સેનિટાઈઝિંગ ધ લેંગ્વેજ કે ગ્લૉસ ઓવર?
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ભારતમાં આતંક ફેલાવતા આતંકવાદીનાં સમાચારની ભાષા વિદેશી મીડિયામાં સેનિટાઇઝ કરીને રજૂ થાય છે.
શબ્દોના ડાઘુઓએ ઉપાડયો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
-રમેશ પારેખ
પ હેલગામ આતંકી હુમલો અને તે પછી એક પછી એક આવતા સમાચારની વણઝાર. હવે શું થશે? કશુંક તો થશે. ચોક્કસ. અને એ ઘણું મોટું હશે. જેની અસર લાંબા સામય સુધી રહેશે. આવી ચર્ચા થઈ રહી છે. સિંધુ જલ સંધિ સ્થગિત થઈ. અટ્ટારીમાં નાગરિકોની અવરજવર બંધ થઈ. પ્રધાનમંત્રીએ મધુબની, બિહારની જાહેર સભાને સંબોધતા કહ્યું કે આતંકવાદી ઘટનાનાં આતંકીઓ અને તેમનાં આકા-ને તેમની કલ્પનાથી પણ મોટી સજા મળશે. સમાચાર તો આવતા જ રહે છે. કશુંક કહેવાય છે અને એનું રીપોર્ટિંગ થાય છે. છપાય છે એની પહેલાં ઇન્ટરનેટ પર ચઢી જાય છે. ઇંગ્લિશમાં એક મુહાવરો છે : રીડિંગ બીટ્વીન ધ લાઇન્સ. દેશનાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જે પણ બચીકૂચી જમીન છે એ પણ મિટ્ટીમાં મેળવી દેવાશે. 'ધ પ્રિન્ટ'માં શેખર ગુપ્તાએ કહ્યું કે આનો અર્થ થાય કે કશુંક ઘણું મોટું થશે પણ શું થશે?-એનો કોઈ સંકેત મળતો નથી. દા. ત. પુલવામા આંતકી હૂમલા બાદ પ્રધાનમંત્રીએ ઝાંસી, ઉત્તરપ્રદેશની જાહેર સભાને સંબોધતા સ્પષ્ટ કહ્યું હતું કે આગળની કાર્યવાહી તય કરવા માટે સમય શું હશે, સ્થાન શું હશે અને સ્વરૂપ શું હશે, એ તમામ ફેંસલા કરવા માટે સેનાને પરવાનગી અપાઈ ગઈ છે. તે સમયે જો લીટીઓ વચ્ચેનો સંદેશ વાંચીએ તો ખબર પડી જાય કે સર્જિકલ સ્ટ્રાઈક જેવું હશે, પૂર્ણ યુદ્ધ નહીં હોય. આ વખતે મધુબની, બિહારની ધરતી પરથી જે કહ્યું -બચીકૂચી જમીન મિટ્ટીમાં મેળવી દઇશું- એ લીટીનો અર્થ એ કે પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ભેળવી દેવા નિર્ણાયક યુદ્ધ થશે. હવે એમાં દુનિયાનાં અન્ય દેશોને વિશ્વાસમાં લઈ પાકિસ્તાનને અલગ પાડવું જરૂરી છે.
આપણું મીડિયા તડ ને ફડ કહે છે. તડજોડ કરતું નથી. પણ પશ્ચિમી મીડિયા આપણાં સમાચારને હળવા કરીને રજૂ કરવા ટેવાયેલું છે. આતંકવાદી હૂમલામાં હિંદુઓને અલગ તારવીને ઠંડા કલેજે મારી નાંખ્યા પણ પશ્ચિમનાં મીડિયાએ આતંકી હૂમલાખોરોને આતંકી કહેવાનું ટાળ્યું. બીબીસીએ 'ગનમેન' શબ્દ વાપર્યો. ભારત નિયંત્રિત કાશ્મીરમાં બંદૂકધારીઓનાં ગોળીબારમાં ૨૦થી વધુ માર્યા ગયા. ગનમેન ટેરરિસ્ટ હતો, એવું ક્યાંય નહીં. એ ઇસ્લામિસ્ટ ટેરરિસ્ટ હતો, એવું ય ક્યાંય નહીં. હિંદુઓને અલગ તારવીને માર્યા, એવું ય ક્યાંય નહીં. વાંચો તો ખબર ન પડે કે આ આતંકવાદી હૂમલો હતો. કોઈ નિર્દોષ લોકો સામસામા ગોળીબારમાં વચ્ચે આવી ગયા અને માર્યા ગયા, એવો ય અર્થ થઈ શકે. 'ધ ગાર્ડિયન'એ આતંકવાદીઓને ગનમેન ઉપરાંત 'સસ્પેક્ટેડ મિલિટન્ટ' કહ્યા. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ની પણ આ જ હેડલાઇન હતી. મિલિટન્ટ (Militant) એટલે? એવી વ્યક્તિ જે કોઈ સત્તાની સામે લડે છે. 'મિલિટન્ટ' એટલે એવી વ્યક્તિ જેને સત્તાધીશો સાથે રાજકીય મતભેદ છે અને એટલે એ ગુસ્સામાં આવું કામ કરે છે. પણ સાહેબ, આતંકવાદીને વિદ્રોહી ન જ કહી શકાય. મિલિટન્ટ અને એ ય સસ્પેક્ટેડ (સંધિગ્ધ). લો બોલો! 'ફર્સ્ટ પોસ્ટ'માં પાલકી શર્મા 'ટેરરિસ્ટ' અને 'મિલિટન્ટ' શબ્દો વચ્ચેનો ફરક સમજાવતા કહે છે કે આ તો હાર્ટ એટેક આવ્યો હોય, એને છાતીનો દુખાવો કહેવો. આમ લાગે સારું પણ બે વચ્ચે આસમાન જમીનનો ફેર. આ સેનિટાઈઝિંગ ધ લેંગ્વેજ (Sanitizing the language) છે. જેમ કે ખાલિસ્તાની ટેરરિસ્ટ હરદીપ સિંઘ નિજ્જર 'શીખ સેપરેટિસ્ટ અક્ટિવિસ્ટ', 'શીખ ઇન્ડિપેન્ડન્સ એડવોકેટ' કે 'પ્રોમિનન્ટ શીખ લીડર' કહેવાતો હતો. આ તો ખોટી જ વાત છે. ટેરરિસ્ટને રીસ્પેક્ટ અપાતું હોય, એવું લાગે. ભારતમાં આતંક ફેલાવતા આતંકવાદીનાં સમાચારની ભાષા વિદેશી મીડિયામાં સેનિટાઇઝ કરીને રજૂ થાય છે.
'સેનિટાઇઝ' એટલે રોગજનક કે બીમારી ફેલાવે એવા વિષાણુને દૂર કરવા તે. લેટિન શબ્દ 'સેનસ' એટલે હેલ્ધી, તંદુરસ્ત. એ પરથી ઇંગ્લિશ ભાષામાં શબ્દ સેનિટાઈઝ કરવા માટે આ શબ્દ આવ્યો છે. હવે ભાષાને સેનિટાઇઝ કરવી- એટલે અણગમતા કે અસ્વીકાર્ય શબ્દોને લખાણ કે બોલીમાંથી સાફ કરવા, ભાષાને હળવી કરવી, સારું લાગે એવી કરવી. આમ તો સારી વાત પણ જ્યારે વર્ષ ૨૦૦૧માં ન્યૂયોર્કમાં ૯/૧૧ હૂમલો થયો ત્યારે આ જ પશ્ચિમી મીડિયા ભાષાને સેનિટાઈઝ કરવાનું ભૂલી ગયા હતા. ત્યારે તો એ ટેરરિસ્ટ એટેક હતો, સમગ્ર સભ્ય માનવતા પર પ્રહાર હતો. એ હૂમલાનાં સમાચારને એક ઘટના (Incident) કહીને કોઈએ સેનિટાઈઝ કરવાની કોશિશ કરી નહોતી. મરનારા અમેરિકન્સ હતા. આ આતંકવાદી કૃત્યનાં કરનારા મિલિટન્ટ નહોતા, તેઓ જિહાદિસ્ટ હતા, ઈસ્લામિક ટેરરિસ્ટ હતા, અલ-કાયદા ઓપરેટિવ્સ હતા. પણ જ્યારે આપણી વાત આવે ત્યારે સમાચારને ગ્લૉસ ઓવર (Gloss Over) કરવામાં આવે છે.
ગ્રીક શબ્દ 'ગ્લૉસ'નાં બે અર્થ થાય છે. એક અર્થ છે હોંઠ. અને બીજો અર્થ થાય ભાષા અથવા અસ્પષ્ટ શબ્દ. ગુજરાતી લેક્સિકન અનુસાર 'ગ્લૉસ ઓવર'નાં બે અર્થ છે. એક ભ્રામક બનાવવું અને બીજું મોહક બનાવવું. ઉપલકિયો ભપકો. ભાષાનું ગ્લાસ ઓવર એટલે ભૂલ છે પણ જાણી જોઈને એ ભૂલને ગણકારવી નહીં, વિગત આપવી નહીં, છાવરવું. જાણે કે કાંઈ ખાસ બન્યું જ નથી. નિર્દોષ લોકોને મારી નાંખવા જાણે કે એક સામાન્ય ઘટના. એક અન્ય ઘટના. મરનારા હિન્દુઓ જાણે કે પહેલગામ મુન્સિપાલ્ટીનાં મરણ વિભાગનાં આંકડા બની ગયા. સ્વિસ સાયકોથેરપિસ્ટ કાર્લ જંગ કહેતા કે સાચી આઝાદી ગ્લૉસ ઓવરથી કે લાગણીઓની પીડાદાયક સ્થિતિનું દમન કરવાથી મળતી નથી પણ એનો પૂર્ણ અનુભવ લીધા પછી જ મળે છે. હે વિદેશી મીડિયા, તમે તો ૯/૧૧નાં આતંકી હૂમલાનો પૂર્ણ અનુભવ કરી ચૂક્યા છો. છતાં આ ગ્લાસ ઓવર? આતંકનાં તથ્યને ચીકની ભાષાથી કે ચૂપડા શબ્દોથી છાવરવાનું બંધ કરો. ધિક્કાર છે તમને..
શબ્દ શેષ
'ભાષા એ હોંઠ પરની મદિરા છે.' -ઇંગ્લિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ
(૧૮૮૨-૧૯૪૧)