Get The App

ટ્રેડવાઇફ : પરંપરાગત પત્ની .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રેડવાઇફ : પરંપરાગત પત્ની                                   . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- પત્ની જ શું કામ પારંપરિક કામ કરે?  ઘર ગોઠવે, રસોઈ કરે, પતિને જમાડે, બાળકો ઉછેરે?

પતિવ્રતા નારીએ કંથને પૂછવું

કંથ કહે તે તો ચિત્ત ધરવુ

આપણે આપણા ધર્મ સંભાળવા                                                                                                                                                                   

કર્મનો મર્મ લેવો વિચારી                                                                                                                                                                 

- નરસિંહ મહેતા

પ ત્નીનો તો ધર્મ જ છે કે પતિ કહે એ ચિત્ત ધરવું. (પતિ કહે એ જ કરવું, એવું કહ્યું નથી!) પણ આપણે જાણીએ છીએ કે પચાસ વર્ષ પહેલાં આવું જ હતું. મોટે ભાગે આવું હતું. પછી જમાનો બદલાયો. નારીશક્તિ અને નારીમુક્તિનું આંદોલન આવ્યું. પત્ની જ શું કામ પારંપરિક કામ કરે? ઘર ગોઠવે, રસોઈ કરે, પતિને જમાડે, બાળકો ઉછેરે. પહેલાં તો સંયુક્ત કુટુંબમાં એવું ય હતું કે પતિ જમી લે પછી એ જ થાળીમાં પત્ની જમી લેતી. પતિ પોતાની થાળીમાં જાણી જોઈને મિષ્ટાન્ન છાંડતો જેથી એની પત્ની પતિની થાળીમાં વધેલું મિષ્ટાન્ન ખાઈ શકે. પત્નીની આ ટ્રેડિશનલ ભૂમિકા જરાય સારી નહોતી. સાંપ્રત સમયમાં જો કે પત્ની પણ નોકરી કરે, બિઝનેસ કરે અને ઘરનું કામ કે બાળઉછેર બંને સાથે મળીને કરે. પત્ની અત્યારે પતિ સમોવડી થઇ ગઈ છે. સારી વાત છે.  આ સ્થિતિમાં આજે એ પુરાણા જમાનાની પરંપરાગત પત્ની શબ્દ રૂપે ફરી ચર્ચામાં આવી, એની અમને નવાઈ લાગે છે. 

સમાચાર છે કે કોલિન્સ ડિક્સનરીએ જનરેશન ઝેડના ૬૦૦૦ શબ્દો અધિકૃત રીતે શામેલ કર્યા. સને ૧૯૯૮ અને ૨૦૧૦ વચ્ચે જન્મેલી આ ઝેડ પેઢીને સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ ગળથૂથીમાં મળ્યું છે. એની બોલચાલ એના વાણી વ્યવહારના અનેક અવનવા શબ્દો સોશિયલ મીડિયા ઉપર ઊભરી આવે છે. આ પૈકી એવા શબ્દો કે જે લાંબો સમય ચલણમાં રહે એવી શક્યતા જણાય તો ડિક્સનરી એવા શબ્દોને અધિકૃત રીતે આમેજ કરે છે. આજનો શબ્દ ટ્રેડવાઈફ (્ચિગુૈકી) આ સમાચારમાંથી અમને જડયો છે. પ્રથમ નજરે અમને એવું લાગ્યું કે 'ટ્રેડ' એટલે ધંધો અને 'વાઈફ' એટલે પત્ની. ટ્રેડવાઈફ એટલે ધંધાપત્ની. પણ ના, એવું જરાય નથી આ શબ્દને 'ટ્રેડ' અને ટ્રમ્પની ટ્રેડ ટેરિફ વૉર સાથે કાંઈ આડો કે સીધો સંબંધ નથી. અહીં 'ટ્રેડ' એ ટ્રેેડિશનલ શબ્દનું ટૂંકું રૂપ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'ટ્રેડિશનલ' તો હવે અધિકૃત ગુજરાતી શબ્દ છે; જેનો અર્થ થાય છે પરંપરાગત, પારંપારિક, પ્રણાલીગત. ટ્રેડવાઈફ એટલે એવી પત્ની જે ગૃહિણી હોય. પતિવ્રતા નારી. બાળકોનું અને પતિનું ધ્યાન રાખે. ઘર સાંભળે. પતિની લાંબી ઉંમર માટે વ્રત કરે, ઉપવાસ રાખે. 'હાઉસવાઈફ' શબ્દ તો હતો જ. પછી વધારે સારો સમાનાર્થી શબ્દ 'હોમમેકર' આવ્યો. કોઈ વળી 'હોમ એન્જીનીયર' એવો શબ્દ પણ વાપરે છે. હવે આ ટ્રેડવાઈફ જેવો ટ્રેડિશનલ શબ્દ અત્યારની ઝેડ જનરેશનને રવાડે ચઢવાનું મુખ્ય કારણ સદા સર્વદા આંગળીના ટેરવે ઉપલબ્ધ આપણી આ ઇન્ટરનેટ સર્વિસ છે. ગૂગલાધીનમ જગત સર્વમ!!  

'ટ્રેડવાઈફ' એટલે એવી સ્ત્રી જે ઘર અને કુટુંબની જવાબદારી હોંશે હોંશે સ્વીકારે અને નિભાવે. એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા ઉપર અન્યને પણ પ્રોત્સાહન આપે, કહે કે જુઓ, હું કેટલી ખુશ છું. મારો પતિ મને કેટલો પ્રેમ કરે છે અને બાળકોનો સારી રીતે ઉછેર તો હું કરી જ કેવી રીતે શકત, જો હું ટ્રેડવાઈફ ન હોત. ટ્રેડવાઈફ આર્થિક રીતે અલબત્ત સ્વતંત્ર ન હોય. પતિ જે કહે એનો સવિનય સ્વીકાર કરી લે. જો તુમ કો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિનકો અગર રાત કહો રાત કહેંગે! સને ૨૦૧૦માં ટ્રેડવાઈફનો વિચાર પહેલી ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર રજૂ થયો. ઇન્ટરનેટ ઈનફ્લુએન્સરના રવાડે ચઢેલો આ વિચાર દસ વર્ષમાં પ્રચલિત થઇ ગયો. આપણે જાણીએ છીએ કે આપણે જે માહિતી ઈન્ટરનેટ ઉપર શોધીએ છીએ એ માહિતી એમાં સ્ટોરેજ થઇ જાય છે. આ ઇન્ટરનેટ અલૉગરિધમ છે. એક વાર કોઈ સુખી અને ખુશખુશાલ ટ્રેડવાઈફનો વિડીયો તમે જોયો કે તમારી ખેર નથી. આખી ઇન્ટરનેટ દુનિયાના ખૂણેખૂણામાંથી આવા વિડીયો તમને સતત દેખાડવા મચી પડે. તમને લાગે કે આ ટ્રેડવાઈફનો ટ્રેન્ડ તો જોરદાર છે. આ ટ્રેન્ડના ટીકાકારો કહે છે કે આ દેખાડો બનાવટી છે. આધુનિક જમાનામાં હાઉસવાઈફની મહત્તાના ગુણગાન ગવાતા હોય એવી વાત સુસંગત જણાતી નથી. ટીકાકારો માને છે કે આ ઇન્ટરનેટ આંદોલન સ્ત્રી ફરીથી ગુલામ થવા તરફ દોરી રહી છે. પુરુષને તો ગમે જ છે કે સ્ત્રી એના કંટ્રોલમાં રહે. અત્યંત રૂઢિચુસ્ત સમાજના વગદાર લોકો અથવા રાજકારણીઓ ટ્રેડવાઈફના આ ઓનલાઇન ધખારાને અંદરખાને આગળ કરે છે. સ્ત્રી ભોળી છે,. ભોળવાઈ જાય છે. ટ્રેેડવાઈફ ઉર્ફે પતિવ્રતા નારીનો વિચાર તો વર્ષો જૂનો છે. ટ્રેડવાઈફ અને હાઉસવાઈફ વચ્ચે માત્ર એક જ ફરક છે. હાઉસવાઈફ તો સાવ પેસિવ હતી. ટ્રેડવાઈફ ઇન્ટરનેટ પર સુપર એક્ટિવ છે. નેટિઝન્સ એના વિડીયો જોઈને વાહવાહ કરે એની એને ચાહ હોય છે. મેરે પિયાકા ઘર હૈ યે, રાની હૂં મૈં, રાની હૂં ઘરકી.. લો બોલો! 

આખરે તો આ પતિપત્ની વચ્ચેના નાજુક સંબંધોની વાત છે. ટ્રેડવાઈફનો વિરોધાર્થી શબ્દ બૉસીવાઈફ છે. પત્ની જ્યારે બોસ જેમ વર્તે ત્યારે પતિનું તો આવી જ બને. બેમાંથી શું સારું છે?- એ વિષે અમને ખબર પડતી નથી. અમને એટલી ખબર છે કે પ્રસન્ન દામ્પત્ય જીવનની કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. અહીં એક વત્તા એક બરાબર અગિયાર હોય છે, કોઈ કોઈની સાડાબારી રાખતું નથી અને એક સાંધે તો તેર તૂટે- એવું ય ક્યાં હોય છે? આ ગણિત અઘરું છે. ઇતિ! 

શબ્દશેષ

'જેવો પતિ હોય એવી પત્ની હોય.' 

- અંગ્રેજ કવિ લોર્ડ ટેનિસન