Get The App

વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રેક્શન : મોટે પાયે ધ્યાન વિચલન કરવાના હથિયાર

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રેક્શન : મોટે પાયે ધ્યાન વિચલન કરવાના હથિયાર 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- આ આપણું લાક્ષાગૃહ છે, આપણે રચ્યું છે, ધ્યાન ભટકાઇ જાય છે અને પાછા વળવું.. ખૂબ અઘરું છે

અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર

હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.                                                                                                     

- મનોજ ખંડેરિયા

'ધ હિંદુ' અખબારના સમાચાર અનુસાર, કોંગ્રેસે આક્ષેપ કર્યો  કે સાંસદની સીટ્સ વધારવાની કેન્દ્ર સરકારની દરખાસ્ત ઉર્ફે ડીલિમિટેશન પ્રપોઝલ વેપન ઓફ માસ ડિસ્ટ્રેક્શન (Weapons of Mass Distraction) છે. બધા રાજ્યની સીટ્સ વધશે પણ વધારે વસ્તીવાળા મોટા રાજ્યોની સીટ્સ વધારે વધશે. કોંગ્રેસના મતે અત્યારે અન્ય રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે રાજકીય  ફાયદો મેળવવા મહિલા આરક્ષણનાં ઓઠાં હેઠળ ડીલિમિટેશનના બહાને ભાજપા લોકોને ગુમરાહ કરી રહ્યો છે. અમને થયું કે વસ્તી પ્રમાણે સીટ્સ વધે એમાં વાંધો શું છે? પણ હા, બીજેપી શાસિત રાજ્યોની સીટ્સ વધે અને બિન-બીજેપી રાજ્યોની સીટ્સ ઘટશે- વાંધો આ છે. આજનો શબ્દસમૂહ જેનું શીર્ષક હતું એવા 'ઇંડિયન એક્સપ્રેસ'ના એક લેખમાં લોકોને ગુમરાહ કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ થઇ રહ્યો છે, એવો ઉલ્લેખ હતો. યસ, માનવીની પ્રાથમિક પ્રેરણા કે આવશ્યકતાઓ છે:  ભૂખશમન, સંભોગ અને સત્તા. હવે એમાં ઉમેરાયું : ખ્યાતિ.  મોબાઈલ ફોન છે દરેકની પાસે અને દરેકને થાય કે મને ય લોકો જાણે, મને ય પૂછે અને... હું ઘણાં લોકોને સાગમટે ભટકાવી દઉં! તમે જોયું કે મહિલા આરક્ષણ અંગે કેટલાં બધા પોસ્ટ્સ વાઇરલ થયા. તમે જુઓ કે આ માસ ડિસ્ટ્રેક્શન-નું હથિયાર હવે બધા પાસે છે. અને આ અન્યમનસ્કતા ક્યારેક ક્યારેક આવે છે, એવું નથી. એ છાશવારે આવે છે. અને ક્યારેક તો આપણે કાયમી રીતે વિકર્ષિત થઇ જઈએ છીએ. આ આપણું લાક્ષાગૃહ છે, આપણે રચ્યું છે, ધ્યાન ભટકાઇ જાય છે અને પાછા વળવું.. ખૂબ અઘરું છે. 

'વેપન્સ' એટલે હથિયાર, શસ્ત્ર કે આયુધ. 'માસ' એટલે મોટો જન સમૂહ કે સમુદાય. 'ડિસ્ટ્રેક્શન' એટલે ચિત્તક્ષોભકારક વસ્તુ, વિક્ષેપ, ખલેલ, બેધ્યાનપણું, મનની મૂંઝવણ, ધ્યાનમાં ખલેલ, વ્યગ્રતા. વિકર્ષણ કે ધ્યાન બીજે ભટકાવી દેવાની પેરવી. આમ તો અહિંસક લાગે પણ આ ખેલ ખતરનાક છે. આપણા વિચારોની ગાડી આડે પાટે ચઢાવી દેવી, આપણને સાચી સમસ્યા ભૂલવાડી દેવી અને વ્યર્થ ચર્ચાને ચકડોળે ચઢાવી દેવા, આપણને અન્યમનસ્ક બનાવી દેવા. અને એ પણ સાગમટે. 'સાગમટું' એટલે સકુટુંબ. હવે જો આખી વસુધાને આપણે કુટુંબ કહેતા હોઈએ તો દેશ અને દુનિયાને, તમામને સાગમટે આડે અવળે રસ્તે ચઢાવી દેવાની પેરવી કરવાના હથિયાર એટલે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રેક્શન. આમ તો મૂળ રાજકીય અને લશ્કરી શબ્દસમૂહ હતો : 'વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન' (Destruction). 'ડિસ્ટ્રક્શન'નો અર્થ થાય : 'નાશ કરવો કે થવો તે, વિનાશ, નિકંદન, ઉપઘાત, પ્રલય'. અણુબોમ્બ, રાસાયણિક હથિયાર વગેરે કે જેનાથી અનેક લોકો મરે, ઘાયલ થાય અને જેની ઘાતક અસર લાંબા સમય સુધી રહે. હવે તો જૈવિક હથિયાર પણ આવી ગયા છે. બેક્ટેરિયા, વાયરસ, ટોક્સિન વગેરે. પણ આજે એનો શબ્દશ્લેષ 'વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રેક્શન'ની વાત કહેવી છે. ઓરિજિનલ શબ્દ સને ૧૯૩૭ની સ્પેનિશ વૉર સમયે આકાશી બૉમ્બવર્ષાના રેફરન્સમાં ચર્ચામાં આવ્યા હતો. જ્યારે સને ૧૯૯૨માં અમેરિકી ન્યૂઝ ચેનલ સીબીએસ વ્યંગમાં લોકોનું સામૂહિક ધ્યાન અન્યત્ર વળવાનું સંસાધન તરીકે જાણીતું થયું. સને ૨૦૦૩માં અમેરિકા ઇરાક યુદ્ધ દરમ્યાન તત્કાલીન અમેરિકી પ્રેસિડન્ટ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ સરકાર સામે ટીકાકારો અને વ્યંગકારોએ આ શબ્દસમૂહનો ઉપયોગ કર્યો. એમ કે અમેરિકાના પોતાના દેશના લોકોના ઘણાં રોજબરોજનાં પ્રોબ્લેમ્સ હતા. તે સમય આર્થિક મંદીનો હતો. એનરોન અને વર્લ્ડકોમના ગોટાળાં, બેરોજગારીમાં વધારો અને આર્થિક માર્કેટનું તૂટી જવું- વગેરે હતા પણ લોકોનું ધ્યાન અન્યત્ર જાય એ માટે યુદ્ધ કર્યું. હવે ઈરાન સામે યુદ્ધ છે એનું કારણ પણ અમેરિકાના કેટલાંક ટીકાકારોના મતે સગીર વયની બાળાઓના વૈશ્વિક યૌન તસ્કરી બાબતની એપસ્ટિન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ ૪૦૦૦ વખત આવ્યું, તે વાત અમેરિકન લોકોને ભૂલવી દેવાનો કારસો ગણાવે છે. ટ્રમ્પ અલબત્ત ઇનકાર કરી ચૂક્યા છે. 

આધુનિક યુગમાં આ એવું તકનિકી અને રાજકીય હથિયાર છે કે જેનાથી લોકોનું ધ્યાન તોડીમરોડી શકાય અથવા ભ્રામક જાણકારી કે દુષ્પ્રચાર કરીને સરકારના વ્યૂહાત્મક લક્ષ્ય સિદ્ધ કરી શકાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ જ તો કરે છે. આપણને બીઝી રાખે છે. એવું પણ થાય છે કે જે મેં એક વાર જોયું એટલે એ જ વસ્તુઓ મને દેખાડતું રહે. વૈકલ્પિક વિચારવાનું જ નહીં. જાહેર વાસ્તવિકતા ખંડિત થતી રહે તો ભલે. પછી તો જેવું એપિડેમિક એટલે રોગચાળાનું ફાટી નીકળવું થાય એવું જ ઇન્ફોડેમિક થઇ જાય.વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રેક્શન કાતિલ છે, ભાઈ! 

આપણે બચવું. સ્માર્ટ તો ફોન છે. પણ આપણે સ્માર્ટ છીએ? બિનજરૂરી નોટિફિકેશન બંધ કરવા. જે એપ મને મહત્તમ ડિસ્ટ્રેક્ટ કરે એને હું મારા હોમ સ્ક્રીન પર નહીં પણ ચોથા પેજ પર રાખું છું. 

જ્યારથી મેં ફોનનું ડિસ્પ્લે પણ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખ્યું ત્યારથી બિનજરૂરી સ્ક્રોલ કરવાની ઈચ્છા ઓછી થઇ છે. દિવસના ચોક્કસ સમયે જ ફોનને જોવાનું રાખું છું. અને કોઈ પર કોમેન્ટ કરું કે કશું શે'ર કરું તો થોડી વાર અટકું છું, વિચારું છું અને પછી જ આગળ વધું છું. ક્યારેક દસેક મિનિટ્સ સુધી કાંઇ કરતો નથી. મનને કંટાળાની પણ આદત પડવી જોઈએ! મોનોટાસ્કિંગ કરું છું. મારે ત્યાં શયનખંડ અને ભોજનખંડ નો-સ્ક્રીન ઝોન છે. મારો ફોન કોઈનું વેપન ઓફ માસ ડિસ્ટ્રેક્શન ન બને એની કાળજી મારે લેવી જ રહી. 

ધ્યાન લિમિટેડ છે. એક તરફ ધ્યાન આપવું એનો અર્થ એ કે બીજે ઘણે ધ્યાન ન આપવું. આ રાજકારણીઓ, મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ધ્યાનનાં વેપારીઓ(એટેન્શન મર્ચન્ટ્સ) છે. બહેકાવશે. બચકે રહેના રે બાબા બચકે રહેના રે!'

શબ્દ શેષ :

'ઈન્ટરનેટ એ મોટું ડિસ્ટ્રેક્શન છે.'

- અમેરિકન લેખક રે બ્રેડબ્યુરી