- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ઈશ્વરે આપેલું જીવનવર્તુળ જે મસમોટી તક આપણા માટે હતી, જે થકી તેને અર્થસભર કરવાનું હતું, અથવા તો મારે-તમારે જે અર્થ સર્જવાનો હતો એ વસ્તુ સદંતર ભૂલાઈ જાય છે.
જી વન નિરંતરનો એક કોયડો છે એમ સમજીને લગભગ તે પરત્વે આપણે હાથ ધોઈ નાખ્યા છે. હા, જીવનના પણ વહેપારીઓ છે. તેઓ તેના મનઘડંત અર્થો કાઢતા રહે છે, આપણા સુધી એ બધું તે પહોંચાડે પણ છે. સાથે આપણામાંથી એક મોટો ભાગ તેને સ્વીકારી પણ લે છે ! જીવન આપણું, અભિપ્રાય અને અર્થઘટનો અન્યનાં ! કેવી રમત યુગોથી ચાલતી રહી છે !
ખરું તો એ છે કે જન્મથી મૃત્યુ સુધીનું જે જીવનવર્તુળ રચાય છે તેનું માહાત્મ્ય જુદું જ છે. તે આપણી પૃથ્વી પરની યાત્રા છે, સાવ નિજી યાત્રા. એ યાત્રા બીજી કોઈની ન થઈ શકે. ઇશ્વરે જન્મ-મૃત્યુ એની પાસે રાખ્યાં છે, વચ્ચેનું જીવનવર્તુળ આપણા હવાલે કરી દીધું છે. તે માટે પૂર્ણ સ્વાતંત્ર્ય પણ તેણે બક્ષ્યું છે. હું કે તમે કેવા કેવા પ્રકારની વિચાર-આચાર રેખાઓ દોરી તેને કેવું-કેટલું કલાત્મક બનાવવા ઇચ્છીએ છીએ તે આપણા પર નિર્ભર છે. પણ મૂળે જ દિશાભ્રાન્ત થઈ રહીએ તેવું આપણી આસપાસ વાતાવરણ રચવામાં આવે છે, એ વાતાવરણને સત્ય માની લઈએ છીએ, તેને અનુસરવા પ્રયત્ન કરીએ છીએ પરિણામે જીવનનું મળેલું વરદાન આપણે કોઈ અન્યને સોંપી દઈએ છીએ. યાત્રાનાં વર્ષો તેથી સાવ સામાન્ય મુસાફરીનાં વર્ષો બની રહે છે. મારું પાત્ર, મારો સંવાદ, મારી ભાષા, મારી રહનસહન કે જીવનશૈલી મારાં રહેવાને બદલે બીજા અનેકોથી આક્રાન્ત થઈ રહે છે. ઈશ્વરે આપેલું જીવનવર્તુળ જે મસમોટી તક આપણા માટે હતી, જે થકી તેને અર્થસભર કરવાનું હતું, અથવા તો મારે-તમારે જે અર્થ સર્જવાનો હતો એ વસ્તુ સદંતર ભૂલાઈ જાય છે. આપણી જાત ઉત્તરોત્તર ટોળામાં પછી ખોવાઈ જાય છે, ખવાઈ પણ જાય છે. સાર્ત્ર જેવાને પણ કહેવું પડેલું કે માણસ પોતાને જેવો બનાવે છે કે બનવા ઈચ્છે છે તેવો તે બને છે. પણ ખાટલે મોટી ખોડ તો એ છે કે તે પોતાને પોતાની રીતે બનાવવા ઇચ્છતો જ નથી, અથવા તો ઈચ્છાના આવરણ નીચે તે કોઈક બીજો જ થવાના ઉધામાં કરી રહે છે.
વાત ભલે 'ખોજી'ન બનીએ પણ 'શોધી' તો બનવાની છે જ. જ્યારે ગીતગાયક એમ કહેતો હોય કે 'તું-તારો જીવ, મારો જ સનાતન અંશ છે' તો ત્યાં પ્રશ્ન થઈ રહે છે કે જો જીવનવર્તુળ, તેની યાત્રા ઇશ્વરી અંશ લેખાયાં હોય તો મારે મને, મારા જીવનના યથાર્થને, એના સાચા રંગને શોધવાં રહે. મારી એવી શોધમાં તો પછી શું શું આવી શકે એ વિચાર પણ કરવાનો રહે. હું બધાં વચ્ચે શ્વાસ ભલે ભરી રહ્યો હોઉં પણ મારા શ્વાસની સરગમ હું સાંભળી શકું છું ખરો ? ભલે હું સમાજના, સંબંધીઓના, સંદર્ભો લઈને જીવતો હોઉં પણ મારા ખુદ માટેના સંદર્ભોની મને સાચેસાચ જાણકારી છે ખરી ? ભલે હું ભાતભાતના લોક વચ્ચે જીવતો હોઉં, પણ મને મારી 'ભાત' ન અળપાય એવી સમજ છે ખરી ? મારી ચોગરદમ વિભિન્ન પ્રકૃતિના માણસો, તેમના તેવા જ વિચારો ઘુમરાતાં હોય છતાં છેલ્લું સત્ય તો રૂસો કહેતા હતા તેમ હું આ પૃથ્વી પર એકલો છું, સાથે હું જ મારો મિત્ર છું તેવી જ્ઞાપ્તિ ખરેખરા અર્થમાં મને થઈ છે ? શું હું મારાં ધ્યેય-ધ્યર્થમાં સ્પષ્ટ છું ? આ કે આવા બીજા ઘણા પ્રશ્નો તત્સંદર્ભે થતા રહે છે અને એ બધાંના ઉત્તરો પેલા એટલે કે તમે - હું સર્વએ 'શોધી' બનીને શોધવાનાં છે. વિચાર અને તેનાથી આગળ ક્રિયામાં તેને મૂકીને પેલી 'યાત્રા'ની સાર્થકતા પ્રત્યક્ષ કરી રહેવાની છે.
તો આખરે જીવનવર્તુળનો જે આંટો છે તે તો પ્રકાશ માટેનો છે, આનંદ માટેનો છે, ગતિ માટેનો, સંચરણ માટેનો છે, જ્ઞાન-સમજ-ડહાપણ માટેનો છે, સત્યને પામવાનો સમજવાનો છે, ટોળાના સંદર્ભોને ઓળખી રહેવાનો છે. જ્ઞાન પણ જાણકારીથી અટકી જતું ન હોય, તે નિર્ભાર, નિષ્પક્ષ, સર્વહિતાય, પ્રેમ-કરુણાના રસ્તા તરફ દોરી જનારું હોય. પાંડિત્ય કે તર્કજટિલતા માટે એ જ્ઞાન ન હોય, વિદ્વત્તાની કૃતક દલીલો તરફ પણ લઈ જતું તે ન હોવું જોઈએ. એ જ્ઞાન માણસને શાલીન બનાવે, વિનમ્ર બનાવી રહે, સહૃદયતાના પાઠ શીખવી રહે તેવું હોય. બહારના સૌંદર્યનો ત્યાં નિષેધ નથી, પણ એવા જ્ઞાનથી વ્યક્તિની ભીતરનું સૌંદર્યપણ ખીલી ઊઠે. કહો કે જ્ઞાનઝંખા અને પ્રાણશક્તિ પરસ્પરમાં ઓગળી જાય. કહો કે તેને નિસર્ગમય બનાવી રહે, ખરા અર્થમાં કુદરતી કરી મૂકે.
આપણી આવી યાત્રામાં, તેમાં 'શોધી' બની રહેવામાં હું કંઈ ઊંચા અધ્યાત્મની વાત વચ્ચે લાવવા માગતો નથી. મારું ઉદિષ્ટ તો જીવન અધ્યાત્મનું છે. પોતાના જીવનને સમજો, તેની તૃષા તીવ્ર બનો, યાત્રાનો અઢળક આનંદ લૂંટો. સહજ વૃક્ષલીલા બની લહેરી ઊઠો. 'રામચરિત માનસ'માં તુલસી કહે છે તેમ, કપટ, છળ, છિદ્રભાવનો જ્યાં સમૂળગો અભાવ હોય. માત્ર પ્રેમ જ ઉપર તરતો હોય, પોતાના માટે, બીજા માટે ને તેનાથીય આગળ સુધી...ઓ પાર સુધી. જડ-ચેતન, કૃતિ-પ્રકૃતિ સઘળાં માટે. સંતો તો ગાઈ-વગાડીને કહે છે પ્રેમ જેવું અન્ય કોઈ રસાયન નથી. આપણો ધર્મ, આપણું કર્મ કે આપણા ચતુર્થ પુરુષાર્થ બધાંની ગતિ છેવટે તો એ દિશાની હોવી ઘટે. પણ એનાથી વિપરીત આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. રંજન-મનોરંજન જ લક્ષ્ય બની ગયું છે. છળ-કપટ-છિદ્ર જ ઉપર તરી રહ્યાં છે. 'તડાં' જ તગડાં થઈ રહ્યાં છે. પેલું જીવનવર્તુળ-યાત્રા સાવ વિસારે પડી ગયાં છે. કરૂણા-પ્રેમ શબ્દકોશ પૂરતા મર્યાદિત શબ્દો થઈ ગયા છે.
આપણે આપણને તંતોતંત ભૂંસી નાખીને ટોળા વડે પ્રતિષ્ઠિત કરવાની હોડ બકી રહ્યા છીએ. 'ખોજ' તો દૂરની બાબત છે, 'શોધ' માટેની ક્ષમતા પણ ગૂમાવી બેઠા છીએ. આપણે નીરમ વિનાની નાવ લઈને દરિયો પસાર કરવા નીકળ્યા છીએ. જે નાવ હાલક-ડોલક થઈ ડૂબી જ જતી હોય છે. અહીં તો એ પણ ઉમેરવું જોઈએ કે નાવ માટે હલેસાં પણ નથી રહ્યા, એ પણ અન્યના હવાલે છે !
જ્ઞાન, આનંદ અને પ્રેમના સાચા રૂપને જો 'શોધી' બનીને પામીએ તો પણ ભયોભયો ! જીવનવર્તુળની યાત્રા એ શબ્દો પરત્વે જ અંતતોગત્વાં રહી છે. સંગ આપણે ને વિલસવાનું પણ આપણું !


