- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- એ જરૂરી નથી કે પ્રૉપગૅન્ડામાં જે માહિતીનો પ્રચાર પ્રસાર થાય છે એ ખોટી જ હોય. સાચી અને સારી પણ હોઇ શકે.
શું સાંજ શું સવાર અમે ચાલતા રહ્યા, કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.
- રાઝ નવસારવી
એક રાઝની વાત કહું? ચાલો નહીં, તો ચાલે. પણ ચાલીએ છીએ- એવો પ્રચાર જરૂરી છે. 'ધુરંધર' ફિલ્મ ધૂમ મચાવી રહી છે. જે એ કહે છે કે આ પોલિટિકલ ફિલ્મ છે, પ્રૉપગૅન્ડા ફિલ્મ છે એનું તો આવી જ બને છે. ફિલ્મને પ્રૉપગૅન્ડા કહેનારાઓના ઓનલાઈન ટ્રોલિંગ થાય છે. વરિષ્ઠ ફિલ્મ આલોચક અનુપમા ચોપરાએ ફિલ્મ 'ધુરંધર'ને થકાઉ, નિષ્ઠુર અને ઉન્માદી જાસૂસી થ્રિલર ઠરાવી તો ખરી પણ... એમની આ વાત સામે નેટિઝન્સનો એટલો જુવાળ ઊઠયો કે વાત ન પૂછો. પરેશ રાવલે અનુપમાને મિસ ઈરીલેવન્ટ (અપ્રસ્તુત)ની ઉપમા દઈ દીધી. આખરે આ રીવ્યૂ વિડીયો ઇન્ટરનેટ પરથી હટાવી લેવો પડયો. રિતિક રોશને તો ફિલ્મનાં અપાર વખાણ કર્યા પણ શરૂઆતમાં એવું ય કહ્યું કે ફિલ્મના રાજકારણ સાથે એ પોતે અસહમત હોઈ શકે છે. તો આવું કહેવા બદલ એની ટીકા થઇ. કોઈકે રિતિકની ફિલ્મ 'જોધા અકબર'ને ટાંકીને લખ્યું કે આ સસ્તો અકબર ધુરંધરને પ્રૉપગૅન્ડા ફિલ્મ કહે છે, લો બોલો! ફિલ્મમેકર સંજય ગુપ્તાએ તો -પોતે પ્રૉપગૅન્ડા બુલ*ટમાં માનતો નથી- એવો ઉલ્લેખ માત્ર કર્યો, એમાં તો એની ઉપર પસ્તાળ પડી. પણ સાહેબ, આપણે તો જાણીએ છીએ કે ફિલ્મ તો ફિલ્મ હોય છે. એક કલાત્મક અભિવ્યક્તિ. એમાં કોઈ એજન્ડા કે પ્રૉપગૅન્ડા હોતો નથી. નથી. સામાન્ય રીતે હોતો નથી. કામયાબી, કીર્તિ અને કમાણી કરવા સિવાય ફિલ્મનો બીજો કોઈ હેતુ હોતો નથી. જો કે 'એનિમલ ફાર્મ' અને '૧૯૮૪' જેવી પથપ્રવર્તક નવલકથાઓનાં લેખક જ્યોર્જ ઓર્વેલ કહેતા કે દરેક કલા એક પ્રૉપગૅન્ડા હોય છે (ઓહો!) પણ દરેક પ્રૉપગૅન્ડા કલા હોતી નથી (તો ઠીક!). આપણે અલબત્ત શબ્દ પ્રૉપગૅન્ડા (Propaganda)ની વાત આજે કહેવી છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'પ્રૉપગૅન્ડા' એટલે સિદ્ધાંત કે માહિતીના પ્રચારનું સાધન, પ્રચાર દ્વારા ફેલાવેલી ભ્રામક માહિતી, જાહેરખબર. પ્રૉપગૅન્ડા એટલે અધિપ્રચાર. જાણીબૂઝીને એક ચોક્કસ વિચાર, હકીકત કે દોષારોપણનું જનસમુદાયના દિમાગમાં પ્રત્યારોપણ કરવાની વાત અહીં છે. લેટિન મૂળ શબ્દ 'પ્રાપગૅર' એટલે ફેલાવ, વિસ્તરાવ કે ઉપજ. કોઈ વાત કે વિચારધારાને ફેલાવવા માટે જે કાંઇ પણ કરવું પડે એ કહેવાય પ્રૉપગૅન્ડા. સત્તરમી સદીમાં આ શબ્દ માત્ર કેથોલિક ખ્રિસ્તી ધર્મના ફેલાવ પૂરતો મર્યાદિત હતો. અઢારમી સદીમાં આનો અર્થ ધર્મ નિરપેક્ષ (સેક્યુલર) થયો. એમ કે કોઈ પણ સંસ્થા કે સંગઠન પોતાની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરવા જે કાંઇ પણ કરે એ પ્રૉપગૅન્ડા. અહીં સુધી શબ્દનો અર્થ પોઝિટિવ રહ્યો. પરંતુ તે પછી ઓગણીસમી અને વીસમી સદીમાં આ શબ્દનો અર્થ નેગેટિવ થઈ ગયો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન રાજકીય હેતુ બર આવે એ માટે જાણી જોઈને કરવામાં આવતો ભ્રામક, પક્ષપાતી અને જૂઠો પ્રચાર પ્રૉપગૅન્ડા કહેવાયો. યુદ્ધ દરમ્યાન શાસન કરતી સરકાર તરફથી ખૂબ મોટા પાયે એકતરફી માહિતી આવતી જ રહે. લોકો સાવ મૂરખ તો નથી. તેઓને માહિતી વિશે શંકા પડે. અને એને કારણે પ્રૉપગૅન્ડા શબ્દ જબરજસ્ત નકારાત્મક અર્થમાં તબદીલ થઇ ગયો છે. પ્રૉપગૅન્ડા એટલે ખોટી વાત જે લોકોના મનમાં ઠસાવી દેવામાં આવે. જો કે એ જરૂરી નથી કે પ્રૉપગૅન્ડામાં જે માહિતીનો પ્રચાર પ્રસાર થાય છે એ ખોટી જ હોય. સાચી અને સારી પણ હોઇ શકે. જેમ કે હાથ સાબુથી ધોવા કે રસીકરણની અગત્યતાનો પ્રૉપગૅન્ડા. પણ એનું લક્ષ્ય એક જ હોય છે. વ્યક્તિ વ્યક્તિને પોતાના દિમાગથી કશું ય વિચારવાની છૂટ નહીં. અમે કહીએ છીએ એ જ સાચું. એને જ માનવું પડે. કારણ કે એમાં જ બધાનું હિત છે. વ્યક્તિની લાગણીઓ જેવી કે ડર, ગર્વ કે ગુસ્સો આવે એવી વાત પ્રૉપગૅન્ડામાં હોય છે. આંતકવાદી ઘટના ઘટે ત્યારે ડર તો લાગે, 'ઓપરેશન સિંદૂર' જેવી વળતી કાર્યવાહી થાય ત્યારે આપણને ભારતીય સેના ઉપર ગર્વ પણ થાય અને આતંકવાદી પ્રવૃત્તિઓ કર્તાહર્તા સમાહર્તા એવા પાકિસ્તાન ઉપર ગુસ્સો પણ આવે. પ્રૉપગૅન્ડામાં એક વાત મહત્વની છે. અહીં વિરોધી વિચારધારાને કોઈ અવકાશ નથી. પ્રૉપગૅન્ડામાં એક જ વિચાર કે એક જ સ્લોગનનું પુનરાવર્તન થતું રહે છે. હાઉ ઈઝ ધ જોશ? લોકોને જાણીતું લાગે અને એટલે પ્રૉપગૅન્ડા સાચો છે એવું માનવામાં સરળતા રહે. સિમ્બોલ કે કલર્સ પણ એટલા જ ઉપયોગી સાબિત થાય. સિંદૂરનો સિમ્બોલ અને તિરંગાના રંગ. આપણે દેશભક્તિના રંગે રંગાઈ જઈએ. અને એ અલબત્ત સારી વાત છે. કેટલાંક કહેવાતા બૌદ્ધિકો ગાજરની પિપૂડી વગાડવાની કોશિશ કરે તો છે. પણ અવિરત પ્રૉપગૅન્ડા સામે એનો અવાજનું સૂરસરિયું થઈ જાય છે. તેઓને હવે ગાજર ખાધે જ છૂટકો! પ્રૉપગૅન્ડા રાજકારણ, એડવર્ટાઈઝમેન્ટ અને સામાજિક ચળવળ માટે વપરાય છે. ઓપરેશન સિંદૂરથી થયેલી તબાહી પછી પણ પાકિસ્તાન યુદ્ધ જીત્યાનો પ્રૉપગૅન્ડા કરતાં ફરે છે. આસીમ મુનિર ફિલ્ડમાર્શલ બની જાય છે. પાકિસ્તાની આવામની હાલત અને હાલાત ખસ્તા છે. પાકિસ્તાની પ્રૉપગૅન્ડા એટલે માંદા પણ તંગડી ઊંચી! આપણે કાઉન્ટર પ્રૉપગૅન્ડા કરવો જ રહ્યો.
જમાનો સોશિયલ મીડિયાનો છે. પહેલાં ઉપરથી નીચે કેન્દ્રીકૃત પ્રાપગન્ડા થતો હતો. હવે પ્રૉપગૅન્ડાનું વિકેન્દ્રીકરણ થયું છે. પ્રૉપગૅન્ડા પણ અલ્ગોરીધમ સંચાલિત અને પરસ્પર સંવાદાત્મક (ઇન્ટરેક્ટિવ) બન્યો છે. આપણી બધી જ માહિતી તેઓ પાસે છે. આપણને માઇક્રોટાર્ગેટ કરી શકાય છે. માટે કહું છું, જાણકાર બનીએ, સુરક્ષિત રહીએ!
'ધુરંધર' પ્રૉપગૅન્ડા છે તો છે. દેશભક્તિ પ્રૉપગૅન્ડા છે તો છે. સાંપ્રત સમય કપરો છે. વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ છે. આતંકવાદ સળંગ અને સર્વત્ર છે. ટેરિફ ટેરરિઝમનો જ એક પ્રકાર છે. એક નહીં અનેક ધુરંધર જોઈશે. 'ધુરી' એટલે લક્ષ્ય અને 'રંધ્ર' એટલે કામમાં સમર્પિત હોવું તે. ધુરંધર પ્રૉપગૅન્ડાનો કોઈ વિકલ્પ નથી. શરતો લાગુ.
શબ્દશેષ : 'લોકશાહીમાં પ્રૉપગૅન્ડાનો ઉપયોગ એ જ છે, જે ઉપયોગ સરમુખત્યારશાહીમાં હિંસાનો હોય છે.'
- વિલિયમ બ્લુમ


