Get The App

'ફોરેસ્ટ મૅન ઑફ ઇન્ડિયા' ચાલ્યા મેક્સિકો!

Updated: Oct 12th, 2021

GS TEAM

Google News
Google News

- જમા ઉધાર-પાર્થ દવે

આ સામના જોરહાટ જિલ્લાના નાનકડા ગામ કોકિલામુખ પાસે 'મોલાઇ કથોની' નામનું એક જંગલ આવેલું છે. આ જંગલ હતું નહીં, બન્યું છે! એક માણસ નામે જાદવ પાયેંગે તે ઊભું કર્યું છે. અને તે નાનુસૂનું નહીં, ૧૩૬૦ એકરની જમીન પર જુદા જુદા વૃક્ષોથી લબાલબ વિશાળ વાસ્તવિક જંગલ છે. આમાં જાદવભાઈની જિંદગીના ૩૫ વર્ષ છે. દરરોજ છોડ વાવીને, ઉછેરીને આ સામ્રાજ્ય ઊભું થયું છે જેમાં અત્યારે વાઘ, હાથીઓ, હરણ, સસલા, વિવિધ જાતિના હજારો વૃક્ષોને જીવજંતુઓ રહે છે, શ્વસે છે.

'ફોરેસ્ટ મન આફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા અને  પદ્મશ્રી(૨૦૧૫) સન્માનિત  જાદવ પાયેંગેનો જન્મ ૧૯૬૩ની સાલમાં આસામના જોરહટમાં જ થયો. પ્રકૃતિ પ્રત્યે તેમને બાળપણથી ભારોભાર પ્રેમ. ૧૯૭૯માં ગામમાં બ્રહ્મપુત્ર નદીમાં ભયંકર પૂર આવ્યું. પ્રાણીઓ મૃત્યુ પામ્યા. સેંકડો સાપ કિનારે દેખાયા. જમીનના ધોવાણના કારણે આજુબાજુની સમગ્ર હરિયાળી નદી ગળી ગઈ. પશુ-પક્ષીઓ ઘરવિહોણા થયા. જાદવની ઉંમર હતી ત્યારે ૧૬ વર્ષ. આ પાણીના પ્રકોપે તેમને ઢંઢોળી નાખ્યા. વન્ય જીવોને સંરક્ષિત કરવા તેમણે છોડ વાવવાના શરૂ કર્યા. ગામના લોકોને વાત કરી, પણ કોઈ ભેગું ન આવ્યું. સરકારની મદદ મળવી એ વખતે અશક્ય હતી. જાદવ ડગ્યા નહીં,  એકલા હાથે તેમણે જંગલ 'ઊભું' કરવાનું શરૂ કર્યું.

૨૦૦૯માં એક પત્રકાર માજુલી નામના ટાપુ ઉપર સ્ટોરી કરવા ગયો હતો. તેને કોઈએ કહ્યું કે આગળ એક જંગલ છે જે એક વ્યક્યિએ ઊભું કર્યું છે, ત્યારે આ આખી ઘટના બહાર આવી. જાદવભાઈની કદર થઈ. અને અત્યારે તેઓ મેક્સિકોમાં વૃક્ષો વાવવા ગયા છે! વાત એમ છે કે, ગયા વર્ષે મેક્સિકોના રાષ્ટ્રપતિ તરફથી જાદવજીને ૧૦ વર્ષના વિઝા આપીને ૮ લાખ હેક્ટર જમીન પર વૃક્ષારોપણ માટે આમંત્રિત કરવામાં આવ્યા. તેઓ ત્યાંના વિદ્યાર્થીઓને સાથે રાખીને આ કામ કરશે. આગામી ૧૦ વર્ષ સુધી વર્ષના છેલ્લા ત્રણ મહિના તેઓ ત્યાં રહેશે ને જંગલ ઊભું કરશે! જાદવજીના જીવન પર કેનેડિયન ફિલ્મમેકરે એક ડૉક્યુમેન્ટ્રી તો બનાવી જ છે. અમને લાગે છે કે, એક મજબૂત ઇન્સ્પાયરિંગ ફિલ્મ પણ શકે તેમ છે. શું કહો છો?

'ફોરેસ્ટ મૅન ઑફ ઇન્ડિયા' ચાલ્યા મેક્સિકો! 1 - image

રાજકુમારીએ પ્રેમી માટે સાડા નવ કરોડ ઠુકરાવ્યા!

જા પાનાના અત્યારના રાજા નારુહિતો છે. તેમના ભાઈ આકિશિનો છે. તેમની દીકરી એટલે કે રાજાની ભત્રીજીનું નામ છે માકો. અહીં જૅપનીઝ લોકોના નામો કહેવાનો આશય નથી. કહેવું એ છે કે આ રાજકુમારી માકોબેન ૨૬ ઑક્ટોબરે લગ્ન (ની નોંધણી) કરશે અને પ્રેસ કાન્ફરન્સ કરશે. ના, તે કોઈ ભાત કે ઢિંગલી કે લોખંડના થાંભલા સાથે લગ્ન નથી કરવાની, પુરુષ-છોકરા સાથે જ કરવાની છે, જેનું નામ છેઃ કોમુરો. પણ તમે 'ચોંકી જાવ' તેવી વાત એ છે કે, કોમુરો વકીલાતનું ભણેલો સામાન્ય ઘરનો છોકરો છે, જ્યારે માકોબેન છે રાજકુમારી. તેના સગા કાકા રાજા છે. તેની પાસે કરોડોનો વારસો છે, પણ બહેનને પ્રેમમાં તે ઠુકરાવ્યો છે. સાત વાર લગ્નની ઑફર ઠુકરાવી છે. ૯.૫ કરોડ રૂપિયાનું શાહી ભથ્થું મળવાનું હતું તે પણ ઠુકરાવું દીધું છે. પોતાનો શાહી હોદો પણ ગૂમાવ્યો છે.

મોકો અને કોમુરો બંને ટોક્યોની આંતરરાષ્ટ્રીય ક્રિશ્ચન યૂનિવર્સિટીમાં ભેગા ભણતા. ૨૦૧૭થી નક્કી હતું કે લગ્ન તો સાથે જ કરીશું. અગાઉ ૨૦૧૭માં માકોએ લગ્નની વાત જાહેર કરેલી, પણ કોમુરોના ઘરે થયેલા કંઈક નાણાકીય વિવાદના કારણે તે પોસ્ટપોન થયા. વાર્તાનો સબપ્લોટ કંઈક આવો છેઃ કોમુરોની માતાએ પૂર્વ ફિઆન્સ પાસે ૩૫ હજાર ડૉલરનું દેવું કર્યું હતું જે મા-દીકરો હજુ ચૂકવી નથી શક્યા. આના કારણે રાજ પરિવારને (તેમના કહેવા પ્રમાણે) નીચાજોણું થયું હતું. જોકે, કોમુરોભાઈનું એમ કહેવું છે કે, આ મારી માને ગિફ્ટ તરીકે મળ્યું હતું, દેવું નહોતું. ઇમ્પિરિયલ હાઉસહોલ્ડ એજન્સી મુજબ ૨૬ ઑક્ટોબરે કોઈ તામઝામ અને રીતરિવાજો વગર લગ્ન લેવાશે, કેમ કે આ લગ્નને પ્રજાનું સમર્થન નથી! બીજા વિશ્વ યુદ્ધ પછી શાહી પરિવારની માકો પહેલી એવી વ્યક્તિ છે જેણે એક સામાન્ય (રાજ ઘરાનાના ન હોય તેવા) માણસ સાથે લગ્ન કરવા માટે શાહી સંપત્તિ છોડી દીધી.

અફઘાનિસ્તાનમાં અફીણની સામે કેસરની ખેતી?

થોડા દિવસો પહેલા કચ્છના મુન્દ્રામાં દરિયાઈ વાટે આવેલાને પકડાઈ ગયેલા ૨૧ હજાર કરોડના ડ્રગ્સ પાછળ અફઘાનિસ્તાનનું નામ આવ્યું હતું. અત્યારે અફઘાનિસ્તાનનું તંત્ર તો પડી ભાંગ્યુ છે, ભૂખમરો અને બેકારી વધી રહી છે ત્યારે ત્યાં તાલિબાનીઓના રાજ હેઠળ દાણચોરી બેફામ બની છે. આમ પણ અફઘાનિસ્તાન અફીણ ઉત્પાદન કરતું મુખ્ય દેશ છે, જ્યાં દુનિયાનું (અંદાજે) ૯૦ ટકા હેરોઈન તૈયાર થાય છે. આની સામે શફીકેહ અટ્ટાઈ નામની એક ૪૦ વર્ષીય મહિલા ઝઝૂમી રહી છે. કઈ રીતે? તેની કંપની દેશના ૩૧ પ્રાંતમાં ૫૦૦૦ એકરમાં કેસરની ખેતી કરે છે. અફઘાનિસ્તાનમાં અત્યારે કેસરનું વાર્ષિક ઉત્પાદન ૬ મેટ્રિક ટન એટલે કે આશરે ૬૦૦૦ કિલોનું છે. (૧૨ વર્ષ પહેલા આ આંકડો માત્ર ૧ ટનનો હતો.)

સારી વાત એ છે કે, આ ઉદ્યોગ સાથે સ્થાનિક લોકો, ખેડુતો અને બિઝનેસમન જોડાયા છે. કેસર ઉગાડયા બાદ પાકની લણણી, પ્રોસેસિંગ અને પેકેજિંગ સહિતનું કામ કરતી કંપનીના સ્થાપક શફીકેહ અટ્ટાઈને તાલિબાની શાસનના કારણે અડચણો આવી રહી છે, પરંતુ તેમણે મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો નિર્ણય લઈ લીધો છે. તેમણે કહ્યું છે, 'અમે કામ કરવાનું બંધ નહીં કરીએ'. જે બાત!

Tags :