- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રામકથા જાણે કે એ જ સૂચવે છે જીવન પીડા છે પણ રામે જેમ માર્ગ કાઢ્યો તેમ માણસ માત્રે માર્ગ શોધવાનો છે.
કે ટલીક કૃતિઓ નિત્ય સેવનની અને નિત્ય સ્મરણ માટેની હોય છે. તેના કોઈક કોઈક પાત્રો, અમુક તમુક પ્રસંગો કે કોઈક ગૌણ કથાનક, યા તેમના સંવાદો, પંક્તિઓ નવો રાહ ચીંધી રહે છે. ક્યારેક નવા અર્થો માટે પણ તકાજો કરે. ક્યારેક નવાં અર્થઘટનો માટે પણ પ્રેરી રહે. વિશ્વની ઉત્તમ લેખાતી આવેલી પ્રશિષ્ટ કૃતિઓનું લગભગ આવું સત્ય રહ્યું છે. આપણા દેશના અને વધુ સાચું કહીએ તો માનવ જાત માટેના બે બૃહદ્ ફલક પર ફેલાયેલા રામાયણ- મહાભારત આજ દિન સુધી અભ્યાસીઓ અને સાથે સાચા ભાવકોને પણ એ સંદર્ભે આકર્ષતા રહ્યાં છે.
રામાયણ જેવા ગ્રંથની વાત કરતા કરતા સહજ રીતે મહાભારતનું પણ સ્મરણ તાજું થતું રહે. કારણ કે એ બે ગ્રંથો આપણી સંસ્કૃતિના, ભારતીય જીવનશૈલીના, ભારતીય રીત-રસમના, જીવન વ્યવહારના આધારસ્તંભો છે. 'ભારતીયતા' સંજ્ઞામાંથી એ બેની બાદબાકી કરી નાખીએ તો શેષ શું બાકી રહે ? - એવો પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે થાય બંને કૃતિના નાયકો અનુક્રમે રામ અને કૃષ્ણ પણ જીવનના બે જુદે છેડેથી દ્રષ્ટિપથમાં આવતા જણાય. બંનેની મનુષ્ય જાત માટેની ઉપકારકતા તો સરખી જ રહી છે પણ બંનેના કવિઓએ જુદે જુદે ખૂણેથી જીવનને તપાસ્યું- તરાસ્યું છે. કહો કે બંને પોતાની આગવી રીતે આખાય સંસારને પરિરંભી રહે છે.
રામ પીડા પુરુષ છે. સાદ્યંત રામકથા જાણે કે એ જ સૂચવે છે જીવન પીડા છે પણ રામે જેમ માર્ગ કાઢ્યો તેમ માણસ માત્રે માર્ગ શોધવાનો છે. પણ રામ આદિથી અંત સુધી એમના એકધાર્યા વ્યક્તિત્વથી સ્પર્શી શકે છે. તેમના વિશે આપણી ધારણાઓ પણ તેથી નિશ્ચિત રૂપની રહી છે. રામ એટલે પિતૃપ્રેમી, માતૃપ્રેમી, ભાતૃપ્રેમી, એક પત્નીત્વવાળા, વીર સાથે શાલીન, અભિજાત. વળી મર્યાદા પુરુષોત્તમ. રાજા તરીકે પ્રજા વત્સલ, દુશ્મનના ગુણોને પણ જોઈ શકે. ભલે તે વિષ્ણુનો સાતમો અવતાર લેખાયા હોય પણ તેમનું સારું ય જીવન એક મનુષ્ય તરીકે ભાગીરથીની જેમ ગતિ કરતું જોવાય. આમ જોઈએ તો તેમણે કેટલું સુખ ભોગવ્યું છે ? અભ્યાસ, સીતા સાથે લગ્ન, વનવાસ, રાવણ સાથે યુદ્ધ, પછી સીતાનો ત્યાગ - બધું જાણે એવા ક્રમે થતું રહ્યું છે કે તે બહુ ઓછો સમય ઠરીઠામ રહ્યા હોય એવું લાગે. જાણે અવતારી ખરા પણ અવતારી નહીં. કુંડળી જ ભ્રમણની, દુઃખની, મુકાબલાની. એક સાચા ગૃહસ્થી માટે તેથી ગૃહસ્થ બની રહેવું તે જ દોહ્યલું બની ગયેલું. ભીતરનો રામ અને જગત વચ્ચે જીવતો રામ - બે અલગ છેડા જણાય. લાગેકે રામની નિયતિ જ રામના નિયંત્રણની બહારની હતી. અન્યોનો પરિતાપ ઓછો કરી રહેનાર રામનો ખુદનો પરિતાપ જોતાં તેમને પીડાપુરુષ જ કહેવાનું મન થાય. લીલાપુરુષ કૃષ્ણના જીવનમાં જોવા મળતા ભાત ભાતનાં સ્થિત્યંતરો કે વૈવિધ્યો પણ પ્રમાણમાં અહીં અલ્પ. કૃષ્ણ વિશે રામના જીવન વિશે ધારણા કરી શકાય છે તેવી ધારણા કરી શકાતી નથી. કૃષ્ણ આપણી ધારણાઓને ગાંઠે તેવું ચરિત્ર જ નથી. તેમનામાં પાર વિનાનું વૈવિધ્ય છે, જીવન વેગ છે, જીવન રસ છે, પળેપળની ઊર્જા અને ઉત્સાહથી એ ચરિત્રનો પિંડ બંધાયેલો જણાય. કૃષ્ણ જાણે કે ગતિનો જ પર્યાય લાગે - જન્મથી મરણ સુધી ! કશે બાંધીએ તો ય બંધાય નહિ. રામની જેમ તે મર્યાદા પુરુષોત્તમ નથી. ઉત્તર રામના ચરિત્રમાં ગતિ જરૂર છે પણ એ ગતિ મતિસભર વધુ લાગે. યથેચ્છ ગતિનો ઉછાળ કૃષ્ણમાં જોવા મળે. રામનો વિચાર કરીએ ત્યારે તેમની આખી કથામાં વાલ્મીકિ ગૃહજીવનને કેન્દ્રમાં રાખીને આગળ વધતા વધુ જણાય. એ જ કેન્દ્ર બિન્દુ. ત્યાંથી એ કથા વિસ્તરી રહે. દશરથ- રામ- સીતા- લવકુશ સુધીનાં મુખ્ય બિન્દુઓની આસપાસ ગૃહજીવનનો રચાતો ઘટાટોપ અલબત્ત, સ્પૃહણીય જરૂર છે, રામ સિવાય રામને અનુસંધિત અન્ય કથાઓ પણ અહીં પ્રસંગોપાત આવતી રહે છે છતાં તે બધું વધુ તો નાસાગ્ર શૈલીએ આવતું જોવાય. સંકુલ નહિવત્ અને સરળ વધુ. પેલા ગૃહજીવનના તાણાવાણાથી જ ગૂંથણી આગળ વિસ્તરે. મુકાબલે મહાભારત અને એનું સંરચન સંકુલ છે પરસ્પરને છેદતી- વિરોધતી- આશ્ચર્યચકિત કરી મૂકે તેવી ઉપરાઉપરી ઘટનાઓ ત્યાં બની રહે. રામ રામસ્થ, ગૃહસ્થ રહી વિસ્તર્યા છે અને છેવટે એવો વિસ્તાર 'સંસાર' સુધી પહોંચ્યો છે. મહાભારતમાં કૃષ્ણ મુખ્ય ચરિત જરૂર છે પણ કથા સમગ્ર રીતે નિહાળતાં અનેક કેન્દ્રી રહી છે. ચઢાવ- ઉતાર પણ તેથી વારંવાર જોવા મળે. કૃષ્ણ ત્યાં આખા સંસારને સાથે લઈને ચાલ્યા છે. અનેક સત્યો તેમના હાથે ઉદ્ઘાટિત થતાં લાગે. જીવનના અનેક રસ-રંગ-રૂપ પણ ત્યાં દેખા દે છે. પરિણામે રામ કે રામની કથા વિખ્યાત છે, અનેક દેશો સુધી તે પહોંચી છે. જીવન અને વિવિધ કળાઓમાં, ધર્મોમાં માન્યતાઓમાં તેનું અનેકરૂપે અવતરણેય થયું છે. પણ મુકાબલે મહાભારત અને કૃષ્ણની કથા- કર્મે સર્જેલા પરિમાણો અદકેરાં અને અધિકાં પણ રહ્યાં છે. એકાધિક કેન્દ્રોનો ત્યાં સહજ ગુમ્ફ રચાતો જણાય. કૃષ્ણ પણ રામની જેમ જ અવતારી પુરુષ લેખાયા છે છતાં કૃષ્ણ સાદ્યંત માનવજાતની સાથે, માનવ સાથે તંતોતંત ભળી ગયેલા જણાય. લોકપગથારે પહોંચી ગયેલી તેમની ચરિત્રલીલા છે. રામ અભિરામ છે, શાલીન છે પણ સીમા વચ્ચે કૉળેલું ચરિત્ર છે. કૃષ્ણ કર્ષે છે, લીલાઓથી, ચેષ્ટાઓથી, ચતુરાઈથી, વરણાગી પણાથી. સુદર્શન ચક્ર કરતાં વધુ તો મોહક બંસી સૂરથી, તેમના રાસથી, તેમના ઉત્કટ પ્રેમતત્ત્વથી. તેમની અવિરામ પરાર્થે રહેલી જીવન-ગતિથી. રામનું ગાંભીર્ય તેમનામાં નહોતું એવું નહીં, પણ તેમણે એટલે કૃષ્ણએ તળની ભૂમિ સાથે, ગોપ- ગોપીઓ- રાધાસમેતની તળથી ભૂમિ સાથે, તેમની સાથેની સહજ મસ્તી- પરાક્રમોથી પોતાની આત્મછટાઓ- પ્રાણલીલાઓને મુખરિત કરી.
અલબત્ત, રામાયણ અને મહાભારતના રામ-કૃષ્ણ કે જે તે કૃતિઓની અહીં સરખામણી અપેક્ષિત નથી. બંને પોતાની રીતે શ્રેષ્ઠ છે. પ્રશ્ન ઉપક્રમ દાખવ્યો છે. રામાયણ રામાયણ છે, મહાભારત મહાભારત છે રામ રામ છે, કૃષ્ણ કૃષ્ણ છે.
(ક્રમશઃ)


