- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- સમજ્યા, જાણ્યાં કે માણ્યા વગર સસ્તો દારૂ વિપુલ માત્રામાં ઢીંચી જનાર વ્યક્તિ વાઈનો કહેવાય. પણ જે દારૂને જાણે, માણે અને સમજે એને ઇનોફાઇલ કહે છે
पीत्वा पीत्वा पुनः पीत्वा,
यावत् पतति भूतलो
उत्थाय व पुनः पीत्वा,
पुनर्जन्म न विधते ।।
- चार्वाक दर्शन
પી ઓ, પીઓ, ફરી પીઓ. ત્યાં સુધી પીઓ જ્યાં સુધી (મસ્તીમાં મૂર્છિત થઈને) ભૂમિ ઉપર પડી ન જાઓ. ફરી ઊઠો, ફરી પીઓ, (કારણ મૃત્યુ પછી) પુનર્જન્મ છે જ નહીં. ચાર્વાક માનતા કે મૃત્યુ પછી કાંઈ છે જ નહીં. અરે ભાઈ! જેનો કોઈ પુરાવો નથી એ વાત કેવી રીતે મનાય? આત્મા અને શરીર કાંઇ જુદા નથી. ઈશ્વર અને કર્મની થીયરી બકવાસ છે. સુખવાદ એ જ સાચો વાદ છે. દેવું કરીને પણ ઘી પીઓ. મોજમાં રહો. આ દુનિયા અને આ જીવન અહીં જ છે. જન્મ્યા પહેલાં કાંઈ નહોતું. મર્યા બાદ પણ કાંઈ નથી.
અને આજે વર્ષ ૨૦૨૫નો છેલ્લો દિવસ છે. કાલથી નવું વર્ષ ૨૦૨૬. આજે અમોઘ ઉજવણી, મદહોશ મસ્તી અને જાલિમ જલસો. દારૂની રેલમ છેલ. દારૂ પીવો કાંઈ સારી વાત છે? રાજ્યનો નશાબંધી વિભાગ રેડિયો ઉપર જાહેરાત કરે છે. નશો કરવાની ના પાડે છે. પોલિસ આખી રાત રોન મારે છે. પિયક્કડોને ઝભ્ભે કરે છે. પણ શોખીન લોક સાંભળતા નથી. સરકાર જો કે સમજુ છે. ભલે ડ્રાય સ્ટેટ છે પણ સમાચાર છે કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં પરપ્રાંતીય દેશી અને પરદેશીઓને સરકારે લાગટ છૂટ આપી દીધી છે. પરદેશી પરદેશી જાના નહીં..! પીવામાં કોઈ પરમિટ જરૂરી નહીં. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ! પરમિટ માટે મર મિટ- જેવી વાત જ નહીં. ગિફ્ટ સિટીમાં બગીચાની લૉન કે મકાનની અગાસી પર દારૂ હવે પીરસી શકાય છે. ગિફ્ટ સિટીની ન્યૂ યર ગિફ્ટ!
દારૂ પીનારા માટે ઇંગ્લિશ ભાષામાં બે શબ્દો છે. એક છે વાઇનો(Wino). સમજ્યા, જાણ્યાં કે માણ્યા વગર સસ્તો દારૂ વિપુલ માત્રામાં ઢીંચી જનાર વ્યક્તિ વાઈનો કહેવાય. પણ જે દારૂને જાણે, માણે અને સમજે એને ઇનોફાઇલ (Oenophile) કહે છે. અને એનો મદ્યપ્રેમ એટલે ઇનોફિલિયા (Oenophilia).
આજના શબ્દનો ઉચ્ચાર કોઈ ફરી ફરીને ઊથલો મારતા રોગના નામ જેવો લાગે પણ ઇનોફિલિયા એ રોગનું નામ નથી. વીસમી સદીની શરૂઆતમાં આ શબ્દ વધારે પડતા દારૂ પીવાની ટેવ વિશે વપરાતો હતો. તે સમયે શબ્દનો સ્પેલિંગ ‘Oinophilia' હતો. મૂળ ગ્રીક શબ્દ ઓઇનોસ (Oinos) એટલે દારૂ, મદ્ય, મદિરા, શરાબ. અને ફાઈલ (Phile) એટલે પ્રેમી, શોખીન, પસંદ કરવાવાળો. ઈનોફિલિયા એટલે દારૂપ્રેમી. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતી લેક્સિકન ડિક્સનરીએ બીકના માર્યા આ શબ્દનો અર્થ આપ્યો નથી. ક્યાંક પોલિસ પકડી જાય તો? જસ્ટ જોકિંગ! પણ હા, ગુજરાતી લેક્સિકનમાં એનોચો (Oenochoe) એવો શબ્દ છે, જેનો અર્થ-સુરાપાત્ર, દારૂની પ્યાલી- દર્શાવ્યો છે. અમે ડરતા નથી! અમે વર્ચ્યુઅલ સુરાપ્રેમમાં શૂરા અને પૂરા છીએ. અમે શબ્દનાં ઘૂંટ પીએ છીએ, પીવડાવીએ છીએ. એ ય એક નશો છે. હેં ને? આજનો શબ્દ અને એના સ્પેલિંગની પાછળ એક કહાણી છે. ન્યૂયોર્કની એક રેસ્ટોરાંની માલિકણ અને વાઈનવિદ્વાન(!) શર્લી મેકકોપર એક એવા શબ્દની શોધમાં હતી, જેમાં વાઈન માટે સાચા પ્રેમની વાત હોય. કોઈ મઝાનો માહોલ, સ્વાદ અને સુગંધના ચાહકોની મહેફિલ અને પીનારો માપસર મદિરાનું સેવન કરે, ઘૂંટ ઘૂંટમાં જાણે કે ઘટ ઘટનો પ્રેમ. અને પછી જલસો! શર્લી અને એના પતિએ દારૂડિયા માટેના મૂળ શબ્દના સ્પેલિંગમાં 'i' ની જગ્યાએ 'e' મૂકીને મદિરાપાનનો આખો સંદર્ભ બદલી નાંખ્યો. આમ પણ માફકસર પીવું અને પીને છાકટા થવું -એમાં ફેર હોય છે. માપમાં મદિરા પીવા વિષે અને મદિરા પીવાની રીતભાત વિષે વિશેષ જ્ઞાન અને વિધ વિધ મદિરાને દિલથી ચાહવાની તલપ એટલે ઇનોફિલિયા. અહીં મદિરાનું અસ્તિત્વ માત્ર ગટગટાવી જવા પૂરતું સીમિત નથી. એનો રંગ વૈભવ, એની છટા, એને ગાળવાની પદ્ધતિનો વિસ્તૃત અભ્યાસ અહીં છે. જે આલ્કોહોલિઝમ (મદ્યવશતા/દારૂ પર પરાધીનતા) દર્શાવે છે એ શબ્દ 'વાઇનો'થી આ શબ્દ જુદો છે. 'ઇનોફાઈલ' અને 'વાઇનો' બંને મદિરા સેવન કરે છે પણ ફેર છે. એક એન્જોય (આનંદ) કરે છે. બીજો એબ્યુઝ(દુષ્પ્રયોગ) કરે છે.
શરાબ લાજવાબ છે. કહે છે કે શરાબ જવાબ છે પણ સવાલ શું હતો?- એ હું ભૂલી ગયો છું! દારૂના મુખ્ય બે પ્રકાર છે. માત્ર આથો લાવીને તૈયાર થયો હોય એ દારૂ એટલે વાઇન. રેડ, વ્હાઇટ, સ્પાર્કિંગ વગેરે. આલ્કોહોલનું પ્રમાણ પણ ઓછું હોય. સ્વાદ પણ ફળફૂલ જેવો હોય. પણ આથો લાવ્યા પછી જેનું નિસ્યંદન (ડિસ્ટિલેશન) થયું હોય એ લીકર અથવા સ્પિરિટ. વ્હીસ્કી, રમ, વોડકા વગેરે. સ્વાદ કડવો હોય અને આલ્કોહોલનું પ્રમાણ પણ વધારે હોય. ટૂંકમાં તમામ વાઇન આલ્કોહોલ છે પણ તમામ આલ્કોહોલ વાઇન નથી. આજનો લેખ દારૂના પ્રેમ વિષે છે એટલે હું નહીં કહું કે દારૂ પીનેસે લીવર ખરાબ હો જાતા હૈ! આજે ફાયદા કહીશ. હૃદય દુરસ્ત રહે છે, ભૂલવાની બીમારી આવતી નથી, પાચનતંત્ર સુધરે છે, લાંબુ જીવાય છે. એક જ શરત. સ્ત્રીએ રોજનું ૧૫૦ મી.લી. અને પુરુષે ૩૦૦ મી. લી.થી વધારે પીવું નહીં. આ અઘરું..
ગાલિબ કહેતા કે શરાબ તો છોડી દીધી પણ તો પણ, પી લઉં છું ક્યારેક ક્યારેક. ક્યારે? જ્યારે રોજ-એ-અબ્ર (વાદળવાળો દિવસ) હોય કે શબ-એ-માહતાબ (ચંદ્રવાળી રાત) હોય ત્યારે. ક્યારેક! આજે વર્ષનાં છેલ્લાં દિવસે આકાશમાં વાદળ પણ હશે. પૂનમની રાતને હજી ત્રણ દિવસની વાર છે પણ આકાશમાં નજર કરશો તો થોડો છોલાયેલો ચાંદો ય આજ રાતે દ્રષ્ટિગોચર થશે. ઇનોફાઇલ વ્યક્તિએ જો ક્યારેક પીવું હોય તો આજે સારો દિવસ છે. 'વાઇનો' થવું હિતાવહ નથી. પોલિસ પકડી જાય.
શબ્દ શેષ
'દારૂ એ બોટલમાં ભરેલી
કવિતા છે.'
- સ્કોટિશ લેખક રોબર્ટ
લૂઈ સ્ટીવન્સન


