- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગાંધીજી સામે જ ટૂંકી માપપટ્ટીઓ લઇને આજે કેટલા બધા તેમને માપવા બેઠા છે!
મા ત્ર આપણે ત્યાં જ નહિ, વિશ્વના સમાજની વાત કરીએ તો પણ બહુશ: સમાજ અસંતુલિત થતો જાય છે. ગરીબ અને ધનાઢ્ય વર્ગ વચ્ચે એક મોટી ખાઈ ઊભી થઇ છે. સત્તાપરક લોકો સમાજાભિમુખ કે માનવાભિમુખ બનવાને બદલે સત્તા અને સત્તાના પ્રભુત્વને વધારવાનો અભિગમ ધરાવતા થયા છે. સમાજની સામે સત્તાનશીનોનાં જે કલ્પના બહારનાં નાટકો ભજવાતાં રહે છે એ બધું સમાજને, સમાજના માનવીને વધુને વધુ ઉદાસીનતા તરફ લઇ જઇ રહ્યું છે. વાત શાંતિની અને આચરણ અશાંતિ માટેનું; વાત બુધ્ધની અને અગ્રેસરતા યુદ્ધ માટેની. યુદ્ધ માટેનાં કોઈ વાજબી કારણો પણ જણાતાં ન હોય, છતાં વર્ચસ્ માટે એ યુદ્ધો, અથવા તો આર્થિક પ્રભુત્વ માટે એ યુદ્ધો લડાતાં હોય તેવું જણાઈ રહ્યું છે. અગાઉ નોંધ્યું છે તેમ, સમાજને સ્થિર રાખે, સંસ્કારે, તેને રાહ ચીંધે તેવાં બળો પણ કાં તો નબળાં પડયાં છે, કાં તો શાસન સાથે જોડાઈ ગયાં છે. પરિણામે અસત્ય સુંદરીનો સર્વત્ર ઠાઠ વધ્યો છે, સત્ય પ્રકટ થાય તે પૂર્વે તો અસત્ય સુંદરીએ આખું વિશ્વ કબજે કરી લીધું હોય છે. પ્રજાની શ્રદ્ધા પણ અસત્યમાં દ્રઢાતી જાય છે. સત્ય સામે શંકા કરતી રહે તેવી મનોવૃત્તિ બલવત્તર થતી જાય છે. પેલી એક ઝેન કથામાં બને છે તેમ, તીરથી ઘાયલ થયેલા માણસને તીર કાઢી સારવાર મળે તેના બદલે તીર માર્યું કોણે ? તે બ્રાહ્મણ હતો કે અન્ય ? તે કાળો હતો કે ધોળો ? તે ઊંચા કદનો હતો કે નીચા કદનો ? તેવા પ્રશ્નો તે ખુદ કરી રહે છે અને તેના ઉત્તર મળે પછી તે સારવાર કરવાની વાત કરે છે ! સમાજ આજે એવા વિતથ, બિનઉપયોગી પ્રશ્નોમાં અટવાઈ ગયો છે. જીવનથી ફંટાઈને, જીવનને જ ખુદ નષ્ટ કરી રહ્યો હોય તેવું જણાય છે. કદરદાન સમાજ મળવો આમેય મુશ્કેલ હતું, તે હવે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. વાનગોઘ, સંત જ્ઞાનેશ્વર, ગેલિલિયો સોલ્ઝીનિત્સિન જેવા કેટલાયને ત્યારનો કે આજનો સમાજ ક્યાં જાળવી શક્યો છે ? આજે પણ એવી સર્જનાત્મક પ્રતિભાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ એના અવાજને સદાને માટે ટૂંપી દેવાના પ્રયત્નો ક્યાં નથી થતા ? જીડીપી દરની વૃદ્ધિમાં શાસકોનો રસ વધ્યો છે, સમાજના માનવીના ઉદય માટેનો જીડીપી દર નિરાશાજનક ને છેક તળિયે પહોંચેલો છે તેની ચિંતા કોઈ કરતું નથી. હવે એઆઈ પણ, તેના ગમે તેટલા લાભ બતાવીએ તો પણ, છેવટે તો ખતરાનો ખેલ જ પુરવાર થઇ રહેશે તેવાં એંધાણ સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યાં છે. અંદરની કનેક્ટિવિટી તૂટી ગઈ છે. કેળવણીની સાથે ન્યાયતંત્ર, પત્રકારત્વ, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ જેવાં એક સમયનાં ઊર્જા કેન્દ્રો હવે અશ્રધ્ધેય બનતાં જાય છે. 'વોઈસ ઑફ રિજન'માં મેકગિલે, રાજકીય માળખાની સાથે, શાસન મૂડીવાદ, ધર્મ, પ્રતિષ્ઠાનો, ન્યાયતંત્ર વગેરે રૂઢતા કે હિંસામાં ફસાઈ ગયાં છે તેવું ઉગ્રપણે કહ્યું છે જ.
આપણા સમયનો 'સમાજ' એ રીતે મહદંશે લકવાગ્રસ્ત બની ગયો છે. સચ્ચાઈએ દેશવટો લીધો છે, જૂઠાણાએ આખો તંબૂ કબજે કરી લીધો છે. પાંખ વિના ઊડવાનું, અવાજ વિનાનું રડવાનું, કારણ વિનાનું હસવાનું, ચહેરા વિનાના ચહેરાથી પ્રતિપળ જીવવાનું, ભાષાને બેફામ બની ભોગવવાની, છેતરામણી ભર્યાં સૂત્રોથી એ ભાષાને સજાવવાની આ બધું આજના વિશ્વભરના સમાજ અને તેના માનવીને કંઇક કોઠે પડી ગયેલું લાગે છે. ટોલકિન જેવા વિચારકે એ દિશામાં યોગ્ય સમયે અંગુલિનિર્દેશ કર્યો છે જ. પ્રશ્ન તેથી શિક્ષણને ક્યાં ખોળવું, ધર્મને ક્યાં શોધવો, ન્યાયતંત્રની દુહાઈ ક્યાં દેવાની, લેખક-પત્રકારો-શાસકો જે સત્યશોધકના પર્યાય હતા તેઓને પણ ક્યાંથી શોધવાના ? સાંદીપનિ, દ્રોણાચાર્ય, ચાણક્ય, રામકૃષ્ણ પરમહંસ કે વસિષ્ઠ-વિશ્વામિત્ર, અબ્દુલ કલામ જેવાં નામો હવે ગઇકાલના ઇતિહાસનું જર્જરિત પૃષ્ઠ બની રહે એવો કારસો આપણે રચી રહ્યા છીએ. ગાંધીજી સામે જ ટૂંકી માપપટ્ટીઓ લઇને આજે કેટલા બધા તેમને માપવા બેઠા છે !
પ્રવર્તમાન સમયના માનવ અને તેના સમાજને નજર સામે જે દ્રશ્યો- કરતૂતો સાથે આપણે જોઈ રહ્યા છીએ, તેઓ જે ભાષા પ્રયોજી રહ્યા છે અને મીડિયા જે કઇ ટોપલે ટોપલે આપણી સન્મુખ પીરસી રહ્યું છે, ડિજિટલ વિશ્વ પાંચ જીબીથી આગળ વધી રહ્યું છે, એઆઈ ચર્ચાનો મુદ્દો બન્યો છે અને રોબોટ હવે આપણી સામે લડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે ત્યારે યુવલ નોહ હરારીએ કરેલો પ્રશ્ન આપણા મનમાં પણ એનો પ્રતિઘોષ પાડી રહે છે : 'મનુષ્યની હવે કોઈ જરૂર છે ખરી ?' આ નવી જન્મી રહેલી સભ્યતાને હવે કબીરકથિત ગોપીના પ્રેમતત્ત્વની જરૂર ખરી ? રામાયણ કે મેઘદૂતમાંની આકૃષ્ટ કરતી પ્રકૃતિમાં તેને રસ છે ? રૂમી જેવો કવિ આખા વિશ્વને પોતાની ભીતરમાં જોવાનું કહે છે એવું ભીતર બચ્યું છે ખરું ? સત્ય જ ઇશ્વર છે તેવી પ્રતીતિ થાય તેવું કશે છે ? જિંદગી એક ગીત છે અને પ્રેમ એ સંગીત છે તેવા અનુભવો માટેનું વિશ્વ રહ્યું છે ? સ્વાતંત્ર્ય અને પ્રેમ ઇચ્છતો યુવાન પ્રેમ માટે જીવન સમર્પી દેવા તૈયાર થાય પણ સ્વાતંત્ર્ય માટે પ્રેમનું બલિદાન આપી રહે તેવી યુવા પેઢીની સ્વાતંત્ર્ય ઝંખા ખરી ?
મધર્સ ડે વેળા ન્યૂયોર્કમાં પાંચ લાખ માતાઓ એકઠી થઇ - 'અમે નિર્દોષ બાળકોને જન્મ આપીએ છીએ, તમે તેને લડતાં શીખવો છો' એવી નારી ચેતનાની બુલંદી ખરી ? ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચે સતત ચાલતા યુદ્ધને અટકાવવા બંને બાજુના યોધ્ધાઓની પત્નીઓએ તેમની સાથે સહશયન કરવાની ધરાર ના પાડી દીધી હતી અને યુદ્ધ અટક્યું હતું - તેવો નારીનો તાકાતભર્યા અવાજ ક્યાંય ખરો ? આ બધા પ્રશ્નોનો ઉત્તર લગભગ નકારમાં આવશે. આ ઇન્દ્રજાળ તૂટવી જોઇએ પણ ક્યારે ?
છતાં એક ભારતીય તરીકે એક સર્જક તરીકે, હું આશાવાદી છું. સમયનું વર્તુળ, ફરતાં ફરતાં એક નવા તેજ સાથે જરૂર સામે આવશે. આજે જે થોડાક જણ તેવા તેજભર્યા વિશ્વ માટે મથી રહ્યા છે તેઓ જરૂર સફળ થશે. કેનોપનિષદનો ઋષિ આપણામાં શ્રધ્ધા જગવી રહે છે : આ મન, આ શ્વાસ, આ કાન, આ વાણી, આ આંખ કોના થકી કાર્ય કરે છે ! અરે, કોક તો મહત્ શક્તિ મનુષ્ય અને તેના સમાજની આસપાસ છે જ. જે શાંતિ, વિશ્વાસ અને પ્રેમના બૂઝાતા જતા કે બૂઝાઈ ચૂકેલા દીપકોને ફરીથી આશા નામના દીપકથી પ્રજ્વલિત કરી રહેશે. સમાજ અને એનો માણસ પોતાનો સાચકલો લય પકડી લેશે. 'અતિ'થી ઊબકાઈ ગયેલા માણસની 'મતિ'માં પરિવર્તન આવશે. એક નવા સૂર્યની પ્રતીક્ષા કરવી કે રાખવી એ કાર્ય પણ જેવું તેવું નથી.


