- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- શબ્દના મૂળમાં એન્ગ્લોફ્રેન્ચ ક્રિયાપદ 'મેહેમિર' છે. 'મેઇમ' એટલે કોઈને લૂલો લંગડો બનાવવો તે
એક પછી એક બધાં કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય?
ઘરમાં ઘૂસીને રોજ માથાં વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બંગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?
-કૃષ્ણ દવે
આ વી છાપ હતી આપણી. આપણે રહ્યા અહિંસક. આતંકવાદી એવું સમજે કે આપણે જાણે નપુંસક. કોઈ ગળું કાપે તો આપણે આપણાનું ગળું સામે ધરીએ. લો, આ ય કાપો! પણ હવે પ્રશ્ન કેટલાક મરવાના બાકી છે?- એવો નથી. કેટલાક મારવાના બાકી છે?- એ છે. ધુરંધર ફિલ્મ શ્રેણી એ રીતે નવો ચીલો ચાતરે છે. આતંકવાદીઓને અછોઅછો કરવાના જમાના હવે ગયા. 'ધુરંધર-૨ રીવેન્જ' હજી રીલીઝ થયું થયું ત્યાં તો 'ધુરંધર- ૩ મેહેમ' જુન મહિનામાં રીલીઝ થશે-એવું ગતકડું પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ ગયું. એક સમાચાર અનુસાર જિયો સ્ટુડિયોને ધુરંધર શ્રેણી આગળ વધારવાની ઈચ્છા છે પણ આદિત્ય ધર ખાસ રસ બતાવતા નથી. અમને અલબત્ત મેહેમ (સ્ચઅરીસ) શબ્દમાં મઝા આવી. ગુજરાતી લેક્સિકન અનુસાર 'મેહેમ' એટલે અંગવિચ્છેદનનો ગુનો, હિંસક અથવા હાનિકારક કૃત્ય. તાર્કિક રીતે 'રીવેન્જ' એટલે કે બદલો કે વેરની વસૂલાત પછીના ધુરંધર-૩ માટે મેહેમ ટાઇટલ બરાબર ગોઠવાઈ જાય. અને એટલે આજે મેહેમની શબ્દસંહિતા રચવી છે.
મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર 'મેહેમ' શબ્દના બે અર્થ છે. એક અર્થ છે- બિલકુલ બિનજરૂરી અને જાણી બુઝીને કરવામાં આવેલી હિંસા. અને બીજો અર્થ એ કે કોઈ માણસ પ્રતિકાર ન કરી શકે એ માટે એના શરીરનાં કોઈ પણ અંગને જાણી જોઈને કાયમી નુકસાન કરવું તે. કાયદાકીય રીતે જોઈએ તો જાણી જોઈને કરવામાં આવેલો એવો ધૃણાસ્પદ ગુનો, જેમાં ભોગ બનનાર વ્યક્તિ કાયમી રીતે અપંગ થઇ જાય. શબ્દના મૂળમાં એન્ગ્લોફ્રેન્ચ ક્રિયાપદ 'મેહેમિર' છે. 'મેઇમ' એટલે કોઈને લૂલો લંગડો બનાવવો તે. પંદરમી સદીમાં આ જ અર્થ હતો પણ ઓગણીસમી સદી આવતા વિસ્તૃત અર્થમાં 'મેહેમ' શબ્દ કોઈ પણ પ્રકારની મોટે પાયે તકલીફ અને એ સંજોગોમાં હિંસક વર્તણુંક માટે ઉપયોગમાં લેવાવા લાગ્યો. જેમ કે શહેરમાં આખામાં રાત્રે અચાનક વીજળી ગુલ થઇ, અફરાતફરી મચી ગઈ અને હિંસા, ચોરી અને બળાત્કારના બનાવો બન્યાં, એ મેહેમ. મેહેમ એટલે અરાજકતા, ધાંધલ, હુલ્લડ અને વિચ્છેદ. જે નિયમબદ્ધ માળખું હોય એની સામે હિંસક અને અણધાર્યો હૂમલો થાય. અને જે બચે એ સ્વયં હોનારત જ હોય. જ્યાં સઘળું તૂટી ગયું હોય કે વેરવિખેર હોય અને સ્થિતિ ભારે ગૂંચવાડા ભરેલી હોય. વ્યક્તિઓની ખાસ કરીને નેતાઓની મેહેમ માનસિકતા હોય તો એ વિનાશક જ હોવાની.
મેહેમ શબ્દ અગાઉ કહ્યું એમ હિંસા સાથે જોડાયેલો છે. પણ આધુનિક બોલચાલમાં હિંસા સિવાયનો કોલાહલ હોય. દોડધામ હોય, અફરાતરફી હોય ત્યારે પણ આ શબ્દ ઉપયોગમાં લેવાતો હોય છે. ટ્રાફિક લાઇટ્સ બંધ હતી, દરેક વાહનચાલકને પહેલાં જ જવું હતું, જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી ઘૂસાડી દીધી. અને ટ્રાફિક જામ થઈ ગયો. અને પછી જે થયો તે મેહેમ. કોઈ મોટી મ્યુઝિક કેન્સર્ટ હોય અને લોક મોટી સંખ્યામાં ઉમટી પડે, ધાંધલ ધમાલ થાય એ પણ મેહેમ કહી શકાય. કોઈ પણ પરિસ્થિતિ જે કાબૂ બહાર જતી દેખાતી હોય તો એનું વર્ણન કરવા ઇન્ટેન્સિફાયર શબ્દ તરીકે મેહેમ ઉપયોગમાં લેવાય છે. ઇન્ટેન્સિફાયર એટલે? ગૂડ એટલે સારું પણ વેરી ગૂડ કહો તો બહુ સારું. અહીં 'વેરી' ઇન્ટેન્સિફાયર શબ્દ છે. 'એબ્સોલ્યુટ મેહેમ'માં એબ્સોલ્યુટ ઇન્ટેન્સિફાયર છે. પણ કહેવાની જરૂર નથી. મેહેમમાં એ આવી ગયું. 'ઇન ધ મિડલ ઓફ મેહેમ' અને 'મેહેમ એન્ડ મેડનેસ' એવા મુહાવરા પણ ઇંગ્લિશ ભાષામાં છે.
કહે છે કે આદમ અને ઇવ ઇડન ગાર્ડનમાં પ્રતિબંધિત સફરજન ખાઈ બેઠાં ત્યાર પછી દુનિયાની હાલત દુ:ખી દુ:ખી છે. ત્યારથી જ મોત, યુદ્ધ અને મેહેમ આપણી પૃથ્વી પર આવી ગયા છે. આપણે હવે માનવસર્જિત સ્વહિતકારી ટૂંકી દ્રષ્ટિના પરિણામ ભોગવી રહ્યા છીએ. 'વસુધૈવ કુટુમ્બકમ' એવું કોઈ બોલે તો એ દેશદ્રોહી થઇ જાય. દેશ અને વસુધા અલગ છે, ભાઈ! અને હવે કોઈ નહીં કહે કે કોઈ તમારી આંખ ફોડી નાંખે તો સામે તમે એની આંખ ફોડશો નહીં કારણ કે એમ કરવાથી આખી દુનિયા આંધળી થઇ જશે. ના, કોઈ નહીં કહે. હવે ઘાયલ છું એટલે ઘાતક છું-નું લોજિક ચાલે છે. એક અફવા છે કે આદિત્ય ધર હવે પછી ધુરંધર-૪, ૫ અને ૬ બનાવે તો એના નામ એનાર્કી (અરાજકતા), પેન્ડેમોનિયમ(સાવ અંધાધૂંધી) અને હેવક(વિધ્વંસ) રખાશે. ધુરંધર-૪ 'એનાર્કી'માં કરાંચીની જગ્યાએ ક્વેટા બતાવાશે. બલોચિસ્તાનની સ્વાયત્તતાની માંગણી અને આંતરિક આંતકવાદ પાકિસ્તાની લશ્કરને એ દિશામાં રમમાણ રાખશે, જેથી ભારત તરફ આતંકવાદીઓને લોન્ચ કરવાની એની ઔકાત, તાકાત કે સમય જ ન રહે. અરાજકતા, યૂ સી! ધુરંધર-૫ 'પેન્ડેમોનિયમ'માં પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન તરફથી થતાં આતંકી હૂમલાઓ પાકિસ્તાનને સતત પરેશાન તો કરશે જ. ઉપરાંત ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલ યુદ્ધના બેકગ્રાઉન્ડમાં પાકિસ્તાન અમેરિકા તરફી વલણ રાખે તો ઈસ્લામિક દેશો ખફા થઈ જાય. આર્થિક સ્થિતિ તો અમથી ય ખસ્તા છે જ. 'સાવ અંધાધૂંધી', યૂ સી! અને છેલ્લે ધુરંધર-૫ હેવકમાં હશે વિધ્વંશ. આપણને હિંસા ગમે છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓની આખી સીસ્ટમ તહસનહસ થતી હોય તેનો રોમાંચ કાંઈ અલગ જ છે. અને આદિત્ય ધર આ વાત જાણે છે. હા, વિધ્વંશ પછી જો ધુરંધર- ૭ બને તો એનું નામ ટ્રેંન્કિવલ્ હશે. શાંત, સ્થિર અને સ્વસ્થ. પણ એ ફિલ્મ ખાસ ચાલશે નહીં. કારણ કે આપણને હિંસા જ ગમે છે. તમે જ કહો રામાયણ અને મહાભારતમાંથી અનુક્રમે લંકા અને કુરુક્ષેત્રનું યુદ્ધ કાઢી નાખો તો કાંઈ મઝા આવે?
શબ્દ શેષ
''લોકોને ગમે છે મોત અને મેહેમ.''
- નીલ ટાયસન


