Get The App

ગ્રે ડિવોર્સ : આધેડ ઉંમરે છૂટાછેડા .

Updated: Jul 23rd, 2024

GS TEAM


Google News
Google News
ગ્રે ડિવોર્સ : આધેડ ઉંમરે છૂટાછેડા                      . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- 65 વર્ષે ડિવોર્સની સંખ્યા તો ત્રણ ગણી થઈ ચૂકી છે. આ ડિવોર્સનાં પ્રોબ્લેમ્સ થોડા અલગ છે

તું અમેરિકન પત્નીની જેમ

મને છોડીને ચાલી તો ન ગઈ

તેં મને

અનેક મનુષ્યોની વચ્ચે

વકીલોના સહારે

કોર્ટમાં બદનામ પણ ન કર્યો

ન તો ક્યારેય આક્રોશ કર્યો

ન ફરિયાદ કરી

માત્ર એક દિવસ વાતવાતમાં

તું આટલું બોલી ગઈ -

'આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !' 

- વિપિન પરીખ

ભવ ભવનાં સંબંધ પળમાં તૂટી જાય છે. કારણ તો રામ પણ ન જાણે.  દેવપોઢી એકાદશી  બેસી ગઇ છે. લગ્ન તો હવે થાય નહીં.  હા, ડિવોર્સ વિષેનાં બે સમાચાર ગયા અઠવાડિયે અમને વાંચવા મળ્યા. 'હિન્દુસ્તાન ટાઈમ્સ' અનુસાર જમ્મુ અને કાશ્મીર-નાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડા મંજૂર રાખવા ગુહાર લગાવી છે. એ પહેલી નજરનો પ્રેમ હતો કે તેઓએ લશ્કરનાં મેજર જનરલની દીકરી પાયલ નાથ સાથે ૧૯૯૪માં લગ્ન કર્યા. બે દીકરાઓ ઝમીર અને ઝહીરનો જન્મ થયો. પણ ઓમર અને પાયલ ૨૦૦૯થી અલગ રહે છે. ૫૪ વર્ષનાં ઓમરને લગ્ન બંધનમાંથી છૂટા થવું છે પણ ૪૬ વર્ષની પાયલ ના પાડે છે. હવે સુપ્રીમ કોર્ટ જે કરે તે ખરું. એક અન્ય સમાચાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયા છે. રેખા અને રાઘવ સુબ્રમણ્યમ બંને બાળપણનાં પ્રેમીઓ. એક જ વિસ્તારમાં રહે. બંનેનાં કુટુંબનાં સભ્યો પણ એકમેકને સારી રીતે ઓળખે. એક જ સ્કૂલમાં ભણીને બંને મોટા થયા અને પાંચ વર્ષનાં અંતરંગ મેળમેળાપ પછી પરણી ગયા. લાંબા લગ્ન જીવન પછી અત્યારે રાઘવની ઉંમર બાવન વર્ષ છે અને રેખા પચાસ વર્ષની છે ત્યારે છૂટાછેડા લેવાની કાર્યવાહી ગતિમાં છે. એવું કહેવાય છે કે  સામાન્ય રીતે લગ્ન સાત વર્ષ ચાલે તો પછી ટકી જવાની શક્યતા વધી જાય છે. પણ પચાસ વર્ષની પાકટ વયે છૂટાછેડા? આવા કિસ્સા આજકાલ સામાન્ય બની ગયા છે. છૂટાછેડામાં  ઉંમરનો કોઈ બાધ નથી. આ સમાચારમાંથી અમને શબ્દ મળ્યો : ગ્રે ડિવોર્સ (Grey Divorce).  

ગુજરાતી લેક્સિકન અનુસાર 'ડિવોર્સ' એટલે લગ્નવિચ્છેદ, તલાક, ફારગતી કે છૂટાછેડા, છૂટા પાડવું કે પડવું તે, લગ્નવિચ્છેદથી જુદા પડવું, લગ્નનો અંત આણવો, વસ્તુને એકબીજીથી છૂટી પાડવી. ઇંગ્લિશ શબ્દ 'ડિવોર્સ' મૂળ લેટિન શબ્દ 'ડિવોર્ટિયમ' પરથી આવ્યો છે. અલગ થવું. જુદા થવું. ઊલટી દિશામાં ચાલી નીકળવું. ઇંગ્લિશ શબ્દ ડાઈવર્ટ (Divert) પણ આ જ લેટિન શબ્દ પરથી આવ્યો છે. અને 'ગ્રે' શબ્દ તો આપણે જાણીએ છીએ.  'ગ્રે' એટલે રાખ કે સીસાના રંગનું, વાદળાંથી છવાયેલું, ઉત્સાહહીન, ઘડપણને લીધે સફેદ થતું, અનામિક, નનામું, ઓળખાણ વિનાનું, રાખોડી રંગનું, રંગ કે રંગદ્રવ્ય કપડાં ઇ. કાબરો રંગનો ઘોડો કે ભૂખરા રંગનું બનાવવું કે થવું, રાખડિયો ઘોડો, ઠંડું ધૂંધળાપણું. ઉપરોક્ત અર્થો પૈકી વધતી જતી ઉંમરે સફેદી આવે એ અર્થમાં આધેડ વયે જે છૂટાછેડા થાય, એ ગ્રે ડિવોર્સ કહેવાય છે.  સને ૧૯૯૦ની સરખામણીમાં ગ્રે ડિવોર્સની સંખ્યા બેવડી થઈ ચૂકી છે. એમાં પણ ૬૫ વર્ષે ડિવોર્સની સંખ્યા તો ત્રણ ગણી થઈ ચૂકી છે. આ ડિવોર્સનાં પ્રોબ્લેમ્સ થોડા અલગ છે. રીટાયરમેન્ટ માટે જે પ્લાનિંગ કર્યું હોય એ સઘળું ખોરવાઇ જાય છે. સંતાનો મોટા થઈ ગયા હોય, સંતાનોને ત્યાં પણ સંતાનો હોય ત્યારે માબાપનાં છૂટાછેડાની અવળી અસર કુંટુંબ ઉપર પડે છે. એટલે સુધી કે આ જોઈને અત્યારની પેઢી હવે લગ્ન કરવા જ માંગતી નથી. લિવ-ઈન રીલેશનશીપથી કામ ચાલી જાય છે. ધોળામાં ધૂળ એટલે ઘરડે ઘડપણ ફજેતી. પણ આજકાલ ગ્રે ડિવોર્સ હકીકત છે. 

આવું કેમ થાય છે? વાત જાણે એમ છે કે શરૂ શરૂમાં જ સમજાઈ ગયું હોય કે અમારી વચ્ચે મેળ નથી. તમે રે ચંપો ને અમે કેળ, ક્યાંથી ખાય આપણો મેળ?! પણ છોકરાઓ મોટા થઈને ઠેકાણે પડે ત્યાં સુધી ચલાવી લેવા મજબૂર છે. થોડું એવું પણ છે કે જિંદગી પણ સાવ ટૂંકી નથી. ૧૦૨ નોટઆઉટનું લક્ષ્ય હોય તો આશા જીવંત રહે કે ગ્રે ડિવોર્સ પછી પણ જિંદગીમાં ફરી રોનક આવી શકે. મોટી ઉંમરે અન્ય પાત્ર સાથે લફરું થવું પણ નવાઈની વાત નથી. ફિલ્મ સ્ટાર્સનાં જીવનમાં આવું બનવું સામાન્ય છે. આપણે ફિલ્મ સ્ટારની બેવફાઈની કૉપી કરીએ છીએ. વ્યસન પણ ક્યારેક એટલું વધી જાય કે જીવન સાથી  કહી ઊઠે કે ઇનફ ઈઝ ઇનફ. 'જતુ કરવું' અને 'માફ કરવું'- આપણે ભૂલતા જઈએ છીએ. અથવા એમ કે બહુ જતુ કર્યું, બહુ માફ કર્યું -હવે નહીં. સામી વ્યક્તિની ભૂતકાળની ભૂલ ભૂલાતી નથી. તેરે મેરે સપને-માં તેરે આધે થે ઔર મેરે તો હજી અધૂરે રહ ગયે હૈ!-એવી ફીલિંગ પણ રહે છે.  તિરસ્કાર, ટીકા, ફરિયાદ અને અબોલા આવનાર ગ્રે ડિવોર્સનાં લક્ષણો છે. 

ના, આ સારી વાત નથી. આ ટ્રેજડી છે પણ સાથે રહેવું ય ટ્રેજડી હોય તો? ખૂબ તકલીફ હોય તો છેડા છૂટા કરવા પણ .. દોસ્તી કાયમ રાખવી. એક ટીમ તરીકે કામ કરતાં રહેવું. એક બીજાનાં પૂરક બની રહેવું. હરવું ફરવું. એક મેકની તારીફ પે તારીફ, તારીફ પે તારીફ.  ખબર હોય કે આ વખાણ ખોટા છે પણ વખાણ તો ગમે, હોં! ખુશામત તો ખુદાને ય પ્યારી! એવો પ્રોગ્રામ પણ ઘડતા રહેવું કે જેમાં અલ્લો 'ને અલ્લી જ હોય, ત્રીજું નઈં. તમે કહેશો કે આ કાંઈ ડિવોર્સ થોડા કહેવાય? કહેવાય. શાયર, પટકથા લેખક જાવેદ અખ્તર સાહેબનો જ દાખલો લો! અમેરિકન પત્રકાર, લેખિકા નોરા એફ્રોન કહી ગયા હતા કે લગ્ન તો આવે ને જાય પણ ડિવોર્સ સર્વકાલીન છે! 

શબ્દ શેષ

'ડિવોર્સ તો સ્વર્ગમાં જ નક્કી થઈ જતા હોય છે.'- ઓસ્કાર વાઇલ્ડ 

Tags :