ન્યૂ નોર્મલ : નવું સામાન્ય .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- લોકો ન્યૂ નોર્મલ શબ્દોનો છાશવારે ઉપયોગ કરે છે. ન્યૂ નોર્મલ એટલે જ ચવાઇ ગયેલા શબ્દો બની ગયા છે
विनय न मानत जलधि जड,
गए तीन दिन बीति ।
बोले राम सकोप तब, भय बिनु होइ न प्रीति ।।
- गोस्वामी तुलसीदास
' रामचरित मानस '
'ઓપરેશન સિંદૂર'ની પત્રકાર પરિષદમાં એરમાર્શલ એ. કે. ભારતીએ કહ્યું કે જ્યારે શ્રી રામે સમુદ્રને વિનયપૂર્વક વિનંતી કરી કે સેનાને લંકા જવા માટે માર્ગ કરી આપા ેપણ સમુદ્રના પેટનું પાણી પણ ન હાલ્યું! કોઈ અસર ન થઈ. ત્રણ દિવસ વીત્યા. આખરે કોપાયમાન શ્રી રામ બોલ્યા કે ભય વિના પ્રીતિ ન થાય. તેઓએ મહાઅગ્નિપૂંજ તીર ચલાવ્યું. પ્રીશિસન સ્ટ્રાઇક! અને સમુદ્ર સળગ્યો. પ્રેમથી ન થાય એ ડરથી થાય.ભારતના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશમાં 'ન્યૂ નોર્મલ' (New Normal) શબ્દો કહ્યા. રામાયણ અને મહાભારતના સમયમાં 'યુદ્ધ એ જ કલ્યાણ'ની વાત નોર્મલ ગણાતી હતી. પણ છેલ્લાં ત્રણ ચાર દાયકાનો ઇતિહાસ જુદો છે. પાકિસ્તાન આતંકી હુમલા કરતું રહ્યું. યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીંકીશું- એવી ધમકી દેતું રહ્યું. આપણે ભોળાં તે 'ભય વિના પ્રીતિ'-ની અપેક્ષા રાખવા લાગ્યા. આપણે શાંતિવાર્તાની વાર્તા કરતા રહ્યા. ભૂલી ગયા કે આ નાપાક દેશ આતંકવાદનો અડ્ડો છે. એની રાજકીય સરકાર નપુંસક છે. લશ્કર જિહાદિસ્ટ છે. ભારતને 'બ્લીડ થુ્રુ થાઉસન્ડ કટ્સ' કરવાની વાત એ કરે છે. હજાર આતંકી હૂમલાઓનો ઘા કરીને ભારતમાતાનું લોહી રેડવાની એની કોશિશ છે પણ પહેલગામ પછી બધુ બદલાયું. આ નવું ભારત છે. 'ન્યૂ નોર્મલ' એ છે કે હવે આતંકવાદી હૂમલો થાય તો એ કરનારના મૂળ સુધી જવું, પરમાણુ બોમ્બના નામે બ્લેકમેલને વશ ન થવું અને આતંકના આકા (માસ્ટર માઇન્ડ) અને આતંકને પોષતી સરકાર, બંને ટેરરિસ્ટ જ છે એવું માનવું. અહીં પાકિસ્તાનની સરકાર પણ એટલી જ, કદાચ વધારે જવાબદાર છે. પાકિસ્તાન સુધરશે? આપ તો જાણો છો કે કૂતરાની પૂંછડી વાંકી હોય એ નોર્મલ છે. વરસ સુધી પાઈપમાં રાખી મૂકો તો ય સીધી ન થાય એ ય નોર્મલ. પણ પૂંછડી કાપી નાંખો, તમામ આતંકી કૂતરાની પૂંછડીઓ કાપવાનું એલાન-એ-જંગ કરી દો- એ ન્યૂ નોર્મલ છે. અમારે અલબત્ત શબ્દ 'ન્યૂ નોર્મલ'ની વાત કહેવી જોઈએ.
ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ 'ન્યૂ' એટલે નવું, હવે પહેલુવહેલું બનેલું, તાજું, હમણાંનું વધારાનું, જૂદું, બદલાયેલું, તાજેતરનું, નહીં વપરાયેલું, કોરું. અને ઇંગ્લિશ શબ્દ 'નોર્મલ' એટલે અધિકૃત ધોરણ કે નમૂના પ્રમાણેનું, હંમેશનું, નિયમિત, લાક્ષણિક, નમૂનેદાર, સામાન્ય, સામાન્ય સ્થિતિ કે સ્તર, હંમેશની સ્થિતિ કે સ્તર. ન્યૂ શબ્દનું મૂળ 'ન્યૂઓ' છે જે ગ્રીક શબ્દ 'નિઓસ', લેટિન શબ્દ 'નોવસ' અને સંસ્કૃત શબ્દ 'નવાન' પરથી આવ્યો છે. આપણી ભાષામાં પણ 'ન્યૂ' શબ્દ વણાઈ ગયો છે. ભગવદ્ગોમંડલમાં ગુજરાતી શબ્દો તરીકે 'ન્યૂ' એટલે નવું, નૂતન અને 'નોર્મલ' એટલે કુદરતી, સાધારણ, નિયમિત- એવા અર્થ છે જ. નોર્મલ શબ્દ પણ 'નોર્મા' એટલે કે સુથારના ચોરસ પરથી આવ્યો છે. સુથાર એનો ઉપયોગ ફર્નિચર બનાવતી વખતે કાટખૂણો માપવા કરે છે. સ્ટાન્ડર્ડ મુજબનું હોય એ નોર્મલ. જ્યારે આપણે 'ન્યૂ નોર્મલ' શબ્દો બોલીએ છીએ ત્યારે આપણું સ્ટાન્ડર્ડ પહેલાં હતું એનાથી બદલાયું છે. હવે જે થશે એ આ નવા સ્ટાન્ડર્ડ પ્રમાણે થશે, થયા જ કરશે અને એટલે એ નવું નોર્મલ ગણાશે. કોઈ ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો એ નોર્મલ ગણાતું હતું પણ હવે તમાચાના જવાબમાં સામો તમાચો તો મારવો જ પણ સાથે મારપીટ પણ કરવી, એ હવે ન્યૂ નોર્મલ છે. કદાચ ભવિષ્યમાં એવું ય ન્યૂ નોર્મલ ગણાશે કે કોઈ તમાચો મારવાનું આયોજન કરે એ પહેલા જ એને ઠોકી દેવો. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. હવે તો એવા ડ્રોન ય આવશે કે પાકિસ્તાનનો લશ્કરી વડો આતંકનો વિચાર પણ કરે તો ત્યારે જ એના ઘરમાં ઘૂસીને મારશે. થોટ ડ્રોન. ચાલકહીન વિચારપ્રેરિત વાયુયાન! ન્યૂ નોર્મલ, યૂ સી!
'ન્યૂ નોર્મલ' શબ્દો કોઈ પણ મહાસંકટ પછીની થાળે પડેલી સ્થિતિ માટે બોલાતા હોય છે. વર્ષ ૨૦૧૯માં કોવિડનું સંકટ આવ્યું. લોકો માટે નવું હતું. ઘરમાં રહેવું, મોઢું ઢાંકીને ફરવું, ખાંસીના આગમન સાથે જ પીસીઆર કે રેપિડ એન્ટિજન ટેસ્ટનું કરાવવું. એવી જિંદગી ન્યૂ નોર્મલ થઈ ગઈ હતી. હવે કોવિડ નથી પણ વર્ક ફ્રોમ હોમ ઘણી જગ્યાઓએ ન્યૂ નોર્મલ થઈ ગયું છે. કવિવર શ્રી ભગવતીકુમાર શર્માના શબ્દોમાં કહું તો ઘણાં લોકો -ઘરમાં રહું ને તો ય ભીંજાવું સોંસરવી-સ્થિતિના હેવાયા થઈ ગયા છે. કાશ્મીરની ઈકોનોમીનું જે થવાનું હોય તે થાય પણ ઘરમાં રહેવું. જ્યારે સંકટકાળનો અંત થાય ત્યારે લોકો નવી સ્થિતિમાં સેટલ થઈ જાય એ સ્થિતિ જે અગાઉની સ્થિતિ કરતાં એટલે કે ઓલ્ડ નોર્મલ કરતાં અલગ છે અને એ સ્વાભાવિક છે.
અગાઉ કહ્યું એમ અત્યંત મોટા સંકટ પછી નાટકીય રીતે જે આર્થિક, સાંસ્કૃતિક કે સામાજિક મોટા ફેરફાર આવે એજ ન્યૂ નોર્મલ કહેવાય. પણ લોકો ન્યૂ નોર્મલ શબ્દોનો છાશવારે ઉપયોગ કરે છે. ન્યૂ નોર્મલ એટલે જ ચવાઇ ગયેલા શબ્દો બની ગયા છે. વરસાદ તો ચોમાસામાં જ પડે અને શરદી તો શિયાળામાં જ થાય. પણ જો ઉનાળામાં માવઠું થાય અને માણસને શરદી થાય તો? તો એ ન્યૂ નોર્મલ ન કહેવાય, ભાઈ! વધુ પડતાં ઉપયોગને ન્યૂ નોર્મલ શબ્દો આજકાલ ક્લિશે (પિષ્ટોક્તિ) બની ગયા છે.
દુનિયા બદલાતી રહે છે. ઘીના ઠામમાં ઘી પડતું નથી. નોર્મલ કશું ય થતું નથી. ન્યૂ નોર્મલથી ટેવાવું પડે છે. અને ધેટ્સ ઓકે..
શબ્દ શેષ :
'એક વાર તમે તમારી મનભાવન સ્થિતિમાંથી બહાર નીકળો પછી ખ્યાલ આવશે કે નવી સ્થિતિ જે એક વખત અજાણી હતી, ડરાવની હતી, એ હવે ન્યૂ નોર્મલ છે'
- રોબિન શર્મા