Get The App

લાસ્લો - સર્વનાશનો સ્વામી? .

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
લાસ્લો - સર્વનાશનો સ્વામી?                               . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- અહીં મનુષ્યની બેબસી છે, મૃત્યુ છે, પ્રતીક્ષા છે, રહસ્યોનાં વમળો છે. કશું થનાર નથી કે શક્ય જ નથી છતાં પ્રતીક્ષા જ આશ્વાસન ! 

લા સ્લોની રસપ્રદ એવી વૃત્તાંતમૂલક સૃષ્ટિ તરફ વળીએ તે પૂર્વે એક આડવાત, એના સંદર્ભે જ, કરવા જેવી છે. એક રીતે, અગાઉ ૨૦૦૨માં કંઇક અંશે હંગેરિયન તરીકે ઓળખાયો છે એ કર્ટેસ્ઝ કે કર્ટેઝને તેના 'ફેટલનેસ' માટે નોબેલ પારિતોષિક મળી ચૂક્યું છે. એ રીતે લાસ્લો હંગેરિયન ભાષાનો બીજો નોબેલ પારિતોષિક મેળવનાર ગણાય. પણ ખરેખર એવું કહેવાય ? કદાચ ના. હંગેરિયન ભાષા, ત્યાંની ભૂગોળ, ત્યાંનો માનવ આત્મા, ત્યાંના સંસ્કાર એ સર્વનો જાણતલ તો કહેશે કે કર્ટેઝ બર્લિનવાસી હતો. ડેન્યૂલના વહેતાં પાણીને તેણે ક્યારનાંય છોડી દીધાં હતાં. તેના સર્જનનાં ખેડ-ખાતર-પાણી કંઇક જુદાં હતાં. જ્યારે લાસ્લો નિતાંત હંગેરિયન છે, એ ધરતી સાથે તે જોડાયેલો છે. આગળ વધીને કહીએ તો તે હંગેરીનો જ આત્મા છે, ધબક છે, શ્વાસ છે. લાસ્લોની સમ્યક્ ઓળખ એ છે. ત્યાં એ ધબકે છે, ધબકી રહ્યો છે અને વિશ્વને તેણે એ ધબકનો પરિચય કરાવ્યો છે. તેની ભાષા અને તેનો ભૂખંડ ઉભય કર્ટેઝથી જુદાં છે. લાસ્લોનો મૂળ સ્રોત જ હંગેરી છે, તેની ભાષા છે, ત્યાંનાં હવાપાણી છે. એરીતે લાસ્લો હંગેરિયન ભાષાનો પ્રથમ નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર છે, સાથે ત્યાંના લોક આલોકને, ત્યાંની ભાષાને તે ભાષા સાથેના તેના અંતરંગ સંબંધને, એકત્વભર્યા સંબંધને આટલી ગહેરાઈથી અભિવ્યક્ત કરનાર પણ તે પ્રથમ છે. કહો કે એ જ એનો, એના સર્જનનો વિશેષ છે. એ બિન્દુએથી જ એ ફંટાય છે, વિસ્તરે છે અને તેનો ક્રિયા-કલાપ દર્શાવી રહે છે, ને પશ્ચિમના સાહિત્યનો એક નોખો-અનોખો અવાજ બની રહે છે.

લાસ્લોના આવા નોખા અવાજને સ્વીડિશ અકાદમીના સદસ્યોએ પુરસ્કાર્યો છે. લાસ્લોના સર્જનમાં તેમણે આકર્ષી રહે તેવો સ્વપ્નદ્રષ્ટા જણાયો છે, સાથે આતંક અને બધા જ વિપરીત સંજોગોમાં તેણે કલાની શક્તિને પુષ્ટિ આપી છે તેની પણ તેમણે નોંધ લીધી છે.

હા, તો આ હંગેરિયન સર્જક લાસ્લો છે. નર્યો ધરતીજાયો, વાસ્તવદર્શી, શારી નાખે તેવી ભાષામાં નિરાશા અને વિનાશની કથા કહેનારો, ભયાનકતાનું વિશ્વ સર્જનારો લેખક. એવા લેખકની ખરી ઉમેદ તો એવા વિશ્વને બચાવી લેવાની છે. એની સાચી મથામણ જ વિનાશનો ચહેરો પ્રગટ કરી તેને ઉગારી શકાય તો કેવી રીતે એ છે. ચિત્ત અને ભાષા - બંને તેથી એ દિશામાં જ અટક્યા વિના પ્રવૃત્ત રહ્યાં છે. તે ઉદાસવિશ્વનું ચિત્રણ કરી અટકી નથી ગયો, તેનું પુર્નનિર્માણ પણ તે ઇચ્છે છે. 'શતાંતાંગો' (૧૯૮૫) તેની અનેકાર્થી, હૃદય-મનને દળી નાખે તેવી નવલકથા છે. અંગ્રેજીમાં તે અનૂદિત થઇ છે. સૅન્ડબર્ગ જેવા નોબેલ સમિતિના સદસ્યનેય પણ સ્પર્શી ગયેલી કૃતિ છે. હા, અહીં સામ્યવાદી શાસનની જોહુક્મી અનુભવી ચૂકેલા લેખકનું નક્કર દર્શન છે. એવા સામ્યવાદના શાસનના પતનની અહીં ભવિષ્યવાણી છે. હંગેરીના દક્ષિણ-મધ્યભાગમાં ઇરિમિયાસ અને તેની સાથી પેટ્રિના અહીં કથાની માંડણી કરે છે. અહીં કૃષિજગત છે, કામદારો છે, તેમની પર ચાંપતી નજર રાખનારા ક્રૂર નિરીક્ષકો છે, તેમની ભાત ભાતની શિક્ષાપધ્ધતિઓ છે. નિરાધાર, ગરીબ પ્રજા, ગામડાની પ્રજા કેવા નર્કાગાર વચ્ચે જીવી રહી છે તેનું તાદ્રશ નિરૂપણ છે. લેખકે વ્યંગ્યની ધાર પર અહીં નિરાશાનું નવું લોજિક જન્માવ્યું છે. લોકોને ફાળે અહીં કેવળ શોકગીતો ગાવાનું જ બચ્યું છે. સમય કેવળ વેંઢારવા સિવાય બીજો કોઈ અર્થ દાખવતો નથી. અહીં એવા નિર્ધન લોક-મજૂર-ગરીબને કશુંક સારું થવાની પ્રતીક્ષા છે, કોઇક તારણહાર આવી ઉગારી લેશે તેવી વ્યર્થ આશાય છે. પણ બધું આખરે ઠગારું છે. કાફકામા બને છે તેમ, માત્ર રાહ જોવાની છે - સદા, સદા માટે. અંતે તો બધું વિનષ્ટ થઇને, ખોવાઈને જ રહેવાનું છે. જુઓ, અહીં મનુષ્યની બેબસી છે, મૃત્યુ છે, પ્રતીક્ષા છે, રહસ્યોનાં વમળો છે. કશું થનાર નથી કે શક્ય જ નથી છતાં પ્રતીક્ષા જ આશ્વાસન ! એજ અવિનાશી તત્ત્વ કે વિકલ્પ ! આ Santanngo -  શતાંતાંગો નવલકથા પરથી દિગ્દર્શક બેલાતારના સહયોગથી ૧૯૯૪માં ફિલ્મ પણ સર્જાઈ હતી. સાતેક કલાકની આ ફિલ્મે નવલકથાની જેમ જ વિચારશીલ વ્યક્તિઓને પ્રભાવિત કરી હતી.

એલન મેટ્સન જેવા અભ્યાસીને સ્પર્શી ગયેલી તેની બહુચર્ચિત અન્ય કૃતિ છે : 'ધ મેલેન્કોલી ઑફ રેઝિસ્ટન્સ' (૧૯૮૯). લાસ્લોનું આ મહત્ત્વનું સર્જન છે. પરિસ્થિતિ અહીં પણ કાળી ડિબાંગ રાત્રિ જેવી છે, નરી નર્કાગાર સમી. એક નાનકડા નગરમાં સર્જાતી અશાંતિ, અવ્યવસ્થા, રમખાણો અનેક નિર્દોષેને કેવી રીતે ભરખી જાય છે અને અંતે પરિણામ તો શૂન્ય જ આવે છે તેની આ એક હૃદયવિદારક કથા છે. અજાણ્યા લોકોનો સમૂહ આવે, રહસ્યો સર્જાય, ક્યારેક કોઈક વિકૃત ત્યાં આવે, અરે વ્હેલ પણ આવે પણ દેખીતી રીતે કશી ગતિ-ક્રિયા જણાય નહીં. તેવો અવ્યવસ્થાને અંત નથી હોતો પણ જે આભાસી અંત હોય છે. અંત તેની પાછળ કેવું કેવું મૂકતો જાય છે - પીડાજગત છોડતો જાય છે તે અહીં સચોટ રીતે અભિવ્યક્ત થયું છે. કેટલાકના રામ રમી ગયા છે, કેટલાક ગૂમ થઇ ગયા છે, કેટલાકને જેલમાં ધકેલી દેવાયા છે, કેટલાક ધુમાડો શમ્યા પછીનો પૂરો લાભ ઊઠાવી સત્તા લેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. પ્રશ્ન ધુમાડો શમ્યો છે ખરો ? એ છે. અહીં પણ લાસ્લો રમૂજ વડે ઘણું સંકેતી રહે છે. વ્હેલનું શબ કથાનું પ્રમુખ આકર્ષણ છે. ભયાનક દ્રશ્યોનું રચાતું આવતું વિશ્વ વ્હેલના શબ પ્રતીકથી વધુ ઘેરું બન્યું છે. સરમુખત્યારશાહી, નૃશંસ કૃત્યો, સંઘર્ષો વગેરેનું ચિત્ર કે છેવટે આતંકની અસરોથી કોઈ અસ્પૃષ્ટ રહેતું નથી - વ. અંશો ભાવકના ચિત્ત પર ઘેરી અસર છોડી જાય છે. સર્કસ, એનો મેનેજર, તેનું વ્યક્તિત્વ, વ્હેલ - આ બધું એવી રીતે ગૂંથાતું આવ્યું છે કે લાસ્લો બધાં જ માનવીય વળ-બળ પછી નિરાશા જ સામે આવીને ઊભી રહે છે તે સફળ રીતે તારવી બતાવે છે. સુસાન સોન્ટાગે સમુચિત રીતે જ આ રચના વાંચીને લાસ્લોને 'સર્વનાશનો સ્વામી' કહેવાનું પસંદ કરેલું. આસ્થાનું અચ્યુતમ્ એ વિદ્રોહનું નર્તન અહીં પ્રત્યક્ષ થઇ રહે છે. આ કૃતિ પણ તેની અન્ય કૃતિઓની જેમ લાસ્લોનું જ માત્ર કહી શકાયતેવું અદ્ભુત ગદ્ય વિધાન દાખવે છે. ત્યાં ભાગ્યે જ પૂર્ણ વિરામો છે, છે તો અલ્પવિરામો, અર્ધવિરામો કે આશ્ચર્ય ચિહ્નો. એવી વાક્યાવલિ દીર્ઘ, અતિ દીર્ઘ તો છે જ, પણ એટલી જ ભાવકને ઊંડે સુધી ખેંચી જવા મજબૂર પણ કરી રહે છે. વાક્યોનો અંત પણ ઇશ્વરાધીન છે તેવું કહેતો લાસ્લો માનવીય અનુભવ સદા અપૂર્ણ જ રહે છે તેવું ફલિત કરે છે. લાસ્લોનું ગદ્યવિધાન અને માનવનું વિધાન અહીં સંપૂર્ણ એકત્વ દાખવે છે.

(ક્રમશ:)