- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રાધા વિના મૌનના માહાત્મ્યને કે સમર્પણની સંવેદનાને કઈ રીતે જોવાનું બન્યું હોત ?
પ્રિ ય ! તમારે ચૈત્ર સાથે ઘરોબો ખરો ? હું મૈત્રીનું નથી પૂછતો, ધરોબાની વાત કરું છું. મૈત્રી તો ઉપરછલ્લી પણ હોઈ શકે. ઘરોબામાં તો અંતરંગના તાણાવાણા ગૂંથાયેલા હોય. અને સાચ્ચે જ જો ઘરોબો હોય તો તમે જરૂર ઘણા ઘણા નસીબદાર છો. કારણ કે તે અધરાત-મધરાતે તમારા બારણે ટકોરા મારી તે તેની સંગ વાતો કરવા નિમંત્રે છે. દાહકતા વચ્ચે તમને શૈત્યની સરગમથી ખુશ કરી દે છે. દક્ષિણ દિશામાંથી પવન દોડી આવીને ગોષ્ઠી માટે ગાંસડીઓ છોડે છે. તમને થોડી નિરાંત હોય તો છેક પ્રાતઃકાળ સુધી કર્ણપટલ પર તે તેની કથનશૈલી અને કથન બંનેનો જાદુ પાથરી દે છે. તમને કદાપિ ઘરોબાને નાતે તેમાં પૂરેપૂરા તલ્લીન થઈ ગયા હો તો એક સાથે ઘણુંક ગૂંથાતું-વણાતું જાય, અદ્ભુત રીતે જોડાતાં જોડાતાં દિવસ આખાનું પછી વ્યાકરણ જ બદલી નાખે. ગ્રીષ્મ વચ્ચે પણ તમારો અંદર-બહારનો દરવેશ વાસંતી થઈ જાય, ઋતુ-સમય-સંબંધથી ઊંચે ઊઠીને તમે નિરભ્ર આકાશ હોવાનો અનુભવ કરી રહો, નિરવધિ થઈ રહો....
ચૈત્રના એવા રૂપે આજે સાવ નોખી રીતે કામણ કર્યું છે. પરોઢના આકાશ દર્શનમાં એક દ્રવ થઈ રહ્યાં હતાં. તેવા સમયે મંદ-મંજુલ પવન 'કૂક' કરીને રાધા, રાધા, રાધા, ધારા, ધારા, ધારા એવું ગાન રમતું મૂકી ગયો. બસ, રાધાનું નામ સ્મરણ જ ત્યાં સંખ્યાતીત દ્વાર ફટાફટ ઊઘાડી આપવા માટે પૂરતું છે. ચૈત્રની મજા જ આ છે. સુપ્ત સંવેદનાઓને તે ધીમેકથી જાગ્રત કરી મૂકે છે, અધ્યાસો પછી ખૂલવા માંડે. રાધા આવે એટલે કૃષ્ણનામ ઢંકાયેલું રહે કે ? એ નટખટની સરહદો પણ વિસ્તરતી રહે, જમુના અને એનું જલ આવે, વ્રજ, વ્રજનાર, બરસાના, વૃન્દાવન અને આખોય પરિવેશ પ્રત્યક્ષ થઈ રહે. રાધા સાથે એક બીજા જ યુગની મીરાં પણ દ્રષ્ટોદ્રષ્ટ થઈ રહે, કહો કે પ્રિય ! સંવેદનાનું લૂમેઝૂમે સોહી રહેતું વૃન્દાવન જ થઈ રહેવા.. કહો, ચૈત્ર માટે ઓશિંગણ ભાવ જાગે કે ન જાગે ! એવા ચૈત્ર માસે કોઈનીય ચતુરાઈ ન ચાલે. એની આંગળી પકડી લીધી એટલે એ ઠેઠ લઈ જાય, બંસી સૂરના ઉગમ સુધી, રાધાના વ્હાલપભર્યા મધુર-મોહક શબ્દ સુધી, કૃષ્ણના હૃદયની ધડકન સુધી. માત્ર કાન સરવા રાખવા પડે...
મન રાધાનું સ્મરણ કરતાં કરતાં 'ધારો કે' અને 'જો' તેમજ 'તો' શબ્દોનું જગત પણ અંદરથી આંદોલિત કરતુ ંગયું. ધારો કે રાધા હોત જ નહીં તો ? તો કૃષ્ણની કેવી દશા કલ્પીએ ? ધારો કે રાધા કૃષ્ણનો મેળાપ ન થયો હોત તો વ્રજ-વૃન્દાવન-ગોપીઓ આ કે તે કવિઓ - કાવ્યો એ બધું કયા રૂપે હોત ? ધારો કે રાધાએ કૃષ્ણનો સ્વીકાર જ ન કર્યો હોત અથવા તો રાધાની મૂરત ખરેખર કેવી હોત ? રાધા વિના 'વિરહ'ને સમજી શકાત ? રાધા વિના 'પ્રતીક્ષા'ને પામી શકાત ? રાધા વિના મૌનના માહાત્મ્યને કે સમર્પણની સંવેદનાને કઈ રીતે જોવાનું બન્યું હોત ? રાધા વિના એકત્વના સ્પંદની અનુભૂતિ થઈ શકે ? નિઃશબ્દનો જાદુ જ રાધા વિના ક્યાંથી સમજી શકાય ? એકલતાનું પણ મહાકાવ્ય રચાઈ શકે તે પણ રાધા વિના કયા પાત્રથી સ્પષ્ટ કરી શકાત ? રાધારાણી વિના આ મોર, આ શણગાર, આ નારીત્વ, આ શૃંગાર, આ મીઠી વાણી, આ વ્રજ-બરસાના-ગોકુલ-ગોપ-ગોપીઓ, આ વનશ્રી, આ પ્રકૃતિ, જલ-મટકી-નદી-કિનારા એ સર્વના સંદર્ભો કહો કેવા હોય ? વાણી વિનાની વાણીની એક અભિનવ બારાખડી રચી ગયેલી રાધા માત્ર સંપૂર્ણ નારીકંપ નથી, તે સાથે રસભર્યા વિશ્વનો કંપ પણ તે છે. રાધાનું સાન્નિધ્ય કૃષ્ણને જરૂર પ્રાપ્ત થયું હતું પણ રાધા તો સંગ રહીને પણ નિઃસંગ 'જીવતાં જીવતાં' કૃષ્ણલીનતાનું જે નિરંતન પ્રેમગીત રચી ગઈ છે તે ભાગ્યે જ કોઈની પહોંચમાં આવે તેવું છે. કૃષ્ણ રાધાહીન નહોતા એમ નહીં, પણ તેમની જીવનકર્મલીનતા અનેકધા ફંટાયેલી હતી. રાધા મૂક તડપન હતી, તો મૂક તુષ્ટિ પણ હતી. રાધા પ્રેમબદ્ધ હતી તેટલી જ તે મુક્ત હતી. અર્થાત્ તેનો પ્રેમ સંકીર્ણ નહોતો, કૃષ્ણને ક્યાંય બાંધ્યા નથી. રાધાએ 'સમર્પણ' સંજ્ઞાને વિશ્વમાં પ્રથમવાર નવું પરિમાણ આપ્યું છે. પ્રેમ અને ભક્તિના શોધાર્થીઓએ હજી ત્યાં સુધી પહોંચવું બાકી છે. એક બીજા યુગમાં મીરાં રાધાને પોતાની રીતે પુનર્જીવિત કરે છે. તે વિરહિણી છે, તેમનામાં તડપન છે, ઝંખા છે, સમર્પણ ત્યાં સુધી છે. છતાં મીરાં રાધાની જેમ નિઃશબ્દ નથી રહી. મીરાંએ ઘૂટનને પદોમાં ગાઈ છે, મુખર થઈ છે, મૌન તોડયું છે. શ્રદ્ધા-ભક્તિ એ બધાં સાથે. રાધા કૃષ્ણ સંગ હતી, પ્રત્યક્ષ, મુખોમુખ. મીરાં માટે કૃષ્ણ એક ચેતના હતા, મનોમૂર્તિ હતા. છતાં પ્રગાઢતા તો ત્યાં રાધા જેવી જ હતી. પણ રાધા રાધા છે, મીરાં મીરાં છે. રાધા જમુનાના જલતરંગો વચ્ચે કૃષ્ણને ઝીલતી ને અનુભવતી રહી છે, જીવતી રહી છે. મીરાં રેતની ડમરીઓ વચ્ચે, કૃષ્ણનું વિભાવન પ્રત્યક્ષ કરવા મથી છે. રાધા-મીરાં બંને પ્રેમજોગણ પણ રૂપ સાવ નિરાળાં....
પ્રિય, ચૈત્રની રાત્રિ અને એનું આ પ્રભાત આજે મને ક્યાંનું ક્યાં સંલગ્ન કરી રહ્યું છે ! વ્રજની ગલીઓમાં, શેરીઓમાં અને જ્યાં જ્યાં માનવ પાસે હૃદય સમૃદ્ધિ છે ત્યાં ત્યાં બધે રાધાનામરટણ સતત થતું રહે છે. આ વ્રજવાસી કવિના ગીત-ભજને પણ આજે મનને ચોતરફ ઘેરી લીધું છે. રાધા પ્રેમીઓ-ગાવાના જ. મને વૃંદાવદનો મોર બનાવી રહો, પાંખ પસારી રાધાને રીઝવી દઈશ. મને પંખી બનાવી દો જેથી કુંજ-નિકુંજમાં એના નામનો પડઘો પાડયા કરીશ, મને ભિખારી બનાવી દો જેથી પ્રેમ માગી માગીને તને જ તે અર્પણ કરી દઈશ, મને રસિકા બનાવી દો જેથી આઠે પહોર રાધા રાધાના નામનું જ ગુંજન કરીશ, મને રાધાના મસ્તકનું તિલક બનાવી દો જેથી ત્રણે લોકને રાધાના નામની ચમક બતાવી રહીશ. મને રાધાના કંઠની માળા બનાવી દો જેથી પ્રેમની ખુશ્બૂ આખા વિશ્વમાં પ્રસારી રહીશ. મને રાધાના હાથનું કંગન બનાવી રહો જેથી તારા હાથની સદા માટે દાસી બની રહીશ. મને રાધાના ચરણનું પાયલ બનાવી દો જેથી આખાય વ્રજમાં હું છમ છમ નાચીને ધૂમ મચાવી દઈશ, મને કોયલ બનાવી દો જેથી આખાય વ્રજને રાધા નામના મીઠા ટહુકાથી ભરી દઈશ, મને બંદર બનાવી રહો જેથી વ્રજ ભૂમિને રાધા નામ સાથે કૂદાકૂદથી, ઉપરતળે કરી દઈશ.
મને પુષ્પ બનાવજે જેથી જગને મહેકાવી રહીશ, સંત બનાવજો જેથી રાધા નામમાં જીવન આખું લૂંટાવી દઈશ, મને વૃક્ષ બનાવજે જેથી કૃષ્ણ સાથે ચીર ચોરી લેવામાં જોડાઈ જાઉં, ગોપીની મટકી બનાવજે જેથી દૂધ-દહીં સાથે તારું ગાન કરી શકું, નિધિવન બનાવજે જેથી રાસદર્શન કરી શકું....
આ ભજન-ગીત તો હજીય જુદી જુદી રીતે વિસ્તર્યું છે. પણ કેન્દ્રમાં તો રાધારાણી છે, તેમનો આંતર-બાહ્ય વૈભવ છે. રાધા નિત્ય ઘૂંટાતું આવતું નામ છે, નિત્ય નૂતન અર્થનો રાધા આવિષ્કાર છે. સાચું તો વ્રજકવિએ જે પંક્તિ ઉમેરવા યોગ્ય છે તે ઉમેરી જ નથી ! કવિએ ભજનના અંતે આ કહેવું જોઈએ ! રાધા જેવું મને હૃદય આપજે. જેથી વિશ્વ આખાને રાધા રાધા બનાવી મૂકું !
પ્રિય ચૈત્ર ! સાચે જ આજે તું મોર બનીને ટહુક્યો છે !


