Get The App

દિગ્ગજોની ભૂમિ .

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિગ્ગજોની ભૂમિ                                         . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- 'મણિરત્નમાલા' ગ્રંથના શ્લોક અને તેના શ્રી શંકરાચાર્યજીએ આપેલા ઉત્તરો આપણી જ્ઞાનમાર્ગી પરંપરાને જ પુરસ્કારે છે

કો ઈ મને મારી ઓળખ પૂછે તો એ ઓળખમાં જે કહેવા-કથવા બેસું તેમાં એક વાત એ પણ કહું કે - હું પ્રવાસઘેલો છું. વિષમ પરિસ્થિતિઓ મારા એ શોખને અવરોધે છે પણ પ્રવાસમાં જવાનું બને ત્યારે માંહ્યલો રાજીનો રેડ થઈ જાય છે. કદાચ એવું પણ હોય, પૃથ્વી તત્ત્વ સાથે મારું જન્મજાત અવિયોજ્ય જોડાણ હોય. કન્યા રાશિવાળા પૃથ્વી તત્ત્વ સભર હોય છે. પૃથ્વી- કહો કે ધરા ઘણાંની જેમ મને પણ સદા અચંબિત કરી રહે છે. ધરા તો એક છે પણ વિવિધ ભૂભાગમાં તેની એકાધિક છટાઓનું નૃત્ય જોવા મળે છે. પ્રવાસ એકલપ્રવાસ હોય કે મિત્રોસંગ હોય ઘર છોડીને બહાર નીકળી પડનારને, ઉમાશંકર કહે છે તેમ, વિશ્વની વિશાળતા વચ્ચે મૂકી આપે છે. પંચેન્દ્રિયોને સાથે આત્માને પણ તે ઉજાસથી ભરી દે છે. પછી એ પ્રવાસ ટૂંકો હોય કે દીર્ઘ હોય.

આસ્વાદ મંડળી સાથે નડિયાદથી આરંભાયેલો અને તેની ફરતે નજીકનાં સ્થળો જોઈને એક જ દિવસમાં એ પ્રવાસ પૂરો થયો પણ એ એક દિવસે જે કંઈ ભીતરને સંપડાવી આપ્યું તેનો કંપ તો ચિરકાળ રહેવાનો. કેવાં કેવાં દ્રશ્યો, કેવી કેવી કથાઓ, કેવાં કેવાં ભાવવિશ્વો, કેવા કેવા સમયના ચઢાવ-ઊતાર, કેવી કેવી મહામના વ્યક્તિઓનો ત્યાં અદીઠ સંચાર રહ્યો છે ! બાકી નડિયાદ તો અગાઉ જવાનું બન્યું છે. નડિયાદના લડાયક મિજાજથી કે તેના સાક્ષરોથી પણ અજાણ નથી. અને છતાં સંતરામ મંદિરથી પ્રારંભાયેલ એ પ્રવાસે દિવસ દરમ્યાન અનુભવ કરાવ્યો કે નડિયાદની ભીતર બીજાં અનેક 'નડિયાદ' પણ શ્વાસ ભરી રહ્યાં છે. સંતરામ મંદિરનો વિશાળ પરિસર, ત્યાંનું નિ:શબ્દ કરી મૂકતું વાતાવરણ, ત્યાંની ધર્મ-બુદ્ધિભરી વિરાસત, 'ધર્મ-મંદિર' શબ્દોને યથાર્થ રૂપે ઉકેલી આપતી પ્રણાલિઓ અને વર્તણૂંકની શૈલી, ત્યાંની માનવોત્કર્ષની પ્રવૃત્તિઓ હાલના આદરણીય રામદાસજી મહારાજ અને તેમની શાલીનતા બધું સભર કરી મુકનાર હતું. જ્ઞાનપરંપરાની એક મહત્ત્વની પીઠનું એ દર્શન હતું. મહંત શ્રી રામદાસજી મહારાજનું 'જીવન-ચિંતન' વાંચતાં એ વાતની વધુ પ્રતીતિ થઈ. 'મણિરત્નમાલા' ગ્રંથના શ્લોક અને તેના શ્રી શંકરાચાર્યજીએ આપેલા ઉત્તરો આપણી જ્ઞાનમાર્ગી પરંપરાને જ પુરસ્કારે છે. નડિયાદની આવી એક જ્ઞાનલક્ષી ભક્તિ પરંપરાની ઓળખ છે - આ એનું ઉજ્જ્વલ રૂપ છે.

અને હા, નડિયાદને ફરી ફરી યાદ કરવું ગમે તેવી અહીં દેશ અને વિશ્વમાં જાણીતી એવી વિભૂતિઓ, સાક્ષરો, ચિંતકો, વિચારકો - એ સર્વની પણ આ અનોખી ભૂમિ છે. બસો સિત્યાશીથી પણ વધુ મેધાવી સર્જકો-વિચારકોનું આ અનન્ય શબ્દતીર્થ છે. ગોવર્ધનરામને જ લોને ! કેવો વિરાટ પુરુષ ! કેવું એમનું સંસ્કૃતિ મંથન ! કેવો એમનો ભારત આદર્શ ! ગુજરાત-ગુજરાતી કે ભારત-ભારતીય જ નહીં વૈશ્વિક સ્ફુરણ વાળો એ સર્જક હતો. સ્મૃતિમંદિર જોતાં જોતાં દોઢસો વર્ષનો એક આખો સમયપટ ઊઘડી આવ્યો. સરસ્વતીચંદ્રના ચાર ભાગનાં અનેક પૃષ્ઠો પ્રત્યક્ષ થઈ રહ્યાં. શબ્દ સમર્પિત એ સર્જકે જ્યાં શ્વાસ ભરેલા, જ્યાં કલમ-કિત્તાથી લખ્યું હતું, જે ગ્રંથોનું પાન કરેલું, જે હીંચકે એ ઝૂલતા અને વિચારચંક્રમણ કરી માખણ તારવી રહેતા, માનચતુર પાણીના ટાંકામાં દેવલાં નાખી દે છે એ રાંકો, એ બધું હૂબહૂ જોવા મળ્યું. અને હેરિટેજ વોકે વળી સમયની સાથે નાગર-સાક્ષરોની શબ્દ પ્રત્યેની, જીવન પ્રત્યેની, સંશોધન પ્રત્યેની લેખન પ્રત્યેની રાજ્ય-રાષ્ટ્ર પ્રત્યેની અંગત ગમા-અણગમાની, ટીખળ-વ્યંગ્યની મુત્સદીપણાની ને ડહાપણની અનેક લકીરો વચ્ચે અમને મૂકી આપ્યા. કેવા કેવા દિગ્ગજોની આ ભૂમિ હતી ! મારું ચાલે તો નડિયાદનું નામ જ દિગ્ગજનગર કરી નાખું ! અરે, ત્યાં આપણા મણિભાઈ દ્વિવેદી છે, ઈન્દુલાલ યાજ્ઞિાક છે, બાલાશંકર કંથારિયા છે, બકુલ ત્રિપાઠી છે, દોલતરામ પંડયા છે, ગોવર્ધનરામ તો શિરમોર, અને ભાષાશુદ્ધિના તેમજ તત્સમ પદાવલિના અતિ ચાહક એવા મન:સુખરામ ત્રિપાઠી પણ છે અને બીજા અનેક અનેક... કયું - કેવું સત્ત્વ રહ્યું હશે આ ભૂમિમાં ! સંશોધકો પણ અહીં સ્મૃતિને સંકોરીએ તો ઘણા મળી આવે... આજે બધું એમ જ અનેક સત્યો-રહસ્યો- ઉકેલાયેલાં કે વણઉકેલાયેલાં રહસ્યોને દબાવીને હેરિટેજ અને તેની ઇમારતો ઊભી છે. એ ભવ્ય સમયનાં પદચિહનો હવે કંઈક ભૂંસાતાં જાય છે, લોપાતાં જાય છે, ગ્લાનિ ઉપજાવે તેવો વર્તમાન પણ અડોઅડ ઊભો છે. સંરક્ષક પક્ષના અનેક સાક્ષરોનું કોણ હવે સંરક્ષશે ? કાળ કેવો રમ્ય સાથે બિહામણો પણ હોય છે !

અમારે અહીં આ ભૂમિની પડોશમાં જ આવેલા આપણા કવિ રાવજી પટેલનું ઘર-ગામ પણ જોવું હતું. તે માર્ગે, છેક તેના ગામના પાદર સુધી પહોંચ્યા. ત્યાંના કેટલાક સ્થાનિકોને, સંબંધિત આપ્તજનોને પણ તેના વિશે પૃચ્છા કરી. પણ કશે સંતોષકારક ઉત્તર મળ્યો નહીં. એક ગામ કવિને જીવતેજીવ તો સાચવી કે ન સાચવી શક્યાની જાણ નથી. પણ હવે કાંઈ થઈ શકે તેવું ય ન જણાયું ! ખેર, કાળની આજ લીલા છે, માણસનું પણ કંઈક એવું છે. અનાજ વગે થઈ જાય, ચળામણે બચી જાય ! પણ અમારી પાસેથી રાવજીને કોઈ ઝૂંટવી શકે તેમ નથી. ઓ, પેલો રાવજી, ખાંસતો, ઉધરસ ખાતો, તળાવની પાળે બેસી લખતો, ખેતરો વચ્ચે ટાઢક અનુભવતો, માને ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કહેતો, શબ્દને સખ્ત રીતે વળગી રહેલો કવિ. રાવજી ગયો, પણ શબ્દ તો હજી છે.

- અને સૂર્ય તેની કળાને સંકેલી રહેવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે નજીકના બીજા એક સ્થળે, ડાકોર નજીકનાં, સરનાલ ગામ પાસે આવેલ ગળતેશ્વર મંદિરે પહોંચ્યા. અહીં અલબત્ત, અગાઉ બે-ત્રણ વાર આવવાનું બન્યું છે પણ પાષાણ પાસેથી  ક્યાં વારંવાર કાવ્યો સાંભળવા મળે છે ? શેક્સપિયર મારા આ પ્રશ્નનો સોત્સાહ ઉત્તર આપશે. હા, એ પથ્થર પથ્થર નથી, ત્યાં ઉપદેશની ધબક છે, કલાકારોની સંવેદના છે, રાજવીઓના સ્વપ્નો છે - ટાંકણાંની મુલાયમ ભાષા છે, આકૃતિબદ્ધ થયેલ શિલ્પોનું પ્રબળ જગત છે. બારમી શૈલીનું આ મંદિર હજી અડીખમ ઊભું છે. સામે મહિસાગર નદીનો કલકલી રહેલો પ્રવાહ છે, ઢળતી સાંજની રંગલીલા છે, નદીનું અત્યારે એક શાલીન રૂપ પ્રકટી રહ્યું છે. નિબિડ વૃક્ષો છે. વહી રહેલા જલમાં સૂર્યનાં કિરણો  ક્યાંક પ્રતિબિંબિત થઈ રહ્યાં છે. બધું શાંત છે. પંખીઓનું ઉડ્ડયન પણ નહિવત્ છે. મધ્ય ભારતની માળવા શૈલીમાં કંડારાયેલું આ મંદિર, તેની વિશિષ્ટ સ્થાપત્ય શૈલી, બધું એકદમ શબ્દાતીત અનુભવ પાસે લઈ જાય છે. ચિત્ત તે પ્રાચીન સમયની છાલકોથી ભીંજાય છે. ઓહ, કેવો પરિસર ! કેવું આ નદીની અડોઅડ જ સ્થાપત્યનું એક બીજું વિશ્વ ! ત્યારે તો આ કદાચ નિબિડ વન હશે. કદાચ આપણી કલ્પનાનો શિવજીને આવું જ, કોલાહલથી દૂરનું વિશ્વ માફક આવતું હશે. હા, આ શિવમંદિર છે. કલ્યાણના રમ્ય-રુદ્ર દેવનું, સર્જન-વિસર્જન કરતા દેવનું થાનક છે. જુઓ, પ્રવાસ શરૂ થયો જ્ઞાન ભક્તિપીઠથી, સંતરામ મંદિરથી ત્યાં પણ સઘળું વિશ્વેશ્વરન ચરણમાં વૃત્તિઓ વાળી દેવાનું કહેવાયું છે અને અહીં છેલ્લે, ઢળતી સાંજે શિવમંદિરમાં પણ વિશ્વેશ્વર જ બિરાજમાન છે. સવારથી સાંજ સુધીમાં સૂર્યની સાથે સમયનાં રૂપો પણ લંબાતાં રહ્યાં ! રે સમય, રે પૃથ્વી !