અસ્સલ માનું દૂધ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સાત કાંડમાં વિસ્તરેલું આ મહાકાવ્ય માત્ર રામની પ્રશસ્તિ જ નથી, ત્યાં ક્રમશ: આત્માની, મનુષ્યની વિકાસરેખા પણ અંકિત થઇ છે
તુ લસીદાસ સદેહે હતા ત્યારે અને અક્ષરદેહ રૂપે આપણી વચ્ચે છે ત્યારે એક કહેતી કહેવત રૂપ બની રહ્યા છે. તેમનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેની આટાપાટાની રમત જેવું રહ્યું છે. કોઈ પણ સંત વિશે બન્યું છે તેમ, તુલસીદાસ વિશે પણ અનેક કથા વાર્તા ચમત્કાર રહ્યાં છે. કદાચ એ તે સમયની તેમની લોકપ્રિયતા પણ સૂચવતાં હોય. તુલસીદાસના જન્મનું નિશ્ચિત વર્ષ ભલે ન મળતું હોય, પણ સોળમી સદીના આરંભે નિ:શંક તે જન્મ્યા હશે. કહેવાય છે કે તેમનો જન્મ થયો ત્યારે તે રડયા નહોતા, પણ 'રામ' શબ્દ ઉચ્ચાર્યો હતો. રામાશક્તિ એમ જન્મની ક્ષણથી તેમનામાં રહી હતી. ઉત્તર પ્રદેશના રાજાપુર ગામમાં જન્મેલા તુલસીદાસની માતાનું નામ હુલસી હતું. પિતાનું નામ આત્મારામ દુબે. પણ માતાનું સુખ, માતાના મૃત્યુને કારણે મળ્યું નહોતું, તો પિતાએ તેમના ત્યાગ કર્યાનું મનાય છે. એ રીતે તુલસીદાસ ઉર્ફે બાળપણનું નામ રામબોલા દુબે આરંભથી જ સંઘર્ષ વચ્ચે મુકાયા છે.
પણ તેમના માટે તેમના ગુરુઓ ભીતર-બહારથી સાચા ઉધ્ધારક બન્યા હતા. રાઘવાનંદ, જગન્નાથદાસ અને નરસિંહદાસ જેવા ગુરુઓએ રામબોલાને તુલસીદાસમાં પરિવર્તિત કરી દીધા ને 'રામ' સાથે સદાકાળ તેમના સત્ત્વને જોડી આપ્યું. 'સિયારામમય આખી દુનિયાને જાણે છે અને હું પાણીના ઘડાને નમન કરું છું' એવી ગૂઢ વાણીમાં તેમણે સૂચવી દીધું કે વિશ્વમાં માત્ર 'રામ' જ સર્વ છે. તો 'પાણીના ઘડા'માં જ્ઞાન તૃષાર્ત પોતાનો આત્મા છે, આત્માને જ તે નમે છે એમ પણ કહ્યું. તુલસીદાસનાં લગ્ન તો કહેવાય છે કે નાની ઉંમરે જ થઇ ગયાં હતાં. પણ સંસારનું સુખ ક્ષણિક છે તે તેમણે પ્રિય પત્ની રત્નાવલિ પાસેથી જ શીખવા મળ્યું. કહ્યા-કાથ્યા વિના મામાના ઘેર પહોંચી ગયેલી રત્નાવલિનો વિરહ સહન ન કરી શકનાર અંધારી રાત્રિએ પૂર ભરપૂર નદીમાં તણાતા આવતા શબને હોડી લેખી મધરાત્રે તુલસી રત્નાવલિ પાસે પહોંચે છે ત્યારે શાણી પત્ની રત્નાવલિ પતિને વાસનામુક્ત બની રહેવાનું ને જીવનને સાચા અર્થમાં જોગવી જાણવાનું કહે છે. બસ, તે ક્ષણેથી તુલસીદાસનો આત્મા જાગી જાય છે તે ગૃહત્યાગ કરે છે. એ ક્ષણથી તેમના માટે જીવન અને રામ એક બની રહે છે. પછી બાકીનું જીવન તે કાશી, અયોધ્યા, ચિત્રકૂટ, સીતામઢી, મિથિલા, બ્રિજ વગેરે સ્થળે વ્યતીત કરે છે. મીરાંની જેમ તેમને 'રામરમકડું' જડી જતાં તે સમયના સંતોની જેમ તે પણ વિધર્મીઓ સામે વિચલિત થતી જતી પ્રજાને હિન્દુ જીવનરીતિ, હિન્દુ ધર્મનું માહાત્મ્ય અને વિશેષે રામનામની ચાવીથી બધા દ્વારનાં તાળાં ઝટ કેવી રીતે ખૂલી જાય છે તે તેમનાં કાવ્યો વડે, પદો વડે દર્શાવવા માંડયું. કાશીમાં તેમને ગોસાઇનું બિરુદ મળે છે અને પછી તો તે ગોસાઇ તુલસીદાસ તરીકે સમગ્ર દેશમાં જાણીતા બને છે. સાઠથી વધુ ગ્રંથો આપનાર તુલસીદાસના બધા ગ્રંથો આજે પ્રાપ્ય નથી, પણ જે છે તે તેમના ઉમદા, ઊજળા કાવ્યત્વની ઓળખ આપી રહે છે.
અન્ય સંતો વિશે બન્યું છે તેમ, તુલસીદાસ વિશે પણ બન્યું. દંભી સંતો તેમનો વિરોધ કરી તેમને નીચા દેખાડવાના પ્રયત્નમાં લાગી ગયા. અકબર કે એવા બીજા કોઈ રાજાએ તેમને ચમત્કારો કરી બતાવવા ભરી સભામાં પડકાર ફેંક્યો. પણ સાધુ ચરિત તુલસીદાસે પોતે ચમત્કારો જાણતા જ નથી તેવો નમ્રભાવે સ્વીકાર કર્યો. કાન ભંભેરણીથી ગ્રસ્ત બાદશાહ તુલસીદાસને જેલમાં નાખે છે પણ ત્યાંય 'રામ' મંત્ર જ તેમના માટે મુક્તિનું કારણ બને છે. તેમને મારી નાખવાના પ્રયત્નો થયાનું પણ નોંધાયું છે. છેલ્લા દિવસોમાં દીર્ઘાયુષ્યને કારણે તુલસીદાસને દૈહિક પીડાઓ પણ પાર વિનાની હતી. છતાં એ બધાં વચ્ચે તેમણે રામનામનો અખંડ જાપ ચાલુ રાખ્યો. 'રામાયણ' જેવા મહાકાવ્યને 'રામચરિતમાનસ' રૂપે નવો દેહ આપ્યો. ૧૨,૮૦૦ પંક્તિઓમાં, ૧,૦૭૩ દોહામાં અને સાત કાંડમાં વિભાજિત આ કાવ્ય તેમણે ચોપાઇઓ રૂપે, ગેય શૈલીમાં વ્રજ-અવધિ ભાષામાં એવી સરળતાથી લખીને લોક સમક્ષ મૂક્યું કે માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, પણ દેશ-પરદેશમાં સરહૃદય ભક્તો માટે તે મોટું આત્મપ્રેરક ને જીવનપ્રેરક નજરાણુ બની રહ્યું. મૂળ સંસ્કૃતને બદલે અહીં 'રામચરિતમાનસ' અવધિમાં એ રીતે આર્વિભાવ પામ્યું કે તેમાં રામચરિતની સાથે ભારતની લોકચેતના પણ સમન્વિત થતી આવી. ગીતા અને બાઈબલ જેવી તેને લોકપ્રિયતા મળી. સાત કાંડમાં વિસ્તરેલું આ મહાકાવ્ય માત્ર રામની પ્રશસ્તિ જ નથી, ત્યાં ક્રમશ: આત્માની, મનુષ્યની વિકાસરેખા પણ અંકિત થઇ છે. તત્કાલીન લોકસ્થિતિ અને લોકચેતના પણ પ્રકટ થતી આવી છે. રઘુનાથગાથાની સાથે ત્યાં માનવગાથા પણ છે. જેમાં હિન્દુધર્મ છે, તેનું દર્શનમનન છે, સગુણ-નિર્ગુણ ભક્તિદોર છે, ઊંડી ફિલસૂફી છે. સૂરદાસે એક રીતે, તો દુલસીદાસે બીજી રીતે, લોકને જીવનમાં દ્રઢમૂલ કરી, નવી આશા-શક્તિનો સંચાર કર્યો છે. જીવનના તમામ ઉચ્ચ આદર્શોને તેમણે આ મહાકાવ્યમાં સ્થાપિત કરી આપ્યા છે. ત્યાં તેમણે મનુષ્યને પ્રેમ કરવા કહ્યું છે, સાચા હૃદયથી રામભક્તિ માટે ટહેલ નાખી છે, સારાં કૃત્યો માટેનો આગ્રહ સેવ્યો છે. જીભ પર રામનો મણિ-દીપ રાખવા જણાવ્યું છે તો સચિવ, વૈદ્ય, ગુરુ ત્રણે ભયથી માત્ર પ્રિય જ બોલે અને સત્ય ન ઉચ્ચારે તો રાજા ધર્મ અને શરીર નષ્ટ થાય છે તેવું સનાતન સત્ય પણ તેમણે પ્રકટ કર્યું છે. દયા કરુણાને તેમણે પ્રધાન ગુણ લેખ્યાં છે. શરીરને ખેતર, મનને ખેડૂત, પાપ-પુણ્યને બીજ લખીને તેમણે જેવું વાવશો તેવું લણશો જેવું સ્પષ્ટ કહ્યું છે. જ્યાં આનંદ ન જણાય, આંખોમાં મીઠો આવકાર ન હોય એવા ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ ન જવાની તેમણે વાત કરી છે. તેમણે રચેલું 'હનુમાન ચાલીસા' પણ અનેકો માટે શક્તિસ્તોત્ર પુરવાર થયું છે.
હિન્દી સાહિત્યમાં મહાન સંત-કવિ તરીકે અપાતી તુલસીદાસ ઓળખ એમ અનેક રીતે તેમના સર્જન-સત્ત્વને જ રૂપાન્તરે સૂચવે છે. સ્વાન્ત: સુખાય પોતે લખે છે એવું કહેનાર આ કવિએ બીજી રીતે તો બહુજનહિતાય જ પોતાના શબ્દને લોક વચ્ચે રમતો મૂક્યો છે.
ક્યારેક તુલસીદાસ માટે તે 'બ્રાહ્મણવાદી' કે 'શુદ્રવિરોધી' છે એવું તેમના કેટલાક દુહાઓને ટાંકીને પણ કેટલાક કહે છે. નારી વિરોધીનો તેમનો સૂર છે એવું ય કહેવાયું છે.પણ સંભવ છે કે આવા દુહાઓનું તેમના ટીકાકારોએ પાછળથી ઉમેરણ કર્યું હોય. એવી ટીકાઓ મૂલત: તેમના સમગ્ર ઉમદા-પ્રેમઝંખતા ભક્ત આત્મા સાથે બંધ બેસતી જણાતી નથી. વાલ્મીકિનો અવતાર મનાયેલ તુલસીદાસને એ રીતે કવિ-સંત ઉભય રીતે ભારતના અગ્રણી વિભૂતિ જ લેખવા રહે. ગાંધીજી જેવા કરુણાપુરુષને અને વિનોબા જેવા નિ:સ્પૃહ સંતને પણ તુલસીદાસ એટલે જ કામણ કરતા રહ્યા હશે. વિનોબા તો 'રામચરિતમાનસ'ને માનું દૂધ કહે છે. રૂપકાત્મક રીતે પણ એ સાચું છે. એ 'દૂધે' જ હિન્દુ ચેતનાને જીવંત રાખી છે, પુષ્ટ કરી છે, તેના મર્મનું સશક્ત રૂપ દર્શાવી આપ્યું છે - ત્યારે અને આજે પણ...