Get The App

- ને હવે 2026...! .

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
- ને હવે 2026...!                                               . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કોઈ એક વર્ષ 'ચાલી ગયું' એમ કહીએ છીએ ત્યારે શું ચાલી ગયું? કે પછી સમયે આપણને ચલાવી લીધા?

ડિ સેમ્બર ૨૦૨૫ પૂરો થઈ ગયો છે તેવું સર્વત્ર અનુભવાઈ રહ્યું છે. પસાર થતા વર્ષની અને આવી રહેલા નવ્ય વર્ષની ઊજવણી પણ થવાની. 'સમય'નાં લેખાંજોખાં પણ મંડાઈ રહ્યાં છે. માણસ પોતાનું સરવૈયું કાઢવાનું બાકી રાખીને અન્ય ઘટનાઓ કે પ્રસંગોને પુન: યાદ કરશે, તે વિશે નુકતેચીની પણ કરશે. આ ખોટું થયું, આ બરાબર નહોતું, આમ નહોતું થવું જોઈતું વગેરે ટિપ્પણીઓ પણ થશે. કેટલાક ઉત્સાહીજનો નવા નવા સંકલ્પો પણ કરશે અને એવો ઉત્સાહ શમી જતાં પાછો માણસ હતો ત્યાં ને ત્યાં આવી સમયના પાશમાં બંધાઈ જશે. ફરી એજ એકધાર્યા છંદની લગાલગાની ચાલમાં લાગી જવાનો.

કોઈ એક વર્ષ 'ચાલી ગયું' એમ કહીએ છીએ ત્યારે શું ચાલી ગયું ? કે પછી સમયે આપણને ચલાવી લીધા ? આ બે પ્રશ્નો અત્યંત મહત્ત્વના છે. 'સમય'ની ગતિ તો એકધારી છે. નદીના જલપ્રવાહ જેવી. પણ શું જલપ્રવાહ એક જ પ્રકારના જળને લઈને આગળ વધે છે ? એક સમાન પ્રવાહ છે ? ના એવું નથી દરેક પળે નવું પાણી ઉમેરાતું જાય છે, જૂનું નવું ભળે પણ છે. પેલી દેખાતી પ્રવાહની ગતિમાં આવો સંશ્લેષ છે, ઉમેરણ છે. એટલે જ સમયનો આપણો વિભાવ લગભગ સાપેક્ષ રહ્યો છે. એક જ 'સમય' કોઈકને સ્વાગતાર્હ લાગ્યો છે તો બીજાને એજ સમય ધૃર્ણ્ય કે તિરસ્કારભર્યો પણ લાગ્યો છે. એકને એ 'સમય' સુખદ સ્મરણો મૂકી જતો અનુભવાય છે તો બીજાને એ જ 'સમય' કરૂણનો અનુભવ કરાવી રહે છે. એકને માટે તે જય-અજય છે તો બીજાને માટે તે પરાજય કે પરાભવનો પર્યાય બની રહે છે. કહો સમયને તટસ્થભાવે જોતાં તે ભ્રામક જગતનો પરિચય શું નથી આપી રહેતો ? સાચું તો લેબ્નીઝ જેવાએ કહ્યું છે તેમ, સમય કે તેવી પળો માત્ર એક વિભાવન છે, અમૂર્ત અંદાજ કે કલ્પના છે. વધુ સાચું તો એ છે કે તેવા 'સમય'ના જે વિવિધ બિન્દુઓએ, એ બિન્દુઓ જે કેટલીક ઘટનાઓ - પ્રસંગોનાં - કાર્યોનાં ધારકો છે - તે પેલા સમયને સંજ્ઞિાત કરી આપે છે.

વાત તો એ છે કે સમય આપણને ચલાવે છે. આપણા ભ્રમો, ધારણાઓ કે સમય વિશેની સાચી-ખોટી ધારણાથી આપણે આગળ 'ચાલતા' હોઈએ તેવો અનુભવ કરતા હોઈએ છીએ. આ 'આગળ', 'પાછળ'ની ગતિ પણ એક મહાભ્રમ જ છે. ત્યાં ભૌતિક માપદંડો કે કાટલાં જ એવા ભ્રમને વિસ્તારી રહે છે. આ 'સમય' કે 'કાળ'ના કોઈક કોઈક તત્ત્વવિદ્ કે આપણા કથાકારો છેક 'ઈશ્વર' સુધી વાતને લંબાવીને 'સમય'ને જ ઈશ્વરનો પર્યાય લેખી રહે છે. 'સમય' સંજ્ઞાને સ્પર્શક્ષમ બનાવવા માટે ઋગ્વેદે પણ ઋત અને સત્યના જન્મની વાત કરીને ઋતુઓ, મહિનાઓ, કિરણો, રથ વગેરેને યાદ કર્યા છે. સૂર્ય-ચંદ્ર-તારકોને પણ, રાત્રિ-દિનને પણ એ સંદર્ભે આપણે ઉમેરી શકીએ.

સમયનાં અતીત-વર્તમાન-અનાગત- એવાં વિભાજનો પણ સમયનો વધુ પરિચય મળી રહે તે માટેનો જ છે. ત્યાં વીતી ગયેલાનું સ્મરણ ન કરવાની વાત છે, ભવિષ્યની ચિંતા ન કરો તેવું ય કહેવાયું છે અને સત્ય એવું તારવ્યું છે કે જે છે તે વર્તમાન છે. તેમાં જ જીવો, તેને પ્રમાણો, તેને માણો, અનુભવો. મત્સ્યપુરાણ તો તેથી ય વધુ ઊંડે ઊતરી 'કલ્પ' સુધી વિસ્તરે છે, યુગ વિભાજન કરી આપે છે.

તો પ્રશ્ન આપણો - વર્ષ પૂરું થયું - તેનો છે, નવા આવી રહેલા વર્ષના સ્વાગત-સ્વીકાર માટે છે. તેની ઊજવણી સંદર્ભે છે. આપણા સંકલ્પો, શબ્દ, વચન, સોગંદનો છે. આપણી ઓળખનો છે. આભાર માનો કે આ 'સમયે' આપણને જેવા છે તેવા રૂપે સાચવ્યા છે ! બાકી આપણે, આપણા મોટા સમુદાયે એવું ક્યું મહત્ પરાક્રમ દાખવ્યું છે જે સમય સાથે સંજ્ઞિાત થઈ રહે ? ઈતિહાસ લખવો પડે, ભવિષ્યને અજવાળી રહે તેવું કર્યું. પ્રેરક કર્મ આપણું રહ્યું છે જે અનાગત સુધી તેનો પડછાયો પાથરી રહે ? ઊજવણી તો એવાં કર્મોની હોવી ઘટે. એવાં કાર્યોથી જ 'સમય' શોભે છે. સમય સૌંદર્યસભર બની 'વર્તમાન' પર જ એકાગ્ર થઈ આવનાર સમયનો વિચાર કરવાનો હોય, ભૂતકાળ તરફ નજર નાખવાની હોય તો આપણે આપણો આત્મા રાજી થઈ રહે તેવું કશું કાર્ય કર્યું છે ? એવું જાતને જ પૂછવાનું આ સમયમુહૂર્ત છે. એવી વ્યક્તિને જ નવા વર્ષનો ઉત્સવ ઉજવવાનો અધિકાર છે.

હા, ઉત્સવો ઉજવીએ, રંગેચંગે માણીએ પણ સામે કટોકટીભર્યા આજના આ વિશ્વ વચ્ચે વ્યક્તિગત ધોરણે સતર્ક રહેવાનું એટલું જ અનિવાર્ય બન્યું છે. લગાતાર આપણી બુદ્ધિમત્તાની અને સંવેદનશીલતાની ધાર કાઢતા રહેવાનો આ સમય છે. બીજા શું કરે છે એના કરતાં મારે શું કરવાનું છે કે કરવા યોગ્ય છે તેનો વિશેષરૂપે વિચાર કરવો પડે તેમ છે. આપણી આસપાસ સમયને, સમયની ગતિને ખોરવી નાખે તેવા પારાવાર પ્રપંચો થતાં રહ્યાં છે. વિશ્વ વધુ પ્રવાહી બન્યું છે. જાતને કે અન્યને સમજવાં અઘરાં પડે તેવા નવા નવા નુસખાઓ વિસ્તરી રહ્યા છે. ધર્મ, શિક્ષણ, રાજકારણ, અર્થકારણની કારિકાઓ ભ્રમિત કરી મૂકે તેવી છે. માનવાધૃત આપણી સંસ્કૃતિનાં મૂળિયાં હલી ઊઠયાં છે. માનવ જ માનવનો દુશ્મન બની રહ્યો છે. ભાષા પણ ક્યારેય નહોતી એટલી હદે દૂષિત થઈ ગઈ છે. સત્ય વધુને વધુ હાંસિયામાં ધકેલાતું જાય છે. અસત્ય નવા નવા વેશે સત્યનો પાઠ ભજવી રહ્યું છે. વિવશ માનવ તેની મૂળ આકૃતિ જ ગૂમાવી રહ્યાનું લાગે. જૂઠની જાળ એટલી મજબૂત બની છે અને એ જાળને ગૂંથનારાઓના હાથ એટલા મજબૂત થતા જાય છે કે કરોડો કરોડો આંખો અને કરોડો કરોડો જિહવાઓ તેનું મૂળ કાર્ય જ વિસરી બેઠાં છે ! ઈતિહાસનું ચક્ર પણ તથ્યો-સત્યોથી દૂર રહીને કૃત્રિમ આયામો રચવામાં પડયું છે. વિશ્વભરમાં આજે જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે તે વિષાદપ્રેરક છે. વ્યાસ-વાલ્મીકિના કંઠ પણ સૂકાઈ જાય, તેમનો કિતો લખવું ભૂલી જાય એવી સ્થિતિ છે.