ઓ બંડખોર ઋતુ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- હવે આ ઋતુઓ કંઇક સ્વૈર થતી જાય છે. પેલા ઋષિઓના, મારા-તમારા વરતારા પણ, અર્થહીન બનતા જણાય છે.
આ ઋતુઓ પણ કંઇક અંશે ડિજિટલ વિશ્વના પ્રભાવ હેઠળ આવતી હવે જોવાય છે. ઋષિઓએ બાપડાઓએ ઘણું આ ઋતુઓ વિશે, તેમના રંગ-ઢંગ વિશે કહ્યું છે. અરે, ધરતીની ભાત ભાતની સોડમ વિશે પણ વાત કરી છે. તેની આસપાસના સંદર્ભો અને તેના સૌંદર્ય વિશે પણ પારાવાર વાતો કરી છે. અને તે બધું ખાસ્સાં વર્ષોનાં નિરીક્ષણ પછી, એકાધિક અનુભવ લીલાઓમાંથી પસાર થયા પછી પણ હવે ?
પણ હવે આ ઋતુઓ કંઇક સ્વૈર થતી જાય છે. પેલા ઋષિઓના, મારા-તમારા વરતારા પણ, અર્થહીન બનતા જણાય છે. આપણી જેમ તે પણ બાગી બની ગઈ છે, આપણી જેમ તે પણ જૂઠાબોલુંઓની જમાતમાં ભળતી જાય છે. તેનાં વર્તન અને તેની અભિવ્યક્તિ પણ કોઈ ખડ્ડુસ રાજકારણીની જેમ સમયે સમયે બદલાતાં જાય છે. સ્થિરતાને બદલે અસ્થિર રહીને તે તેનો પરિચય આપતી રહી છે. બાકી તમે, હું, આપણે, બધાં જાણીએ છીએ કે શિયાળો એટલે ટાઢ, કડકડતી ઠંડી, ગાત્રને ધૂ્રજાવી રહે તેવું શૈત્ય, તાજી, હૃદય હવાનો ક્યારેક અનુભવ કરાવી રહે તેવો માહોલ અથવા તો ઘરમાં જ ઓઢી લપેટાઈ રહેવાના ચૂપકીભર્યા કેટલાક દિવસો... પણ એ બધું હવે એના મૂળરૂપે દેખા જ ક્યાં દે છે ? એ પણ વાયદાબાજ બની ગઈ છે. 'આવું છું', 'આવું છું', 'આવું છું' એમ કરે અને આવે ન આવે ત્યાં તો હાથતાળી આપીને સરી-સરકી જાય. તમે જ કહો આ વેળાનો શિયાળો કેવો લાગ્યો ? હા, એનું આધારકાર્ડ, એનું બીજું-ત્રીજું કાર્ડ તોપાકું શિયાળાનું જ હતું. પણ તેણે એની ખરી ઓળખ અને ચાલ તો બદલી જ નાખી હતી. કોઈ ઠઠ્ઠા મશ્કરીમાં એમ પણ કહે કે તેણે માણસની ચાલ શીખી લીધી છે - તો હું કે તમે તેવા વિધાન સાથે જરૂર સંમત થવાના. પણ મને તો પૂછવાનું મન થાય જ કે ભાઈ શિયાળા ! તમે શિયાળ જેવા કેમ થઇ ગયા ? ભાઈ શિયાળા ! તમે કોઈ ચૂંટણી સભાના ભાષણોમાં તો નહોતા ગયા ને ? હા, ભાષણો જાદુઈ હોય છે તે માણસને તો ઉલ્લુ બનાવી રહે તેવું તેમાં મીઠું-મરચું-તીખું-ખારું-ખાટું હોય જ, પણ આમ વાત છેક ઋતુ સુધી ય પહોંચતી હશે તેનો ખ્યાલ જ નહોતો. સો વાતની એક વાત ભઈલા શિયાળા ! તેં તારું શિયાળાપણું ખોઈ નાખ્યું છે. એથી તો તને અવારનવાર પેલો ઉનાળો સળી કરી જતો હતો ! તેથી તો પેલું ચોમાસું એની સરહદ છોડીને તારી સરહદમાં પ્રવેશ કરી તને આરામથી ખોરવી નાખતું હતું. માણસ તો બદલાય, ઢાળ જુએ ત્યાં સર્ર્ર્ લપસે પણ તું આમ ઋતુ રૂપે લપસણી જેવી બાળરમત રમે તે કંઇ ચાલે ? તારી તો મૂળ પ્રકૃતિ જ ગેરન્ટીની હતી, વૉરન્ટીની પણ નહીં અને હવે તો તે પણ કંઇક ડંફાસભરી વાતો કરવા માંડી છે ! આવી લપ્પન છપ્પન તને અલબત્ત, શોભતી નથી, પણ હવે આવું સાચું કહેવાના દિવસો પણ ક્યાં છે ? તું સમજી જજે ભઈલા શિયાળા ! કરતા હોય તે જ કરીએ, બીજાની વાદે ચઢાય નહીં.
મારી મૂળ વાત તો એ છે કે તું શિયાળો ખરો, પણ શિયાળો નહીં પણ તારીખિયું ભલે જે સૂચવે તે પણ ટાઢ જ તારી ઓળખ છે, ટાઢ-ઠંડી-શૈત્ય એ જ તારી સાચી શૈલી છે. તું તારી ચાલ ભૂલશે, તો તું જ તને ભૂલશે. યાદ રાખજે ઋષિઓનાં તારા વિશેનાં વચનો, માઘ-પોષનાં વર્ણનો... તું તો જોમ છે પૃથ્વીનું, તું તો સ્વયં ઊર્જા છે, ઊર્જા પ્રદાનકર્તા છે અને તું જ ઊર્જા ખોઈ બેસીશ તો ? યાદ રાખ તારી સરહદો - તારી મૂળ પ્રકૃતિને, ભૂંસવાની કોશિશ કરી રહી છે અન્ય ઋતુઓ, તારી આસપાસનું દગ્ધ વાતાવરણ, તારી અતીતની મુગ્ધતા તજી રહે, વર્તમાનની આરપાર જો. આ માઘના અંતિમ દિવસોમાં મહાશિવરાત્રીએ તારી અવધિ પૂરી થઇ - આ વર્ષ પૂરતી, પણ આવતા વર્ષે સતર્ક રહેજે શિયાળા ! તારા પૂરા કદે તને સત્કારીશું, ઓવારણાં લેશું પણ તારી મૂળ પ્રકૃતિએ તું મહાલતો આવશે તો... બાકી આ લખું છું ત્યારે માઘનો અંતિમ દિવસ છે. આવતીકાલે ગ્રીષ્મનો વિધિવત્ પ્રવેશ થસે. ઘણાકને તારું વિસ્મરણ થઇ રહેશે. કારણ કે હવે ઋતુઓ કે ઋતુચક્ર યાદ રાખવા જેવી બાબતે આજનો ડિજિટલ માનવી તેની કોઈ શક્તિ ખર્ચવા તૈયાર જ નથી. ઋતુ આવે તો પણ ભલે આવે, જાય તો પણ ભલે જાય. એક સાધારણ ક્રમથી તારું કે બીજું કોઈ ઋતુનું કશું મહત્ત્વ જ ક્યાં રહ્યું છે ?
બાકી, કાઠિયાવાડી લહેકામાં કહેવાનું પ્રાપ્ત થાય તો હું તને આવેગપૂર્વક, ભર્યાભર્યા ભાવથી કહું - શિયાળો ઇ શિયાળો ! એની તોલે અન્ય ઋતુઓને મૂકીને તારી કોઈ સરખામણી કરવા માગતો નથી. મારે તારું એ અસ્સલ રૂપ-પ્રરૂપ જોવું છે શિયાળા ! મારા ગ્રામપરિવેશમાં, કિશોર કે બાળવયે તને માણ્યો તો, જે રીતે અને તારા જે વેશે - એ બધુંફરી એકવાર જોવું છે નદી ધુમ્મસ, ઓગળી ગયેલો પહાડ, થરથરતું બાળ શરીર, હડપચીનો કંપ, હાથ-પગનું અણસરખું વર્તન, અંદર-બહાર આછી ધૂ્રજારી, ખુલ્લા ચરણે રેતમાં ચાલવાનું વૃક્ષોનાં સ્થિર પર્ણોને ધારી ધારીને જોવાનું, ઝાડ-ઝાખરાંનું અકળ મૌન, એ સર્વમાં ધીમે ધીમે ઓગળતો બાકી રહેલો ચપટીક અંધકાર, અરણ્ય આખું જાણે તારી મૌનના શબ્દોથી સ્તુતિ કરી રહ્યું હોય, વસંતના આવનારા દિવસો માટે તું જાણે અરણ્યના વૃક્ષે વૃક્ષમાં કશોક ચૈતન્ય રસ પ્રોવી રહ્યો હોય, ખીલું ખીલું કરતાં પુષ્પો-કળીઓની મહેકને તું એવા જ સ્થિર રૂપે માણી રહ્યો હોય અને અને નદીમાં બાકી રહેલું થોડાક પાણીનું વહેણ ધીમી ચાલે ચાલે,
તને નિહાળે અને તારા શૈત્યભર્યા ગીતને મૂંગા મૂંગા ઝીલીને એ વહેણ પણ આગળ આગળ એ ગીતના શબ્દોને પ્રસારીને વહેતું હોય... આવી આવી તારી અપાર સંપત્તિ હજી પણ મારી સ્મૃતિમાં જ નહીં, મારા દેહમાં પણ સચવાઈ રહી છે. શિયાળા ! બધું મઘમઘી રહ્યું છે, એ બધું હજી મારી ભીતર, છેક ઊંડે.
જો, જો, તું વિદાય લઇ રહ્યો છે અને હું તું અત્યારે નથી, ત્યારે પણ તને, તારા એ અતીતને માણી રહ્યો છું. મારા જેવા બીજા પણ તારા ચાહકો હશે જ. સૌ અજંપ છે તારા નવા આજના રૂપથી એટલે જ ગ્રીષ્મના શરૂ થઇરહેલા દિવસોમાં તને આ મારું નમ્ર નિવેદન છે. તું આવ, એક વધુ નવા વર્ષે કોઇક દોરડાં કૂદતી, સ્મિત વેરતી ષોડશી કન્યાની જેમ જ્યાં માત્ર તારું જ વર્ચસ્વ, તારી જ વાણી તારાં જ વિહાર એ વિહાસ...