Get The App

મર્ક્યુરિઅલ : મિજાજી .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
મર્ક્યુરિઅલ : મિજાજી                                      . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- મર્ક્યુરિઅલ વ્યક્તિ સામે કોઈ પણ પ્રતિક્રિયા ન આપવી એ એક સારી વ્યૂહરચના છે.

ડગલે પગલે દ્રષ્ટિના છળ

એના વચનો ડોકના આંચળ

મેરુઓ પણ મનના ચંચળ

- અમૃત 'ઘાયલ'

ડો નાલ્ડ ટ્રમ્પ રોજ સમાચારમાં હોય છે. ઘણાં તેઓને 'એરોગન્ટ' ઉર્ફે ઘમંડી કહે છે. કોઈ કોઈ તેઓને 'કૉન્ડિસેન્ડિંગ' એટલે કે મુરબ્બીવટ કરનાર કહે છે, જાણે કે દુનિયા તેઓની કૃપા ઉપર જીવે છે. એવું પણ મનાય છે કે તેઓ 'એપિસોડિક મેન' છે. પોલિટિકલ ટીવી સીરીઝના દરેક એપિસોડ એક પછી એક તેઓને જીતવા છે. ભવિષ્યનો વિચાર કરીને સૌને સાથે લઈને ચાલવામાં તેઓ માનતા નથી. 'ગ્રેેન્ડિઓસિટિ' તેઓનો સ્વભાવ છે. પોતે જ શ્રેષ્ઠ છે અને મહાન પણ છે એવો દાવો તેઓ કાયમ કરે છે. તેઓ 'કૅલસ' છે, એમ કે તેઓ લાગણીવેડા કે સહાનુભૂતિથી કોશો દૂર છે. તેઓ 'સલિપ્સિસ્ટ' છે, પોતાના દ્રષ્ટિકોણ સિવાય બાકી સર્વ ગલત છે એવું માનનાર એટલે કે અહંમાત્રવાદી એવો અર્થ થાય. 'નાસસિસ્ટ' ઉર્ફે અહંપ્રેમી તો તેઓ છે જ. આત્મશ્લાઘા કરતા રહેવું તેઓ માટે કુદરતી છે. અમે અલબત્ત શબ્દને જાણવાની કોશિશ કરીએ છીએ. 

તાજેતરમાં સિંગાપુરમાં ક્રેડાઈ આયોજિત એક સમારંભમાં શશી થરૂરે ટ્રમ્પ માટે 'અન્યૂઝુઅલ' વિશેષણ વાપર્યું. અપૂર્વ કે અસામાન્ય એવો અર્થ પણ થાય પણ અહીં આ શબ્દ સારા અર્થમાં નથી. અપૂર્વ એટલે આ પહેલાં ક્યારેય નહીં. સાચી વાત છે. તેઓના પૂરોગામી પ્રેેસિડન્ટ આવા નહોતા. કોણ ખુલ્લેઆમ કહે કે મને નોબેલ શાંતિ પુરસ્કાર ધરાર આપો ને આપો. કોણ કહે કે રશિયા અને ઇન્ડિયાની ઇકોનોમી મરી ગયેલી છે. કોણ એવા ફાંકા ઠોકે કે બધા દેશો 'કિસ માય એસ' કરવા આતુર છે. ના, આ શબ્દ-સમૂહનો શબ્દાર્થ કરવો નહીં. અહીં અલબત્ત ગુદાચુંબન કે મળદ્વારને બચી ભરવાની શાબ્દિક વાત નથી. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર કશુંક પામવા માટે ખુશામતિયું, ગુલામ જેવું, હા જી હા કરનારું, કાકલૂદીવેડા કરનારું, અધમ આધીનતા દર્શાવનારું વલણ દાખવવું તે 'કિસ માય એસ'. શું દુનિયાના બધા દેશ અમેરિકાની પગચંપી કરવા તત્પર છે? શશી થરૂરે ટ્રમ્પને મર્ક્યુરિઅલ (Mercurial) પ્રેસિડન્ટ પણ કહ્યા. અમને થયું કે ચાલો, આજે આ શબ્દની જ સંહિતા રચીએ. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'મર્ક્યુરિઅલ' એટલે પારાનું, પારાવાળું, આનંદી સ્વભાવનું. એ સ્વાભાવિક છે કે શશી થરૂર ડોનાલ્ડ ટ્રમ્પને આનંદી પ્રેસિડન્ટ ન જ કહે. કોઈ બીજો અર્થ પણ હોવો જોઈએ. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીમાં જોયું તો મારું કન્ફ્યુઝન ઓર વધ્યું. 'મર્ક્યુરિઅલ' એટલે વાક્પટુતા, ચતુરાઈ, કૌશલ્ય, વેગવાન જેવા લક્ષણો હોય એવી વ્યક્તિ. હા, એક અર્થ મળ્યો જે ટ્રમ્પની વર્તણુંક સાથે બંધ બેસતો હતો. એ છે : એવી વ્યક્તિ જેના મનની સ્થિતિ, મિજાજ કે વર્તણુંક વારંવાર બદલાતી રહેતી હોય, એ જેનું કાંઈ નક્કી જ ન હોય કે એ ક્યારે શું કરશે? તરંગી, અનિયમિત, ચંચળ, લહેરી, ધૂની વ્યક્તિ. એ નક્કી કે કોઈ પણ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે એ પ્રમાણે એનો અર્થ કરવો જોઈએ. મર્ક્યુરિઅલ શબ્દની વ્યૂત્પતિની વાત કરીએ તો કદાચ અર્થ વધારે ઉજાગર થશે. 

રોમન પૌરાણિક કથા અનુસાર 'મરક્યુરી' વાણિજ્ય, વેપારી, સંદેશા વ્યવહાર, આર્થિક નફો, મુસાફર અને ચોરના દેવતા હતા. તેઓ ઈશ્વરના સંદેશ વાહક હતા અને કોઈ આત્માને નરકમાં નાંખવાનો હોય તો એવું કામ પણ એ કરતા. તેઓ વેગીલા હતા અને લુચ્ચા પણ. સ્વાભાવિક છે કે જે મુસાફરી કરીને વેપાર કરતા હોય અને ચોર માણસોના ય ભગવાન હોય એ ઝડપી અને કપટી તો હોવાના જ. રોમન લોકોએ સૂર્યની ફરતે સૌથી ઝડપી ફરતા બુધના ગ્રહને મરક્યુરી નામ આપ્યું. ૧૪મી સદીમાં મર્ક્યુરિઅલ શબ્દ ઇંગ્લિશ ભાષામાં શામેલ થયો. મર્ક્યુરિઅલ એ વ્યક્તિની વર્તણુંક દર્શાવે છે, એનો બાહરી દેખાવ કે બદલાવ નહીં. મર્ક્યુરિઅલ વ્યક્તિ વાક્પટુતામાં માહેર હોય, લહેરી પણ હોય. મૂડ ક્યારે કેવો બદલાય, એ ક્યારે ગરજે, એ ક્યારે વરસે- કાંઈ નક્કી નહીં. જેમ કે મારો સાહેબ મર્ક્યુરિઅલ છે એટલે બધા કર્મચારીઓ એનાથી બીવે છે. આમ સારો પણ એનું કાંઈ નક્કી નઈં. અકડુ હોય, સ્વચ્છંદી હોય, ડિંગ મારે- એવા અર્થ નીકળે. જો કે આ શબ્દ કાયમ નકારાત્મક અર્થમાં હોતો નથી. જીવંત અને પ્રફુલ્લિત વ્યક્તિ માટે પણ આ શબ્દ વપરાય છે. 

મોદીસાહેબ માટે યક્ષ પ્રશ્ન છે. ઈશ્કે મિજાજી તો છે પણ આ ટ્રમ્પના ટેરિફ ટેન્ટ્રમ(ક્રોધાવેશ)નું શું કરવું?  શાંત રહેવું, સુસંગત રહેવું, સીમારેખા તય કરી દેવી કે બસ, અહીં સુધી. પછી નહીં. બાકી દુનિયામાં અન્ય દેશો પણ છે જેમ કે રશિયા, ચીન, બ્રાઝિલ. આપણી પ્રતિક્રિયા દેતી વેળા સંભાળવું. મર્ક્યુરિઅલ વ્યક્તિ સામે કોઈ પણ પ્રતિક્રિયા ન આપવી એ એક સારી વ્યૂહરચના છે. મર્ક્યુરિઅલ વ્યક્તિને કંટ્રોલ ન કરી શકાય. પણ એની ઉપર પ્રભાવ ચોક્કસ પાડી શકાય. એને સાંભળવો પણ આપણે સંભાળવું. ઠીક ન લાગે તો અને ત્યાં, સહમત ન થવું. ન જ થવું. કવિ હેમેન શાહ કહે છે તેમ : મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. મોદીસાહેબ એ જ તો કરી રહ્યા છે.

અમેરિકન નાટયકાર ટેનસી વિલિયમ્સ કહેતા કે દુનિયા વાયોલન્ટ છે અને મર્ક્યુરિઅલ છે. એ તમારી સાથે મનમાની તો કરશે જ. એક માત્ર પ્રેમ છે જે આપણને બચાવશે. એ પ્રેમ જે આપણે કલા સ્વરૂપે વહેંચીએ છીએ. એક લેખક તરીકે, એક ચિત્રકાર તરીકે, એક વાલી તરીકે, એક મિત્ર તરીકે. અને ટ્રમ્પ -મોદી, માય ફ્રેન્ડ- એવું તો કહે જ છે. પણ મર્ક્યુરિઅલ માણસનો શો ભરોસો? 

શબ્દશેષ 

મિત્રથી બહેતર બીજું કોઈ નથી સિવાય કે એ મિત્ર જેની પાસે ચોકલેટ હોય.  - લેખિકા લિન્ડા ગ્રેસન