Get The App

કર લે સિંગાર.... .

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
કર લે સિંગાર....                                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- પૃથ્વી પરનાં આપણા- સંબંધો, આપણે સ્વેચ્છાએ સંસ્થાઓ - વ્યક્તિઓ - પદ-પ્રતિષ્ઠા- વગેરે સાથે જોડાતા રહ્યા છીએ - એ બધું ક્ષણમાં તજવું પડશે 

મૃ ત્યુને પરિભાષિત કરવાના પાર વિનાના પ્રયત્નો થયા છે અને હજુ પણ થતા રહેવાના. પણ મૃત્યુ સદા અકળ રહ્યું છે. કોઈ કળથી કોઈ પણ એનું સમ્યક્ રહસ્ય ખોળી શક્યું નથી. ઈશ્વર પણ ગજબનો છે. જન્મ અને મૃત્યુ બંનેની મિતિ, બંનેની ક્ષણ કેવળ એ જ જાણે છે. જન્મ ઉત્સવ છે, પૃથ્વી પરના આપણા અવતરણનો તો મૃત્યુ મહોત્સવ છે, લૌકિક ગતિના પૂર્ણ વિરામનો. આપણે ત્યાં એક વર્ગ મૃત્યુને કજ્જલ ચહેરાવાળું, બિહામણું, દુ:ખભર્યું લેખે છે. ગરુડપુરાણ જેવાં લખાણો એવી ભીતિને ઑર દ્રઢાવી આપે છે. તો બીજો એક વર્ગ, ચિંતકો-કવિઓ એને ક્યારેક મંગળ કહે છે, ક્યારેક સખીના વેશમાં આવે તો તેને આલિંગી રહેવાની તત્પરતા દાખવે છે, તો કોઈક કોઈક એને એક મિત્રરૂપે પણ જુએ છે. કેટલાકને મૃત્યુ જ મરી જતું હોય છે; માણસ નહીં-એવું પણ લાગે છે. ઘીચાર ર્હનઅ ગૈીજ એમ કહેવાયું પણ છે. કેટલાકને શાશ્વતી પ્રક્રિયાનો મૃત્યુ એક ભાગ લાગે છે. તો કોઈક વળી મૃત્યુ એટલે મુક્તિ એવું સમીકરણ સંપડાવી આપે છે. મનોવિજ્ઞાન મૃત્યુને ભિન્ન રૂપે જુએ છે. માનવીની ક્રિયાત્મકતા પાછળ તે મૃત્યુની પ્રચ્છન્ન ભીતિને કારણભૂત લેખે છે....

હા, મૃત્યુનો અર્થ તેથી જ આપણે એને કેવી રીતે જોઈએ છીએ, એ વિશે આપણે શું સમજીએ છીએ કે માનીએ છીએ તે ઉપર નિર્ભર છે. મૃત્યુ પામેલ માણસ પાસે ઊભેલો માણસ કે સ્મશાનમાં મૃત્યુ પામેલા માણસના શબને દાહ દઈ રહેલો માણસ ત્યારે પણ - મૃત્યુ તો બીજાનું થયું છે, મારું ક્યાં થયું છે કે થવાનું છે ? - એવું સમજતો હોય છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ આપણામાંના મહદંશે મૃત્યુથી ભાગીએ છીએ, સકારણ તેની અવજ્ઞા કરીએ છીએ. અંદર મૃત્યુનો ખોફ બેબાક થઈને ક્યાંક પડયો હોય છે. મૃત્યુની ક્ષણે તેથી જ મૃત્યુ વિશે ઘણું ઊંચું-ઉમદા કે સૌંદર્યમઢ્યાં વિશેષણોથી લખનારેય પણ વિચલિત થઈ જાય છે, ડરી જાય છે, વધુ જીવવા માટે તો કેવું... તેવો વિચાર પણ ત્યારે આવી જતો હશે. પૃથ્વી પરનાં આપણા- સંબંધો, આપણે સ્વેચ્છાએ સંસ્થાઓ - વ્યક્તિઓ - પદ-પ્રતિષ્ઠા- વગેરે સાથે જોડાતા રહ્યા છીએ - એ બધું ક્ષણમાં તજવું પડશે અથવા મૃત્યુ મુખોમુખ છે ને બધું છોડીને જવું રહેશે - એ બાબત જ મૃત્યુને બિહામણું બનાવતી હોય છે. કહો કે માયા, પ્રપંચ, કારસા- કીર્તિનાં કોરડાં બધું રોકે છે - છતાં જવાનું તો નિશ્ચિત છે. બધા વૈભવ, ઊભા કરેલા ઘટાટોપ, મિથ્યાં રચેલાં આવરણો, યુક્તિ-પ્રયુક્તિઓ અહીં મૂકીને ! એ છેક નથી છૂટતાં એ જ માનવની કરુણતા છે. બાકી મૃત્યુ એક અને એક વત્તા બે જેવી પાકી- સાચી, અનિવાર્યપણે સ્વીકારવી જ રહે તેવી સર્વના જીવનની નિશ્ચિત ઘટના છે. કવિ રવીન્દ્રનાથે મૃત્યુ વિશે, તેના સૌંદર્ય વિશે કેવું ઉત્તમ લખ્યું છે ! પણ ટાગોર એમના માંદગીના અને જીવનના છેલ્લા દિવસોમાં બુધ્ધદેવ બસુ લખે છે તેમ, થનાર મૃત્યુથી વ્યથિત હતા, અત્યંત દુ:ખી હતા. મૃત્યુ એ રીતે તેને જાણ્યા-સમજ્યા પછી પણ તેથી અકળ છે. કૃષ્ણ જેવા મૃત્યુની પળને સહજ રીતે અતિક્રમી ગયા હતા એ પણ એટલું જ સાચું છે...

પણ ક્યારેક કોઈક કોઈક સામાન્ય જણ 'મૃત્યુ મરી ગયું રે લોલ' જેવી નરસિંહરાવ દિવેટિયા જેવાની પંક્તિને  સાર્થક કરી જતા પણ જોવાય છે. તેવાઓને આપણે શું કહીશું મૃત્યુવીર ? હા, મૃત્યુવીર જ. વાત આઝાદી પૂર્વેના દિવસોની છે. ખૂનનો આરોપ પુરવાર થયેલ એક વ્યક્તિને ફાંસીની સજા થઈ હતી. જે દિવસે ફાંસી થવાની હતી તેની આગળની રાત્રિએ જ તે નિરાંતે બધા સાથે વાતો કરતો હતો. તેણે એક માણસનું ખૂન કર્યું હતું એટલે ફાંસી થઈ છે તે પણ નિખાલસતાથી તે કહી રહ્યો હતો. તેના ચહેરા પર મૃત્યુનો ડર નહોતો. કોઈ અણગમતી રેખાઓ પણ એ ચહેરા પર ખેંચાયેલી નહોતી. જે દિવસે ફાંસી આપવાની હતી તે દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે તે ઊઠી ગયો હતો. સ્નાનાદિ વિધિ પતાવી મૃત્યુની ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોતો હતો. કંઈક રોજના કરતાં તે વધુ હળવો હતો, ઉત્સાહભર્યો પણ હતો. તેણે ત્યારે મૃત્યુ-અર્થાત્ ફાંસી આપવાની હતી એ ક્ષણો પૂર્વે જે સમય મળ્યો તેમાં પોતાને પ્રિય એવું કબીરનું ભજન મોટેથી ગાવાનું શરૂ કરી દીધું હતું. કબીરના એ પદ-ભજનને તે પૂરી મસ્તીથી ગાઈ રહ્યો હતો. ન મૃત્યુની, ન જીવનના કોઈ લૌકિક બંધનોની એને ફિકર હતી. ખૂન કર્યું છે તેવી નિખાલસતા સાથે કબૂલાત કરનારનું જીવન પણ એવું જ નિખાલસ હતું. કોઈ રીઢો ગુનેગાર એ હતો નહીં આપદ્ધર્મ રૂપે ખૂન કરી બેઠો, બસ, એ જ વાત હતી - ભજન લલકારતાં એ પોતાને જ પ્રેમથી, હર્ષથી કહી રહ્યો હતો -

'કર લે સિંગાર, ચતુર અલબેલી !

સાજન કે ઘર જાના હોગા

નાહી લે ધોલે શિસ ગૂંથા લે

સાજન કે ઘર જાના હોગા

મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિલાવન

મિટ્ટી કા સિરહાના (ઓશીકું) હોગા

કહત કબીર, સૂનો મેરી સજની !

ફિસ વહાઁસે નહીં આના હોગા, 

કર લે...

કહો, આવા એક ભીતરથી જાગેલા આત્મા માટે મૃત્યુ શું એક મહોત્સવ રૂપ નથી લાગતું ? કબીરે પદ રચ્યું છે, પણ પદને ઉમંગથી જીવી રહ્યો છે આ અદનો માનવી. મૃત્યુ સાજનના ઘેર જવા જેવું, શૃંગાર-શણગાર સાથે જવા જેવું છે. તેને ભેટવાનું હોય છે, તેનાથી ભાગવાનું નહીં. તે એક અન્ત નથી, બીજા વર્તુળ વિશ્વમાં પ્રવેશ છે. ત્યાંથી કોઈ પાછું ફર્યું નથી. એટલે જ આ સામાન્ય માણસ વહેલી પરોઢથી કબીરના સહારે પોતાના જ માંહ્યલાને આનંદથી લલકારી રહ્યો હતો. આ ઘટનાના સાક્ષી મૌલાના શૌકત અલી હતા. મૃત્યુ કેવા કેવા રંગ દાખવે છે ! અહીં કોઈકને આપણા કવિ રાવજી પટેલનું પણ 'મારી આંખે કંકુના...' કાવ્ય સ્મરણમાં આવવાનું. તે પણ મૃત્યુની ક્ષણને નિહાળી ચૂકયો હતો તે પણ - 'વે'લ શંગારો વીરા, શગને સંકોરો' કહે છે. મૃત્યુને એણે 'સજીવી હળવાશ' શબ્દોથી પૂરેપૂરું પ્રત્યક્ષ કરી આપ્યું છે. અહીં દર્દ છે, વેદના છે. પણ સાથે મૃત્યુના સત્કારની ભૂમિકા પણ છે.. આવો સત્કાર દુષ્કર છે.