વાઈબ : મનકી બાત .
શબ્દસંહિતા - પરેશ વ્યાસ
છેલ્લાં કેટલાંક વર્ષોથી વાઈબ્સ શબ્દ 'ગૂડવાઈબ્સ'નાં અર્થમાં વપરાતો થયો છે.કોઈ હકારનીલાગણી કે કોઈને શુભેચ્છા આપવી હોય તો વાઈબ શબ્દ વપરાય છે.
તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.
- મરીઝ
શશી થરૂરને ઠીક ન હોય, કામ પર ન જવું હોય અને તેઓ જો રજાની અરજી લખે તો કેવી લખે? એક ભાઈએ એ.આઈ.-એપ ચેટજીપીટી-ને પૂછયું તો એપે ઉત્તરમાં ફટાક દઈને નીચે મુજબ લખ્યું...
હું અહીં બેઠો બેઠો ઑબ્ડયૂરેટ્ (દુરાગ્રહ)પૂર્વક ટક ટક કરતી ઘડિયાળ સામે તાકી રહ્યો છું અને ત્યારે સેન્સ ઓફ ટ્રેપિડેશન (ધાસ્તી, કંપારી) મારા મનમાં ઉમટી રહી છે. લાગણીનાં તરંગો (વાઈબ્સ), હે મારા વહાલાં સહકર્મચારીઓ, આજે એકદમ બરાબર નથી. હવા ઘટ્ટ છે ઇન્ટૅન્જિબલ મલેઝ (આકલન ન કરી શકાય એવી બેચની)થી; ડિસ્ક્વાયટ (અજંપો)ની લાગણી મારા હોવાપણાંમાંથી પર્મિએટ (દરેક છિદ્રોથી સોંસરવી) થઈને બહાર નીકળી રહી છે. મને ડર છે કે કાલે જો મારે કચેરીની અંદર પગ મૂકવાનો થશે તો એ એવું થશે જેવું કે કોઈ માછલીને પાણીમાંથી બહાર થઈ છે; અનેઑન્વી (થાક)નાં સમુદ્રમાં એ ફ્લાઉન્ડર(તરફડિયાં મારવા) થઈ રહી છે. અને એટલે... ભારે હૈયે મારે આપને જાણાવવું જોઈએ કે કાલે હું મારી ગેરહાજરીની રજા લઇશ. હું આપને ઇમ્પલોર(કાલાવાલા) કરું છું; મારી પ્રિડિકમન્ટ (વિકટ અવસ્થા) તમે સમજજો કારણ કે વાઈબ્સ (લાગણીનાં તરંગો) ફિકલ મિસ્ટ્રેસ (અસ્થિર મગજની પ્રેયસી) જેવા હોય છે અને કોઈને ખબર પણ નહીં પડે કે એવી સ્થિતિ ક્યારે અને કેવી રીતે વધારે ખરાબ વળાંક લઈ લે. ફેરવેલ (આવજો), મિત્રો, કાળજી લેજો.
પ્રતિભાવ રૂપે શશી થરૂરે ભલે કહ્યું કે તેઓ આવું તો ન લખે. પણ અઘરાં છતાં અનુરૂપ શબ્દો લખવામાં તેઓ માહેર છે. તેઓ આવું લખે ય ખરાં! હવે જો કે તેઓની સ્પર્ધા એ.આઈ. સાથે છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિમતા. આપણે તો હવે વિચારવું જ મટયું. વિચાર પણ હવે કમ્પ્યુટર કરશે. એ.આઈ.-એપ ગુજરાતીમાં પણ આવી જશે તો અમારે આ કૉલમ લખવી નહીં પડે. કોઈ એક ચોક્કસ ઇંગ્લિશ શબ્દને લક્ષ્યમાં રાખીને કોઈ પણ નાગરિક ચેટજીપીટીને જ પૂછી લેશે કે પરેશ વ્યાસ આ શબ્દ વિષે લખે તો કેવું લખે? અને બરાબર એવું જ, અમે લખવા ધાર્યું હોય એવું જ, પળવારમાં લખાઈ જશે. બુદ્ધિજીવીઓની તો વાટ લાગી જવાની છે! માટે હે બુદ્ધિજીવીઓ, તમે શ્રમજીવી થવાની તૈયારી કરી લેજો. કારણ કે બુદ્ધિથી હવે બે રોટલાં મળશે નહીં. અરે ભાઈ! શ્રમમાં ય ક્યાં સારાવટ છે. ત્યાં ય મશીન આવી ગયા છે! આ એ.આઈ. આપણી દઈ નાંખશે, હોં.. બે ધંધામાં જો કે વાંધો નહીં આવે. એક રાજકારણ અને બીજો ધર્મકારણ. એમાં એ.આઈ.-નું કાંઈ ન ઉપજે. ગુંડાગીરી? હા, ઈમાં ય એ.આઈ.-નું ખાસ ન ઉપજે. પણ ભલા માણસ, રાજકારણ અને ધર્મકારણમાં એ આવી ન ગયું?!!
એની વે, એ.આઈ.-એપ ગુજરાતીમાં આવે ત્યાં સુધી તો અમારે લખવું જ રહ્યું. આજનો શબ્દ છે વાઈબ(ફૈમી). અમારો પ્રિય શબ્દ. કોઈ ઘરમાં જઈએ તો તમને શુભ શુભ ફીલ થાય. કોઈ ખાસ કારણ ન હોય છતાં, એ જગ્યાનો પ્રતાપ ગણો કે ગણો કોઈ મહાન આત્માનાં આશીર્વાદ પણ તમને ત્યાં ગમે જ ગમે. એનું માત્યમ એવું હોય કે મનને સાતા ય વળે અને તમે કહો કે... અહીંનાં વાઈબ્સસારા છે હોં. '૧૯૪૨- અ લવ સ્ટોરી'નું ગીત યાદ છે? એક લડકીકો દેખા તો ઐસા લગા .. પછી જે આવે એ સઘળાં પોઝિટિવ વાઈબ્સ. જૈસે ખીલતા ગુલાબ, જૈસે શાયરકા ખ્વાબ, જૈસે મંદિરમેં હો એક જલતા દિયા.. વગેરે. હમણાં એનાં ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે ખાસ કાળજી લેવામાં આવી હતી કે એ છોકરીનાં રૂપનાં બધા જ ઉપમા અલંકાર પવિત્ર હોય છે. એમ કે એવું ન લખ્યું કે જૈસે ઝૂમતા શરાબ.. એટલે એમ કે એ છોકરીને જોઈને જે લાગણી છોકરાનાં મનમાં અનુભવાય એ શુદ્ધ દેશી પ્રેમ જ હોય. આગળ કશું નહીં. જો કે '૨૦૨૩-અ લવ સ્ટોરી' એવી ફિલ્મ આવે તો... જૈસે સેક્સી જિસમ-જેવી વાઈબ આવી જાય!
યસ, વાઈબ એ 'વાઇબ્રાફોન'નું ટૂંકું રૂપ છે. વાઈબ્રેશન+ફોન. ફોન એટલે ધ્વનિ, અવાજ. મૂળ લેટિન શબ્દ 'વાઇબ્રેશનેમ'. અર્થ થાય આમ તેમ ફેરવવું, વીંઝવું, હલાવવું. આ શબ્દનું ભૂતકૃદંત 'વાઇબ્રેર' એટલે ધ્રૂજતું, કાંપતું, પ્રક્ષુબ્ધ. વાઇબ્રેશન એટલે તરંગ, કંપન, ડોલન. સને ૧૯૬૦થી લોકબોલીમાંથી શબ્દ આવ્યો વાઈબ, જેનો અર્થ થાય સહજ કે સ્વયંસ્ફૂર્ત લાગણી. જોઈને કે સાંભળીને તમને કોઈ પણ કારણની પળોજણમાં ગયા વગર ગમી જાય એ સારા વાઈબ કહેવાય. ઉપરોક્ત શશી થરૂરીશ લખાણમાં પણ પૂછનાર ભાઈએ કામની જગ્યા પર 'સારા વાઈબ્સ ફીલ નથી થતાં' એ કારણોસર રજાની અરજી શશી થરૂરની સ્ટાઇલમાં લખવા માટે ચેટજીપીટીને કહ્યું હતું. શું છે આ શબ્દ વાઈબ? અમે ચેટજીપીટીને જ પૂછયું. અને એપે મને કહ્યું કેવાઈબ શબ્દ આફ્રિકન અમેરિકન બોલીનો શબ્દ છે જે કોઇની ભાવનાઓ સંબંધી કે શારીરિક અવસ્થાનું વર્ણન કરવા વપરાય છે. કોઈ ખાસ વાતાવરણમાં લાગણીનું બયાન કરવામાં કે કોઈ વ્યક્તિની વાણી વર્તણૂંક કે વર્તન અથવા તો કોઈ પરિસ્થિતિ કે કોઈ કાર્યક્રમનો લાગણીનો સૂર વ્યક્ત કરવા તે વાઈબ્સ. શશી થરૂર વતી ચેટજીપીટી ભલે કહે કે વાઈબ અસ્થિર મગજની પ્રેમિકા જેવી હોય છે પણ હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી વાઈબ્સ શબ્દ'ગૂડવાઈબ્સ'નાં અર્થમાં વપરાતો થયો છે. કોઈ હકારની લાગણી કે કોઈને શુભેચ્છા આપવી હોય તો વાઈબ શબ્દ વપરાય છે.
એમ કે 'એ પાર્ટીમાં વાઈબ કેવી છે?' અથવા તો 'મને આ માણસમાંથી સારી વાઈબ આવી રહી છે'. વાઈબ શબ્દ અધિકૃત રીતે ઓક્સફોર્ડ ડિક્સનરીમાં સને ૨૦૧૪માં ઉમેરવામાં આવ્યો છે.
હવે અમે ચેટજીપીટીનેપૂછયું કે'વાઈબ' વિષે કવિતા કહો તો એણે પળમાં વાઈબ વિષે કેટકેટલી કાવ્યપંક્તિઓ કહી નાંખી. આ તો અમારો ધંધો છીનવાઇ રહ્યો છે, બાપ! મને ચેટજીપીટી અને એની કૃત્રિમ બુદ્ધિમતા વિષે જરાય સારી વાઈબ આવતી નથી પણ આવનાર સમયને કોણ રોકી શકે છે?!! મેં ચેટજીપીટીને પૂછયું કે શબ્દશેષ માટે વાઈબ શબ્દની કોઈ ક્વોટ કહો.એ ક્વોટ આ રહી..
શબ્દશેષ ઃ
'વાઈબ એ ઊર્જા છે અને ઊર્જા ચેપી હોય છે, એટલે સારી વાઈબને પકડો, હંમેશા એવા લોકો વચ્ચે રહો કે જેઓ હકારાત્મક ઊર્જા ચોતરફ વેરતા રહેતા હોય.' -અજ્ઞાાત