રીવર્સ બકેટ લિસ્ટ : સિદ્ધિપુરાણ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
ફિલસૂફો ભલે કહે કે ભૂલી જવું, ભૂતકાળમાં ન જીવવું પણ સાહેબ, ક્યારેક યાદ કરો તો પરમ સંતોષનો અહેસાસ તો
થાય જ થાય
લાગે છે તેથી ભાર,
ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા,
હજારો લિબાસ છે.
સિદ્ધિ મળી જ્યાં એક,
ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો,
ક્યાં સુધી વિકાસ છે !
- મરીઝ
ફો ર્બ્સ મેગેઝિનનાં તાજેતરના એક લેખમાંથી આજનો શબ્દ 'રીવર્સ બકેટ લિસ્ટ' (Reverse Bucket List) અમને મળ્યો. 'બકેટ લિસ્ટ' વિષે તો અમે લખી ગયા છીએ. ઇંગ્લિશ ભાષામાં 'કિક ધ બકેટ' મુહાવરાનો અર્થ થાય : મરી જવું તે. એમ કે આપઘાત કરવા માટે ગળામાં રસ્સો બાંધ્યો હોય અને બાલદી(બકેટ) ઉપર ચઢીને એને લાત(કિક) મારી, ગળે ફાંસો ખાઈ, લટકીને મરી જવું. પણ શબ્દ વ્યુત્પત્તિનો આ તર્ક સાચો નથી. દરઅસલ ભૂંડ અથવા અન્ય પ્રાણીઓને કતલ કરતા પહેલાં કતલખાનામાં લાકડાના બીમ ઉપર લટકાવે છે અને ત્યારે તેઓ પોતાના પગ છટપટાવે છે, બીમને લાત મારતા હોય એવું લાગે. આ બીમને 'બકેટ' કહે છે. એ થઈ 'કિક ધ બકેટ' અને એ પરથી શબ્દ આવ્યો 'બકેટ લિસ્ટ', એવા કાર્યોની યાદી, જે મરી જતા પહેલા કરવાની ઈચ્છા છે. ફિલ્મ 'પ્રેેસિડન્ટ'(૧૯૩૭)નું કે. એલ. સાયગલે લખેલું અને ગાયેલું ગીત 'એક બંગલા બને ન્યારા' યાદ આવે છે. આ ફિલ્મી ગીતમાં છેલ્લે સાયગલ સાહેબ કહે છે કે 'પાએ અબ જીવનભર સુખ, જિસને વિપત ઉઠાઈ'. વિપત્તિ એટલે કષ્ટ, દુ:ખ. અરે ભાઈ! એવું કષ્ટ વેઠીને સુખ મેળવવાની જરૂર શી હતી?
'બકેટ લિસ્ટ'નું હોવું આમ તો સારું. એક સિદ્ધિ મળે અને લાખો દિશા ખૂલે, વિકાસ થાય અને આપણને સતત કાંઈ ને કાંઈ કરવાની પ્રેરણા મળે. લાઈફમાં કોઈ ગૉલ તો હોવો જોઈએને? પણ એ ચિંતા ય કરાવે. અત્યારે જે છે તે પૂરતું નથી, એની યાદ દેવડાવ દેવડાવ કરે. અવિરત દોડતા 'ને દોડતા રાખે. જીમમાં ટ્રેડમિલ પર દોડીએ એવું. દોડીએ પણ... હતા ત્યાં ને ત્યાં! જે મળે એના કરતા જે રહી જાય એનો વસવસો મનમાં રહી જાય. આજનો શબ્દ 'રીવર્સ બકેટ લિસ્ટ'માં રીવર્સ એટલે વિરુદ્ધ, ઊલટું, ઉલટાવેલું. એમ કે શું કરવાનું બાકી છે?-એ ન વિચારતા, એ યાદ કરીએ કે ભૂતકાળમાં આપણે કેટલી બધી સિદ્ધિ મેળવી હતી. સ્કૂલમાં ચિત્રકલામાં મળેલું એ પહેલું ઇનામ. ગરીબ દોસ્ત સાથે લંચબોક્સ કાયમ શે'ર કરવાનો સંતોષ. મનગમતી વ્યક્તિ સાથે પ્રેમના મંડાણ અને જે આજે પણ અડીખમ. પહેલું ઘર અને પહેલી ગાડીનો એ આનંદ. શહેરના ફ્લેટમાં અચાનક આવી ચઢેલાં ગામના ઢગલાબંધ મહેમાનોની આગતાસ્વાગતાનો અવસર. કોઈનું ભલું થાય એ માટે નિયમોમાં બાંધછોડ કરવાની વાત. કેટલીય સારી સારી વાતો. ફિલસૂફો ભલે કહે કે ભૂલી જવું, ભૂતકાળમાં ન જીવવું પણ સાહેબ, ક્યારેક યાદ કરો તો પરમ સંતોષનો અહેસાસ તો થાય જ થાય. રીવર્સ બકેટ લિસ્ટ પણ હોવું જોઈએ. આપણો ભૂતકાળ અને આપણી નાની નાની પણ નોંધપાત્ર ઉપલબ્ધિ, પ્રાપ્તિ કે સફળતાની યાદી. યાદ કરીએ એટલે શાંતિ મળે, ચિંતા ઘટે અને.. યે તેરા ઘર, યે મેરા ઘર, કિસીકો દેખના ય ગર... જો ચાંદની નહીં તો ક્યા, યે રોશની હૈ પ્યાર કી, દિલોકે ફૂલ ખીલ ગયે તો ફિક્ર ક્યા બહાર કી, હમારે ઘર ના આયેગી કભી ખુશી ઉધારકી...(જાવેદ અખ્તર, ફિલ્મ : સાથ સાથ). બકેટ લિસ્ટમાં એક બંગલા બને ન્યારા ભલે હોય પણ એ કારણે જો ટેન્સન થઇ જાય તો એ રીવર્સ બકેટ લિસ્ટના એક સમયના ફક્કડ પ્રેમઘરને યાદ કરીને ટેન્સન ઘટાડી શકાય. મૂળ વાત એ જ તો છે : ટેન્સન નહીં લેનેકા, ક્યા?!!!
રીવર્સ બકેટ લિસ્ટ તૈયાર કરવા માટે હું મારી વ્યક્તિગત, વ્યાવસાયિક, સામાજિક અને શૈક્ષણિક સિદ્ધિઓ વિશે વિચારીશ. જેમ કે હું જંક ફૂડનો શોખીન હતો. મારું વજન અને પેટ બંને વધતા હતા. કસરત તો હતી જ નહીં. પણ મેં નક્કી કર્યું અને પ્રયત્નપૂર્વક એનો અમલ કર્યો. આજે મારા સઘળા પેથોલોજી રીપોર્ટ પાછળ ખોટા પૈસા ખર્ચાય છે. બધું જ નોર્મલ આવે છે. લો બોલો! એ જ રીતે હું મારા કામમાં સતત શીખતો રહ્યો. કમ્પ્યુટર આવ્યું તો એની ઉપર કામ કરનાર હું પહેલો હતો. ઓછા સમયમાં હું ઘણું કરી શકું એ માટે ટીમવર્ક પણ જરૂરી હતું. હું ટીમ પ્લેયર હતો. સૌને સાથે લઈને ચાલવાનું હું શીખી ચૂક્યો હતો. સામાજિક રીતે કદાચ હું એટલો આગળ પડતો ન હતો. પણ હા, પ્રસિદ્ધિના મોહ વિના કાંઈ કેટલાં જાણ્યા અજાણ્યાનું ભલું કર્યું, એ સિદ્ધિ કાંઈ જેવી તેવી નહોતી. અને હું સતત નવું ભણતો રહ્યો. પઢે સો પંડિત હોય. આજે હું મારી નાની નાની જીત, એ પળ જ્યારે મને મારી જાત ઉપર ગર્વ થયો, એ બધુ લખી રહ્યો છું મારા રીવર્સ બકેટ લિસ્ટમાં, દસ્તાવેજી પુરાવા સાથે! વાર તહેવારે એની સમીક્ષા કરતો રહું છું. એવું નથી કે હવે કાંઈ કરવું નથી. પણ હવે મને ખબર પડી છે કે શું બાકી છે? અને હું શું કરી શકીશ?
ટૂંકમાં, મેં મારું રીવર્સ બકેટ લિસ્ટ બનાવ્યું ત્યારથી મારી ચિંતા ઘટી છે, આત્મવિશ્વાસ વધ્યો છે, હું આશાવાદી બન્યો છું કે કોઈ અણધારી આફત આવી પડે તો એની અસરમાંથી હું ઝડપથી બહાર નીકળી શકીશ. ઇતિ.
શબ્દ શેષ
'ઉંમર વર્ષોમાં નહીં, વાર્તાઓમાં મપાય છે, તમારી પોતાની વાર્તાઓમાં.'
- અજ્ઞાત