Get The App

મિનિયન્સ : હજૂરિયા .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
મિનિયન્સ : હજૂરિયા                                    . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અનુયાયીઓ અને નેતાઓ બંને કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની ચોતરફ પરિભ્રમણ કરે છે

અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી                                                                                                

આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી                                                                                                              

-અશરફ ડબાવાલા 

અ ર્જુન અનન્ય ધનુર્ધર હતો. ચકરાવો લેતા મત્સ્યનું પ્રતિબિંબ નિહાળીને લક્ષ્યવેધ કરવાનો હતો. અઘરું કામ હતું એ. અથ શ્રી મહાભારત કથા આપણે જાણીએ છીએ. પણ આપણે પેલા વીંધાયેલા મત્સ્યની શોર્ટ સ્ટોરીમાંથી બહાર નીકળતા નથી. એની પૂજા કર્યે રાખીએ છીએ. અનુયાયી કે ભક્ત પોતાના ગુરુ કે માલિકને ભગવાન માની લે છે. વિચારતો નથી. સત્યાસત્ય એને સમજાતું નથી. અનુયાયીની એક બુદ્ધિ બાપડી. પોતાના નેતાની તરફેણમાં બૂમરાણ મચાવવી, હો હા દેકારા કરવા, મારામારી પણ કરવી. અંગત લાભની અપેક્ષા સામાન્ય રીતે હોય જ. આજનો શબ્દ મિનિયન્સ (Minions) અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારો, તરફદારો, કાર્યકારો, અનુયાયીઓ સંદર્ભે સમાચારમાંથી અમને મળ્યો છે. 

ટ્રમ્પ સત્તાધીશ છે. અમેરિકાને ગ્રેટ બનાવવું હોય તો પોતાની જાતને ગ્રેટ બતાવવી જ પડે. એટલે તેઓએ રટ લગાવી. મને આપો ને આપો. સાત સાત યુદ્ધ મેં અટકાવ્યા છે. લાખો લોકોના જીવ મેં બચાવ્યા છે. નોબેલ શાંતિ પુરસ્કાર મને તો એક વાર નહીં, ચાર પાંચ વખત મળવો જોઈએ. પણ.... ન મળ્યો. વેનુઝુએલા દેશની લોકશાહી સમર્થક ચળવળની નેતા મારિયા મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. કોને મળ્યો? એ કરતા ટ્રમ્પને ન મળ્યો- એની ચર્ચા ચાલી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું કે ટ્રમ્પના માગા મિનિયન્સ મેજર મેલ્ટડાઉનમાં જતા રહ્યાં. 'મેલ્ટડાઉન' એટલે? આમ તો ન્યુક્લિઅર પાવર પ્લાન્ટમાં ગરમી અત્યાધિક વધી જાય અને રિએક્ટર ઓગળી જાય એ મેલ્ટડાઉન પણ પોતાની લાગણી કે વર્તણુંક ઉપર કોઈ વ્યક્તિ કાબૂ  ગુમાવી બેસે એ પણ મેલ્ટડાઉન કહેવાય. અમને જો કે માગા મિનિયન્સમાં રસ પડયો. માગા(MAGA) એટલે ટ્રમ્પ પ્રાયોજિત મેઇક અમેરિકા ગ્રેટ અગેઇનની ચળવળ.   અમેરિકાને ફરીથી મહાન બનાવવાની નેમ લઈને ટ્રમ્પ ચૂંટણી જીત્યા અને પછી ટેરિફના રોજ નવા નવા ફતવા જારી કરી રહ્યા છે. યુદ્ધ તો તેઓએ અટકાવ્યા હશે. કદાચ. પણ ટેરિફના હૂમલા તો રોજ થઈ રહ્યા છે. આમાં તમે જ કહો કે શાંતિ પુરસ્કાર તેઓને ક્યાંથી મળે? પણ હા, આ તો માગા મિનિયન્સ છે, જે બૂમાબૂમ કરી રહ્યા છે. એમ કે શાંતિ એવૉર્ડ આપનારી નોર્વેની નોબેલ કમિટીએ શાંતિના સ્થાને રાજકારણને અધિક મહત્ત્વ આપ્યું. એમ કે એક એવી સ્ત્રી જેણે શાંતિ માટે કોઈ કામ તો કર્યું જ નથી, માત્ર  પોતાના દેશ વેનુઝુએલાના સરમુખત્યાર મનાતા પ્રેસિડન્ટ નિકોલસ માદુરોના નામના નોનસ્ટોપ રોદણાં રડતી રહી છે એ મારિયા મચાડોને શાંતિ પુરસ્કાર આપી દેવામાં આવે છે;  વ્હોટ એન એબ્સોલ્યુટ જોક! એમ કે આ શાંતિ પુરસ્કાર સકારાત્મક એક્શન નોનસેન્સ છે! આવી આવી કૉમેન્ટ્સ મિનિયન્સ કરી રહ્યા છે. મિનિયન્સ આમ તો એક આખી પ્રજાતિ છે. શક્તિશાળી માણસના ટેકેદાર, અનુયાયી કે ભક્ત એટલે મિનિયન્સ. અનુયાયીઓ વિના શક્તિશાળી માણસનું અસ્તિત્વ નથી. શું છે આ મિનિયન્સ? 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'મિનિયન' એટલે માનીતું કે વિશેષ વહાલું બાળક, દરબારી, આશ્રિત, ગુલામ. સામાન્ય રીતે આ શબ્દ કોઈ શક્તિશાળી વ્યક્તિના વફાદાર સેવક, અનુયાયી, અનુચર કે ચાપલૂસના અર્થમાં વપરાય છે. આધુનિક સમયમાં 'માનીતા' કે 'વહાલાં' બાળક એવો અર્થ હવે નથી. પરંતુ મૂળ મિડલ ફ્રેન્ચ ભાષા (૧૪મી સદીથી ૧૭મી સદી)નો શબ્દ 'મિગ્નન' એટલે ડાર્લિગ કે ફેવરિટ. રાજા કે રાણીના માનીતા કે માનીતી માટે વપરાતો આ શબ્દ મૂળમાં અપમાનજનક નહોતો. પણ સમય જતા મિનિયન શબ્દ ગુલામ, ચાપલૂસ, ખુશામતી, ચાટુકારી કે દાસવૃત્તિ ધરાવનાર-એવા નકારાત્મક અર્થમાં પ્રચલિત થતો ગયો. રાજા કે રાણીને પણ જી હજૂર કહેનાર જ પસંદ પડતા હોય છે. મિનિયન એટલે વજૂદ વિનાની એવી વ્યક્તિ જે હા જી હા કરે અને હુકમનું પાલન કરે. મિનિયન શબ્દ એનિમેટેડ ફિલ્મ સીરીઝ  'ડેસ્પિકેબલ મી'(૨૦૧૦-૨૦૨૪)ના કાર્ટૂન પાત્ર સાથે જોડાયેલો છે. પીળા રંગનું, કેપ્સ્યુલ આકારનું આ પાત્ર વફાદાર ગુલામ છે, જેનો એક માત્ર હેતુ -દુનિયાના સૌથી મોટા ખલનાયકને શોધી કાઢી એની સેવામાં જોતરાઈ જવું- હોય છે. ફિલ્મની વાર્તામાં મિનિયન્સ ગ્રુ નામના સુપરવિલનને શોધી કાઢે છે અને એની સેવા કરે છે. મિનિયન્સની નીતિરીતિ અનાડી છે અને ભૂતકાળમાં ભૂલ ભૂલમાં એના વિલન બોસના મોતનું કારણ પણ તેઓ બની ચૂક્યા હોય છે. મિનિયન્સને જો કોઈ મહાન ખલનાયક બોસ સ્વરૂપે ન મળે તો તેઓ માનસિક તાણમાં આવી જાય છે. તેઓને લાગવા માંડે છે કે તેઓનું જીવન નિરર્થક છે. લાઈફ ઈઝ લાઇક ધેટ. સમ ટાઈમ્સ! આમ તો આ ફિલ્મની વાર્તા છે.  

લેખક વકતા ઇરા શાલેફ કહે છે કે અનુયાયીઓ અને નેતાઓ બંને કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની ચોતરફ પરિભ્રમણ કરે છે. અનુયાયીઓને નેતાની આજુબાજુ ગોળ ગોળ ફરવાનું હોતું નથી. અનુયાયીઓ માટે નેતાની ચોગરદમ ચકરાવો લઈને એની ચાપલૂસી કરવી યોગ્ય નથી. અનુયાયીઓ માટે સારો શબ્દ 'ફોલોઅર' છે. ફોલોઅર એટલે એ જે નેતાને અનુસરે. અનુયાયીઓ સક્રિય હોવા જોઈએ, સહિયારા લક્ષ સુધી પહોંચવા પહેલ કરે અને પોતાની આંખ બંધ કરીને નેતાઓને ન અનુસરે. ભક્ત અને અંધભક્તમાં આ જ તફાવત છે. મિનિયન્સ એ છે જે નેતાના હજૂરિયા છે. આપણી ભાષામાં 'ખજૂરિયા' એવો શબ્દ પણ છે પણ એની વાત ફરી કોઈ વાર! 

શબ્દ શેષ

'અનુયાયીગીરી એ નેતાગીરીની માફક એક ભૂમિકા છે, મંજિલ નથી.' 

- માઈકલ મેકકીની