Get The App

ને નાનકો મીઠું મીઠું હસે છે! .

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ને નાનકો મીઠું મીઠું હસે છે!                               . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- તમે તમને હજી ખરેખર ભૂલ્યાં જ નથી ! તમે તમારી આદતો તજી નથી એમ કહેવા કરતાં તમે અદ્દલ જાળવી રાખી છે

ક્યા રેક ક્યારેક હવે હું મારી જાતને પ્રશ્ન પૂછી લઉં છું : અરે, ભઈ ! તું મોટો તો નથી થઇ ગયો ને ? અને પછી અંદરનો માંહ્યલો મીઠું મીઠું હસી લે છે. એ મને રમૂજ કરતાં કહે છે. તમે હજી આ ઊમડઘૂમડ વાદળો નિરખવાનું ક્યાં તજ્યું છે રે ! તમે હજી ફૂલો જોતાં જોતાં તો મહેકી ઊઠો છો, ફૂલની સુગંધનું વર્ણન કરવા બેસી જાવ છો. તમે હજી રસ્તા પર ચાલતાં ચાલતાં આજુબાજુનાં વૃક્ષોને નિહાળવા ડાફોળિયાં મારવાનું ક્યાં છોડયું છે ? અરે, ગાંડાની જેમ કોઇક કોઇક વૃક્ષ પાસે ઊભા રહીને વાતો કરવા પણ કેવા ઉત્સુક થઇ રહો છો. નવરાશની પળોમાં કોઈ જૂના મિત્રને ફોન કરો છો ત્યારે પણ સખણા ક્યાં રહો છો ? ત્યાં પણ ઠાઠાઠીઠી કરવાની એક પણ તક છોડતા નથી.

અને હા. જુવાની - બાળપણના મેળાપના બિન્દુ પર તમે નદી જોઇને ઘેલા થઇ જતા હતા, તેવી ઘેલાઈ આજે પણ તમે અકબંધ સાચવી રાખી છે. તમારા ઠાઠોઠાગો તો આજેય અદ્દલ એવો જ છે. ઠાણ જોયું નથ ને તમે નિરાંતે જમાવ્યું નથી. અલકમલકની રસદાર વાતો, ભાતભાતના નુસખાની કથાઓ તમે કુવાને પગથારો બેસીને કહેતા હતા તે આજે ય કૂવા જોતાં જ કેવા પગધારે બેસવા હડી કાઢો છો ? અરે, જવા દો ને, આજેય તમે ખમીસની ફફડકથી હાથ લૂછવાની મજા શું નથી લેતા ? ચમચીને બદલે પાંચેય આંગળીઓ વડે ખાવાનો ટેસડો તો હજી ક્યાં છોડયો છે ? સબડકો ભરવાનું ય કેવું સુખ અવકાશ મળતાં માણી લો છો ? તમે સડક અને પાકા રસ્તાઓ વચ્ચે પણ ધૂળના વૈભવ માટે કેવું ઘૂંટી ઘૂંટીને કહો છો ? હજી પણ ધૂળમાં કે ધૂળિયા રસ્તા પર ચાલવામાં તમે ગૌરવ અનુભવી રહો છો. સાચું જ કહો તમે હજી પવનના સુસવાટામાં ખુદને ખોળવા માટે તમારા બંને કાન પર હથેળીઓ મૂકી દઇને કેવા કેવા અવાજો સાથે તન્મય થઇને ખીલી ઊઠો છો ? છેક આજસુધીની તમારી દોડાદોડમાં તમે હજી રઘવાયા જ થઇ રહો છો. ઠરેલપણું શોધવું પણ મુશ્કેલ લાગે. અને તમે હજી પણ એવા જ આખાબોલા છો. કેટલું કહેવું, કેટલું ન કહેવું તેવી વ્યવહારુ રીતરસમોથી તમે હજી દૂર જ રહ્યા છો. બધું ઉમળકાથી ઠાલવી દો છો, સપાસપ ! કોઇને ગમશે કે નહીં ગમે એવો વિવેક પણ ત્યારે આછો રહે છે. તમે હજુ બાળપણના છોડને જ નરી માવજતથી ઉછેરતા રહ્યા છો. એ બધું જળોની જેમ સપ્પટ રહ્યું છે, વળગેલું રહ્યું છે.

આ વર્ષાઋતુમાં વરસાદની જ વાત કરો ને ? વરસતી ધારા સાથે કેવા તમે એકલીન થઇ જાવ છો ? ક્યારેક નાસ્તા કે જમવાના સમયે પણ તેથી તમને બૂમો પાડવી પડે છે. તમે ધ્યાનભંગ થતો હોય તે રીતે ત્યારે હબક ખાઈ જાવ છો. અરે, કોઈક તમને તેથી મૂડી કહીને ત્યારે તમારી મજાક પણ કરી લે છે. પણ તમે ત્યારેય મસ્તરામ. જળનાં બુંદને હથેળીમાં લો, મોતીની જેમ ઉપર-નીચે તેને રેલાવો અને ભીની ભીની હથેળી પછી છેક અંદર પહોંચી કંપ જગવી રહે. હજી તમે મેઘધનુષ જોવા એવી જ અધીરાઈ દાખવો છો. પૂર્ણિમાનો ચંદ્ર કે સવારનો સૂર્ય જોવા તમે ત્યારે તને આજે પણ તલપાપડ જ રહ્યા છો. કહો, એને શું કહીશું? તમે હજી પણ ક્યાં કશું વિચારો છો ? રસ્તામાં ગમતા સ્થળે ક્યાંક મંદિર આવે તો તમે - તમારું શિશ પ્રણમી રહે છે. ત્યાંય બૌદ્ધિકો તમને ક્યારેક ટકોરે છે. પણ તમે મસ્તી છોડી નથી, તમારી ખુદની મસ્તી. અરે, તમે પુષ્પોને, તુલસીને કે ઘર આંગણાના છોડને પણ લીલાંછમ્મ જોઇને કેવા હજીય હરખાઈ ઊઠો છો ? કેવી તેની પણ ઘીનો દીવો પેટાવી આશકા લેતા હો છો ?

હજી સમયની અવળસવળમાં પણ એવા જ બેફિકર કલંદર જેવા જ રહ્યા છો ને ? ત્યારે અને આજે તમે તમારી રીતે ઘડિયાળની ચાલમાં ફેર પાડી દો છો. કોઇકને મળવાનું કહ્યું હોય અને તે ભૂલીને તમે કોઈ કથા-કાવ્યમાં પરોવાઈ જાવ છો. બિનજરૂરી કામ કે જરૂરી કામનાં ખાનાં ભૂંસી નાખીને તમે રમકડાથી રીઝી જતા બાળકની જેમ ગમતા કામને જ રમકડું બનાવી દો છો, રાજી થઇ રહો છો. 'તમે યાર, ખરાટાંકણે ગ્રહણ વેળા સાપ કાઢી બેઠા-' એવું તેથી મરમી મિત્રો તમને ક્યારેક ક્યારેક કહે છે પણ ખરા ! તમારી પેલી કંઇક મોટી લાગતી આંખોનો જાદુ પણ હજી પૂર્વવત તમે જાળવી રાખ્યો છે. ક્યારેક આંસુથી ચૂઈ રહે, ક્યારેક આંખને ખૂણેથી અશ્રુ ટપકવાને બદલે અંદર જ સમાઈ રહે, ક્યારેક એ આંખ ખુદ પ્રતીક્ષા બની જાય તો ક્યારેક વેદના કે ક્યારેક નિર્વેદ પણ ડોકાય. ક્યારેક હરમડાટ- ગભરાટ પણ ડોકાય ! હજી એ આંખ સખ્તાઈનું અંજન આંજ્યા વિનાની જ રહી છે.

- અને ત્યારે અને આજે - એ પણ જોવાય છે. તમે એન્જિનની જગા લેવાને બદેલ આરંભથી જ ગાર્ડનો ડબ્બો બનતા રહ્યા છો તેવો જ ગાર્ડનો ડબ્બો રહ્યા. ત્યારે ડાબા હાથે પહેલો એવું રમૂજમાં અનેકવાર બોલ્યા હશો - આજે પણ એ વાક્યનાં કર્તા-ક્રિયાપદ-કર્મ બદલાયાં નથી. કહો એનું શું કારણ ? તમને હજી એક બાળકની જેમ જ આકાશમાં ઊડી જતી પંખીની હાર-પર હાર જોવાનું એટલું જ પસંદ છે. વિમૂઢ થઇ જાવ છો ત્યારે તમે. વિસ્મયનું એક જગત ઓઢીને બેઠા હો તેવો તમારો ત્યારે દીદાર લાગે. અને ક્યારેક કોઈક કોઈક પંખી દૂર કોઈ તરુની ડાળ પર છૂપાઈને એનું સંગીત રેલી રહ્યું હોય ત્યારે પણ તમે થોડા બાવરા બની જાવ છો. તેના સૂરની સાથે પંખીને જોવા માટે પણ ઉત્સુક થઇ જાવ છો. હજી વહેતા જળમાં કાગળની હોડી તરતી મૂકવાની કે દીવો તરતો મૂકવાનો હોય તો તમે ત્યાં પહેલા પહોંચી જાવ છો ! કહો કેમ ? તમે હજી મઠિયાં - પૌંઆને ભૂલ્યા નથી, 

હજી તમે બાજરીના રોટલાની તાજી સુગંધથી લલચાઈ જાવ છો, હજી, હાંલ્લીમાં લસણના વઘાર સાથે કંકોડાનું કે ભાજીનું શાક થતું હોય તો તમે રસોડામાં પહોંચી જાવ છો, હજી તમે સમય - કસમયે ભૂખ હોય કે ન હોય ત્યારેય ફાકાફૂકી કરી લેવાનો ચસકો ભૂલ્યા નથી ! બત્રીશ પૂતળીઓનાં કે મદારીનો ખેલ જોવા હજી તમે તલપાપડ રહો છો ! કહો કે તમે તમને હજી ખરેખર ભૂલ્યાં જ નથી ! તમે તમારી આદતો તજી નથી એમ કહેવા કરતાં તમે અદ્દલ જાળવી રાખી છે. તમે હજી કાશઘાસની જેમ જ તમારું ડોલન તરોતાજ રાખ્યું છે. તમે હજી ઘાસની પત્તીને દાંત તળે દબાવી, તેનો તૂરો કંઇક મીઠો સ્વાદ માણી લેવાનો અવસર ચૂક્યા નથી. માંહ્યલો કહો શો ઉત્તર આપે ? એ મીઠું મીઠું હસે છે અને હું ય તે નાનો-નાનકડો મીઠું મીઠું હસું છું !