- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- એઆઈએ આવીને કેટલાંય કમ્પ્યુટર કોડિંગ કરતા નોકરિયાતોને બેકાર કરી દીધા. પણ વિપર્યયને કોઈ રોકી શકતું નથી.
વદી વદી વદ્યા ગુરુ, યથેચ્છસિ તથા કુરુ.
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.
- કવિવર રાજેન્દ્ર શુક્લ
ગુ રુ બિના જ્ઞાન કહાંસે લાઉં? એવું ગીત હવે ગાવું નહીં. કારણ કે ગુરુ જ કહે છે કે જેવી તારી ઈચ્છા, એવું તું કર. બધુ તારી ભીતર જ છે. ભીતર હતું. હવે બાહર પણ છે. કમ્પ્યુટર છે. અને ડેટા ક્લાઉડમાં છે. વાદળમાં ચરૂ ભર્યા છે! હવે તો એઆઈ છે, જે આપણી ભીતરી બુદ્ધિમતાનું બાહરી એક્સટેન્સન છે. કોલિન્સ ડિક્સનરીએ વાઇબ કોડિંગ (ફૈમી ર્ભગૈહય)ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે.
'વાઈબ' એ વાઇબ્રેશન શબ્દનું ટૂંકું રૂપ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'વાઇબ્રેશન' એટલે ઝોલો, આંદોલન થરથરાટ, ગૂઢ અસર, કંપન, ધ્રુજારી, ડોલન. આપણે કોઈ જગ્યાએ જઈએ અથવા કોઈને મળીએ અને સારું લાગે... તો આપણે કહીએ કે અહીં વાઈબ સારા છે. વાઈબ એટલે સાહજિક સ્ફૂરિત લાગણી. 'કોડ' એટલે સંકેત લિપિ. કોડિંગને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ કહે છે.
કમ્પ્યુટર આપણી રોજિંદી રહેણીકરણીનું અભિન્ન અંગ છે. સ્માર્ટ ફોન એક કમ્પ્યુટર જ તો છે. આપણે આત્મનિર્ભર નથી, મોબાઈલ ફોન નિર્ભર છીએ. ફોન વિના આપણે અપંગ છીએ. ખરીદી ઓનલાઇન કરીએ છીએ. પેમેન્ટ ડિજિટલ કરીએ છીએ. વાશિંગ મશીનમાં કપડાં ધોઈએ છીએ. વાહનમાં ટ્રાફિક લાઈટ પર થોભીએ છીએ. ઓફિસમાં હાજરી પૂરવા અંગૂઠો મારીએ છીએ. ભૂખ લાગે તો મોબાઈલ એપ ખોલીને ઓર્ડર કરીએ છીએ. ડિલિવરી ક્યારે આવશે? કોણ લાવશે?ની ખબર આપણને પડી જાય છે. હળવા મળવાના ય એપ છે. આખા આયખાનું શું? એવો પ્રશ્ન અસ્થાને છે કારણ કે ધારો કે એક સાંજ, પછી બીજી સાંજ, પછી ત્રીજી... અનેક સાંજ આપણને ગમે એવી અથવા ગમ્મે તેવી વ્યક્તિને હળવા મળવાની સુવિધા છે. મને કેવી વ્યક્તિ ગમશે? એની ડેટિંગ એપને આગોતરી ખબર છે. આમ લાગે તો તુક્કો, નહીં તો તીર! સોફ્ટવેરથી આ શક્ય બને છે. સોફ્ટવેર ડેવલપરની એક આખી પ્રજાતિ છે. કમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં તેઓ સૂચના લખે છે, જેને લાર્જ લેન્ગવેજ મોડેલ કહે છે. સોફ્ટવેર ઉપયોગમાં આવે તે પછી કોઈ ભૂલ ધ્યાનમાં આવે તો એને સુધારાય છે. 'બગ' શબ્દ અહીં માંકડ કે જીવજંતુના અર્થમાં નથી. સોફ્ટવેર પ્રોગામર સિવાય કોઈ અન્ય આવું પ્રોગ્રામિંગ કરી શકતું નથી. હવે સ્થિતિ અલગ છે. આટફિસિયલ ઇન્ટેલિજન્સ કોડિંગ કરી આપે છે. આને વાઇબ કોડિંગ કહે છે.
આ શબ્દસમૂહ નવો છે. એઆઈ રીસર્ચર આન્દ્રે કેરપથીએ ચાલુ વર્ષની શરૂઆતમાં આ શબ્દસમૂહ ચલણમાં મૂક્યો. કોઈ પણ મારા તમારા જેવા યુઝર સાદી ઇંગ્લિશ ભાષામાં પોતાની જરૂરિયાત લખીને એઆઈને સોંપે. એઆઈ એના અમલીકરણ અને વાક્યરચના પર ફટાફટ કામ કરી આપે. પછી યુઝર એને તપાસીને પ્રતિભાવ આપે. જરૂરી સુધારાવધારા સાથે એઆઈ ફાઇનલ સોફ્ટવેરનું સર્જન કરી આપે. ફાયદો એ કે નમૂનારૂપ કોડિંગ ઝડપથી તૈયાર થઇ જાય, કમ્પ્યુટર સોફ્ટવેર કૌશલ્ય જરૂરી નથી અને એક પ્રમાણિત સ્વયં સંચાલિત કોડ સત્વરે બની જાય. સમય ઓછો બગડે તો અન્ય અગત્યની બાબતો ઉપર ધ્યાન આપી શકાય. પણ જોખમ એ કે કાંઈ લોચો થઇ જાય, આઈ મીન ડેટાની સુરક્ષા અને સોફ્ટવેર મરામતમાં કાંઈ પ્રોબ્લેમ આવે તો કશું થઈ ના શકે કારણ કે આ મશીને કર્યું છે, માણસ તો અહીં છે જ નહીં. અને મશીન માત્ર ભૂલને પાત્ર! કોડ કોઈ પણ રીતે બન્યો હોય પણ એની ગુણવત્તા, સુસંગતતા અને લાંબા સમયની અસર ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ગૂગલ બ્રેઈનના સ્થાપક એન્ડ્રુ ઇંગ કહે છે કે માર્કેટિંગ કે એચઆર કે અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકોએ વાઈબ કોડિંગ શીખી લેવું જોઈએ. સમય બચે. પૈસા બચે. આ જ ભવિષ્ય છે. હવે માણસ+એઆઈ સાથે જ કામ કરી શકશે. અત્યારે દરેક નોકરી ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે તમને કમ્પ્યુટરનો ઉપયોગ આવડે છે? હવે એવું પૂછાશે કે તમને નોકરીની મૂળ લાયકાત, કમ્પ્યુટર ઉપયોગની જાણકારી ઉપરાંત વાઇબ કોડિંગ આવડે છે? વાઈબ કોડિંગ હવે લઘુત્તમ ફરજિયાત લાયકાત થવા જઈ રહી છે.
કવિ શ્રી નયન દેસાઈની અદભૂત ગઝલના શેરનો ટેકો લઈને કહું તો માણસ ઉર્ફે આવડત ઉર્ફે કમ્પ્યુટર ઉર્ફે વાઇબ કોડિંગ ઉર્ફે તરી જવાની ઘટના ઉર્ફે....
મોટી મોટી સોફ્ટવેર કંપનીઓ પોતાના સોફ્ટવેર ડેવલપર કર્મચારીઓને કાઢી મૂકે છે. 'પાણીચું આપવું' શબ્દો ઇંગ્લિશમાં જઈને 'પિન્ક સ્લિપ' થઈ જાય છે. બેંગ્લોરના સોફ્ટવેર એન્જિનીયર સસ્તા, સારા અને ટકાઉ હતા. અમેરિકામા કોઈ અમેરિકન સોફ્ટવેર એન્જિનીયરને છૂટો કરી દે અને એ કામ બેંગ્લોરના એન્જિનીયરને મળે તો અમેરિકન સોફ્ટવેર એન્જિનીયર 'બેંગલોર્ડ' થઇ ગયો, એવો શબ્દ અમેરિકન ઇંગ્લિશની બોલચાલની ભાષામાં વપરાતો હતો. તાજેતરમાં 'હિંદુસ્તાન ટાઈમ્સ'ના સમાચાર મુજબ અમેરિકાની એમેઝોન કંપનીમાં કામ કરતો ભારતીય સોફ્ટવેર એન્જિનીયર પોતાના વતન બેંગ્લોર આવ્યો હતો. કુટુંબીજનો સાથે દિવાળી ઉજવી. પછી પાછો અમેરિકા ફર્યો. એરપોર્ટમાં ઉતરીને પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓન કર્યો, ઈમેલ ચેક કર્યા તો પહેલો જ ઈમેલ એમેઝોન કંપનીનો હતો. એને નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. આ એઆઈએ આવીને કેટલાંય કમ્પ્યુટર કોડિંગ કરતા નોકરિયાતોને બેકાર કરી દીધા. પણ વિપર્યયને કોઈ રોકી શકતું નથી.
વાઇબ કોડિંગ આંગળીવગું છે. આજે કોઈને સાદું અંકગણિત પણ ક્યાં આવડે છે? જરૂર પણ નથી. કોઈ પલાખાં પૂછે તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી છીએ. બસ, આવું જ છે આ વાઇબ કોડિંગ. લાખ દુ:ખોકી એક દવા. આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સને પૂછી લેવું. પણ હા, તપાસી પરખીને અમલમાં મૂકવું. એટલે એટલી બુદ્ધિ તો જોઈએ. બુદ્ધ ન હોઈએ તો ચાલે, પણ બુદ્ધુ તો ન જ ચાલે.
શબ્દ શેષ:
'ખરો પ્રોબ્લેમ એ નથી કે મશીન વિચારશે. પણ માણસ વિચારશે?' -મનોવૈજ્ઞાનિક બી. એફ. સ્કિનર


