- ક્ષણ-ક્ષણાર્ધ- પ્રવીણ દરજી
- હવે ઝેન વાય પણ જૂની પેઢી ગણાય છે. તેઓની મૂલ્યપરકતા, સામાજિક જાગૃતિ કે જૂનાને કંઈક વળગી રહેવાનું વલણ ભૂતકાળ બની ગયો છે
જ રા ઊંડેથી સમસ્ત સમાજે વિચારવા જેવું છે. હવે જૂની અને નવી પેઢી વચ્ચે અંતર છે એમ કહીને કોઈ છટકી શકે તેમ નથી. અમાપ પરિબળો આપણી ચોતરફ જન્મી ચૂક્યાં છે, તેમનો પ્રભાવ વિસ્તર્યો છે, સાથે ગ્લોબલ વિશ્વે અને ડિજિટલ ક્રાંતિએ પણ ઘણા ભેદભરમ તોડી નાખ્યાં છે. તથ્યો અને તથ્યોની આસપાસ રચાતાં સાચાં-ખોટાં આવરણો પણ ખુલ્લા થતાં જાય છે. એટલે અંતર પેઢીઓ વચ્ચેનું નથી. નવા પરિવર્તનોનું છે, નવાં કારણો અને તે માટે શોધાતા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયોનું છે. ઝડપથી પરિવર્તન પામી રહેલા સમયના રૂપ-રંગને નિરપેક્ષ ભાવે જોવાનું અને શક્ય તેટલે અંશે ઝડપથી તેને માટે વિકલ્પો કે ઉપાયો શોધવાનું કામ કરવાનું છે. હવે ઝેન વાય પણ જૂની પેઢી ગણાય છે. તેઓની મૂલ્યપરકતા, સામાજિક જાગૃતિ કે જૂનાને કંઈક વળગી રહેવાનું વલણ ભૂતકાળ બની ગયો છે.
આપણી સામે જેન ઝેડ કે જેન ઝી પેઢી છે. એ આપણી સામે જ ઉછરી રહેલી પેઢી સ્વૈર છે એમ નહીં કહી શકીએ. તેઓને જે નજર સામે જોવાય છે તેની સાથે પ્રગાઢ નિસબત છે. જે થવું જોઈતું હતું તે નથી થઈ રહ્યું અથવા નથી જ થનાર એવું તે સંપૂર્ણતયા સમજી શકે છે. તેઓને વચનોતી ભોળવી શકાય તેમ નથી. તેઓ યુવાન છે એટલે યુવાનીનો પોરસ ચઢાવી તેમને ભ્રમમાં પણ રાખી શકીએ તેમ નથી. 'બેટા મોટો તો થા, પછી તને પરણાવીશું' એવા મિથ્યા દિલાસા પણ તેઓને માન્ય નથી. તેઓ તો જે કંઈ થવું જોઈએ તે થાય છે કે નહીં તેનું ચૂપકીદી સેવી પોતાની રીતનું નિરીક્ષણ કરે છે, કંઈક વીક્ષણ પણ. વળી એ માટે તે કંઈક છેક જ અસહિષ્ણુ પણ નથી. થોડીક રાહ તે જોઈ શકે છે. આપણા વચનો-વાયદાઓની સચ્ચાઈ વિશે પોતાની રીતનાં તારણો પણ કાઢે છે. એવાં તારણોમાં જો આ જેન ઝેડ કે જેન ઝીને એમ લાગે કે આ લોકો તો યુવાનોને ફોસલાવી રહ્યા છે, તેઓને પોતાનું રમકડું બનાવી રહ્યા છે, અથવા રમકડું માનીને તેની સાથે રમી રમીને પોતાના નાપાક ઈરાદાઓને બર લાવી રહ્યા છે - તો બસ, પછી તે કશું પણ કરવા તૈયાર થઈ જાય છે. ચાલાકી કે જુઠ્ઠાણાં આચરનારાઓને પર્દાફાશ કરીને રહે છે. એ જેન ઝેડ પેઢી સમયનું મૂલ્ય આપણા કરતાં વધુ જાણે છે. તે ઝડપથી પરિવર્તન ઈચ્છે છે. ધર્મ સાથે, સત્તા સામે, સમાજમાં રૂઢ થઈ ગયેલા પ્રપંચી મહાનુભાવો સામે તેથી તે બળવો પોકારી શકે છે. જેન એક્સ કે જેન વાયની પોતાની અગાઉની પેઢીની જેમ માત્ર બળાપો કાઢીને બેસી રહેતી નથી, મૌન તેઓને મંજૂર નથી. 'ધરપત' જેવો શબ્દ તેમની પાસે નથી. તેઓ સમાજના મોભી પાસે કે સત્તાના નશામાં ગરક સામે સીધું પરિણામ ઈચ્છે છે, માનવીય સુખાકારી ઈચ્છે છે. તેમનો બળવો કે બગાવત બહુશઃ પરિવર્તન માટે છે અને વધુ તો પ્રજાની પીડાને વાચા આપી તેના નિરાકારણ માટેની છે. તેઓ બાગી નથી વાસ્તવમાં જીવનના રાગી છે.
વિશ્વભરમાં આજે જેન ઝેડ કે જેન ઝી આપણા વર્તમાન સમયનું મુખ છે, નિર્દંભ ચહેરો છે. તેમણે ભાષા સાથે ખિલવાડ કરી રહેલા ધર્મગુરુઓને, રાજકીય નેતાઓને નજીકથી જોયા છે. તેમની કહેણી અને કરણી વચ્ચે રહેલી વિરાટ તિરાડો પડેલી પણ જોઈ છે. સત્તાના મદમાં છકી ગયેલા અને રાષ્ટ્ર કે દેશને નામે તેને તિતર-બિતર કરી રહેલી તેમની નરાકારાત્મક પ્રવૃત્તિઓ પણ જોઈ છે. પરિણામે આ પેઢી એ બધું અંદર ને અંદર ધૂમાઈ-ગોટાઈ રહી પોતાને જ ખતમ કરી નાખે તેવું ઈચ્છતી નથી. જવાળામુખીની જેમ એ પોતાનું મોં યથા સમયે ખોલી શકે છે, નષ્ટ ભ્રષ્ટ કરી શકે છે. તેમનો વાંધો છીછરાં-પ્રલોભિત કરી મૂકે તેવાં વચનો સામે છે, પાર વિનાના તેમના વડે થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે છે, તેવાઓના જીવનના વૈભવી તમાશા સામે છે, મૂલ્યોને આગળ ધરીને મૂલ્ય હીનતાને પોષી રહેલી તેમની નીતિ ભ્રષ્ટતા સામે છે. જેન ઝેડ પેઢી માત્ર દેખી રહેનારી, સહન કરી રહેનારી પેઢી નથી. અગાઉ કહ્યું તેમ, તેમના આક્રોશ પાછળ, તેમના બાગીપણા પાછળ તેઓ બહેતર દેશ ઈચ્છે છે, બહેતર મનુષ્ય ઇચ્છે છે, બહેતર વિશ્વ ઇચ્છે છે. આ જેન ઝેડ કે ઝી પેઢીનાં મૂળિયાં દૂર સુધી નંખાયેલા છે અને નથી પણ ! તેઓ ડિજિટલ વિશ્વ સાથે સંકળાયેલ છે તેથી ઈતિહાસ-ભૂગોળ અને મનોવિજ્ઞાન કે જીવવિજ્ઞાન સુદ્ધાંનાં અને ઈતર વિષયોનાં પણ તથ્યો તેમની સામે છે. નાટકીય રીતે ભજવાતા જીવનપાઠ સામે તેઓને ધરાર ધૃણા છે. તેઓ તો જીવન માગે છે, નક્કર જીવન, ટકોરાબંધ જીવન. તેઓ શબ્દછળથી નિભ્રાત થયેલા છે. સંતોષ કે સુખી જીવનનાં સોણલાં નહીં, પણ નજરોનજર જોઈ શકાય, પામી શકાય, સ્પર્શી શકાય, અનુભવી શકાય કે માણી શકાય તેવું સુખી જીવન તે સૌ કોઈનું બની રહે તેવું ઈચ્છે છે. કહો કે અધિકૃત જીવન, રણકાભર્યું જીવન. ભાષણો, હોર્ડિંગ્સ, આ કે તેનાં પૂતળાં આંજી નાંખતાં સૂત્રો અથવા ગુડી ગુડી વાતોમાં તેઓને કોઈ રસ નથી. તેમનું પ્રભવસ્થાન - પોષણસ્થાન અને પ્રેરણાસ્થાન કે તેમનાં મૂળિયાં કે જીવન રસ જે કહો તે ડિજિટલ વિશ્વ છે. આપણે તે રીતે ડિજિટલ વિશ્વને એ ખૂણેથી જોવું રહેશે, સમાજ કે સત્તાનું કે ધર્માદિનું તંત્ર પણ એ સંદર્ભે ઊભું કરવું પડશે. આ જેન ઝેડ કે જેન ઝી રાષ્ટ્રપ્રેમી છે, રાષ્ટ્ર વિપરીત નથી. તેઓ પોતાની ભૂમિને પાર વિનાનો પ્રેમ કરે છે, પોતાના જીવનને પણ ચાહે છે. તેઓ પારદર્શી છે હા તો હા અને ના તો ના તેમનો મંત્ર છે. તેઓ દંભરહિત જીવન ઈચ્છે છે. તેઓ વૈચારિક રીતે પુખ્ત નતી, એવું માનવાને કોઈ કારણ નથી. ડિજિટલ વિશ્વે તેમની ચેતનામાં મોટું પરિવર્તન આણ્યું છે. 'અબ્બીહાલ' કે 'અબઘડી' જેવા શબ્દો તેમના શબ્દકોશમાં અગ્રસ્થાને છે. તેઓને માટે કશું અશક્ય નથી, તે સત્યને માટે
સર્વ રીતે સમર્પિત છે, જાતને પણ તે માટે હોમી દઈ શકે છે. પડોશી દેશ નેપાળમાં કે વિશ્વમાં અન્યત્ર થઈ રહેલી દુરિત ઘટનાઓને જિદ્દી રહી, સંકુચિત માનસ રાખીને સમજી નહીં શકીએ. મોભીઓએ, ધર્મ અને સત્તાને વળગીને ઊંચા આસને બેસીને સત્યને વિરૂપ કરી રહેલાઓએ સવેળા એ વાતને સમજવાનું મુહૂર્ત આવી પહોંચ્યું છે. સત્ય અનેક રૂપે પ્રકટ થતું આવ્યું છે. જેન-ઝેડ કે ઝીને એવા આપણા સમયના સત્યરૂપે આપણે જોઈશું ? ઘરમાંથી માણસ સડક ઉપર આવી રહે ત્યારે એની મજબૂરીને વધુ મજબૂર કરીએ તો પરિણામો નજર સામે છે. તીવ્ર રીતે યાદ રાખીએ કે હવે જેન આલ્ફા પેઢી પાછળ જ આવી રહી છે. દુરિતા સાવધાન !


