Get The App

ટકોરાબંધ પ્રશ્ન - હું ક્યાંથી? .

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ટકોરાબંધ પ્રશ્ન - હું ક્યાંથી?                                             . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- મારા પરદાદાઓ આ ભૂમિ પર ચાલ્યા હશે, આજે ત્યાં હું ટેસથી ડગલાં માંડું છું. તેમના અવાજોનું વિશ્વ અહીંના અવકાશમાં ભળેલું હશે, આજે તેમાં હું મારો અવાજ રણકો ઉમેરું છું

મ ને ઋષિઓકથિત 'હું કોણ છું' એ પ્રશ્નમાં તો ભારોભાર રસ રહ્યો છે જ પણ તે સાથે 'હું ક્યાંથી ?' એ પ્રશ્નમાંય રસ સાથે કુતૂહલ પણ રહ્યું છે. કોઈકને આવો પ્રશ્ન જ અપ્રસ્તુત લાગે. પણ અંશવંશના ઉત્સુકોને સંભવ છે કે આ પ્રશ્ન વધુ ને વધુ પ્રસ્તુત લાગવાનો. ગુલઝાર કિતાબોની બહારની કિતાબની જે વાત કરે છે એવી એક કિતાબ રૂપે આ પ્રશ્નને નિહાળવો જોઈએ. આ સંદર્ભે ડોનાલ્ડ રમ્સફેલ્ડના એક પુસ્તકના નામનું પણ મને આ પરિપ્રેક્ષ્યમાં સ્મરણ થાય છે. શીર્ષક છે - 'નોન એન્ડ અનનોન' અહીં જાણેલું છે એ વાત તો સ્વીકારેલી છે જ પણ જે નથી જાણ્યું એ જાણવાની જિજ્ઞાસા પણ છે. તો એવી જિજ્ઞાસાનું જ વિશ્વ આ 'હું ક્યાંથી ?' એ પણ સર્જી રહે છે...

મારું કે આપણા સૌનું-આવવું કે ચાલ્યા જવું - એ તો એક નિયતિએ રચેલો ક્રમ છે. પણ ચાલ્યા જતાં પહેલાં આપણે આપણને ઓળખી લેવાના રહે છે. એવી ઓળખમાં ભલે આપણને આપણી સિલ્વિયા પ્લાથ જેવી કવયિત્રી કહે છે તેમ, લાલ-કાળી વેદનાનો બગીચો હાથ લાગી રહે, એ પણ આપણા જ અસ્તિત્વનું અનુસંધાન છે પણ ક્યારેક અંશવંશની એવી કથામાં પાર વિનાના વીજ-ઝબકારા પણ લાધી રહે. જે આપણને તો ખરા, પણ અન્યનેય અજવાળી રહે. હૃદયના એક ખૂણામાં સત્યને જાણવાની ઉત્કંઠા હોય તો તે પણ કંઈક સંતોષાય. હા, મનુષ્ય તો એક જ છે, કદાચ એનો ચહેરોય એક છે એવું ય કોઈ કહી શકે. પણ એક જણાતા ચહેરાના અક્ષાંશ-રેખાંશ તો ભિન્ન હોવાના. આવું ભિન્નત્વ જ માનવની ઓળખમાં અજાણતાં જ કશોક ઉમેરો કરી રહે છે. એના અંશવંશ સાથે જોડી રહે, એમ કરતાં એની પારનું પણ તે ઘણું દર્શાવી રહે. કદાચ 'હું ક્યાંથી ?' એવો પ્રશ્ન ઊભો કરનારને તે પોતાની જ જાત સાથે જોડીને તેને કંઈક વધુ ઊર્જાવાન બનાવી રહે.

પહેલી નજરે આવો પ્રશ્ન વહીવંચાતા ચોપડા સાથે જોડાતો જોવાય. વહીવંશો એનો જૂનો-પુરાણો ચોપડો ખોલી કડેડાટ મારા-તમારા સૌના બાપ-દાદાના-પરદાદાનાં નામ બોલવાં માંડે. તમે-હું બે-ત્રણ પેઢી સુધીની જ નામાવલિથી પરિચિત હોઈએ, પણ એ તો સાત પેઢી કે તેથી ય વધુ પેઢીઓનું બધું તાજું કરાવી રહે. તમારું ગામ-ઘર-વ્યવસાય ક્યારેક તમારી કે મારી અનેક પેઢીઓનું કશુંક આગવું સ્થાન-માન ક્યાંક રહ્યું હોય તો તેની જાણકારી પણ તે ઉત્સાહભેર આપી રહે ! કહો, ત્યારે તમારું આશ્ચર્ય વધી જશે કે નહીં ? તમારા કોઈ મોભેદાર વડવા વિશે જાણી થોડોક ગર્વ અનુભવી, તમારો ખરો પ્રશસ્ત માર્ગ તો એ હતો - તેવું વિચારશો કે નહીં ? કહો કે તમે તમારી જાતમાં જીીનક માં - થોડુંક પ્લસ કરતા જશો. તમારા-મારા જો કોઈ અનુગામી હશે તો એને પણ તમે આ કે એવી હકીકતોથી વાકેફ કરશો. તમારા વડવાઓના ગામ-ઘર જો બચ્યાં હશે તો તે જોવા માટે તમે લલચાશો. આ એક તમારા-મારા પૂરતો પારિવારિક ઈતિહાસ ભલે રહ્યો હોય પણ એ ઈતિહાસ તમને કશેક તમારામાંના લાલ-કાળા બગીચા ઉપરાંત લીલા કે સફેદ બગીચા સાથે પણ સંલગ્ન કરી રહે છે. જીીનક એ રીતે રચાતી આવે, સજાતી આવે, સાથે સર્જાતી રહે. હું કે તમે ખુદ ત્યારે એક જુદા પ્રકારની કિતાબ કે ગ્રંથ હોવાની અનુભૂતિ કરી રહીએ છીએ.

જો આમ ન હોત તો પિતાજીએ રમૂજ રમૂજમાં મને એકથી વધુ વાર કહેલી વર્ષો પૂર્વેની વાત વારંવાર કેમ સ્મૃતિમાં આવ્યા કરતી હશે ? 'કોઈનાથી ડરવાનું નહીં, ખોટાનો મુકાબલો કરવાનો, નિર્ભય બનવાનું' વગેરે વગેરે વિધાનો કેમ કહ્યા કરતા હતા ? અને એવાં વિધાનો કર્યા પછી તે તરત કહેતા - 'યાદ રાખજે કોઈ પૂછે તો નીડરતાથી કહેવાનું 'અમે બાર બેઢિયા અને તેરમી ખડકીના છીએ. કોઈને ગાંઠીએ નહીં. સાચને સાચ કહીને જ રડીએ' બાળપણમાં સાંભળેલું એ વાકય મારા મનમાં ત્યારથી કોતરાઈ ગયેલું છે. મારા પૂર્વજો મૂળે બેઢિયાના છે, તેઓ નીડર હતા, પાંચ માણસમાં પૂછાતા જણ હતા. અમે સૌ તેમનો વંશવેલો છીએ. અમારા પૂર્વજોએ ત્યાંના ધનધાન્ય ખાધાં-પીધાં-માણ્યાં છે. 'બેઢિયા' તેથી માત્ર બાર ફળિયાનું નાનકડું ગામડું જ નથી, અમારા પૂર્વજોની એ દીપ્તિવંત ધરા છે, નીડરતાની માટી ત્યાં મહેકે છે, ત્યાંનું આકાશ અલગ છે, ત્યાંનો સૂર્ય-ચંદ્ર પણ અલગ છે, ત્યાંનો પવન પણ જુદો છે, ત્યાંના વૃક્ષો અને ખેતરો પણ ભિન્ન છે. આમ જોઈએ તો આ બધું તો બધે જ ઉપરની સપાટીએ એક જ હોય છે, છતાં જ્યારે બે ભૂમિના ટુકડા સાથે હું કે તમે જોડાઈએ છીએ, આપણા પૂર્વસૂરિઓ સાથેના અનુબંધ સમજાય છે ત્યારે ચેતના એક નવું રૂપ ધારી રહે છે. તેથી જ પેલું આકાશ, સૂર્ય-ચંદ્ર-પવન-ધરા-ઘર-ખેતર બધાં કંઈક નિરાળાં લાગવા માંડે છે. 'હું ક્યાંથી ?' એવા પ્રશ્નની કેટલીક આંટીઘૂંટીઓ ઉકેલાવા માંડે છે. એમ કહી શકાય કે અસ્મિતાનું પુષ્પ નવે રૂપે ખીલી ઊઠે છે. જે પૂર્વજોને મેં-તમે જોયા નથી, જે પૂર્વજો વિશે મેં-તમે જરા-તરા સાંભળ્યું કે જાણ્યું છે તેની સાથેની આવી એકરૂપતા ભીતરને છલકાવી રહે છે, આનંદ કે વેદનાની કથા બનાવી રહે છે, દૈન્ય ને દેવરૂપતા - ઉભયની સમક્ષ ખડાં કરી દે છે. થાય છે કે આપણે સૌ એ અર્થમાં એક વહેતી નદી છીએ, કાંઠાઓને પખાળતી, સ્નેહીઓને ભીંજવતી, સુખ-દુ:ખની કથાઓની સંવાહક એવી નદી. એ નદી વર્તમાનને ઓગાળી નાખે છે, તો સમૃદ્ધ પણ કરી રહે છે. એવી નદી ખૂટતી કડીઓને જોડી રહે છે તો જેવા છે તેવા ભૂતકાળની આપણી સમક્ષ ભેટ ધરી રહે છે...

હમણાં બેએક અઠવાડિયાં પૂૂર્વે જ આવી મારામાં સતત વહ્યા કરતી નદી, થોડાક મિત્રો સાથે, બેઢિયાનાં બાર ફળિયાં સુધી ખેંચી ગઈ ! એ જ મારા દેશનું તળપદ ભાષામાં લખાયેલા કાવ્ય જેવું ગામ. ગામની ચેતનાનો રણકો જેવામાં ઝીલાયેલો છે તેવાં પાંચ-સાત મંદિરો, એ જ કુદરતનાં વિશ્રામગૃહો જેવાં લહેરાતાં વૃક્ષો, એ જ નિર્ધનનાં હૃદયધન જેવાં તૂટયાં-ફૂટયાં ખોરડાં, એ ખોરડાની બહાર ઘરેણાં જેવાં ગાય-ભેંસ-બળદ, એ જ પોલાદી હાથનો સંકેત આપી રહેલાં હળ અને ખેતીનાં ઓજારો, એ જ જાણે નીરવ શાંતિનો સંદેશ આપી રહેલાં બાર ફળિયાં, એ જ ઈશ્વરે તેમના માટે ખાસ ઊભું કરેલું આયખાભરનું પર્યાય બની ચૂકેલું ખેતરવિશ્વ. હા, ત્યાં ક્યાંક પાકા મકાનો છે, આધુનિક ખેતી ઓજારો પણ છે. છતાં જૂનું હજી ત્યાં જીવે છે, જીવવા પ્રયત્ન કરે છે. મારા પરદાદાઓ આ ભૂમિ પર ચાલ્યા હશે, આજે ત્યાં હું ટેસથી ડગલાં માંડું છું. તેમના અવાજોનું વિશ્વ અહીંના અવકાશમાં ભળેલું હશે, આજે તેમાં હું મારો અવાજ રણકો ઉમેરું છું. મારા પિતાનાં પેલાં વાકયો અહીં, આ ભૂમિ પર ફરી મને સ્પંદિત કરી રહે છે : 'હા, અમે બેઢિયાના, આ નીડર ભૂમિના !' 'હું ક્યાંથી ?' - એ પ્રશ્નનું આખું રૂપક અહીં લાધી રહ્યું !


Google NewsGoogle News