શિયાળો ઈ શિયાળો... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આવો શિયાળો જ ન હોય તો વસંતને ઓળખવાની ચાવી જ આપણને કોણ આપત?
ઋ તુઓ અને તેની શોભાનું સ્મરણ કરું છું ત્યારે મનોમન થયા કરે છે કે આમ તો બધું એક જ છે, પૂર્વવત્ બધું ચાલ્યું આવે છે, એવું જ છે. પણ આંખ અને હૃદય મારી વાતનો સ્વીકાર કરવાનો તરત નન્નો ભણે છે. અંદરથી એક પ્રતિક્રિયા શરૂ થાય છે. તે કહી રહે છે કે અરે, બધું ક્યાં પૂર્વવત્ છે ? દર વખતે અહીં તો નવા જ વેશ-દરવેશ છે. નવી ભંગીઓ છે, નવા લટકા છે, નવો કેફ છે. મનવા ! જરા ધ્યાનથી નિહાળ, અનિમેષ જો, પળેપળ નવી પ્રસાદીનો થાળ તારી સન્મુખ એ બધું ધરી રહે છે. લોચન-મન સાચાં છે. ક્યાં કશું એક જેવું હોય છે! માત્ર મનને મુક્ત રાખવાનું છે, નયનને એની રીતે નર્તન માટે મોકળાશ આપવાની છે. બસ, બાકીનું બધું એવાં મન-લોચન પર છોડી દેવાનું...
આ વખતનો શિયાળો, તેનો પ્રવેશ, સઘળું કંઈક એવું જ નવ્ય રૂપ લઈને આવ્યાં. ઉનાળાએ આ વેળાના શિયાળાને ઠીક ઠીક રોકી રાખ્યો. સાચું કહું તો ઉનાળાએ થોડીક સરમુખત્યારી દાખવી. પણ શિયાળો આખરે જીત્યો. ભલે, વિલંબથી તેનો પ્રવેશ થતો લાગ્યો પણ એનો મિજાજ તો પ્રત્યક્ષ થયો છે. આવતાંવેંત તરત કળી શકાયું કે સૂરજે તેની મૂળની પ્રકૃતિને વિસારે પાડી દીધી. તેના ઉત્તાપને તેણે સંહરી લીધો. અને સૂરજની બદલાયેલી ચાલે આકાશે પણ તરત પોતાની નવી રૂપલીલાઓને વ્યક્ત કરવાનું સાગમટે બીડું ઝડપી લીધું. જે સૂર્ય, જે આકાશ મને-તમને તેની શરણાગતિ માટે ધાક-ધમકડી આપ્યાં કરતાં હતાં, તે હવે સ્વયં ઝંખવાઈ ગયાં હતાં. એમના અત્યાર સુધીના કહેવાતા સામ્રાજ્યનો મહિમા હવે ઓસરી રહ્યો હતો. જે શરણાગતિ માટે અન્યને તકાજો કરતાં હતાં તેણે ખુદે જ આ શિયાળાની પગચંપી કરવાનું શરૂ કરી દીધું. સમય કેવો બલવાન છે ! કશું અચળ નથી, બધું પરિવર્તન તો પામે છે જ. અને આ વાત પછી આસપાસનો પરિવેશ પણ પામી જાય છે. સૂરજ અને આકાશની બદલાયેલી ચાલનાએ વૃક્ષો પર, જલ પર, અરે મનુષ્યો પર પણ પ્રભાવ પોતાની રીતે વિસ્તાર્યો. શિયાળાએ એના સામ્રાજ્યનાં કીર્તિ અને નોખાં કલેવરથી સૌનાં મન જીતી લેવા હેમંતને સૂબો બનાવી દીધો. અને હેમંત તો કોઈ જૂના રજવાડાના મુત્સદી પણ મનુજપ્રિયની પ્રકૃતિ દાખવતો કારભારી કે દીવાન જેવો છે. કળ-અકળથી તે સૌનાં મન સાચવે. રાજાનો ય જયકાર અને પ્રજાનોય જયકાર - અને પાછું બધું સૌને ભાવતું-ફાવતું. કશે વિરોધનો સૂર કે ગણગણાટ નહીં... કલાપી જેવા રાજવી કવિનેય એ બધું. 'સુરખી ભર્યું' લાગે રવિ પણ 'મૃદુ' લાગે.
હેમંત- કહો કે શિયાળો - આપણને કહેવાનાં કે રંગનાં ચટકાં હોય, કુંડા ભરેલાં ન હોય! આપણને એવું કહીને તે સૂચવી રહે છે કે દિવસ હવે ટૂંકો - આનંદી લો અને રાત્રિઓ દીર્ઘ, એવી રાત્રિઓને આરામી લો ! આનંદ અને આરામ ! કહો, કઈ ઋતુ આવું ચિર સૂત્ર અંકે કરાવી રહે છે ? એક બીજું પણ દ્રશ્ય ધ્યાનમાં આવે છે ? આ 'દ્રશ્ય', 'અદ્રષ્ય' છે. જોવાતું નથી, અનુભવી રહેવાય છે. તમે હવાનું કશે સંચરણ થતું જોઈ જ નહીં શકો એ સ્થિર, થીજી ગયેલી લાગશે. અને છતાં તે તેની ઉપસ્થિતિનો ઊંડેથી અહેસાસ કરાવશે, અરે તમને ઉત્સાહિત કરી રહેશે. હેમંતનો એ જાદુ છે. શિયાળામાં પ્રેમીઓનો આ સર્વનું સ્મરણ કરતાં કરતાં ઉદ્ગારી ઊઠવાના- 'અહો! હેમંત-શિયાળો-આશ્ચર્ય! આશ્ચર્ય! હેમંત ખુદ જ ઘણો ઠાવકો છે. માગશર સુધી પહોંચો, થોડાક આગળ વધો એટલે એ એની-તળપદ ભાષામાં કહું તો' - બેઠી તાકાતનો પરચો કરાવી રહે છે. આપણી આસપાસના વાતાવરણમાં તે કશુંક શબ્દસ્થ ન કરી શકીએ તેવું કમનીય સર્જી રહે છે. શૈત્યની સાથે ઉષ્ણનો ટકરાવ તે ઊભો કરે છે. તરત આપણે એવા પડકારને ખુશીથી ઝીલી પણ લઈએ છીએ. ગરમ પાણી, ગરમ કોફી, ગરમ ચા, ગરમા ગરમ મેથીનાં થેપલાં કે મેથીના એવા જ ગરમ ગોટા અને તેવાં બીજાં અનેક વ્યંજનો પ્રત્યે આપણે આકૃષ્ટ થઈ ઊઠીએ છીએ. ચાર્વાકવાદીઓની એકદમ નજીકની ભાષામાં કહેવું હોય તો કહેવાય - ખાવ, પીવો, અને હૂંફાળા, હૂંફાળા થઈ રહો.... ભીતરનું હવામાન, બહારના ઠંડાગાર હવામાન કરતાં સામા છેડાનું થઈ રહેશે. શીત અને ઉષ્ણનો સંઘર્ષ વધુ દ્વદ્ય બનતો જાય. છાતી સરસુ ચાંપી રહેવું વહાલથી આશ્લેષી, ચંપાઈને બેસવું, શગડી પાસે, વીંટળાઈને બેસી જવું, બ્લેન્કેટમાં બે જણે એક થઈને શ્વાસ ભરવા અને વિશ્વાસના તાણાવાણા દ્રઢ કરવા - વગેરે વિધાનોના અર્થ-મર્મ અહીં અવાક્ રહીને એની ઊંડેરી પ્રતીતિ કરાવી રહે છે. એમ થાય કે આવો શિયાળો જ ન હોય તો વસંતને ઓળખવાની ચાવી જ આપણને કોણ આપત? ખાવાનું-જીવવાનું- બધું ગરમ! ગરમ! માનવનું માનવ સાથેનું એક જુદા પ્રકારનું સંધાને એક અનન્ય એવો અનુબંધ! ક્યારેક સ્થિરતાનો જાદુ પાથરી બેઠેલો પવન ગતિમાં આવી જતાં હળુ હળુ બની વૃક્ષોને, ડાળીઓને, ડાળી પર બેઠેલાં પક્ષીઓને પણ હળવી રીતે કંપિત કરી રહે છે. હવાનો એક કંપ જાદુઈ જ નહીં, નર્યો અવર્ણ્ય હોય છે. એ કંપ કોઈ એકાકી આત્માને સ્મૃતિઓ વચ્ચે ઝૂલાવી રહે છે, ઘર, સખા-સખીઓ અને ભાવતાં ભોજનોના વિશ્વ ધણી ખેંચાઈ રહેવા વિવશ કરી રહે છે.
- અને હા, કોઈક કોઈકને આ શિયાળાની દીર્ઘ રાત્રિઓ અથવા ઢળતી સાંજો મનગમતા પુસ્તક પાસે પણ વારંવાર દોરી જાય, ઓસ્કાર વાઈલ્ડ જેવાને આવી ઋતુમાં ડહાપણનો માહોલ પણ રચાતો જોવા મળે. આ બધી વેળા પેલો અગ્નિ, તાપણુંતો એના કોઈક રૂપે હાજર હોવાં જ જોઈએ. અગ્નિ ત્યારે અગ્નિ તો ખરો જ, પણ ક્યારેક તે આવેશ રૂપે, ઉત્સાહ કે પ્રકાશ રૂપે, તેજ રૂપે અજાણતાં જ મને - તમને સંકોચી રહે છે. કહો જોઈએ - શિયાળો, શીતલતા કે ઉષ્ણતાની ઉજવણી? કે પછી શિયાળો ઈ શિયાળો !