાત્ર કૃતિ છે. (૨૦૦૬) મૂળે તો તેની ખેવના કોઈપણ લખાણને સદા માટે બચાવી શકવાનો ઉપાય ખરો-એ હતી. ઇન્ટરનેટ એમાં ઉપયોગી બની શકે ? અને ત્યાં તેને કથાનો નકશો લાધી રહે છે. આ રચના વાંચતાં કોઇકને દોસ્તો એવીસ્કીનું સ્મરણ થાય તો આશ્ચર્ય નહીં. વ્યસન, નિરાશા, નિષ્ફળતા બધું અહીં છે. આર્જેન્ટિયામાં ખાસ્સો સમય દેશનિકાલમાં પસાર કર્યા પછી નાયક હંગેરીમાં જઇ રહ્યો છે. બાળપણની સખીને તે ભૂલી શક્તો નથી, તો પ્રાપ્ત પણ કરી શક્તો નથી. મુસાફરી દરમ્યાન તે પોતાનું જીવન એક વિશ્વાસઘાતી વ્યક્તિના હાથમાં સોંપે છે. જે સાચે જ લુચ્ચો વ્યક્તિ છે. તેની પાસે એક આર્કાઇવ્સ પણ છે, પ્રાચીન કાવ્ય કે ઇતિહાસ જેવું. તેનું રહસ્ય તે વિશ્વને જણાવવા ઇચ્છતો હતો. તેમાં યુદ્ધની, યોદ્ધાઓની વાતો હતી. અહીં તેની અન્ય કૃતિઓની જેમજ ભાષાનું પોત અસામાન્ય રહ્યું છે. અહીં સમય સાથે મનુષ્ય છે, તો સમય સાથે લડતી અભિવ્યક્તિ પણ છે. લાસ્લોની આ નવલકથા તેણે લખી એમ કહેવા કરતાં જન્મી એમ જે કહેવાયું છે તે સાચું છે. કોઈકે તો ત્યાં સુધી કહ્યું કે તેની ભીતરમાંથી કાંટો ખેંચી કાઢ્યો હોય તેવી રચના બની આવી છે. 'વોર એન્ડ વોર' પૂરી કરનાર ભાવકની સામે કથાન્તે જે નજર સમક્ષ દ્રશ્યો તરી રહે છે તે અનેક છેડા તરફ આપણને દોરીને સંકુલ વિશ્વનો અનુભવ કરાવી રહે છે. અહીં બુડાપેસ્ટની બહાર ન્યૂયોર્કની અરાજકતા છે. કોરિન પાસે પેલું વિશ્વની ગુપ્તતાવાળું આર્કાઇવ્ઝ પાંડુલિપિ છે. કોરિ પણ કેવો ! મૂર્ખ સાથે ભવિષ્યવેત્તા ! ઇન્ટરનેટ પર સદા માટે પોસ્ટ મુકવાનું ઇચ્છતો કોરિન ! બધું દુ:ખદ છતાં હાસ્યાસ્પદ ! ખંડિયેરો વચ્ચે સઘળું મૃગતૃષ્ણા જેવું, અસ્થિરતાને જ વિસ્તારે... આ જીવન, આ વિશ્વ, આ માણસ ! છતાં પ્રતીક્ષાતો પાછી ખરી જ ! (ક્રમશ:)