ઝકોર અને ઝકઝોળ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- પવન-ઝકોર તો ક્ષણ બે ક્ષણ હોય છે પણ એ ઝકોર આકરા પરિતાપોને ઓગાળી રહે છે, થીજી ગયેલાં શલ્યોનું જુદી રીતે રૂપાન્તર કરી રહે છે
આ મ અચનાક જ ઝકોરની તાબેદારીમાં આવી જવાયું છે. પણ તાબેદારી એટલે રખે લેખતા કે કોઇની એડી નીચે અથવા તો કોઇક પ્રકારની સીમાબધ્ધતા વચ્ચે આવી જવાયું છે. અહીં તો તેનાથી ઊલ્ટું નરી મુક્તિ, નરી નિર્બંધતા, નરી મતવાલી ચાલના છે. અરે, અહીં તો સમયની પણ પાબંધી નથી. આપણે રોકટોક વિના ત્રણે કાળમાં સહજ રીતે વિહરી શકીએ છીએ. તમે સમયને, સમય તમને પ્રેમભરી તાળીઓની આપ-લેનો ઉત્સવ પણ અનાયાસ રચી રહો છો. ક્યારેક તમે શાંતિનાં પારાવાર બની રહો, ક્યારેક એવુંય બને કે તમે આવેગભરી ભાષાથી એકાકી જ રહી જોર-શોરથી કશુંક ઉદ્ગારી રહો. એવુંય બને આપણી જાણ બહાર આંખમાં થોડાક અશ્રુબિન્દુઓ પણ ઝળહળી રહે. આંસુ એટલે આંસુ - તે આનંદનાંય હોઈ શકે તાક્ધિન, તાક્ધિન કરતાં તે તમને-મને આખાને આખા જ વ્યાપી રહે. ક્યારેક અનુભવાયેલી, છતાં ગુપ્તાગારમાં ભંડારાયેલી કોઇક વેદનાની ક્ષણ પણ દ્રશ્ય બની હૃદય-મનને કંપિત કરી રહે...
આ બધું હું પેલી ઝકોરની માયાજાળ વિશે કહી રહ્યો છું. હા, ઝકોર એટલે પવનની લહેર, પવનમાં, મંદ મંદ પવનમાં, ફૂલની પાંખડી બનીને ફરફરવું. કોઇક કોઇક કહેશે 'ઝકઝોળ થઇ ઊઠયા' અર્થાત આનંદનું આખ્ખે આખ્ખું ગાલ્લું બની જવાય. આ બધું કંઇ બધાને નસીબે હોતું નથી. ઝકોર તો આવે અને જાય. ઘણાંને અનુભવ જ ન થાય ! ગણતરી અને હિસાબોની દુનિયામાં ગરક કે આપ-લેના માહેર માટે આવી વાતો સમજણની બહાર હોય છે. આ ઝકોર એટલે પવનની લહેર એમ કહીએ ત્યાંથી જ એનું ખરું જગત આરંભાતું હોય છે. હું કે તમે એકાકી અથવા કોઇકની સંગે નદીકાંઠે બેઠા હોઈએ, અથવા ઊછળતાં મોજાં સાથે વાતોએ વળગેલા સમુદ્રની સામે બેઠા હોઇએ, કોઇ અવાવરુ ખંડિયેર વચ્ચે ઊભા હોઈએ, કોઇ કળાકૃતિને ક્યાંક નિહાળી રહ્યા હોઈએ, ક્યારેક ભરબપોરે એકાદ લહેરાતા વૃક્ષ નીચે પોરો ખાઈ રહ્યા હો, અથવા તમે, તમારી સાથે બેઠેલો મિત્ર એમ જે કલાકો સુધી અન્યમનસ્ક થઇ કોઇ પર્વતની સામે બેસી રહ્યા હો અથવા કોઇ ટ્રેનમાં બેસી મુસાફરી કરતાં કરતાં અંતરિયાળ ગામડાને નિહાળતાં આગળ વધતા હો, કે પછી કોઇ એવી જગાએ તમે ફરી આવી ચઢ્યા હો, સંગને બદલે નિ:સંગ હો, સભરને બદલે કશાક ખટકા સાથે આકુલ હો...બરાબર એવી વખતે પેલી ઝકોર આપણાં સ્મૃતિ દ્વાર પર ટકોરા મારી રહે, આપણી આંખ-કાન-નાસિકા-જિહવા-ત્વચા બધું ઝંકૃત થઇ ઊઠે, સમયની રેખાઓ ભૂંસાઈ જાય, આપણે પણ ત્યારે લોપાઈ જઈએ-રહે માત્ર પેલા પવનની લહેર. પેલી ઝકોર. એ ઝકોરમાં ખેંચાઈ આવતા ત્રણે કાળનાં ચિત્રો, ચરિત્રો, સંવેદનાઓ, દ્રશ્યો, જ્યાંથી તમે પસાર થઇ ગયા છો એ રસ્તાઓ, એ અરણ્ય કે તેની તિલસ્મી દુનિયા, તમે કશેક શબ્દો વિનાની ભાષા કે નવા પ્રકારનાં કક્કો-બારાખડી ઘૂંટયાં હતા તેની નીરવ પળો, અથવા કોઇ પ્રાચીન શિલ્પો પાસે ઊભા રહી તમારે વિરાટ કાળને પ્રાર્થના કરવાનું બન્યું હોય, તમે અનેક ક્ષણો સુધી અવાક્ થઇ રહ્યા હો અને પછી ક્યાંક તમે પણ એ શિલ્પની રેખાઓમાં એકાકાર થઇને, એની જ દીવાલો પર માત્ર આંગળીને ટેરવેથી તમે તમારા પ્રિય પાત્રના નામને વારંવાર ઘૂંટયા કર્યું હોય અથવા માતાની ચિતાને અગ્નિદાહ આપતી વેળાએ કે પિતાના અવસાને આખું આકાશ તૂટી પડવા જેવી જે સંવેદના અનુભવી હોય-એવું-તેવું પાર વિનાનું આ ઝકોર તમારી સામે ધરી દે છે. પવનની લહેર આત્માની લહેર બની રહે, પવનની લહેર અનેક કંપનોનાં વિશ્વવોથી અંદર અને બહાર કશીક નવી હલચલ સર્જી રહે. પવન-ઝકોર તો ક્ષણ બે ક્ષણ હોય છે પણ એ ઝકોર આકરા પરિતાપોને ઓગાળી રહે છે, થીજી ગયેલાં શલ્યોનું જુદી રીતે રૂપાન્તર કરી રહે છે. બોજને ઊશેટી મૂકે છે. ઝકોર મને-તમને વહેતી મંદાકિની બનાવી રહે છે. ત્યાં બધાં તર્કશાસ્ત્રો, દલીલો, ખોજ-શોધના ઉધામોઓ નિરર્થક બની રહે છે. પારદર્શિતાનું પટકૂળ ત્યાં ફરફરી રહે છે. ઝકોર નિવાર અને દુર્નિવારનું જગત રચી આપે છે, તેની આસપાસ અને આરપારનું સ્પષ્ટરેખ કરી, હૃદય-મનને તેના ગુંજનથી ભરી રહે છે. ત્યાં રુકિમણીને રાધા વિશે પ્રશ્ન થતો નથી. અમૃતા અને ઇમરોઝના સંબંધો વિશે એક ઊંચાઈએથી બુલબુલ સાદ દઈ રહે છે. શેક્સપિયર જ્હોન્સનથી કે તેની ટીકાઓથી અસ્પૃષ્ટ કેમ રહ્યા તેનો ભેદ ખૂલી રહે છે. એ ઝકોર ગીત અને સંગીત બંને છે. વૈયક્તિકતા અને ટોળા વચ્ચેની માયાને પણ એ ઝકોર ખુલ્લાં કરી રહે છે. આર્લોટ એરિક્સન જુદી રીતે કહે છે તેમ આ ઝકોર પણ કદાચ આપણને વળગેલાં નિશાનોને નામશેષ કરી રહે છે. ઝકોર Silence is only soundનો મંત્ર કાનમાં ફૂંકી રહે છે.
ઝકોરની એક જ લહેર એમ અંદરનું અકલ્પ્ય ડોલન બની જતું હોય છે. રાત્રિઓ, રાત્રિનું આકાશ, તારાઓ, તેના લીલા-ભૂરા-ઝાંખા-પીળા-ગુલાબી રંગો કે રાત્રિએ વૃક્ષોનું માણવા મળતું એક સાવ નોખું રૂપ એવું-તેવું ઘણું આ ઝકોર તેના મધુર સ્પર્શે રુંવે રુંવે કથાઓ માંડતું રહે છે. એવી કથામાં કાલિદાસની ગોષ્ઠીઓ પણ હોય, ટાગોરનો પ્રકૃતિવૈભવ પણ હોય, અરે, કૃષ્ણ પણ તેની લીલાઓ સાથે હાજર હોય, તમારું-મારું પ્રિયજન પણ ત્યાં એની અનેક ભગિઓ સાથે નાજુક-મધુર-મોગરાની કળીઓ બનીને સુગંધ ફેલાવી રહે. જરા જુદી રીતે ત્યાં વેદનાજન્મ ક્ષણો પણ ખેંચાઈ આવતી હોય છે. સુંદર સાથે એવી દર્દભરી ક્ષણો પણ વિભિન્ન રૂપે ઉજાસ પાથરી રહે છે. બોલ્ટ વ્હીટમેન જેવા કવિએ કે દોસ્તો-એ-વસ્કી જેવા નવલકથાકારે તેવી કથનીઓ સર્જીને માનવ જગતને અનેક આશ્ચર્યો પાસે મૂકી આપ્યું છે.
ઝકોર પણ નિ:શબ્દ કરી રહે છે. ઝકઝોલ કરી રહે છે. નવેરસોની નદી રૂપે સ્નાન કરાવી રહે છે.