સસ : 'શંકાસ્પદ' માટે નવો ટૂંકો અધિકૃત શબ્દ
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઇન્ટરનેટનાં આવિષ્કાર પછી અમેરિકન બ્લેક લોકોએ પોલિસનાં શંકાસ્પદ વલણ સામે વિરોધ પ્રદર્શન અર્થે સસ શબ્દને ઓનલાઈન લોકપ્રિય બનાવ્યો
શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.
- ભગવતીકુમાર શર્મા
૩ ૭૦નો આંકડો સમાચારમાં આવે તો કાશ્મીર યાદ આવી જાય. પણ સમાચાર છે કે મેરિયમ વેબ્સટર ડિક્સનરીએ તાજેતરમાં ૩૭૦ નવા શબ્દો ઉમેર્યા. મારા જેવો કોઈ શબ્દપ્રેમી ડિક્સનરીને કોઈ એક નવીન શબ્દ ઉમેરવા કહે પણ.. ડિક્સનરી એમ મારી કોઈ વાત સાંભળે નહીં અને એમ કોઈ શબ્દ ઉમેરે પણ નહીં. નવો શબ્દ શામેલ કરવાની બે મુખ્ય શરતો હોય છે. ઘણાં બધા લોકો એ શબ્દ લખતા/બોલતા હોય એ પહેલી શરત. અને બીજી શરત એ કે એ શબ્દનો અર્થ બધાને મન એક જેવો જ થવો જોઈએ.આજકાલ જાણીતા ઓરિજિનલ શબ્દોને ટૂંકાવી દેવા આવે છે, જેને અબ્રીવિએશન (સંક્ષેપાક્ષર) કહે છે. એડવર્ટાઈઝમેન્ટને ટૂંકમાં એડ, એક્ઝામિનેશનને એક્ઝામ, ફોટોગ્રાફને ફોટો અને મેમોરેન્ડમને મેમો કહેવામાં આવે છે. આ નવીન ૩૭૦ પૈકી આજનો અમે પસંદ કરેલો શબ્દ પણ એક સંક્ષેપાક્ષર છે.
'સસ' (Sus) એ સસ્પેક્ટ (શકમંદ) અથવા સસ્પિસિયસ (સંશાયસ્પદ)નું ટૂંકું રૃપ છે. જો તેઓ મને કહે કે હું સસ છું તો એનો અર્થ તેઓ મને ખોટો, જૂઠો, ઢોંગી, નકલી અને/અથવા સંદિગ્ધ કહે છે. મારી સચ્ચાઈ કે પ્રામાણિકતા વિષે શંકા કે સંદેહ છે તેઓને. અથવા હું કાંઈ છૂપાવી રહ્યો છું, અથવા તો મારી હિલચાલ શંકાસ્પદ છે. અને એટલે હું સસ છું. અથવા કદાચ એમ કે હું ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. આમ જો કે મારો કાંઈ વાંક કે ગુનો નહોતો. હું તો નવાણિયો હતો પણ કમનસીબે આ સસપણાંનાં આરોપસર અમથો અમથો કૂટાઇ ગયો. સસ શબ્દ ઈન્ટરનેટ ઉપર ભારે પ્રચલિત છે. દા. ત. બે જણ ચેટ કરે છે. એક કહે: પેલીનાં સેન્ડલ જોયા; માટીથી ભરેલાં હતા. બીજો કહે: હા, પણ એ તો કહે છે કે એ ક્યાંય બહાર ગઈ જ નથી. એટલો પહેલો કહે: વેરી સસ! શંકાનું પ્રમાણ ઘણું વધી જાય તો એને 'મેડ સસ' કહેવાય. પણ આમ થોડી થોડી શંકા હોય પણ ખાતરી ન હોય તો એને 'કાઇન્ડા સસ' કહેવાય. એક પ્રકારનો શંકાસ્પદ માનવી. આપણાં મલકનાં માયાવી માનવી! શંકાસ્પદ તો કોઇ સાધન પણ હોઈ શકે. એટલે એમ કે સસ પીપલ (લોકો) પણ હોય અને સસ થિંગ્સ (વસ્તુઓ) પણ હોય. સસ શબ્દનો મૂળ વ્યર્થ સ્વાઇન એટલે કે ભૂંડ (જંગલી કે પાલતૂ) થતો હતો પણ આજનાં ઈન્ટરનેટ તળપદી સંક્ષેપાક્ષર 'સસ' ભલે ભૂંડ જેવા હોય પણ રીઅલ ભૂંડ સાથે એને કોઈ નહાવા કે નીચોવવાનો સંબંધ નથી.
સસ શબ્દ મૂળ પોલિસની ભાષાનો શબ્દ છે. છેક ૧૯૩૦થી ઈંગ્લેન્ડ પોલિસની પ્રચલિત બોલીનો આ શબ્દ છે. સસ માણસ એવું જો કે તેઓ નહોતા કહેતા. એટલે 'સસ'ને વિશેષણ તરીકે નહીં પણ ક્રિયાપદ તરીકે વાપરતા. એમ કે કોઈ અગત્યનો પુરાવો હાથ લાગી જાય તો -સસ આઉટ સમથિંગ- અથવા કોઇની પાસે કોઈ માહિતી ઓકાવી શકાય તો -સસિંગ આઉટ અ પર્સન- એવું કહેવાતું. આગવી ઢબે પૂછતાછ કરવી- એવો આપણી પોલિસ માટે એક છાપાળો શબ્દસમૂહ છે, બસ એ જ વાત. આજે પણ સસ શબ્દપ્રયોગ થાય છે. પણ હવે એ માત્ર ખાનગી કે છૂપી માહિતીનાં સંદર્ભે જ વપરાય છે. પહેલાં સસનો સ્પેલિંગ suss હતો હવે માત્ર sus છે. સને ૧૮૨૪માં પોલિસ ગમે તે શંકાસ્પદ લોકોની તલાશી લઈ શકે એવો કાયદો ઘડાયો જે પછીથી 'સસ લૉ' તરીકે જાણીતો બન્યો. ખાસ કરીને ધોળિયાઓનાં દેશમાં શંકા જાય કાળિયાં ઉપર અને આપણાં જેવા બદામી ચામડીવાળા લોકો ઉપર. હેં ને? આવા બધા લોકો શંકાસ્પદ ગણાવવા માંડયા. સસનાં કારણે તલાશી કરવાની પ્રક્રિયાથી કુલ ગુનાની માત્રામાં તો કોઈ ફેર પડયો નહીં. પણ આ શબ્દ રંગભેદનું કારણ બન્યો. ઇન્ટરનેટનાં આવિષ્કાર પછી અમેરિકન બ્લેક લોકોએ પોલિસનાં શંકાસ્પદ વલણ સામે વિરોધ પ્રદર્શન અર્થે સસ શબ્દને ઓનલાઈન લોકપ્રિય બનાવ્યો.
આ શબ્દ આમ તો જૂનો છે પણ લોકો દ્વારા બનતી અર્બન ડિક્સનરીમાં આ સસ્પેક્ટ કે સસ્પિસિયસનું ટૂંકું રૃપ ૨૦૦૩માં દાખલ થયું. 'સસ' શબ્દને ભાષાશાસ્ત્રીઓની વિશ્વાસુ ડિક્સનરી મેરિયમ વેબ્સ્ટરમાં શામેલ થતાં તે પછી ૧૯ વર્ષ લાગ્યા. એનું કારણ એ પણ હતું કે ૨૦૧૮માં એક વીડિયો ગેઇમ 'એમોન્ગ અસ' (આપણાંમાંથી જ કોઈ) આવી. આમ તો સાદી 'મારી નાંખો અથવા મરી જાઓ'-ની રમત. ઓનલાઈન રહીને ઘણાં ખેલાડીઓ રમી શકે એવી ટીમ રમત. એને રમાડનારાઓ એનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા લાગ્યા. ગેમમાં સ્ક્રીન ઉપર રંગીન અવકાશયાત્રીઓ આવે. આમ બધા સારા પણ થોડા એવા ય હોય જે અન્યને મારી નાંખવાની ફિરાકમાં હોય. પણ ખબર ન પડે કે કિસકો કાતિલ મૈં કહું? કિસકો મસીહા સમજૂ? પણ હા, જેની પર શંકા પડે એ 'સસ' છે એવી ચર્ચા થાય. ઘરનો જ કોઈ ઘાતકી, પણ એ છે કોણ?-એ અર્થમાં સસ શબ્દની લોકપ્રિયતા આસમાને ચઢી. આજે આ ગેઇમનાં ત્રીસ લાખ ખેલાડીઓ નિયમિત સસ સસ કરે છે! ટેસ્લા કારનાં નિર્માતા એલન મસ્ક દ્વારા સને ૨૦૧૮માં સસ શબ્દ ટ્વીટ કરવામાં આવ્યો. નવી કાર લાલ રંગમાં રંગાતી હતી ત્યારે એ જગ્યાનાં બહારનાં કાચ ઉપર લાલ છાંટા ઊડતા હતા. બહારથી જોઈએ તો કોઈની હત્યા થતી હોય એવું લાગે. મસ્કે બહારથી લીધેલા ફોટા સાથે ટ્વીટ કર્યું : લૂક સો સસ, વ્હેન વી પેઈન્ટ કાર રેડ. સસ એક શબ્દ તરીકે એમ હવે ડિક્સનરીમાં અધિકૃત રીતે દાખલ થઈ ચૂક્યો છે.
સસ શબ્દનું મૂળ રંગભેદ અને 'મારો કાં મરો'-ની રમત છે પણ હવે આ શબ્દ હળવી શંકા માટે વપરાય છે. જલન માતરી સાહેબની શાનદાર ગઝલનો જાનદાર શેર યાદ છે? સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાના છે,મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?!! ગાંડાપણાંનો ખોટો ખોટો દેખાવ કરીને જવાબદારીમાંથી છટકી જવાની પેરવી થઈ રહી છે. આ સસ લોકો છે. આપણી આજુબાજુ આવા લોકો હોય જ છે. આ લોકો દીવાના નથી, છટકિયા છે. માટે આપણે શંકાને પાળવી, નહીં તો ભોળાં માણસોને ગઠિયાઓ છેતરી જતા હોય છે. ધ્યાન રાખો, શંકા ઘણી વાર ભૂત નથી હોતી; જેમ મંછા પણ ઘણી વાર ડાકણ નથી હોતી.
શબ્દશેષ:
'રાજકુમારે સર્વ વસ્તુઓ પર શંકા કરવી જોઈએ.'
- નેપોલિયન બોનાપાર્ટ