- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ધારો કે આમ થયું હોત તો? અને ધારો કે તેમ થયું હોત તો? જેવા પેચીદા પ્રશ્નો સરવાળે અસાધ્ય હોય છે
हुर्ई मुद्दत कि गालिबस्त्र मर गया पर याद आता है
वो हर इक बात पर कहना कि यूं होता तो क्या होता
- मिर्जा गालिब
હા ર્યા. અથવા એમ કહો કે જીતી ન શક્યા. લોર્ડસ ટેસ્ટ. સિરાજે બરાબર ડીફેન્ડ તો કર્યો પણ નીચે પડેલો દડો ચકરી ખાઈને સ્ટમ્પને અડયો અને બેઇલ્સ ગબડી. ઈએસપીએનના સમાચારનું શીર્ષક હતું : ઈન્ડિયા પોન્ડર્સ 'વ્હોટ ઈફ્સ' આફ્ટર લોર્ડ્સ હાર્ટબ્રેક. લોર્ડ્સની દિલતોડ હાર પછી ભારતે 'વ્હોટ ઇફ્સ' (What ifs) પર મનન કર્યું. જીતની તક હતી. સોફ્ટ ડયુક બોલ, ડેડ પિચ, ઇંડિયન ફેન્સ ક્રાઉડ. પૂછડિયાં ખેલાડીઓ સાથે રમતા રવીન્દ્ર જાડેજાએ આક્રમક રમ્યો હોત તો? પંત રનઆઉટ ન થયો હોત તો? ચોથા દિવસે ભારતનો સ્કોર ૪૧/૧ હતો એ અંતે ૫૮/૪ ન થયો હોત તો? ટોપ ઓર્ડર બેટ્સમેન જયસ્વાલ, નાયર અને ગીલ સસ્તામાં ન આઉટ થયા હોત તો? આખરી દિવસે બેટિંગ કરવી અઘરી હોય છે ત્યારે ભારતે પહેલી ઇનિંગમાં જ લીડ લીધી હોત તો? યૂં હોતા તો ક્યા હોતા?!!
જીવનમાં અનેક અનિશ્ચિતતા છે, સંદેહ કે શંકા પણ છે. વ્યગ્રતા, બેચેની કે ઈંતેજારી પણ છે. અને ત્યારે આવો કાલ્પનિક સવાલ આપણે આપણી જાતને પૂછીએ છીએ. જો આવું થયું હોત તો? અથવા આવું થશે તો? તુમ હોતી તો ઐસા હોતા, તુમ હોતી તો વૈસા હોતા, તુમ ઇસ બાત પે હૈરાન હોતી, તુમ ઇસ બાતપે કિતની હસતી વગેરે વગેરે અનેક સિલસિલાત્મક સવાલોની સિચ્યુએશન્સ. દિનેશ કાર્તિકે સ્કાય સ્પોર્ટ્સ પર કીધું કે સ્ટમ્પ્સ ઉપરની બેઇલ્સ જો ઝિંગર હોત તો હળવેથી સ્ટમ્પ્સને અડેલા દડાથી એ પડી ન જાત અને મોહમ્મદ સિરાજ આઉટ ન થાત. ક્રિકેટ નેક્સ્ટ પર અનિલ કુંબલેએ કહ્યું કે રવીન્દ્ર જાડેજાએ થોડું જોખમ લઈને ચોગ્ગા છગ્ગા મારવાની જરૂર હતી. પૂછડિયાં ખેલાડીઓ સાથે એ ઠચૂક ઠચૂક રમ્યો એટલે હાર્યા. આ ટીપ્પણીઓ ભૂતકાળની ઘટનાના વિવરણમાં માટે હતી. ભવિષ્યકાળની ઘટના માટે પણ પૂર્વમાનિત કે સંભાવ્ય સવાલો હોઈ શકે. જેમ કે આગામી ટેસ્ટ મેચમાં ત્રીજા ક્રમે બેટિંગ માટે કરૂણ નાયરને ચાલુ રાખવો કે પછી સાંઇ સુદર્શનને પાછો બોલાવવો?
શું 'વ્હોટ ઇફ્સ' સવાલો પૂછવા સારી વાત છે? તો એનો ઉત્તર એ કે એ સારું પણ છે અને ખરાબ પણ. કૂટપ્રશ્નનો ઉકેલ શોધવામાં 'વ્હોટ ઇફ્સ' મદદ કરે છે. પ્રેમના ઇઝહારથી મોટો બીજો કયો કૂટપ્રશ્ન હોઇ શકે? ફિલ્મ 'રંગીલા'નું ગીત યાદ છે? ક્યા કરે યા ના કરે, યે કૈસી મુશ્કિલ હાય, કોઈ તો બતા દે ઉસકા હલ ઓ મેરે ભાઈ! મુન્ના(આમીર ખાન)એ મિલી જોશી(ઊર્મિલા માતોન્ડકર)ને કહી દેવું છે કે પ્રેમ છે, પણ એવું કહેતા એ ડરે છે. ફિરભી કહા નહીં, વજાહ ઇનકી હૈ વહી, બસ ઇનકાર સે હમકો થા ડર.. બસ આખી ફિલ્મ આ વ્હોટ ઇફ્સ પર જ ચાલે છે! આવું જ ઇન્વેસ્ટમેન્ટમાં હોઈ શકે. પૈસા છે. રોકાણ કરવું છે. ફાયદો શેમાં છે? મિચ્યુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝિટ કે પછી ગોલ્ડ? ભવિષ્યમાં શું થશે એના કાલ્પનિક વિકલ્પો કે શક્યતાઓ. શું સહી છે?- એ જોઈ સમજી તપાસીને નિર્ણય લઈએ તો લાભ થાય. હા, પણ વ્હોટ ઇફ્સ સવાલોનો અતિરેક ચિંતા કરાવે. વિમાનમાં યાત્રા કરવાનું વિચારીએ અને વિચારીએ કે પાઈલોટે ક્યાંક ફ્યુઅલ વાલ્વ બંધ કરી દીધો હશે તો? આ તો કાલ્પનિક સવાલ અને શક્યતા પણ નહીંવત પણ.. વધારે પડતાં 'વ્હોટ ઇફ્સ' માનસિક બીમારી નોતરે. વ્હોટ ઇફ્સ ક્યારેક અફસોસમાં પરિણમે. કલાપીએ લખ્યું કે 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.' પથરો વાગે છે પણ પંખી બચી જાય છે. કવિ આનંદ થાય છે, જો કે અફસોસ પણ થાય છે કે હવે ફરી કદી પાસ મ્હારી ન આવે. પથરો ન ફેંક્યો હોત તો અફસોસ ન થાત. સંગીતમાં રસ ધરાવતી વ્યક્તિને ઘર ચલાવવા કારકૂનની નોકરી કરવી પડે પણ એને થાય તો ખરું કે મેં કલા સાધના કર્યે રાખી હોત તો.. વ્હોટ ઇફ્સ. તો હું પંડિત રવિશંકર હોત. અરે ભાઈ! જે છે તે છે. આમ થયું હોત તો? અને તેમ થતું હોત તો?- આપણને દુ:ખી કરી નાંખે છે. ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? કવિ શ્રી જગદીશ જોષીની અમર રચના. આ વ્હોટ ઇફ્સ છે. આપણે આખું જીવન મળેલાં જ રહીએ એ આ પ્રશ્નનો પોઝિટિવ ઉકેલ છે. અને ન મળીએ તો જીવનભરની વિરહ વેદના છે જ. અમે માનીએ છીએ કે ધારો કે આમ થયું હોત તો? અને ધારો કે તેમ થયું હોત તો? જેવા પેચીદા પ્રશ્નો સરવાળે અસાધ્ય હોય છે.
વ્હોટ ઇફ્સ મૂંઝવે તો શું કરવું? જે આપણાં કંટ્રોલમાં હોય એની પર ધ્યાન કેન્દ્રિત કરવું. બાકી ડીફેન્ડ કરેલો દડો સ્ટમ્પને ધરાર અડી જ જાય તો કોઈ શું કરી શકે? ખરાબ થઈ થઈને શું થશે? અરે ભાઈ, હાર્યા પણ બે ટેસ્ટ મેચ હજી બાકી હૈ મેરે દોસ્ત! નેગેટિવ વિચારને ચેલેન્જ કરો. મિત્રો, સગાઓ, કોચ કે ચિકિત્સકની મદદ લો. તેઓ એને માટે જ છે. એક સરસ શબ્દ છે માઇન્ડફુલનેસ. અત્યારે કરવાનું છે એની ઉપર જ માઇન્ડ કેન્દ્રિત કરો. અત્યારે સિરાજે નેટ પ્રેક્ટિસ કરવાની છે. જો ચલા ગયા ઉસે ભૂલ જા. દરેક વ્યક્તિના કોઈ ને કોઈ સિદ્ધાંત હોય છે. એ કરવું જે આપણાં સિદ્ધાંત સાથે સુસંગત હોય. બાકી હરિ હરિ!
શબ્દ શેષ
'ઓત્તારી'નો ઉાર વ્હોટ ઇફ્સના સવાલ કરતાં સારો.'
- અજ્ઞાત


