Get The App

ત્યાં મહાકાવ્ય અને પાત્ર આપણે જ!

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
ત્યાં મહાકાવ્ય અને પાત્ર આપણે જ! 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- 'ઘર' એક એવું પુરાકલ્પન છે, જે અમર્ત્ય છે. તે ગમે ત્યારે, તમે જ્યાં હો ત્યાં, ખુદ તમારી પાસે દોડી આવે છે

'ઘ ર' વિશે એકલદોકલ વાત ન હોય, ઘરની કથા-મહાકથા હોઈ શકે. ઘરનું થોડીક પંક્તિઓમાં કે લીટીઓમાં વર્ણન પણ ન થાય. તે માટે સમય જોઇએ, આંખ જોઇએ, કાન જોઇએ અને હા, શ્વાસની સાચકલી સરગમ પણ જોઇએ. આંખ-કાન પણ સાવ જુદાં ઘરની મહાકથા એરીતે વિસેષ બની રહેતી હોય છે. એવું ઘર ક્યારેક રૂપાન્તર થતાં થતાં આપણે સ્વયં બની રહીએ. અથવા આપણું ય ક્યારેક ઘરમાં નિ:શેષ રૂપે પરિવર્તન થઇ રહે. ઘર એટલે કોઈ આલીશાન ઇમારત પણ હોઈ શકે કે પછી તૂટું તૂટું થતું ઝૂંપડું કે કોઈ કુટીર પણ હોઈ શકે. ઘર માટે અરે, કોઈ માપપટ્ટી હોઈ શકે ખરી ? અમુક ચોરસ ફૂટ જગા કે અમુક માળ કે આવી તેવી સજાવટ વગેરેથી પણ શું ઘરની ઓળખ ઊભી કરી શકાય ? ઘર એ રીતે જોતાં કશાને ગાંઠતું નથી. એની સીમાઓ નિશ્ચિત કરી શકાતી નથી.

ઘરની મહાકથા હોઈ શકે એવું કરું છું ત્યારે એમ પણ લાગે કે એ મહાકથાને નાયક નાયિકા હોય, ઇતરજનોય હોય, તેમનાંય પરાક્રમો હોય, તેમનાંય સાહસો હોય, તેમનાય શ્વાસોચ્છવાસ હોય, નાનેરાં સુખો હોય, મોટાં પણ. અથવા દુ:ખની વાદળીઓનીય અવરજવર હોય. તેમની ભીતર શાંતિ અશાંતિ પણ હોઈ શકે. તેમની નજરમાં વહેતી નદી હોય કે ઉછળતો સમુદ્ર પણ હોઈ શકે. એવા કોઈ પાત્રે ગૃહત્યાગ કર્યો હોય સાથે ગૃહાગમન પણ તેનું શક્ય છે કે થયું હોય ! એનીય આસપાસ કોઈ તત્વાર્થ ફેરફૂંદડી ફર્યા કરતો હોય કે પછી મર્માર્થનું સહજ સ્મિત પણ વિસ્તર્યું હોય. ક્યારેક મૌન કે ક્યારેક મુખરની ત્યાં તેવાં પાત્રોમાં સહસ્થિતિય જણાય. જ્ઞાનાર્થ કે માનાર્થની ગુંજ પણ વાતાવરણમાં ઓગળતી રહી હોય. સ્મરણોની મંજરી પણ મહેક મહેક થતી અનુભવાય. ગતિ-અગતિ પણ ત્યાં તેનાં અંકનો છોડી જતી હોય છે. ક્યારેક ગુફ્તેગોનાં કંપનોની હયાતીય જોવાય. કદાચ પેલા ખાસ કાન જ સાંભળી શકે. ક્યારેક જોવા ટેવાયેલી આંખ પણ એવું સાંભળી રહે! તે સાથે બોલાચાલી કે આક્રોશ પણ તેની ધૂ્રજારીનાં ચિત્રો અંકિત કરી રહેતાં હોય છે. આંખના ખૂણે આવીને અટકી ગયેલાં આંસુનાં સત્તરાક્ષરી હાઈકુ પણ વાંચવા મળે. ટપ્ ટપી ગયેલા અશ્રુ નિર્વાક્ વાક્ની વણલખાયેલી બારાખડી છોડી જતાં હોય છે. આશા-નિરાશાનાં ઊમટેલાં વાદળો પણ ત્યાં હોય જ ને ! લીલું સૂક્કું બધું ત્યાં એવા જણમાં હાજર હોય. પણ જુઓ તો ખરા, બધી વેળા એવા પાત્રોને છત આકાશ લાગે છે, ઊભા રહેવા જ જગા મળી છે તે તેવાને આખી પૃથ્વી લાગે છે. સમય આવે છે, ચાલે છે, ચાલતો રહે છે કે ચાલશે અથવા ચાલી ગયો છે તે બધાં જ અવિશ્રાન્તપણે પોતાની રૂપલીલાની જાજમ તો પાથરતાં જ રહે છે. ત્યાં ચાલી ગયાની પગલીઓ છે, તો ચાલી રહેલાંના પાદચિહ્નો તો અંકાતાં જ રહે છે. આવી પગલીઓ શું માત્ર પગલીઓ હોય છે ? ત્યાં જે તે પાત્રોના ચઢાવ-ઉતારની ભાષાનાં આભરણ અને તેની ઉપર મંદ કે તેજ ઝળહળ ટીલડીઓ પણ ચમકતી હોય છે. ક્રૂરતા કે કરુણતાની કથાઓના થોડાક તંતુઓ પણ ત્યાં એકરૂપતા પામ્યા હોય છે. ત્યાં મંગલ સ્તોત્રોની સાથે કરુણની મીંડ પણ સાંભળવા મળે. અને આ બધા વચ્ચે એવાં આ કે તે પાત્રોને ક્યારેક ક્યારેક સમજણનો પ્રસાદ પણ પેલું 'ઘર' જ આપતું રહે છે. ડાહ્યું ડમરું બનીને 'ઘર' ક્યારેક પાત્ર કે પછી ખુદના અનુભવોની સીડીનાં પગથિયાં પર પણ ચઢઊતર કરાવી રહે છે. ચાર દીવાલો વચ્ચે છએ ઋતુ અને દસે દિશાઓનો તે ક્યારેક પેલાં પાત્રોને નકશો પણ સંપડાવી આપે છે. ક્યારેક દયાળુ બનીને એ 'ઘર' સ્વેચ્છાએ પેલાં પાત્રોને એમ પણ કહી રહે છે : 'જે કરવું હોય તે કરો, ગાવ, નાચો, બૂમો પાડો, ' ઠૂઠવો મૂકો, ઠૂમકો મારો કે ઠૂમરી ગાઈ રહો પણ કશુંક કરો, કરો, નદીની જેમ વહેતા રહો. તે ક્યારેક આવી રીતે ઉદાર બનીને પોતાના કૉપી રાઈટના બધા જ હક્ક પેલા પાત્રોને સમર્પી રહે છે.

ઘરને એ રીતે એક પુરાકલ્પન રૂપે, મિથરૂપે હું જોઉં છું. ઘરના અર્થો કાઢીએ એટલા ઓછા પડે. ઘરે ઘરની કહાની અલબત્ત, ભિન્ન છતાં ઘરના ક્રિયા-કલાપોમાં ક્યાંકને ક્યાંક સાદ્રશ્યો જોવા મળે. 'ઘર' એ રીતે જ પ્રપંચી વિશ્વ વચ્ચે યજ્ઞાશાળા બની રહે છે, એ રીતે જ તે તેનાં પાત્રોને આશ્વસ્ત કરી રહે છે, નવું જોમ પૂરી નવી ક્ષિતિજો તણી તે સંકેતો કરી રહે છે. ઢબૂલો હોય તો તેનેય તે ઢબૂરી રહે છે, વહાલભર્યું થાબડે છે, થપથપાવે છે. પેલા પુરાકલ્પનમાં તેની સહિષ્ણુતાનો, ડહાપણનો તો તેની આવી શક્તિનો પણ વિભાવ રહ્યો છે. આવું ઘર ક્યારેક પેલાં પાત્રો વેરવિખેર થતાં, ક્યારેક સમયની થપાટો વાગતાં કે ક્યારેક અન્ય કારણોસર, જર્જરિત થાય, તૂટે, નેસ્તનાબૂદ થાય, અરે, તેનું નામોનિશાન ન રહે, તે જ જગા પર બીજી ઇમારતો બંધાય કે બીજાં ઘર બંધાય ત્યારેય પેલું અદ્રષ્ટ થયેલું 'ઘર' અદ્રષ્ટ થતું નથી. ત્યારે એને આંખથી નહીં, અંતરથી નિહાળવું પડે, વધુ સાચું તો પંચેન્દ્રિઓની તરલતાથી અનુભવવું પડે, જીવી રહેવું પડે. ત્યારે પેલા પુરાકલ્પનની કેટલીક લકીરો સમયાતીતનું સત્ય બની મને તમને ઘેરી રહે, આલિંગી રહે.

એથી તો કહુ છું અદ્રષ્ટ પણ અદ્રષ્ટ નથી હોતું. 'ઘર' એક એવું પુરાકલ્પન છે, જે અમર્ત્ય છે. તે ગમે ત્યારે, તમે જ્યાં હો ત્યાં, ખુદ તમારી પાસે દોડી આવે છે, તમને ભેટી રહે છે, વહાલ કરી ચૂમી રહે છે, તમારી પાંપણોએ અટકી ગયેલાં કે ટપકી રહેતા અશ્રુઓને કોમળ હથેળીઓથી લૂછી રહે છે, તમને જે હવે સ્મરણમાં જ નથી તેવી કથાઓ કહીને ભીંજવી રહે છે. 

એ પણ ક્યારેક જલ્પન કરે છે, અશ્રુપાત કરે છે, મૌન ધારી રહે છે કે ખુદ જ એક ટ્રેજિક પાત્ર બની રહીને તમારી સાથે સંવાદ કરતું હોય છે. એ પાત્ર હોઈ એક બિન્દુએ તમારામાં તદાકાર પણ થઇ રહે છે. વર્ષો વીતે, પરિવેશ બદલાય, પરિસર પણ સાવ નવો હોય, છતાં તે ઘર તેની ધીમી ચાલે, તેની લખલૂટ પોઠો સાથે તમને કશુંક આપી રહેવા વડીલ નહીં, સહૃદય બનીને, ચૂપકી ધારી તમારી પાસે આવીને અડોઅડ બેસી જાય છે. તમે ત્યારે 'તમે' નથી હોતા, એક 'ઘર' હો છો, 'ઘર', સજીવ 'ઘર'...!