ફિલિસ્ટીન : અસંસ્કારી .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- કલાને સમજવી અને વધાવવી જોઈએ.કલા શું છે? કલા એ બીજું કશું નથી, જોવાની એક પદ્ધતિ છે
ભાયગશાળી છઈએ હું અને તું, કે આ અસભ્ય સૂરજ સર્વત્ર અજવાળાં પાથરે છે. સારા અને નરસા ઉપર એકસમાન. કોઈ ભેદ નથી, માત્ર ભાવ છે. સૂરજ એક કલાકાર છે.
- અમેરિકન કવિ ઇ. ઇ. કમિંગ્સ
૮૧ વર્ષીય હોલીવૂડ એક્ટર રોબર્ટ ડી નીરો અમારા પ્રિય છે. 'ગોડફાધ૨' (૧૯૭૪) અને 'ટેક્સી ડ્રાઈવર' (૧૯૭૬) થી લઈને 'ધ ઇન્ટર્ન'(૨૦૧૫) અને 'અલ્ટો નાઇટ્સ' (૨૦૨૫) જેવી અનેક ફિલ્મ્સ અને લાજવાબ અભિનય. તેઓને તાજેતરમાં જ ફ્રાંસમાં આયોજિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ પામ ડી'ઓર (સોનેરી હથેળી) લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સ્વીકાર સંભાષણમાં તેઓએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી. ટ્રમ્પને ફિલિસ્ટીન(Philistine) પ્રેસિડન્ટ તરીકે નવાજ્યા. તેઓએ કહ્યું : મારા દેશમાં અમે લોકશાહી માટે લડત આપી રહ્યા છીએ. કલા લોકતાંત્રિક છે, કલા સમાવેશીય છે. કલા લોકોને જોડે છે. કલા સદૈવ સત્યની શોધમાં હોય છે. કલા વૈવિધ્યને આવકારે છે. અને એટલે તેઓ (ટ્રમ્પ) માટે કલા એક ખતરો છે. સરમુખત્યાર અને ફાંસીવાદીઓ માટે કલાકારો એક જોખમ છે. અમેરિકાનાં ફિલિસ્ટન પ્રેસિડન્ટ પોતે કલાની પ્રમુખ સંસ્થાના કર્તાહર્તા બની બેઠા છે. કલા, માનવવિદ્યાઓ અને શિક્ષણની નાણાંકીય ફાળવણીમાં કાપ મૂકી દેવાયો છે. કલા અમૂલ્ય છે, સૃજનશીલતા અમૂલ્ય છે પણ હવે અમેરિકા દેશ સિવાય અન્ય દેશોમાં બનતી ફિલ્મ્સ પર ટેરિફ લગાડવાની પેરવી થઈ રહી છે. તેઓ(રોબર્ટ ડી નીરો)એ શાંતિપૂર્ણ વિરોધ કરવાનું આહ્વાન પણ કર્યું. અમે જો કે ફિલિસ્ટીન શબ્દ વિષે વિચારી રહ્યા હતા. કલાનાં વિરોધી હોય એ ફિલિસ્ટીન, એવું તો જો કે સમજાયું.
ગુજરાતી લેક્સિકન અનુસાર બ્રિટિશ ઇંગ્લિશમાં જેનો ઉચ્ચાર ફિલિસ્ટાઈન છે, એ ફિલિસ્ટીન શબ્દનો અર્થ છે : અસંસ્કારી વલણ, અસંસ્કારી કે જંગલી માણસ, કલા સાહિત્ય સંગીત વગેરે સમજવાનું ગમતું ન હોય એવી સ્થિતિ. અમને ઔરંગઝેબ યાદ આવી ગયો. સંગીત પર પ્રતિબંધ મૂક્યો હતો એ મોગલ બાદશાહે. સંગીતકારોએ મહેલ પાસેથી જનાજો કાઢયો. ઔરંગઝેબે પૂછયું કે કોણ મર્યું ? તો જવાબ મળ્યો કે હજૂર, સંગીત મરી ગયું છે. ઓરંગઝેબે કહ્યું કે એને એટલું ઊંડું દાટજો કે પાછું બહાર ન નીકળે. અમે માનીએ છીએ કે ઔરંગઝેબ એ ફિલિસ્ટીન શબ્દનો પર્યાય છે. પણ ઔરંગઝેબ પણ સાચો હતો. લોકો બસ સંગીત, કલા વગેરેમાં રચ્યાપચ્યા રહે અને કામકાજના નામે અલાયો તો શું? અલ્યા, પહેલાં કમાણી તો કરો. રોટી, કપડાં, મકાન પ્રાથમિક છે. કલા, સંગીત તો નકામું છે. જે ફિલિસ્ટીનહોય એ આવું વિચારે.
મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ફિલિસ્ટીન એટલે એવી વ્યક્તિ જે માત્ર ભૌતિક સુખને સર્વસ્વ માને. બંગલા, ગાડી, બેંક બેલન્સ વગેરે. કમાણી કરવી એ જ એનું મનોરંજન. બસ, ભેગું કર્યે જાઓ. બુદ્ધિમતા કે કલાત્મક મૂલ્યોથી જેને બાર ગાઉ છેટું હોય. બૂક નહીં જે પોતાની બેન્કની પાસબૂક જ વાંચ્યા કરે. સંગીત, નૃત્ય, નાટકમાં ય કશી ય ગતાગમ એને ન પડે. કોઈ કાર્યક્રમમાં ભૂલથી પહોંચી જાય તો ત્યાંય કાં તો બિઝનેસની વાતો કરે અથવા ગપશપ કરે કે હવામાનની વાતો કરે. તમે એવું અનુભવ્યું જ હશે કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુતિ ચાલી રહી હોય ત્યારે ઓડિયન્સમાં કોઈ વ્યક્તિ એના મોબાઈલ ફોનને જ વારંવાર નીરખ્યા કરે અથવા એથી ખરાબ, ફોન ઉપર મોટેથી વાતો કરે. યસ, આવી વ્યક્તિ ફિલિસ્ટીન છે.
'ફિલિસ્ટીન' શબ્દની કહાણી જો કે આજથી ૩૦૦૦ વર્ષ જૂની છે. પેલેસ્ટાઇનના દક્ષિણ સમુદ્ર કિનારે વસતા લોકો એ ફિલિસ્ટીન. પ્રાચીન ઇઝરાયેલમાં વસતા લોકોનાં તેઓ દુશ્મન. ફિલિસ્ટીન લોકો અણઘડ અને લડાઈ કરવા તત્પર હતા, એવો બાઈબલમાં ઉલ્લેખ છે. ફિલિસ્ટીન શબ્દ સાંપ્રત અર્થ જો કે સત્તરમી સદીમાં ચલણમાં આવ્યો. જર્મનીના યેના નગરની યુનિવર્સિટી અને સ્થાનિક લોકો વચ્ચે ડખ્ખો થયો. આમ તો યુનિવર્સિટીમાં બહારગામથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે કોઈ ક્ષુલ્લક બાબતે માથાકૂટ થવી કોઈ મોટી વાત નહોતી પણ અહીં અથડામણ હિંસક બની. સ્થાનિક ચર્ચના પાદરીએ બાઈબલનો રેફરન્સ ટાંકીને કહ્યું કે વર્ષો પહેલા આવા જ બહારથી આવીને વસેલા અણઘડ ફિલિસ્ટીની લોકોએ પણ પ્રાચીન ઇઝરાયેલનાં લોકો માટે આવો જ પ્રોબ્લેમ ઊભો કર્યો હતો. આ જાણીને. વિદ્યાર્થીઓ ઓર ભડક્યા. તેઓએ કહ્યું કે અમે કાંઈ તમારા જેવા અક્કલમઠાં નથી. તમે જ ગામડિયા છો. ભણતર તો છે જ નહીં. ખાખરાની ખિસકોલી સાંકરનો સ્વાદ શું જાણે? ફિલિસ્ટીન તો તમે જ છો. અને આ ઘટના પછી તો એવા તમામ જે સંસ્કૃતિ, શિક્ષણ કે કલાના વિરોધી હોય એ ફિલિસ્ટીન કહેવાવા લાગ્યા. લેખક મેથ્યુ આર્નોલ્ડે એના પુસ્તક 'કલ્ચર એન્ડ એનાર્કિ' (૧૮૬૯)માં ઇંગ્લેન્ડના મધ્યમ વર્ગને એન્ટિ-ઇન્ટલેક્ચ્યુઅલ ગણીને આ શબ્દને પ્રચલિત કર્યો. ફિલિસ્ટીન એવા લોકો છે જે માને છે કે પૈસો જ મહાન છે અને એ જ આપણને મહાન બનાવે છે. કેનેડિયન કવિ શિક્ષણકાર લૂઈ દુદેકના મતે કોઈ કલાકૃતિ જોઈ, વાંચી કે સાંભળીને જો એ ફિલિસ્ટીન ગુસ્સામાં લાલપીળો થઈ તો સમજી જવું કે એની સામે જે રજૂ થયું છે એ કલાનું ઉત્કૃષ્ટ સર્જન છે!
આખરે તો કલાને સમજવી અને વધાવવી જોઈએ.કલા શું છે? કલા એ બીજું કશું નથી, જોવાની એક પદ્ધતિ છે. પાબ્લો પિકાસો કહી ગયા કે કલાનો હેતુ જ એ છે કે રોજ રોજ આપણાં આત્મા પર જે ધૂળ ભેગી થાય છે એ ધોવાઈ જાય. ઓસ્કાર વાઇલ્ડ પણ એવું જ માનતા કે કલા અને માત્ર કલા થકી જ આપણે પરફેક્શન પ્રાપ્ત કરી શકીએ. પરફેક્શન એટલે પરિપૂર્ણતા. પણ આપણે પરફેક્શન પામીને કરવું છે શું?
શબ્દશેષ :
'કલા એ સૌ જૂઠાણાંઓ પૈકી સૌથી સુંદર જૂઠાણું છે.'
- ફ્રેચ સંગીતકાર ક્લૉડ ડી બુસી